Category Archives: કવિઓ

ગઝલ – હનીફ સાહિલ

મારા સર્વે ગુમાનથી આગળ,
તીર કોઈ નિશાનથી આગળ.

ત્યાં હતું શહેર એક વસાવેલું,
મારા ઉજ્જડ મકાનથી આગળ.

થાય છે એવી તીવ્ર ઇચ્છા કે,
જઈને રહીએ જહાનથી આગળ.

હોય પંખી ભલે ને પીંજરમાં,
પણ છે દૃષ્ટિ ઉડાનથી આગળ.

શક્ય છે હો જમીન જેવું કંઈક,
દૂર આ આસમાનથી આગળ.

સાથ આપે તને તો લઈ ચાલું,
આ ધરા આસમાનથી આગળ.

દિલ ને દુનિયાની હકીકતથી હનીફ,
છે ગઝલ દાસ્તાનથી આગળ.

– હનીફ સાહિલ

પતંગનો ઓચ્છવ – રમેશ પારેખ

આજે વાસી ઉત્તરાણના દિવસે એક વાસી પોસ્ટ… ટહુકો પર ૨ વર્ષ પહેલા રજું કરેલું (અને લયસ્તરો પર ૬ વર્ષ પહેલા) રમેશ પારેખનું આ પતંગ ગીત.. પણ સાથે એક તાજી કવિતા એટલે આ નીચેનું ચિત્ર.

દેશથી દૂર રહેતા અમદાવાદીને ૧૪મી જાન્યુઆરીએ યાદ આવતું અમદાવાદ અહિં બખૂબી રજૂ થયું છે! સીદી સૈયદની જાળીમાં જાણે પતંગ નહીં, પણ જાત અટકી ગઇ છે!

10896252_10205560045778645_696266904078674667_o

******

ચાર વર્ષ પહેલા લયસ્તરો પર ધવલભાઇએ આપેલું આ મઝાનું પતંગ ગીત – આજે સીધેસીધું ત્યાંથી અહીં ટહુકો પર..!! એમનો પતંગ આપણે કાપ્યો નથી, તો યે આપણે અહીં લઇ લીધો – એના જેવું!! આપ સૌ ને અમારા તરફથી મકરસંક્રાતિની ખૂબ ખૂબ – પતંગ બોર અને તલના લાડુ ભરી શુભેચ્છાઓ..!!

પતંગનો ઓચ્છવ
એ બીજું કંઈ નથી, પણ
મનુષ્યના ઉમળકાઓનો છે ઘૂઘવતો વૈભવ !

નભની ઊંડીઊંડી ઉદાસીઓને લૂછવા
નભની ભડભડતી એકલતા ભૂંસવા
જુઓ, મનુષ્યો-
ઉંમગના રંગોમાં ઝબકોળી-ઝબકોળી
પ્રીતિની પીંછી ફેરવતા ઉજ્જડ-ઉજ્જડ નભમાં.

ઉજ્જડ નભને નમણું નજરાણું
ઉર્ફે આ પતંગ !

હરેક જણના પતંગ પર
લખિયો છે આ સંદેશો કે
હે નભ ! તું નીચે આવ !
આવ નીચે ને જરાક હળવું થા…
માર નગારે ઘા,
ગમગીનીનો ગોટો વાળી
જલદી કૂદ કછોટો વાળી
ઓચ્છવના આ રંગકુંદમાં ડૂબકી મારી ગા !
આવ, આવ, તું જરાક નીચે આવ ને હળવું થા…

આભ, તને
આ પતંગ રૂપે છે નિમંત્રણ-
નીચે આવી ચાખ ઉમળકો,
ચાખ જુવાની, ચાખ લાગણી
ચાખ પ્રેમ ને ચાખ હૃદયના ભાવ
આભ, તું જરાક નીચે આવ…

– રમેશ પારેખ

કંઠી બાંધી છે તારા નામની – અશરફ ડબાવાલા

કંઠી બાંધી છે તારા નામની
અઢળક અને અઢીમાં ફેર નહીં કાંઈ એવી લાગી મમત તારા ગામની.

