Category Archives: કવિઓ

આવ્યો છે જમાનો ફૂલોનો, આવી છે જવાની ફૂલોની – શૂન્ય પાલનપૂરી

આવ્યો છે જમાનો ફૂલોનો, આવી છે જવાની ફૂલોની,
કળીઓને કહી દો સંભળાવે, રંગીન કહાની ફૂલોની.

સૌંદર્યની ચાહતના પરદે, સૌંદર્યની લૂટા ચાલે છે,
ફૂલે તો બિચારાં શું ફૂલે ! દુશ્મન છે જવાની ફૂલોની.

અધિકાર હશે કંઈ કાંટાનો, એની તો રહી ના લેશ ખબર,
ચિરાઈ ગયો પાલવ જ્યારે, છેડી મેં જવાની ફૂલોની.

ઉપવનને લૂંટાવી દેવાનો આરોપ છે કોના જોબન પર ?
કાંટાની અદાલત બેઠી કાં લેવાને જુબાની ફૂલોની ?

ઝૂરંતો પરિમલ ભટકે છે કાં વહેલી સવારે ઉપવનમાં ?
વ્યાકુળ છે કોના દર્શનની એ રડતી જવાની ફૂલોની ?

બેપળ આ જીવનની રંગત છે, બે પળ આ ચમનની શોભા છે,
સંભળાય છે નિશદિન કળીઓને આ બોધ કહાની ફૂલોની.

તું ‘શૂન્ય’ કવિને શું જાણે ? એ કેવો રૂપનો પાગલ છે ?
રાખે છે હૃદય પર કોરીને રંગીન નિશાની ફૂલોની.

– શૂન્ય પાલનપૂરી

સૂરજનો સાતમો ઘોડો – જયશ્રી વિનુ મર્ચન્ટ

સૂરજના સૌથી નાના
સાતમા ઘોડા જેવી
મારી કવિતા,
કુંતીની જેમ કૃષ્ણને દરેક જનમમાં પામવા,
માગ્યા કરે છે, સતત
વેદના, વ્યથા, દર્દ અને દુઃખનું વરદાન!

સૂરજના સાતમા ઘોડા સાથે છે,
સ્ફૂર્તિ અને તાજગીસભર છ પાણીદાર અશ્વો
છટાથી સૂરજદેવના રથને ગગનમંડળમાં ફેરવે છે એ,
જરાયે થાક્યા વિના!

મારી કવિતાના છ અશ્વો ક્યાં ગયા?

– જયશ્રી વિનુ મર્ચન્ટ

મારી કવિતા – પન્ના નાયક

મારી કવિતા
એમાં મારી શક્તિ છે
એમાં મારી નબળાઈ છે
એમાં મારો મેક-અપ વિનાનો ચહેરો છે
એમાં મારા વિચારોનું સત્ત્વ છે
એમાં આંખોમાંથી વહેલી સચ્ચાઈ છે
એમાં કાચની પારદર્શકતા છે
એમાં મારી લાગણીનો લાવા છે
એમાં જગતભરની સ્ત્રીઓની ધરબાઈ ગયેલી વાચા છે
એમાં દંભીલા સમાજ સામેનો પડકાર છે
એમાં આખાયે આકાશની નીલિમા છે
એમાં વિશ્વનાં સમસ્ત પુષ્પોની સુરભિ છે
એમાં પતંગિયાને નિહાળવાની ક્ષમતા છે
એમાં મૈત્રીનું ગૌરવ છે
એમાં પ્રેમની સાર્થકતા છે
એમાં કોઈ કડવાશ નથી
એમાં કોઈ ગઈ કાલ નથી, કોઈ આવતી કાલ નથી
એમાં કશું મૂકી જવાની ખેવના નથી
એમાં આજની ક્ષણને જીવી જવાની તમન્ના છે.
એમાં પન્ના છે,
ખુલ્લેખુલ્લી ..
ગમે તો સ્વીકારો
નહીં તો…

– પન્ના નાયક

ગાઓ પ્રિયજન – રાજેન્દ્ર શુક્લ

ગાઓ પ્રિયજન

આ લપકે છે તે સાચું છે,
ગઝલ તિહાં લગ ગાઓ, પ્રિયજન !
આ ઝપકે છે તે સાચું છે,
ગઝલ તિહાં લગ ગાઓ, પ્રિયજન !

કાચું તો હમણાં તૂટવાનું, ક્યાં પાકું ય જામોકામી છે ?
આ ધબકે છે તે સાચું છે,
ગઝલ તિહાં લગ ગાઓ, પ્રિયજન !

