Category Archives: ગઝલ

તું નભ ને હું છું મુક્ત પંખી – જયશ્રી વિનુ મરચંટ ‘ભગ્ન’

અજવાળાના આભાસે ને અંધારાના અણસારે;
શ્વાસો તો હા ચાલ્યા છે જ સદા પોતાની રફતારે.

જોઈ સામું મોઘમ હોઠે સ્મિત કરીને ચાલ્યા એ,
અર્થૉ એના ઉકલે તે માટે કોઈ તો આવે વ્હારે.

ખોવાયું જ ન હો એ શોધીને ય મળે કેવી રીતે?
આ સત્ય એમને હવે જોઈએ સમજાશે તો ક્યારે?

જે ક્યારેય નહોતું તારું એના જ અભરખા શાને?
તારું છે તો મળશે જ તને સામેથી વારે-વારે.

તું નભ ને હું છું મુક્ત પંખી, વિલસે ટહુકે ટહુકે,
આકાશ સમાયું ભગ્ન ટહુકામાં જ નિરાકારે.

– જયશ્રી વિનુ મરચંટ ‘ભગ્ન’
(ગઝલ સંગ્રહ – ‘વાત તારી ને મારી છે’)

કોણ કહે છે સ્વપ્ન માટે રાત હોવી જોઈએ – દક્ષેશ કોન્ટ્રાકટર ‘ચાતક’

કોણ કહે છે સ્વપ્ન માટે રાત હોવી જોઈએ,
દૃશ્ય જોવાની ફકત ઓકાત હોવી જોઈએ.

વાદળોને તેડવાથી આંગણાં પલળે નહીં,
ઝાડ જેવી આપણી મીરાંત હોવી જોઈએ.

આંખ ભીની થાય એ માટેની પૂર્વધારણા,
ભીતરે અંગાર જેવી વાત હોવી જોઈએ.

શક્યતા સઘળી મિલનની એ પછીથી ઉદભવે,
લાગણીની સૌપ્રથમ રજૂઆત હોવી જોઈએ.

જે જગાએ પ્હોંચવું હો જિંદગીમાં આપણે,
એ પ્રમાણે પંથની શરૂઆત હોવી જોઈએ.

મંઝિલો આવીને ચૂમી લે સ્વયં ‘ચાતક’ ચરણ,
ઝંખનામાં એટલી તાકાત હોવી જોઈએ.

– © દક્ષેશ કોન્ટ્રાકટર ‘ચાતક’

તમને ખાલી મળવું’તું, ભીતરથી ઝળહળવું’તું – અનિલ ચાવડા

તમને ખાલી મળવું’તું, ભીતરથી ઝળહળવું’તું;
નસમાં વહેતા શાંત લોહીને ઝરણા જેમ ઉછળવું’તું.

ના ના એવું ખાસ નથી,
પણ છાતી અંદર શ્વાસ નથી;
હમણા હમણાથી આંખોમાં
ટકતું બહુ આકાશ નથી.
આંખો અંદર આભ ભરીને મારે તો વાદળવું’તું.
તમને ખાલી મળવું’તું, ભીતરથી ઝળહળવું’તું.

રુવાંટીઓ ક્યે,”એ ફૂંકે ને
તો જ અમે ફરફરીએ;
એમનેમ મળવાની વાતો
અમે ય થોડા કરીએ?
પાણી અંદર ઢેફું પીગળે એ રીતે પીગળવું’તું.
તમને ખાલી મળવું’તું, ભીતરથી ઝળહળવું’તું.

ઘણી વાર આવ્યો છું મળવા
છેક તમારા ઘર લગ,
મને પૂછ્યા વિણ મને લઈને
ચાલી નીકળે છે પગ,
તમારી જ શેરીમાં પગને પણ જાણે કે વળવું ‘તું,
તમને ખાલી મળવું’તું, ભીતરથી ઝળહળવું’તું.

