આ હાલરડું શરૂ થાય તે પહેલા કવિ સુરેન ઠક્કર ‘મેહુલ’ એના વિષે જે વાત કરે છે એ સાંભળવાની પણ મજા આવશે. અને વિરાજ ઉપાધ્યાયના કંઠે હાલરડું સાંભળવું ખરેખર એક લ્હાવો છે. દુનિયાના ગમે તે ખૂણામાં હોઇએ, પણ જાણે પોરબંદરના દરિયા કિનારે પહોંચી જવાય છે.
સ્ત્રીની સમર્પણ અને મમતાની લાગણી અભિવ્યક્ત કરતું આ સુંદર લોકગીત છે. કોડભરી કન્યા ગૌરીવ્રતમાં મહાદેવજી પાસે પોતાને મનગમતો વર માંગે છે અને મહાદેવજી પ્રસન્ન થાય છે ત્યારે એ અણમોલ રતન કન્યાને મળે છે. કન્યા એને ‘દેવના દીધેલ’ માની સમર્પિત થઇ જાય છે ત્યારે કન્યાને કોઇ મહેલ કે ઘરેણાં કે નાણાં નથી જોઇતા. કન્યા માટે તો એનો સાંવરિયો બથમાં એને લઇ લે તે જ ઘર, સાંવરિયાનું નામ એ જ એનું નાણું અને પોતાના હૈયાના દરબારમાં સાંવરિયાનું નામરટણ એ જ એનું ઘરેણું.
દેવના દીધેલ સમો પતિ મળ્યા પછી એને કોડ જાગે છે કે એના પતિ જેવો જ એક નાનકડો જીવ એની કૂખે અવતરે ! અને કન્યામાંથી માતા બનવા ઝંખતી સ્ત્રી પાર્વતીમાને રીઝવે છે ત્યારે ફરીથી એને દેવનો દીધેલ એવો પુત્ર મળે છે. આવા દેવના દીધેલ એવા બે બે રતન જેની પાસે હોય તે સ્ત્રી કોઇ એક ગ્રીષ્મની રાતે લીમડા નીચે ઢાળેલા ખાટલામાં એક દ્રશ્ય જુએ છે – એનો પુત્ર એના પતિની વિશાળ છાતી પર આડો પડ્યો છે અને પુત્રના વાંકડિયા વાળમાં હાથ ફેરવતાં ફેરવતાં પતિ પુત્રને લવકુશની પરાક્રમી વાતો કહેતો હોય છે. ત્યારે સ્ત્રીને લાગે છે કે એની પાસે સર્વસ્વ છે.
– અને આવા ટાણે સર્જાય છે આ સુંદર લોકગીત. ગીતના શબ્દો સાંભળીશું ત્યારે સમજાશે કે મહાદેવજી પ્રથમ પ્રસન્ન થાય છે ત્યારે સ્ત્રી કહે છે ‘આવ્યા તમે અણમોલ’ – આ અભિવ્યક્તિ એના મનગમતા પતિ માટે હોઇ શકે. પછીથી સ્ત્રી કહે છે કે ‘પારવતી પ્રસન્ન થયા ત્યારે આપ્યો હૈયાનો હાર’ – આ અભિવ્યક્તિ એના લાડલા દીકરા માટે હોઇ શકે. એવો દીકરો કે જેને માતા હંમેશા હૈયે ચાંપીને રાખતી હોય એ હૈયાનો હાર ના કહેવાય તો બીજું શું ? એ સ્ત્રી માટે પતિ અને પુત્ર બંને દેવનાં દીધેલ છે, નગદ નાણું છે, ફૂલ વસાણું છે. આ ગીત ગાઇને સ્ત્રી પોતાના બંને દેવના દીધેલને વ્હાલથી સૂવાડે છે.
હંસા દવેએ ગાયેલા ગીતમાં શરૂઆતના બે અંતરા છે. લોકગીત હોઇ એમાં variations હોવાનો સંભવ છે. બાકીના શબ્દોમાં બાળકના લગ્ન, એની ફોઇ (ફૈ) નો પણ નિર્દેશ છે.
સ્વર : હંસા દવે
મા’દેવ જાઉં ઉતાવળી ને જઇ ચડાવું ફૂલ,
પારવતી પરસન થિયાં ત્યારે આપ્યો હૈયાનો હાર. – તમે…..
હડમાન જાઉં ઉતાવળી ને જઇ ચડાવું તેલ,
હડમાનજી પરસન થિયા ત્યારે ઘોડિયાં બાંધ્યાં ઘેર. – તમે…..
ચીચણ પાસે પાલડી ને ત્યાં તમારી ફૈ ;
પાનસોપારી ખાઇ ગઇ, કંકોતરીમાંથી રૈ. – તમે…..
ભાવનગર ને વરતેજ વચ્ચે રે’ બાળુડાની ફૈ ;
બાળુડો જ્યારે જલમિયો ત્યારે ઝબલા ટોપીમાંથી ગૈ
બાળુડો જ્યારે પરણશે ત્યારે નોતરામાંથી રૈ. – તમે….. ( આભાર : અમીઝરણું )