માગ્યું મળે ને મન છલકાતું હોય ત્યારે કાંઠાનું ભાન રહે કેમ ?
કેટલા કોરા ને અમે કેટલા ભીંજાણા ઇ પૂછો ના મે’તાજી જેમ.
સાચું પૂછો તો એક જણને મળ્યા અને જાતરા ગણો તો ચાર ધામની
… કંઠી બાંધી છે તારા નામની

કેડીથી આડી ફંટાઈ મારી ઘેલછા કાંડું પકડીને મને દોરે
ચરણો ને ચાલની તો વાત જ શું કરવી ? હું ચાલું છું કોઈના જોરે
મોજડીની સાથ મોજ રસ્તે ઉતારી, હવે મારે નથી કોઈ કામની
… કંઠી બાંધી છે તારા નામની

– અશરફ ડબાવાલા

મારું એકાંત – પન્ના નાયક

મને ગમે છે
મારું એકાંત.

ઘોંઘાટ શમી ગયો હોય છે,
ચિત્ત શાંત થયું હોય છે,
પછી
મારી મારા માટેની શોધ
આરંભાતી હોય છે,

અને
કાવ્યની પ્રથમ પંક્તિ
રૂમઝૂમ કરતી આવતી હોય છે
મારી પાસે,

અને
હરજી હળવે હળવે
મૂકતા હોય છે હાથ
મારે ખભે…

– પન્ના નાયક

એક સવારે – સુન્દરમ્

એક સવારે આવી,
મુજને કોણ ગયું ઝબકાવી ?

વસંતની ફૂલમાળા પહેરી,
કોકિલની લઈ બંસી,
પરાગની પાવડીએ આવી,
કોણ ગયું ઉર પેસી ? મુજને૦

કિરણ તણી કોમળ અંગુલિએ
રમ્ય રચી રંગોળી,
સોનલ એના સ્નેહસુહાગે
કોણ રહ્યું ઝબકોળી ? મુજને૦

– સુન્દરમ્

‘એક સવારે’ ગીતમાં પરમતત્ત્વની અનુભૂતિનો સ્પર્શ વિસ્મયયુક્ત મનોહર વાણીમાં પ્રશ્નરૂપ પામ્યો છે. જીવાત્મા જાગૃતિના પહેલવહેલા અનુભવની કૌતુકસભર વાતમાં ‘એક સવારે’ પોતે તો ગાઢમાં નિદ્રામાં હતો ત્યારે વસંતની ફૂલમાળા પહેરીને, કોયલના સ્વરની બંસી લઈ, પુષ્પરાગની પાવડીઓ પહેરી મારા ઉરમાં કોન પ્રવેશી ગયું ? વગેરે સૌંદર્યપરક ઘટકોથી સર્વસ્પર્શિતાનો અનુભવ તાદૃશ કરે છે. બીજી કડીમાં કિરણોની કોમળ આંગળીઓ (જાણે તેજ-સળી) વડે રમણીય રંગોળી મનમંદિરમાં રચી જઈને સ્નેહની સુવાસ પ્રસરાવી જનાર એ અદૃશ્ય તત્ત્વ જ સર્વત્ર વ્યાપ્ત છે, એ હવે ભક્તને સમજાય છે.

(આસ્વાદક : રમેશ એમ. ત્રિવેદી)

હરિ, કેટલી વાર ? – મુકેશ જોષી

હરિ, કેટલી વાર ?
ઝટ્ટ પધારો,
કદાચ હું નીકળી જાવાનો જીવનમાંથી બ્હાર…..

પ્રભાતિયાની ચિઠ્ઠી તમને મળી હતી કે નહીં ?
પંખીએ એમાં જ કરી’તી ટહુકા સાથે સહી
ગઈ રાતના નામજાપનો કીધો’તો મેં તાર…. હરિ….

ઝાંખી બારી, કમાડ ઝાંખાં, ઝાંખું છે અજવાળું
સાઠ વરસથી ખુલ્લા ઘરને હવે મારવું તાળું
તમને સોંપી ચાવી, મારે જાવું પેલે પાર….. હરિ…..

તુલસીદળ પર આંસુ મૂકી કરે વિનંતી જોશી
તમે આવતા ભવમાં મારા બનજો ને પાડોશી
સાદ પાડતાંવેંત તમે હાજર ને હું તૈયાર….. હરિ…..

– મુકેશ જોષી

એને નવું વર્ષ કહેવાય… – અંકિત ત્રિવેદી

ene navu varsh
…તારી સાથે દિવસો ઉત્સવ થઈ ઊજવાય!