– અનિલ ચાવડા

ને પથ્થરો તરી જાય છે – કરસનદાસ માણેક

મને એ જ સમજાતું નથી કે આવું શાને થાય છે.
ફૂલડાં ડૂબી જતાં ને પથ્થરો તરી જાય છે.

ટળવળે તરશર્યાં તારાં જે વાદળી વેરણ બને.
તે જ રણમાં ઘૂમ મુસળધાર વરસી જાય છે.

ઘર-હીણાં ઘૂમે હજારો ઠોકરાતાં ઠેર ઠેર
ને ગગન-ચુમ્બી મહાલો જનસૂનાં રહી જાય છે.

દેવડીએ દંડ પામે ચોર મૂઠી જારના:
લાખ ખાંડી લૂંટનારા મહેફિલે મંડાય છે.

કામધેનુને જડે ના એક સૂકું તણખલું
ને લીલાંછમ ખેતરો સૌ આખલા ચરી જાય છે.

છે ગરીબોના કુબામાં તેલ ટીપુંય દોહ્યલું ?
ને શ્રીમંતોની કબર પર ઘીના દીવા થાય છે.

– કરસનદાસ માણેક

હું રહું આ આયના સામે અને એ બિંબ તારું હોય – જયશ્રી વિનુ મરચંટ ‘ભગ્ન’

જો હું રહું આ આયના સામે અને એ બિંબ તારું હોય તો?
ને તું નજર પણ ના કરે એવું જ આખું ભાગ્ય મારું હોય તો?

જળને પીધા વિના કેમની મીઠાશ એની માપવી બોલો તમે?
નિર્મળ સ્ફટિક સમ લાગતું જળયે અહીં જો સાવ ખારું હોય તો?

મારી જ આ દિવાનગીએ માની લીધાં એમને મનથી ખુદા
શું થાય જો એ વાતવાતે મારી સાથે પણ વહેવારુ હોય તો?

આજે મારા દ્વારેથી પાછા એ મળ્યા વિના ગયા છે શું કરું?
જોઈતુ તું બીજું શું જો આ ભાગ્ય મારું એકધારું હોય તો?

ને એ જ આશાથી અમે જીવ્યા છીએ, આગળ હજીયે જીવશું,
છે શક્ય કે આવનારી પળમાં જીવન ક્યાંક ન્યારું હોય તો?

– જયશ્રી વિનુ મરચંટ ‘ભગ્ન’
(ગઝલ સંગ્રહ – ‘વાત તારી ને મારી છે’)

જિંદગીભર પ્યાસ પૂરી રાખજે – રઈશ મનીઆર

જિંદગીભર પ્યાસ પૂરી રાખજે
તૃપ્તિની હાલત અધૂરી રાખજે

સાવ પાસે જઇ શકાતું હોય તો,
તે છતાં તું સહેજ દૂરી રાખજે

રક્તરંગી આભ ના જીરવાય તો,
ઓરડાની ભીંત ભૂરી રાખજે

પ્યાસ, પ્રીતિ,પાત્રતા, પથની સમજ
આટલી ચીજો જરૂરી રાખજે

વાંચજે મિત્રોની મહેફિલમાં ગઝલ
વેદના દિલમાં ઢબૂરી રાખજે

હોય તો અગ્નિવચાળે હો મુકામ
રાખે તો સૌરભ કપૂરી રાખજે

કંઇ જ બીજું ના રહે તો કંઇ નહીં,
રાખજે શ્રદ્ધા, સબૂરી રાખજે

– રઈશ મનીઆર

પ્રગટું છું ગઝલો થકી – શબનમ ખોજા

હું તૃષાનો અંત છું,
હા, સ્વભાવે સંત છું!

જે છું એ સામે જ છું,
હું ક્યાં હસ્તીદંત છું ?

શબ્દરૂપે અલ્પ છું,
અર્થમાં અત્યંત છું!

જો મને કણ-કણ મહીં
સઘળે મૂર્તિમંત છું.