અતલ અચાનક ઊંડાણોમાં, આંખોમીંચ્યાં અંધારે પણ,
આ તબકે છે તે સાચું છે,
ગઝલ સિંહા લગ ગાઓ, પ્રિયજન !

અહીંથી નીકળી ને ત્યાં જાવું, તો અહીંયા શું ખોટું છે ?
આ ઝબકે છે તે સાચું છે,
ગઝલ તિહાં લગ ગાઓ, પ્રિયજન !

સાંજ સવાર હથેલી ભાલે કુમકુમ કેસર અબિલગુલાલે,
આ ભભકે છે તે સાચું છે,
ગઝલ તિહાં લગ ગાઓ, પ્રિયજન !

– રાજેન્દ્ર શુક્લ

મધુશાલા – મહાકવિ હરિવંશરાય બચ્ચન. ગુજરાતી ભાવાનુવાદ/અનુસર્જન – ડૉ. જગદીશ ત્રિવેદી

मधुशाला – હિન્દી ભાષાના સ્વનામધન્ય પ્રથિતયશ કવિ સ્વર્ગીય ડૉ. હરિવંશરાય બચ્ચનની આ અમર કૃતિ એમને ભારતના સાહિત્યના સમોચ્ચ શિખરે સ્થાન અપાવી ગઈ. અનેક ભાષાઓમાં અનુવાદ થયા પછી 2006માં ડૉ. જગદીશ ત્રિવેદીએ ગુજરાતીમાં અનુવાદ કરવાનું શરુ કર્યું અને આપણને મળી એક વિશ્વપ્રસિદ્ધ કૃતિનું ગુજરાતી સ્વરૂપ!

આજથી ટહુકો પર દર અઠવાડીએ મધુશાલાની એક રુબાઈ આપ સમક્ષ રજૂ થશે.
આશા છે આપ સૌ આ મદમાતી ‘સફર-એ-મધુશાલા’ માં અમારી સાથે રહેશો!

मधुशाला – 1

मृदु भावों के अंगूरों की आज बना लाया हाला,
प्रियतम, अपने ही हाथों से आज पिलाऊँगा प्याला;
पहले भोग लगा लूँ तुझको फिर प्रसाद जग पाएगा;
सबसे पहले तेरा स्वागत करती मेरी मधुशाला ।

डॉ. हरिवंशराय बच्चन

મૃદુભાવોની દ્રાક્ષોમાંથી આજ બનાવી છે મદિરા,
પ્રીતમ તુજને નિજ હાથોથી પિવાડું આજે પ્યાલા;
પહેલાં ભોગ ધરાવું તુજને જગ પામે પરસાદ પછી;
પરથમ પહેલું સ્વાગત તારું કરતી મારી મધુશાલા.

