Category Archives: ગઝલ

એક તારો ખયાલ ગઝલ હોય છે – સુધીર પટેલ

એક તારો ખયાલ ગઝલ હોય છે,
ને પછી મુજ હાલ ગઝલ હોય છે.

જે ઘડી બે ઘડી મળીએ આપણે,
હસ્તીના એ જ સાલ ગઝલ હોય છે.

જે ૨હે કોરા એને હોય શું ખબર ?
કે ભીંજાયલ રૂમાલ ગઝલ હોય છે.

શું થયું છે મને, તમે જ લ્યો કહો ?
હોઠ પર આજ-કાલ ગઝલ હોય છે.

હું મથું તોય ક્યાં ગઝલ બને કદી ?
બોલ તારા કમાલ ગઝલ હોય છે

એનો ઉત્તર મળે તો એ ગઝલ નહીં,
કે નિરૂત્તર સવાલ ગઝલ હોય છે.

– સુધીર પટેલ

વાતાવરણ એ ઘરનું ક્યાંથી લવાય પાછું? – અનિલ ચાવડા

જો બારણું તૂટે તો સરખું કરાય પાછું,
વાતાવરણ એ ઘરનું ક્યાંથી લવાય પાછું?

ગઈકાલ જે વીતી ગઈ એ ઓરડો નથી કૈં,
કે મન થતા જ એમાં ચાલ્યા જવાય પાછું.

હો વૃદ્ધ કોઈ એને દૂધિયા જો દાંત ફૂટે,
તો શક્ય છે કે બાળક જેવું થવાય પાછું.

કરમાઈ જે ગયું છે એ પુષ્પને ફરીથી,
એના જ મૂળ રૂપે ક્યાંથી લવાય પાછું ?

નિશ્ચય કરીને ગ્યા છો તો પાર પાડી આવો,
આ સાવ હાથ ખાલી લઈને અવાય પાછું ?

એવી જગાએ આવી થંભી ગયા છીએ કે,
જ્યાં ના વધાય આગળ કે ના વળાય પાછું.

– અનિલ ચાવડા

તેથી ગઝલ લખું છું. – રઈશ મનીઆર

ભાષા આવડતી નથી તેથી ગઝલ લખું છું,
વાત કઈ કરવી નથી તેથી ગઝલ લખું છું.

આંખમાં ભરતી નથી તેથી ગઝલ લખું છું,
હોડીઓ તરતી નથી તેથી ગઝલ લખું છું.

ભાવનાઓ…ઝંખનાઓ…વ્યર્થ વેદનાઓ…
શ્વાસ સાંકળતી નથી તેથી ગઝલ લખું છું.

કોણ, ક્યારે, શું; ને ક્યાંથી, કેમ, કેવી રીતે?
સ્પષ્ટતા કરવી નથી તેથી ગઝલ લખું છું.

શોધ ને અવરોધમાંથી બોધ-ક્રોધમાંથી…
શાંતિ મળતી નથી તેથી ગઝલ લખું છું.

સળવળું છું, ખળભળું છું, ટળવળું- બળું છું,
ચૂપકીદી ફળતી નથી તેથી ગઝલ લખું છું.

જીવવું, જીરવવું, જોવું, જાણીને પ્રજળવું,
આંખ મીંચાતી નથી તેથી ગઝલ લખું છું.

– રઈશ મનીઆર

રાણી ગઝલ – ચિનુ મોદી ‘ઈર્શાદ’

એક એ વાસી ગઝલ
એક આ તાજી ગઝલ

એક સૈકા બાદ પણ
લે, ટકી મારી ગઝલ

હોય મારે મન ભલે
જીવથી ઝાઝી ગઝલ

હું વલોવાતો છતાં
રોજ ક્યાં આવી ગઝલ?

ચાહવાનું માપ શું
મેં તને માની ગઝલ

તું ઉદાસીમાં જઈ
કેમ સંતાતી, ગઝલ?