બાજુઓનું જોર છું
ભાગ્યથી બળવંત છું.

છું ફકીરી અંચળો
સર્વદા શ્રીમંત છું.

પ્રગટું છું ગઝલો થકી
કોઈ દૈવી ખંત છું !

– શબનમ ખોજા

વરસાદ થઈને તું ભલે વરસે – અનિલ ચાવડા

લીલોતરી નામે ય એક્કે પાંદડું સ્હેજે ખખડવાનું નથી,
વરસાદ થઈને તું ભલે વરસે અહીંયા કૈં પલળવાનું નથી.

તું મોજું દરિયાનું જ સમજીને ફરી વર્ષો સુધી બેસી રહ્યો,
એ ફક્ત રંગોથી મઢેલું ચિત્ર છે સ્હેજે ઉછળવાનું નથી.

હું ભીંત પર માથું પછાડું? રોજ છાતી કૂટું? રોવું? શું કરું?
હું એક એવું સત્ય છું જે કોઈ દી સાચ્ચું જ પડવાનું નથી.

એ માણસો સઘળા ય રસ્તામાં મને ઢીલા મુખે સામા મળ્યા,
કે જેમણે એવું કહ્યું’તું, :બસ હવે પાછા જ વળવાનું નથી.

છે દેહ રૂનું પૂમડું ત્યાં વાત અટકી જાત તો સારું હતું,
પણ આગમાં કાયમ રહેવાનું અને સ્હેજે સળગવાનું નથી.

– અનિલ ચાવડા

બદનામ નથી – ‘શૂન્ય’ પાલનપૂરી

​​દરબાર ‘શૂન્ય’ નો – ‘શૂન્ય’ પાલનપૂરી ની પ્રતિનિધિ ગઝલો નો સંચય
સંપાદક – મુસાફિર પાલનપૂરી

બદનામ નથી

એ પ્રેમની ઇજ્જત કોડી છે, જે પ્રેમ જર્ગ બદનામ નથી,
ઊઠ ચાલ, દીવાના ! બુદ્ધિ હો ત્યાં આપણું કોઈ કામ નથી.

અફસોસ ! પરિવર્તન ! તારી આ છેડ મદિરા-ભક્તોથી ?
મસ્તીની દશામાં જોયાં’તાં એ રંગ નથી એ જામ નથી.

દુનિયાનો ભરોસો કરનારા ! છે ધન્ય આ તારી દિષ્ટને !
મૃગજળથી તમન્ના પાણીની ૐ જેવું તેવું કામ નથી.

રહેવા દો વિચારોમાં એને આપો નહિ તસ્દી નજરોને
એ સૂક્ષ્મ જગતના વાસીનું, આ સ્થળ જગતમાં કામ નથી.

એક આશ હજુયે રાખું છું, મતલબ કે ખરેખર ‘શૂન્ય’ જ છું,
એ નામ અબાગી છે મારું જે નામનો શુભ અંજામ નથી.

‘શૂન્ય’ પાલનપૂરી

કાફિયા વિણના રદીફો – જયશ્રી વિનુ મરચંટ ‘ભગ્ન’

કાફિયા વિણના રદીફો સમ ફરે છે;
રોમરોમે યાદ બસ એની તરે છે.

ઊભું છું સામે જવાબો માગવા હું,
આયનો લઈને સવાલો શેં ધરે છે?

જે ગયા છે ને કદી પાછા ન આવ્યા,
એ હજી મારા ખયાલે શું કરે છે?

હા, સમયની આજ મુઠ્ઠી ખોલવી છે,
જોવું છે કે ભાગ્ય જેવું કંઈ ખરે છે?

છે મહેફિલો અહીં ગઝલો ક્યાં ‘ભગ્ન’?
શાયરો સાચી ગઝલને કરગરે છે.

– જયશ્રી વિનુ મરચંટ ‘ભગ્ન’
ગઝલ સંગ્રહ – ‘વાત તારી ને મારી છે’