– ડૉ. જગદીશ ત્રિવેદી

ગુજરાતના ઊંચા ગજાના કવિ ભગવતીકુમાર શર્મા આ ભાવાનુવાદને ‘મધુશાલાનો સફળ સમશ્લોકી અનુવાદ’ કહે છે. પુસ્તકની પ્રસ્તાવના આપતા એ કહે છે કે :
“મધુશાલાનો સફળ ગુજરાતી સમશ્લોકી અનુવાદ સન ૧૯૫૦ની આસપાસ મેં સાહિત્યક્ષેત્રે પ્રવેશ કર્યો. મારી વાચનભૂખ તો એ પહેલાંની હતી. જે હાથમાં આવે તે આંખ નીચેથી પસાર થઈ જતું. એ સમયગાળામાં ‘ચેત મછંદર’ સાપ્તાહિક ખાસ્સું લોકપ્રિય હતું. એમાં પ્રગટ થતી દેવશંકર મહેતાની વાર્તાઓએ અન્યોની જેમ મારું પણ ધ્યાન ખેંચ્યું હતું. એ વાર્તાઓમાં સૌરાષ્ટ્રની હિંગી ધરાની અસ્સલ સોડમ અનુભવાતી. એને તો દાયકાઓ વીતી ગયા. દેવશંકર મહેતાનું નામ પણ મારા માનસપટ પરથી વીસરાઈ ગયું, પણ સાડાપાંચ દાયકે એ પુનઃ તાજું થયું, એક ટેલીફોનિક સંવાદથી. એ ફોન-કૉલ હતો સુરેન્દ્રનગરથી અને અવાજ હતો દેશ-વિદેશમાં વિખ્યાત હાસ્યકલાકાર જગદીશ ત્રિવેદીનો. દેવશંકર મહેતાના તેઓ દૌહિત્ર થાય. આ દૌહિત્રે તેમના નાનાજીનું સુયોગ્ય તર્પણ કર્યું છે, જગદીશ ત્રિવેદીએ દેવશંકર મહેતાના સાહિત્ય પર પીએચ.ડી. કરીને ડૉક્ટરેટ પ્રાપ્ત કર્યું છે. જગદીશભાઈ ગુજરાતી વાચકોમાં મુખ્યત્વે તો તેમનાં નાટકો અને હાસ્યસાહિત્યથી પરિચિત છે. આ બે સાહિત્ય-સ્વરૂપોનાં કુલ પચીસ જેટલાં પુસ્તકો તેમણે પ્રસિદ્ધ કર્યા છે. દિગ્ગજ હાસ્યકલાકાર શાહબુદ્દીન રાઠોડના શિષ્ય જગદીશ ત્રિવેદીએ તેમના હાસ્ય-કાર્યક્રમોથી તો લોકપ્રિય છે જ અને પોતાના કલાગુરુને ભાવાંજલિ આપવા માટે શાહબુદ્દીન રાઠોડનાં લેખન અને કથન ૫૨ મહાનિબંધ લખી બીજી વાર ડૉક્ટરેટ પ્રાપ્ત કર્યું છે. પરંતુ જગદીશભાઈએ હવે પોતાની લેખન-પ્રવૃત્તિમાં નવું પ્રસ્થાન કર્યું છે, અર્થાત્ તેમણે કવિતા પ૨ કલમ ચલાવી છે. એ માટે તેમણે સમશ્લોકી અનુવાદનો પંથ પકડ્યો છે. એ સંદર્ભે એમની કૃતિ-પસંદગીને ધન્યવાદ આપવા જોઈએ.

પ્રથમ પ્રયત્ન જ એમણે ઊંચું નિશાન તાક્યું છે અને તેને વીંધવામાં તેઓ સફ્ળ થયા છે. હિન્દી ભાષાના સ્વનામધન્ય પ્રથિતયશ કવિ સ્વર્ગીય ડૉ. હિરવંશરાય બચ્ચન હવે ભલે ભારતના સિનેરસિકોને પ્રકીર્તિત અભિનયપટુ અમિતાભ બચ્ચનના પિતાજી તરીકે પરિચિત હોય, પરંતુ અમિતાભ બચ્ચનને ડૉ. હિરવંશરાય બચ્ચનના સુપુત્ર તરીકે ઓળખાવવામાં પૂરું ઔચિત્ય છે. અને તેથી આજે પણ આ મહાન કલાકાર જીવનની કોઈ પણ મુશ્કેલીનો માર્ગ પોતાના પિતાશ્રીની રચનાઓમાંથી મેળવે છે. અમિતજીની પ્રતિભામાં તેમનાં શાલીન માતા-પિતાની સભર વિરાસત વિલસે છે. આવા ડૉ. હરિવંશરાય બચ્ચન દાયકાઓથી તેમની દીર્ઘ, અતિયશસ્વી કાવ્યરચના ‘મધુશાલા’ના પર્યાયરૂપ સર્જક બનેલા છે. હરિવંશરાય બચ્ચન અને મધુશાલા’ એ બે નામો એક જ શ્વાસમાં ઉચ્ચારાય એટલી હદે તેઓનું સાયુજ્ય સિદ્ધ થયેલું છે. આ ‘મધુશાલા’ માત્ર હિન્દી ભાષાની નહીં પરંતુ ભારતવર્ષની પ્રમુખતમ કાવ્યરચનાઓમાંની એક છે, કેમ કે તેમાં ભારતનો, ભારતીય સંસ્કૃતિનો આત્મા ધબકે છે. વસ્તુતઃ ભારતીય સંસ્કૃતિ અને માનવ સંસ્કૃતિ અભિન્ન છે. એ દૃષ્ટિએ મધુશાલા’ એ માનવ-ઐક્યનું મહાકાવ્ય છે.આ માનવ-ઐક્યની યશોગાથાનું ગાન ગાવા માટે ડૉ. હરિવંશરાય બચ્ચને મધુશાલાનું દુન્યવી કહી શકાય એવું પ્રતીક સંયોજીને કવિકર્મનું ઊંચેરું શિખર સિદ્ધ કર્યું છે. મધુશાલા એટલે મદિરાલય, સુરાલય, મયખાનું, પી; પણ ફારસી-ઉર્દૂ કવિતામાં સદીઓથી પરંપરાગત રૂપે મયખાનું, શરાબ, સાકી, શીશા, સુરાહી, પ્યાલા એ બધું પ્રતીકાત્મક સ્તરે પ્રયોજાતું આવ્યું છે. તેમાંથી સ્થૂળ સંદર્ભો સરી-ખરી પડ્યા છે અને તેમાં વારંવાર અધ્યાત્મ-સ્તરની અર્થચ્છાયાઓ પણ પ્રગટ થાય છે. આ પ્રતીકોનો આવો વિનિયોગ ગુજરાતી ગઝલોમાં પણ અજાણ્યો નથી. કવિવર બચ્ચનજીએ આ બધી પ્રતીકસામગ્રીનો એક સળંગ કાવ્યરૂપે સાતત્યપૂર્વક વિનિયોગ કરીને કવિતા સિદ્ધ કરવાની સાથે
જીવન અને જગત વિશેના ઉચ્ચસ્તરીય ચિંતનને આંબવા તથા વ્યક્ત કરવાનું લક્ષ્ય સાધ્યું છે અને તેમાં પૂર્ણ સફળતા પ્રાપ્ત કરી છે. તેમની લેખિનીનું જ એ પ્રમાણ કે અહીં મિઠરાલય, મિદરા, મધુબાલા, પ્યાલા, સુરાહી એ સર્વ સ્થૂળ અર્થોની કાંચળી ઉતારી આધ્યાત્મિક ઊંચાઈને આંબે છે. હરિવંશરાયની કલમ ભાવકને વારંવાર કબીરસાહેબના તત્ત્વદર્શનનો અનુભવ કરાવે છે અને કબીર ભારતીય સંસ્કૃતિમાં અંતર્નિહિત એવી માનવ-સંસ્કૃતિના ઉચ્ચ સાધકોમાંના એક છે તેનો કોણ ઇન્કાર કરશે ? મહત્ત્વની વાત એ પણ છે કે ડૉ. હરિવંશરાય બચ્ચને મહાન વાત કરવા માટે ક્લિષ્ટ આડંબરયુક્ત ભાષાનો આશ્રય લીધો નથી. એને બદલે તેમણે બહુધા સાદી, સ૨ળ, બોલચાલની બાની પાસેથી ધાર્યું કામ લીધું છે. તેમની મધુશાલા’ વિદગ્ધ વિદ્વાનો અને સામાન્ય પાઠકોમાં એકસરખી પ્રિય થઈ પડી તેનું આ પણ એક મહત્ત્વનું કારણ હોઈ શકે.

ભાઈ જગદીશ ત્રિવેદીએ સમશ્લોકી અનુવાદ માટે ‘મધુશાલા’ જેવી પ્રકીર્તિત કાવ્યરચના પર કળશ ઢોળ્યો તેમાં પ્રથમ પ્રયત્ને જ તેમની ઉચ્ચ કાવ્ય-રુચિનો ભાવકોને પરિચય થશે. ‘મધુશાલા’ પસંદ કરતાં તો કરી લીધી, પણ તેના સમશ્લોકી અનુવાદમાં સફળ થવાનું એટલું સરળ નહોતું. પરંતુ કહેવું જોઈએ કે જગદીશભાઈને એ ધ્યેયની સિદ્ધિમાં પણ ઉલ્લેખનીય બલકે પ્રશંસનીય સફ્ળતા મળી છે. આ કામમાં એમને કેટલીક અનુકૂળતાઓની જેમ કિંચિત્ પ્રતિકૂળતાઓ પણ હતી. એક અનુકૂળતા તે હિન્દી અને ગુજરાતી ભાષાઓ વચ્ચેનું નૈકટ્ય. તેનું કારણ બંનેનાં મૂળ સંસ્કૃત ભાષામાં રહેલાં છે તે. બીજી અનુકૂળતા તે ડૉ. હરિવંશરાય બચ્ચને મધુશાલા’માં અથેતિ જે લય પ્રયોજ્યો છે તે ગુજરાતીમાં પણ અતિપ્રચલિત અને સુપરિચિત છે જ, પણ મુખ્ય પ્રતિકૂળતા તેમધુશાલાની છેતરામણી સરળતા અને સાદગી છે. હવે તેઓ પ્રાસરચનામાં પુનરાવર્તિત થતા ’હાલા’ , ‘મતવાલા’ વગેરે શબ્દોના ગુજરાતી પર્યાયો પ્રયોજવામાં પણ અનુવાદકની ખાસી કસોટી થઇ હો, પરંતુ જગદીશભાઈએ આ સર્વ પડકારી સફળતાથી ઝીલી બતાવ્યા છે, મૂળ કૃતિની રસાળતા, પ્રવાહિતા, લયાન્વિતતા અને તે સર્વમાંથી પ્રગટ થતું કવિચિંતન ઇત્યાદિને ગુજરાતી ભાષામાં સાંગોપાંગ ઉતારવામાં અનુવાદકને સફળતા મળી છે અને ભાવકને કોઈ ક્લિષ્ટ, તરજૂમીયું લખાણ વાચવાનો ચિત્ત-કલેશ નહીં પણ એક મૌલિકવત્ કાવ્યકૃતિમાંથી પસાર થવાનો આહલાદ સાંપડે છે અને તે જ આ અનુવાદની સફળતા છે. જગદીશભાઈ તેને નમ્રતાપૂર્વક ભાવાનુવાદ’ તરીકે ઓળખાવે છે, હુ તેને ‘સમશ્લોકી અનુવાદ’ લેખાવવાથી આગળ વધીને તેને ‘અનુસર્જન’ ગણવા પ્રેશ છું. કાવ્યગુણે સમૃદ્ધ એવી એક હિન્દીભાષી કાવ્યરચનાને ગુજરાતીમાં ઉપલબ્ધ કરાવવા માટે જગદીશ ત્રિવેદીને હું અભિનંદન આપું છું.”

– ભગવતીકુમાર શર્મા

એક તારો ખયાલ ગઝલ હોય છે – સુધીર પટેલ

એક તારો ખયાલ ગઝલ હોય છે,
ને પછી મુજ હાલ ગઝલ હોય છે.

જે ઘડી બે ઘડી મળીએ આપણે,
હસ્તીના એ જ સાલ ગઝલ હોય છે.

જે ૨હે કોરા એને હોય શું ખબર ?
કે ભીંજાયલ રૂમાલ ગઝલ હોય છે.

શું થયું છે મને, તમે જ લ્યો કહો ?
હોઠ પર આજ-કાલ ગઝલ હોય છે.

હું મથું તોય ક્યાં ગઝલ બને કદી ?
બોલ તારા કમાલ ગઝલ હોય છે

એનો ઉત્તર મળે તો એ ગઝલ નહીં,
કે નિરૂત્તર સવાલ ગઝલ હોય છે.

– સુધીર પટેલ

વાતાવરણ એ ઘરનું ક્યાંથી લવાય પાછું? – અનિલ ચાવડા

જો બારણું તૂટે તો સરખું કરાય પાછું,
વાતાવરણ એ ઘરનું ક્યાંથી લવાય પાછું?

ગઈકાલ જે વીતી ગઈ એ ઓરડો નથી કૈં,
કે મન થતા જ એમાં ચાલ્યા જવાય પાછું.

હો વૃદ્ધ કોઈ એને દૂધિયા જો દાંત ફૂટે,
તો શક્ય છે કે બાળક જેવું થવાય પાછું.

કરમાઈ જે ગયું છે એ પુષ્પને ફરીથી,
એના જ મૂળ રૂપે ક્યાંથી લવાય પાછું ?

નિશ્ચય કરીને ગ્યા છો તો પાર પાડી આવો,
આ સાવ હાથ ખાલી લઈને અવાય પાછું ?

એવી જગાએ આવી થંભી ગયા છીએ કે,
જ્યાં ના વધાય આગળ કે ના વળાય પાછું.

– અનિલ ચાવડા

તેથી ગઝલ લખું છું. – રઈશ મનીઆર

ભાષા આવડતી નથી તેથી ગઝલ લખું છું,
વાત કઈ કરવી નથી તેથી ગઝલ લખું છું.

આંખમાં ભરતી નથી તેથી ગઝલ લખું છું,
હોડીઓ તરતી નથી તેથી ગઝલ લખું છું.

ભાવનાઓ…ઝંખનાઓ…વ્યર્થ વેદનાઓ…
શ્વાસ સાંકળતી નથી તેથી ગઝલ લખું છું.

કોણ, ક્યારે, શું; ને ક્યાંથી, કેમ, કેવી રીતે?
સ્પષ્ટતા કરવી નથી તેથી ગઝલ લખું છું.