મારાં સપનાં તારી આંખે સાચાં પડતાં જાય
એને નવું વર્ષ કહેવાય…
હું કંઈ પણ ના બોલું તો પણ તરત તને સમજાય
એને નવું વર્ષ કહેવાય…

ખુલ્લી સવાર જેવું જીવશું કાયમ મસ્ત મજાનું
પકડાઈ જવાની મજા પડે ને એવું કાઢશું બહાનું
લાભ, શુભ ને ચોઘડિયાં પણ અંદરથી શરમાય
એને નવું વર્ષ કહેવાય…

જીવન એવું જીવશું જાણે સહજ અવતરે પ્રાસ
વ્હાલ નીતરતા શ્વાસમાં ઘૂંટશું ઈશ્વરનો અહેસાસ
ટૂંકમાં, તારી સાથે દિવસો ઉત્સવ થઈ ઊજવાય
એને નવું વર્ષ કહેવાય…

– અંકિત ત્રિવેદી

ભાદરમાં ધૂવે લૂગડાં ભાણી – ઈન્દુલાલ ગાંધી

દિવાળીના દિન આવતા જાણી
ભાદરમાં ધૂવે લૂગડાં ભાણી

માથે હતું કાળી રાતનું ધાબુ
માગીતાગી કર્યો એકઠો સાબુ
કોડી વિનાની હું કેટલે આંબુ
રૂદિયામાં એમ રડતી છાની
ભાદરમાં ધૂવે લૂગડાં ભાણી

લૂગડાંમાં એક સાડલો જૂનો
ઘાઘરો મેલો દાટ કે’દુનો
કમખાએ કર્યો કેવડો ગુનો
તંઈણ ત્રોફાયેલ ચીંથરાંને
કેમ ઝીંકવા તાણી
ભાદરમાં ધૂવે લૂગડાં ભાણી

ઘાઘરો પહેરે ને ઓઢણું ધૂવે
ઓઢણું પહેરે ને ઘાઘરો ધૂવે
બીતી બીતી ચારે કોર્યમાં જૂએ
એના ઉઘાડા અંગમાંથી
એનો આતમો ચૂવે

લાખ ટકાની આબરુંને
એણે સોડમાં તાણી
ભાદરમાં ધૂવે લૂગડાં ભાણી

ઊભા ઊભા કરે ઝાડવા વાતું
ચીભડાં વેંચીને પેટડાં ભરતી
ક્યાંથી મળે એને ચીંથરું ચોથું
વસ્તર વિનાની અસ્તરી જાતને હાટું
આ પડી જતી નથી કેમ મોલાતું?
શિયાળવાની વછૂટતી વાણી
ભાદરમાં ધૂવે લૂગડાં ભાણી

અંગે અંગે આવ્યું ટાઢનું તેડું
કેમ થાવું એને ઝૂંપડી ભેળું
વાયુની પાંખ ઉડાડતી વેળુ
ઠેસ ઠેબા ગડથોલીયા ખાતી
કૂબે પટકાણી રાંકની રાણી
ભાદરમાં ધૂવે લૂગડાં ભાણી

-ઈન્દુલાલ ગાંધી

અમ વચ્ચે બાપુ અમર રહો ! – જુગતરામ દવે


થોડા દિવસ પહેલા મમ્મીના અવાજમાં ‘બાપુજીના પાઠ તમે ભણી જુઓ’ ગીત મૂક્યું હતુ, યાદ છે? (રેંટિયા બારસના દિવસે). એ ગીતની કોમેંટમાં રસિકભાઇએ એક બીજા ગીતના શબ્દો લખ્યા ‘એનું જીવનકાર્ય અખંડ તપો..’ મેં જ્યારે મમ્મીને એ કોમેંટ વાંચી સંભળાવી, મમ્મીએ મને આખું ગીત સંભળાવી દીધું.

એટલે મને થયું, તિથી પ્રમાણે ગાંધીજીની જન્મજયંતિ ઉજવી, તો તારીખ પ્રમાણે બીજી ઓક્ટોબર પણ ઉજવશું જ ને – ત્યારે આ ગીત મુકશું ટહુકો પર.

ગાંધી બાપુને અંતરના પ્રણામ સાથે સાંભળીએ આ ગીત…

સ્વર – ગુલાબબેન ભક્ત

એનું જીવનકાર્ય અખંડ તપો
અમ વચ્ચે બાપુ અમર રહો !

એના જીવનમંત્ર સમો ચરખો
પ્રભુ, ભારતમાં ફરતો જ રહો !

અમ જીવનમાં અમ અંતરમાં
એની ઉજ્જવલ જ્યોત જ્વલંત રહો !