નમ્ર થા ‘ઈર્શાદ’, તું,
આવતી રાણી ગઝલ

– ચિનુ મોદી ‘ઈર્શાદ’

ત્યારથી આખું જગત વિરોધમાં છે – અનિલ ચાવડા

જ્યારથી એ જણ કશાની શોધમાં છે,
ત્યારથી આખું જગત વિરોધમાં છે.

ચાહું છું એને વધારે તીવ્રતાથી,
વ્યક્તિ જે જે મારી પ્રત્યે ક્રોધમાં છે.

માનવી ને પહાડ વચ્ચે ફેર શો છે?
એક આંસુમાં છે, બીજો ધોધમાં છે.

હોય છે માણસ પ્રમાણે સત્ય નોખાં,
મારું એ મારી કથાના બોધમાં છે.

કૂંપળો તો છેવટે ઊગી જ જાશે,
સેંકડો પથ્થર ભલે અવરોધમાં છે.

– અનિલ ચાવડા

શબ્દની ગહેરાઈમાંથી નીકળ્યા છે તું ને હું | કવયિત્રી: મધુમતી મહેતા

(‘વાત તારી ને મારી છે’ મ્યુઝિક આલબમમાંથી પ્રસ્તુતિ-૭.)

~ ગઝલ: શબ્દની ગહેરાઈમાંથી નીકળ્યા છે તું ને હું
~ કવયિત્રી: મધુમતી મહેતા
~ સ્વરકાર-સ્વર: વિજય ભટ્ટ
~ સ્વર: દર્શના શુક્લ
~ સંગીત સંકલનઃ અસીમ મહેતા
~ સંગીત નિયોજનઃ આલાપ દેસાઈ
~ નિર્માણ-પ્રસ્તુતિ:આપણું આંગણું બ્લોગ (બ્લોગ સંપર્ક: +91 88500 74946)

શબ્દની ગહેરાઈમાંથી નીકળ્યાં છે તું ને હું,
તેજની તન્હાઈમાંથી નીકળ્યાં છે તું ને હું.

કંટકોના રાજ્ય છે ને શૂળના ત્યાં કાયદાઓ,
ફૂલની રૂસ્વાઈમાંથી નીકળ્યાં છે તું ને હું.

વાત લઈને વાયરાઓ વાય છે ચારે દિશામાં,
વાતની વડવાઈમાંથી નીકળ્યાં છે તું ને હું.

ના મળ્યાં પળની પછીતે કે પ્રલયના અંધકારે,
પ્રેમની પરછાઈમાંથી નીકળ્યાં છે તું ને હું.

– મધુમતી મહેતા

Apple Music Link:
https://apple.co/3JhoEYh

Spotify Link:
https://spoti.fi/3SjV1th

વાંસળી પડઘાય આખા ગામમાં – આદિલ મન્સૂરી

‘વાત તારી ને મારી છે’ મ્યુઝિક આલબમમાંથી પ્રસ્તુતિ – ૪

~ કવિ: આદિલ મન્સૂરી
~ સ્વરકાર અને સ્વર: વિજય ભટ્ટ

~ સંગીત સંકલનઃ અસીમ મહેતા
~ સંગીત નિયોજનઃ આલાપ દેસાઈ
~ નિર્માણ-પ્રસ્તુતિ: આપણું આંગણું બ્લોગ