શોધ ને અવરોધમાંથી બોધ-ક્રોધમાંથી…
શાંતિ મળતી નથી તેથી ગઝલ લખું છું.

સળવળું છું, ખળભળું છું, ટળવળું- બળું છું,
ચૂપકીદી ફળતી નથી તેથી ગઝલ લખું છું.

જીવવું, જીરવવું, જોવું, જાણીને પ્રજળવું,
આંખ મીંચાતી નથી તેથી ગઝલ લખું છું.

– રઈશ મનીઆર

ગુજરાત! તને હો વંદન..! – વિનોદ જોષી

ગુજરાત સ્થાપના દિવસે કવિ શ્રી વિનોદ જોશી રચિત ગુજરાત ગૌરવનું ગાન ગાતું આ ગીત રજૂ કરતાં અત્યંત આનંદ થાય છે.
આપ સૌને ગુજરાત સ્થાપના દિવસની અઢળક શૂભેચ્છાઓ!

જય હે, જય ગુજરાત ! તને હો વંદન અપરંપાર,
કરી તેં જ ભારત માતાની સ્વતંત્રતા સાકાર…

સત્યાગ્રહની પરમ જ્યોત પ્રગટી તારાં પ્રાંગણમાં,
દાંડીકૂચ તણાં પગલાં પરખાય હજી કણકણમાં;
મુક્તિદૂત ગાંધીનો આપ્યો તેં અનુપમ ઉપહાર,
તને હો વંદન અપરંપાર…

શૂરવીર રજવાડાં તારે અંક અનેક વિરાજે,
સહુ વિલીન થઈ ભળ્યાં પરસ્પર રાષ્ટ્રહિતને કાજે;
તારું ગૌરવ સદા સુહાવે લોહપુરુષ સરદાર,
તને હો વંદન અપરંપાર…

શ્યામકૃષ્ણ વર્મા, રવિશંકર, ઇન્દુલાલ ને રાણા,
વિદ્યાગૌરી જેવાં વિવિધ રાષ્ટ્રભક્તિનાં થાણાં;
મેઘાણી, શ્રીધરાણીના પડઘાય કાવ્યઉદ્ગાર,
તને હો વંદન અપરંપાર…

પાવન તારી અમર અસ્મિતા ઉન્નત ભાવભરેલી,
કરે ગર્વ ગુજરાતી તારા વત્સલ ખોળે ખેલી;
તું સદૈવ છે દિવ્ય ક્રાંતિનો ગહન ગેબ લલકાર,
તને હો વંદન અપરંપાર…

– વિનોદ જોષી



વસંત – જયશ્રી વિનુ મર્ચન્ટ

વસંત ફૂલ હોય છે
ને ફૂલ હોય છે વસંતના ભીના ચહેરાની કુમાશ.
વસંત પાળે છે સપનાં
કોઈ પાંડુની હ્દ્રયવ્યથામાં
વસંત ઉજવે છે ઉત્સવ.
યમુના તટે,
મધરાતે,
પંચમની સૂરસુધામાં
તરબતર થયેલ ગોપીસંગે
છટાથી ડોલતા
કૃષ્ણની રાસલીલાની મસ્તીમાં.

પછી, એ ચાલી જાય છે સંતાકૂકડી રમવા
હિમાલયના બરફમાં પાછી.

રમતાં રમતાં થાકી જાય છે ત્યારે એ
ચક્રવાક મિથુનને શોધતી,
ગગનચુંબી શૃંગો પરથી
હસ્તી, ખેલતી, દડબડતી,
નીચે ઉતરી આવે છે
પ્રણયીની આંખોના વનમાં
ને પછી, એક દિવસ
આ વનમાં,
અહીંના દ્રૂમોમાં,
સૂરજસંગે
તડકે-છાંયે
રમી રમીને થાકે છે ત્યારે,
ચૂપચાપ, એક દિવસ,
વસંત પાછી ચાલી નીકળે છે…

ને પછી –
સૂકાભઠ વનમાં લાગે છે દવ,
ઉન્માદના સૂકા પડી ગયેલા લીલા વાંસના ઘર્ષણથી,
ને, પછી… બાકી રહે છે બળતરા,
રાખ અને રાખમાંથી ચિનગારી.

વસંતને આવતાં તો આવડે છે પણ
પાછા જવાની રીત નથી આવડતી.

– જયશ્રી વિનુ મર્ચન્ટ