અમ દેશનાં દૈન્ય ને દુર્બળતા
એની પાવક આતમજ્વાળ દહો !

એનો સત્યનો સૂર્ય સદાય તપો
અમ પાપ-નિરાશાના મેલ દહો !

એનાં પ્રેમ-અહિંસાનાં પૂર પ્રભો
અમ ભારતનાં સહુ ક્લેશ વહો !

એણે જીવતાં રામ સદાય રટ્યા,
એ તો ‘રામ’ વદીને વિદાય થયા;

લઘુ માનવમાં મહિમા ભરવા
નિજ લોહી અશેષ વહાવી ગયા.

એનું જીવનકાર્ય અખંડ તપો
અમ વચ્ચે બાપુ અમર રહો !

– જુગતરામ દવે

કૃષ્ણલાલ શ્રીધરાણી પર્વ ૭ : ત્રણ ગીતો (અભિલાષ, વસંતના અવતાર, શબ્દબ્રહ્મ)

કૃષ્ણલાલ શ્રીધરાણી પર્વના ૭ મા દિવસે એક નહિં, ત્રણ ગીતો એક સાથે…. અને તો યે આ પર્વની પૂર્ણાહૂતી નથી, એક વધુ – બોનસ પોસ્ટ.. બસ થોડી જ વારમાં..!!
ત્યાં સુધી સાંભળો કવિ શ્રી નું સૌથી પહેલું ગીત – અભિલાષા – અને બીજા બે એવા જ મઝાના ગીતો..!!

******

અભિલાષ 

સ્વર – સ્વરાંકન : શ્રધ્ધા શ્રીધરાણી

તારા! તારા! ત્હારા જેવી
મીઠી, મીઠી, આંખ દે!
પંખી મીઠા! ત્હારા જેવી
ચેતનવંતી પાંખ દે !
સાત સમંદર વીંધી જાઉં,
હસતી આંખે જોતો જાઉં !

મધમાખી તું તારા જેવી
મુજને મીઠી ખંત દે !
કોયલ બહેની! તારા જેવો
મીઠો મીઠો કંઠ દે !
વિશ્વ તણો મધુકોશ ભરું ,
ચૌદ લોક ટહુકાર કરું !

સાગર ઊંડા, તારા જેવો
ધીર ઘોર ઘૂઘવાટ દે!
વેગી વાયુ, તારા જેવો
વેગીલો સુસવાટ દે!
વિશ્વ ધ્રુજે, ઘૂઘવાટ કરું,
સાગર શો હું જ્યાં ગરજુ!

આશા! ચાલો બા ને કહીએ ,
રમકડા તું આવા દે !
બહેની બહેની ત્યાર પછી તો ,
જગ નાં રાજા આપણ બે !
બાળક નાના હું ને બ્હેન ,
તો ના કરત કશા નું વ્હેન !

-ડૉ. કૃષ્ણલાલ શ્રીધરાણી
24 -4-’28

—————————————————————-
વસંતના અવતાર
સ્વર – સ્વરાંકન : શ્રધ્ધા શ્રીધરાણી
કોકિલ ના શા કંઠ ગવાતા ,
પ્રફુલ્લતા આંબા ના મોર
કેસુડાં ના કેસર ખીલ્યાં ,
લીમ્બડીઓ નો ફોરે કૉર
              કુંપળ હસતી અપરંપાર
              વન વન વસંત ના અવતાર !
ગુંજે ધૂન અલખ ની કંઠે ,
મ્હોરંતા જીવન ના મોર
નવરંગો ખીલે અંતર નાં
પ્રેમ ધર્મ ની ફૂટે ફોર
               ઉર માં ભાવો અપરંપાર
               જન જન વસંત ના અવતાર !
-5-3-’28
————————————————————
શબ્દબ્રહ્મ
સ્વર – સ્વરાંકન : શ્રધ્ધા શ્રીધરાણી
સૃજન ની આંખ ઉઘડી,
કવિ ની પગલી પડી
હૃદય ની તુંબડી માંથી
ભાવના-દંડીકા ચડી
કાળજે કર્યું કોડિયું
તેલ ભક્તિ તણું પૂર્યું
ઊર્મિ ની જ્યોત માંથી તો
કલ્પના તાર થી મઢ્યું
બ્રહ્મ ના એકતારા શા
કવિ નું ગાન ઉપડ્યું !
-17-2-’32
————————————————————