તોરણ જે ઉતારો છો એ લીલું તો નથી ને? – વિવેક કાણે ‘સહજ’

કવિ વિવેક કાણે ‘સહજ’ની એક ગઝલ – એમના જ અવાજમાં..!!  

તોરણ જે ઉતારો છો એ લીલું તો નથી ને?
સંકેલો છો જે સ્વપ્ન,એ ભીનું તો નથી ને?

આ મોડસઓપરેંડી તો એની જ છે નક્કી
હથિયાર કતલનું જુઓ, પીછું તો નથી ને?

સરખું છે અમારું કે તમારું કે બધાનું,
દુ:ખોનું તપાસો, કોઇ બીબું તો નથી ને ?

નીકળ્યા જ કરે નિત્ય નવાં સ્વપ્નો નિરંતર
પલકોંની પછીતે કોઇ ખીસ્સું તો નથી ને ?

જન્મ્યા અને જીવ્યા ને પછી મોતને ભેટ્યા
આયુષ્ય ‘સહજ’ એટલું સીધું તો નથી ને?

9 replies on “તોરણ જે ઉતારો છો એ લીલું તો નથી ને? – વિવેક કાણે ‘સહજ’”

  1. એક જ શબ્દ કાફી છે આ ગઝલ માટેઃ

    લાજવાબ !!!!!

    વાચીને અંતર ખુશ થઈ ગયું – ને સાંભળીને દિલ ખુશ થઈ ગયું. વાહ …….

  2. ખરેખર આયુષ્ય ધાર્યા જેટલું સરળ કે સહજ તો નથી જ !

  3. ઘણા સમય પહેલાં આ ગઝલ વિવેક કાણેએ ફોન પર સંભળાવી હતી ત્યારે સાંભળતા-સાંભળતા જ એક કાગળ પર લખી દીધી હતી. સમયના વહેણમાં એ કાગળ ક્યાંક ખોવાઈ ગયો અને એ ગઝલ લયસ્તરો પર મૂકી ન શકાઈ. આજે સવારે જ જૂની ગઝલોની હસ્તપ્રત સ્કેન કરવા બેઠો ત્યારે ફાઈલમાંથી આ ગઝલનું કાગળ સરી પડ્યું અને આજે નેટ પર બેઠો ત્યારે ટહુકો પર આ ગઝલ જ વાંચવા-સાંભળવા મળી ગઈ… વિવેકભાઈ સાથે થયેલી જૂની વાતો તાજી થઈ ગઈ…

    આભાર, જયશ્રી…

    સુંદર ગઝલ, વિવેકભાઈ…

  4. એકેએક શેર લા-જવાબ … ખીસામાંથી અવિરત સ્વપ્નો નીકળ્યા કરવાની વાત ખુબ ગમી !! 🙂

  5. કવિ વિવેક કાણે ‘સહજ’ની ગઝલ –
    એમના જ સહજ અવાજમાં!
    સરસ
    આ મોડસઓપરેંડી તો એની જ છે નક્કી
    હથિયાર કતલનું જુઓ, પીછું તો નથી ને?
    વાહ્ન
    ાને મક્તા
    જન્મ્યા અને જીવ્યા ને પછી મોતને ભેટ્યા
    આયુષ્ય ‘સહજ’ એટલું સીધું તો નથી ને?
    ખૂબ સરસ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *