Category Archives: ગઝલ

આખ્ખો કિસ્સો કહેવો પડશે – ઉર્વીશ વસાવડા

ગેં ગેં ફેં ફેં કંઈ ના ચાલે, આખ્ખો કિસ્સો કહેવો પડશે
તારે આજે નહી તો કાલે, આખ્ખો કિસ્સો કહેવો પડશે

યાદ રાખજે, તેં ખાધાં છે સમ ગમતીલી મોસમનાં,
ખુશ્બૂઓના એક સવાલે, આખ્ખો કિસ્સો કહેવો પડશે

તારા ગીતો સાંભળવાને મહેફિલમાં સહુ બેઠાં છે
લોકોની તાલીના તાલે, આખ્ખો કિસ્સો કહેવો પડશે

વાત ભલેને હોય વ્યથાની જીવતરના મેળામાં તો
ઢોલ નગારાં અને ધમાલે, આખ્ખો કિસ્સો કહેવો પડશે

એની રીતો સાવ અલગ છે, મોકલશે કોરો કાગળ
તો પણ એની એક ટપાલે, આખ્ખો કિસ્સો કહેવો પડશે

– ઉર્વીશ વસાવડા

છાંયડો આથી વધારે ક્યાંય પણ હોતો નથી – ખલીલ ધનતેજવી

રાતદિન સાંજે સવારે ક્યાંય પણ હોતો નથી,
કોઈ પ્હેરો તુલસીક્યારે ક્યાંય પણ હોતો નથી.

તારું સરનામું બધાને એટલે આપ્યું છે મેં,
તારા ફળિયાથી વધારે ક્યાંય પણ હોતો નથી.

એમણે બસ પાંપણો ઢાળીને હું ભાંગી પડ્યો,
એટલો આઘાત ભારે ક્યાંય પણ હોતો નથી.

આપની આ રેશમી ઘનઘોર જુલ્ફોની ઘટા,
છાંયડો આથી વધારે ક્યાંય પણ હોતો નથી.

તું ખલીલ આમ જ ગમે ત્યારે ગમે ત્યાં હોય છે,
જ્યારે હું શોધું છું ત્યારે ક્યાંય પણ હોતો નથી.

– ખલીલ ધનતેજવી

કૈં નું કૈં થઈ જવાનું પળભરમાં – ભાવેશ ભટ્ટ

કૈંક વરસો ગયાં છે આ ડરમાં
કૈં નું કૈં થઈ જવાનું પળભરમાં

ભાંગશે કોઈનું તો ઘર ચોક્કસ
વાત જે થઈ રહી છે ઘરઘરમાં

મોંઘી પડશે મજાક રસ્તાને
ધૈર્ય જો ખૂટશે મુસાફરમાં

ગંધ માટે ય એટલો જ હશે!
હોય જે રસ હવાને અત્તરમાં

એક દીવાસળી રચાવે તો
કૈંક તણખા જશે સ્વયંવરમાં

જ્યારે સાબિત થવાની તક આવી
તો ધ્રુજારી થઈ દિલાવરમાં

– ભાવેશ ભટ્ટ

દોસ્ત! સ્હેલું નથી – ચિનુ મોદી ‘ઈર્શાદ’

દોડતાં દોડતાં થોભવું; દોસ્ત! સ્હેલું નથી;
મત્સ્યને જળ થતાં રોકવું; દોસ્ત! સ્હેલું નથી.

ક્યાંક ફૂટી જશે, કોક લૂંટી જશે, એ બીકે,
મોતીને છીપમાં ગોંધવું; દોસ્ત! સ્હેલું નથી.

ભીંતમાં એક ખીલી હજી સાચવે છે છબી,
ઘર ફરી બાંધવા, તોડવું; દોસ્ત! સ્હેલું નથી.

મન કદી પુષ્પ માફક રહે હાથમાં? શક્ય છે?
ખુશ્બૂને વાઝમાં ગોઠવું; દોસ્ત! સ્હેલું નથી.

