રે! ખાલી સપનાં સપનાં :
આ કરુણ જીવનને રોજ કનડતાં
આવે છાનાંછપનાં!
રે! ખાલી સપનાં સપનાં.
સાંજ પડે ને શુંય થતું કે
હૈયું ખાલી ખાલી,
મનમોહનને મળવા કાજે
રે’તું ભાળી ભાળી;
હસી જરી ત્યાં આવે મૂરત
કામણગારી કાળી :
રે! કૂડી જીવ, કલપના!
એ ખાલી સપનાં સપનાં.
અધરાતે મધરાતે હું તો
જાગી જાઉં સફાળી;
રે! કોઈ કહે છે : આવ, આવ ઓ!
આવ મગનભર ચાલી!
સુણી રહું ત્યાં ઘેલી કરતી
વેણુ વાગે વ્હાલી :
રે! જૂઠી જીવ, જલપના!
એ ખાલી સપનાં સપનાં.
રોજ રોજ એ આંખે તરતી
કાયા રંગરૂપાળી;
રે! રોજ રોજ એ જાય લગાડી
માયા કો મર્માળી :
હું કરું અરે શું? ક્યારે મળશો?
મનમોહન વનમાળી!
રે! સૂનાં અંતર – તપનાં
આ સાચ કરો સૌ સપનાં.
– મકરંદ દવે
વાહ… વાહ…
ટહુકો ખૂબ સુંદર દરેક ગુજરાતી માટે મનગમતી પોસ્ટ રજૂ કરે છે નવા કાવ્ય પણ ખૂબ સુંદર ખૂબ ધન્યવાદ
અતિ આનંદ થયો ઘણાંજ લાંબા સમય બાદ ઇ મેઇલ મારફતે આશા છે આ વયવસંથા ચિરંજીવી રહે બસ .
સુંદર કવિતા. વનમાળીને મળવા તલપ પણ જગાડે આને સપનાં કહીને નિસાસો પણ નખાવે અને અંતે વિશ્વાસ પણ જગાડે! વાહ કવિશ્રી મંકરદ દવે. અદ્ભૂત.
વાહ… વાહ… વાહ…
કેવી સુંદર રચના!
વહાલસોયો ટહુકો ફરી ગૂંજતો થયો એનો અદકેરો આનંદ… શબ્દોમાં કેમ વ્યકત કરાય!!