વાંસળી પડઘાય આખા ગામમાં
કૃષ્ણ એવું શું છે તારા નામમાં

રોમરોમે મોરપીંછું ફરફરે
કેવો જાદુ છે આ તારા નામમાં

ભગ્ન દિલમાં એમ તારી યાદ આ
જાણે ગોરસ કોઈ કાચા ઠામમાં

આંખ મીંચું તોય તું દેખાય છે
જીવ ક્યાંથી લાગે કોઈ કામમાં

વીજળી ઝબકી ને વાંદળમાં શમી
જાણે રાધા ઓગળી ગઈ શ્યામમાં
– આદિલ મન્સૂરી



Spotify Link:
https://spoti.fi/3nNPSMe

Apple Music Link:
https://apple.co/3OYuWy2

~ બ્લોગ સંપર્ક: +91 88500 74946

કળી શકો નહીં – હર્ષવી પટેલ

સ્વર અને સ્વરાંકન – કલ્પક ગાંધી

અઠંગ આંખ હોય પણ ફરક કળી શકો નહીં,
મને મળ્યા પછી તમે તમે રહી શકો નહીં.

શરત ગણો તો છે શરત, મમત કહો તો હા, મમત!
તમે તમે ન હોવ તો મને મળી શકો નહીં.

પ્રવેશબાધ કે નિયમ કશું નથી અહીં છતાં
કહું હું ત્યાં લગી તમે પરત ફરી શકો નહીં.

જો થઈ જશે લગાવ તો સ્વભાવ થઈ જઈશ હું,
મથો છતાંય એ પછી મને તજી શકો નહીં.

તરણકળા પ્રવીણ હો, તરી શકો સમંદરો,
ડૂબી ગયા જો આંખમાં, તમે બચી શકો નહીં.

પડ્યા પછી જ પ્રેમમાં ખરેખરી ખબર પડી,
સતત મરી શકો ખરા, સતત જીવી શકો નહીં.

– હર્ષવી પટેલ

માણસ જાણે રેશમકીડો – ડૉ. મનોજ જોશી ‘મન’

ડેટા…ડેટા…ડેટા…ડેટા !
આખો દિવસ ચરે છે ઘેટાં.

દશ આંગળનું ખેતર ખુલ્લું-
બાપે’ય ખેડે, ખેડે બેટા !

દુનિયાભરનો ચારો અહીંયા,
ચરે અંગુઠા એકલપેટાં !

સ્ક્રીન ઊપર મોહ્યા અંગુઠા-
આંગળીઓથી થઈ ગ્યાં છેટાં !

માણસ જાણે રેશમકીડો,
ફોન બન્યાં છે સૌ કોશેટા !

~ ડૉ. મનોજ જોશી ‘મન’
(જામનગર)

આપ ચોમાસું હૃદયમાં કેવું છલકાવી ગયા – જયશ્રી વિનુ મરચંટ

~ કવયિત્રી: જયશ્રી વિનુ મરચંટ “ભગ્ન”
~ સ્વરકાર અને સ્વર: માધ્વી મહેતા
~ સંગીત સંકલનઃ અસીમ મહેતા
~ સંગીત નિયોજનઃ આલાપ દેસાઈ
~ નિર્માણ-પ્રસ્તુતિ: આપણું આંગણું બ્લોગ
~ બ્લોગ સંપર્ક: +91 88500 74946

(‘વાત તારી ને મારી છે’ મ્યુઝિક આલબમમાંથી પ્રસ્તુતિ-3.)

Apple Music Link:
https://apple.co/3nEAwtn
Spotify Link:
https://spoti.fi/3nCno82
Lyrics:
આપ ચોમાસું હૃદયમાં કેવું છલકાવી ગયા
હું પૂરી ભીંજાઉં એ પ્હેલાં જ તરસાવી ગયા

આંગળી પકડીને લઈ ચાલ્યા પ્રણયની લીલ પર
માંડ ડગ માંડ્યાં હતાં, ત્યાં હાથ સરકાવી ગયા

શુષ્કતા મારું મને સરનામું બહુ પૂછ્યા કરે,
આપું કે ના આપું એ વિચાર અકળાવી ગયા

“ભગ્ન”દિલ કંઈ પણ કહે, તો કોણ સાંભળશે અહીં?
તીરછા એક સ્મિતથી, પાછા એ ભરમાવી ગયા

– જયશ્રી વિનુ મરચંટ “ભગ્ન”