આ ઉમળકા મને તારશે-મારશે- શું થશે?
આ સમયમાં હ્રદય ખોલવું; દોસ્ત! સ્હેલું નથી.

આ વિચારો ભરેલા દિવસ વીતશે તો ખરા,
વ્હાણને પાણીથી જોખવું; દોસ્ત! સ્હેલું નથી.

પૂછ, તું પૂછ ‘ઈર્શાદ’ને કેટલું છે કઠણ?
ચિત્તને રોજ ફંફોસવું; દોસ્ત! સ્હેલું નથી.

– ચિનુ મોદી ‘ઈર્શાદ’

ક્હેવા જેવું કંઈ નથી, કંઈ પણ કહો – જવાહર બક્ષી

ઘર કહો જંગલ કહો કે રણ કહો
ક્હેવા જેવું કંઈ નથી, કંઈ પણ કહો

એ નથી એનું સ્મરણ આપો સતત
એ કદી મળવાના છે એ પણ કહો

એ નથી તો ભ્રમને શું શણગારવો
આ સમયને યુગ કહો કે ક્ષણ કહો

ક્હેતાં ક્હેતાં કંઈ મળી આવે કદાચ
કંઈ ન ક્હેવું હોય તો કારણ કહો

સહુના ચ્હેરા પર નર્યા શબ્દો જ છે
આ તિમિરમાં શું કરે દર્પણ? કહો

– જવાહર બક્ષી

તોફાન રાખે છે. – ‘શૂન્ય’ પાલનપૂરી

​​દરબાર ‘શૂન્ય’ નો – ‘શૂન્ય’ પાલનપૂરી ની પ્રતિનિધિ ગઝલો નો સંચય
સંપાદક – મુસાફિર પાલનપૂરી

તરંગોથી રમી લે છે, ભંવરનું માન રાખે છે,
નહીંતર નાવ પોતે સેંકડો તોફાન રાખે છે.

અવિરત શૂન્યનું અંતર કોઈનું ધ્યાન રાખે છે,
પ્રણય-જામે અનોખું રૂપનું મદ્યપાન રાખે છે.

પળેપળ મોકલે છે ચોતરફ સંદેશ મોજાંથી,
સમંદર ડૂબતાનું સર્વ વાતે ધ્યાન રાખે છે.

તમારી યાદમાં સળગે છે રોમેરોમ તોપણ શું ?
હંમેશાં ખેલદિલ ખેલી નિયમનું માન રાખે છે.

દરદ છે એટલે તો જિંદગીમાં જાન બાકી છે,
પ્રણય છે એટલે સૌ રૂપનું સન્માન રાખે છે.

ધરીને ‘શૂન્ય’ બેઠો છે ઉરે ટુકડાઓ પ્યાલીના
અમરતાનો પૂજારી પણ ફનાનું ભાન રાખે છે.

