આજે કંઇક નવું. ‘મરીઝ’ સાહેબની એક ગઝલના શેર પર લખાયેલી ‘કાબિલ ડેડાણવી’ની તઝમીન :
પણ પહેલા ડો. રશીદ મીરના શબ્દો, તઝમીન વિષે.
તઝમીન એ ગંભીર પ્રકારનું કાવ્ય સ્વરૂપ છે. મૂળ અરબી શબ્દ પરથી ઉતરી આવેલા આ પ્રકારમાં સ્વીકૃતિ અને શણગારની વિભાવના હોય છે. તઝમીનકારે કોઇ પણ ગઝલકારનો એક શેર, મત્લા કે મક્તા પસંદ કરીને મૂળ શેરના ભાવ, ભાષા, ઝમીન વિ. ને અનુરૂપ ત્રણ મૌલિક પંક્તિઓ પોતે જોડવાની હોય છે. આ પરકાયા પ્રવેશ જેવું દુષ્કર કાર્ય છે! મૂળ શેરના ભાવ-વિશ્વ સાથે તઝમીનકાર એ રીતે એકાકાર થઇ જાય છે, કે ‘નહીં સાંધો નહીં રેણ’ . આમ જોડેલી ત્રણ પંક્તિઓ મૂળ શેર સાથે સમરસ થઇ જાય છે. ક્યાંય થાગડ થીગડ કે ગચિયાં દેખાતા નથી! સમગ્ર તઝમીન સંઘેડાઉતાર કલાકૃતિ તરીકે નીપજી આવે છે.
– ડો. રશીદ મીર ( આભાર : સહિયારું સર્જન )
સમજદારીની ચોકી હોય છે દિલના ઇરાદા પર,
ને મનની ચોતરફ સંયમ ઊભો છે જાણે પહેરા પર,
પ્રણયસંકેત ચોરીથી મળે આંખોના પરદા પર, બધો આધાર છે એના જતી વેળાના જોવા પર,
મિલનમાંથી નથી મળતા મહોબતના પુરાવાઓ
થોડા દિવસ પહેલા કવિ શોભિત દેસાઇના નાટક ‘એક ખોબો ઝાકળ‘ની વાત કરી હતી એ યાદ છે ? અને કાલે જ આપણે એમની ગઝલ ‘મુલાકાત પહેલી હતી‘ સાંભળી. અને મેં કહયું હતું કે એક ખોબો ઝાકળ વિષે થોડી વધુ માહિતી પણ ટહુકા પર આપીશ.
ડિસેમ્બર 4-8 દરમિયાન અમદાવાદ – ગાંધીનગરમાં આ નાટક પ્રસ્તુત થયું હતું, ત્યારે ગાંધીનગર સમાચારમાં કવિશ્રી શોભિત દેસાઇની મુલાકાત પ્રસિધ્ધ થઇ હતી, જે અહીં નીચે આપેલી બે માંથી કોઇ પણ એક લિંક પર ક્લિક કરીને વાંચી શકશો. પી.ડી.એફ પર વધુ સારી રીતે વંચાશે, પરંતુ તમારી પાસે એક્રોબેટ રીડર ન હોય તો જે.પી.જી. માં પણ વાંચી શકાશે.
અને કવિશ્રી શોભિત દેસાઇએ એવી માહિતી આપી છે, કે જો પ્રયત્નો સફળ થાય, તો માર્ચ / એપ્રિલ – 07 થી આ નાટક અમેરિકા આવશે. સેન ફ્રાંન્સિસ્કો – લોસ એંજલેસથી શરૂઆત કરીને આ નાટક શિકાગો – ન્યુયોર્ક – ન્યુજર્સી સુધી જશે.
અને જયાં આવા દિગ્ગજ કવિઓની વાત હોય, ત્યાં એમની કોઇ એક રચનાને યાદ ન કરીએ, તો ચાલે ખરું ?
સમજાતું નથી તારી આ કુદરત શું છે ?
એની તને પરવા અને દહેશત શું છે ?
પાપી છીએ, સંતાડીએ મોઢું તો અમે;
અલ્લાહ ! તને પરદાની જરૂરત શું છે ?
– મરીઝ
બધાને આવતો સરખો વિચાર હોઇ શકું
અગર વિચારના વર્તુળની બહાર હોઇ શકું
હું કોઇ નક્કી નથી કે મને વિચારી શકો
જીવું ને જિંદગીમાંથી ફરાર હોઇ શકું
– રમેશ પારેખ
હવે ચહેરા ઉપરનું આવરણ બદલી નથી શકતો
સ્મરણમાંથી મિલનની એ જ ક્ષણ બદલી નથી શકતો
સભામાં દર્દ છે ને તોય મસ્તીમાં રહું છું હું
હવાની જેમ હું વાતાવરણ બદલી નથી શકતો