– ‘શૂન્ય’ પાલનપૂરી

સૂર્ય પણ જોતો રહ્યો જ્યોતિ કલા ગુજરાતની – ‘શૂન્ય’ પાલનપુરી

વિશ્વને રોશન કરી ગઈ દીપિકા ગુજરાતની
સૂર્ય પણ જોતો રહ્યો જ્યોતિ કલા ગુજરાતની

ડાંગ માર્યાથી કદી પાણી જુદાં થાતાં નથી
દુશ્મનોએ જોઈ છે ક્યાં એકતા ગુજરાતની

મુક્તિ કેરા ગાલ પર લાલી અમસ્તી ના ગણો
રંગ લાવી છે શહીદી ભાવના ગુજરાતની

ભાગ્ય પર પુરુષાર્થની મારી છે લોખંડી મહોર
ભૂલશે ઈતિહાસ ના ગૌરવ કથા ગુજરાતની

ચંદ્ર ને સૂરજ કહે છે રાત દિ’ ‘જય સોમનાથ’
કાળના હૈયે જડી છે અસ્મિતા ગુજરાતની

માતા કેરા ચીર સાથે ખેલનારા સાવધાન
ક્યાંક મહાભારત ન સર્જે ઉરવ્યથા ગુજરાતની

શૂન્ય, મારી જિંદગીને તો જ લેખું ધન્ય હું
મૃત્યુ ટાણે પણ મળે જો ગોદ મા ગુજરાતની

-‘શૂન્ય’ પાલનપુરી

અમૃતની ઝંખનામાં હળાહળ સુધી ગયો – રઈશ મનીઆર

તરવું કદી ન ફાવ્યું મને, તળ સુધી ગયો
અમૃતની ઝંખનામાં હળાહળ સુધી ગયો

હું દિવ્યતાની શોધમાં દેવળ સુધી ગયો
પ્રત્યેક બંધ દ્વારની સાંકળ સુધી ગયો

મંદિર કે મસ્જીદો સુધી અટકી ગયા સહુ
જિજ્ઞાસાવશ જરાક હું આગળ સુધી ગયો

મારી તરસના સાચા સ્વરૂપને પિછાણવા
હરિયાળી ભોમ છોડી મરૂસ્થળ સુધી ગયો

ભાલાનો તીરકામઠાંનો વારસો હતો
માણસ છતાંય એક દિવસ હળ સુધી ગયો

લોહીનો રંગ લાલ નહીં, કાળો હોય છે
એવી પ્રતીતિ થઈ અને કાગળ સુધી ગયો

આખા જીવનમાં દુઃખની મળી એક પળ ‘રઈશ’
એનો જ પ્રત્યાઘાત પળેપળ સુધી ગયો

– રઈશ મનીઆર

ઉઘાડી આંખમાં કોઇનો ઇંતેઝાર – આદિલ મન્સૂરી

સમગ્ર રાત ઉપર જેમ અંધકાર પડે,
ઉઘાડી આંખમાં કોઇનો ઇંતેઝાર પડે.

ખીલું ખીલું થતું મનમાં અને ખીલી ન શકે,
કળીની પાંપણે ઝાકળનો એવો ભાર પડે.

સળગતા સૂર્યના વેરાન રણની વચ્ચોવચ,
તને સ્મરું અને વરસાદ ધોધમાર પડે.

સળંગ ઝીણેરી ઝરમરતી આ કૃપા તારી,
બધું જે હોઇ શકે તેની આરપાર પડે.

ઘણીયે વાર થઇ જાઉં છું હું શૂન્યમનસ્ક,
ઘણીયે વાર અચાનક કોઇ વિચાર પડે.

કહી રહ્યું છે કોઇ કાનમાં પ્રવાસીને,
મુસીબતો તો પડે ને હજાર વાર પડે.

સિતારા થાક્યા છે જાગીને રાતભર આદિલ,
બધાય ઇચ્છે છે કોઇ રીતે સવાર પડે.

– આદિલ મન્સૂરી

સૂર છે વિખરાયેલા – ભાવેશ ભટ્ટ

સૂર છે વિખરાયેલા જાણે જરાયે લય નથી
જે રીતે તારી મુલાકાતોનો કૈં સંચય નથી

કૈંક વેળા થાય છે કે એ મન વગર પથરાય છે
આ જગત અજવાળવું અજવાસનો આશય નથી

જોઈને દીવાસળી પગ એના ઢીલા થઈ જશે
જે અડીખમ વૃક્ષને વંટોળનો પણ ભય નથી

એમ કરવામાં મને મ્હેનત જરા ઓછી થશે
એટલે માપું છું કે તું કેટલો નિર્દય નથી

માપદંડો એમની પાસે બધી ઉંમરના છે
એમ લાગે એમની પોતાની કોઈ વય નથી

સ્હેજ ઈચ્છા થઈ, હજી થોડા દિવસ જીવી લઉં!
આપ ગભરાશો નહીં, આ કોઈ દ્રઢ નિશ્ચય નથી.

ભાવેશ ભટ્ટ