દરિયાને પુસ્તકની જેમ તમે વાંચો તો ક્યાંથી સમજાય એની વાતું!
એકાદી ડૂબકી જો મારો તો ભાન થાય, અંદર આ ખળખળ શું થાતું!
કદી દરિયાને શ્વાસમાં પરોવ્યો છે?
તમે દરિયાને દરિયાની જેમ કદી જોયો છે?
મોજાં થઈને જરા ઊછળો તો જાણો કે શું છે આ ફીણ ને કિનારો
આંખેથી સાચુકલાં મોતી ટપકે નહીં ને પૂછો છો: દરિયો શેં ખારો?
કદી નજરુંથી દરિયો વલોવ્યો છે?
તમે દરિયાને દરિયાની જેમ કદી જોયો છે?
-વિમલ અગ્રાવત
****** હયાતીના હસ્તાક્ષરમાં પ્રસ્તુત કવિ શ્રી સુરેશ દલાલ દ્વારા આ કવિતાનો રસાસ્વાદ ******
પૂર્વજોની કવિતા વિશે જેમ લખવું ગમે તેમ નવા નવા કવિઓની કવિતા વિશે પણ લખવાનો આનંદ જુદો હોય છે. સામાન્ય રીતે આપણે પ્રકૃતિમાં માનવ પ્રકૃતિનું આરોપણ કરતાં હોય છે. ગાલ ગુલાબ જેવા ને નાક પોપટ જેવું એવું બધું વર્ણન કરતાં હોઈએ છીએ. પણ પ્રકૃતિને પ્રકૃતિ તરીકે જોતા નથી. કોઈ વિશાળ દરિયો જોઈને તરત જ આપણે કોઈ ઉદાર માણસની કલ્પના કરીએ અથવા આપણે કોઈક માણસને કહીએ કે એ તો દરિયાદિલ છે. દરિયાને દરિયા તરીકે જોવો એમાં ભલે કલ્પના ન હોય, પણ દરિયાપણું શું છે એ સમજવાની આપણી પાસે એક વિશિષ્ટ શક્તિ પણ હોવી જોઈએ.
દરિયાને જોઈને આપણી લાગણીના જાતજાતના લપેડા કરીએ એમાં દરિયો પોતાનું દરિયાપણું ગુમાવી દે છે. માત્ર કિનારે બેસીને દરિયાનાં જાતજાતનાં વર્ણનો કરીએ એમાં આપણે દરિયાને ખંડિત સ્વરૂપે જોઈએ છીએ. કોઈ પણ વસ્તુને વસ્તુ તરીકે પૂર્ણપણે પામવી હોય તો એને એના સહજરૂપમાં અખિલાઈપૂર્વક પામવી જોઈએ. એનો અર્થ એવો નથી કે દરિયાના વિવિધ પ્રકારનાં કાવ્યો ન હોઈ શકે.
કોણ જાણે કેમ પણ જ્યારે જ્યારે હું દરિયાને જોઉં છું ત્યારે મને દરિયો એકલો અને એકલવાયો લાગ્યો છે. એટલે જ આવી પંક્તિ સરી પડી:આટઆટલી પથરાઈ છે રેતી તો યે સાવ એકલો દરિયો/ મોજાંઓની માયા અહીંયા વહેતી તો યે સાવ એકલો દરિયો વિમલ અગ્રાવત એક પડકાર ફેંકે છે કે તમે દરિયાને માત્ર દરિયા તરીકે જ જુઓ. દરિયો ભલે ખુલ્લી કિતાબ હોય, પણ એને કિતાબની જેમ વંચાય નહીં. દરિયાની લિપિ અને ભાષા આપણા કરતાં નોખી અનોખી છે. કાંઠે બેસીને દરિયો જોવો એ એક વાત છે અને દરિયામાં ડૂબકી મારવી અને દરિયાનો અનુભવ કરવો, તીવ્રતાથી એની અનુભૂતિ માણવી એ જુદી વાત છે. દરિયો માત્ર તમારા રોમેરોમમાં નહીં પણ તમારા શ્વાસમાં જાણે કે પરોવાઈ ગયો હોય એટલી હદે દરિયાને દરિયારૂપે જોવો જોઈએ.
દરિયો એટલે નરી વિશાળતા. ઊછળતાં અને શમતાં મોજાં. આ દરિયામાં કેટલીયે આનંદચૌદશ છે. કેટલાયે શ્રીફળો વધેરાયા છે. જીવનથી થાકીને કેટલાઓએ આ દરિયામાં પડતું મૂકર્યું છે. પણ એ બધી દરિયા સિવાયની વાતો છે. દરિયામાં જે મોતી પાકે છે એ મોતી આપણી આંખમાં આંસુરૂપે પણ હોય છે. આપણે અંદરથી વલોવાયા હોઈએ તો દરિયાને વલોવવાની તાકાત આવે.
કદી આપણે આપણી નજરથી દરિયાને વલોવીએ છીએ ખરા? દરિયા વિશેનાં અનેક કાવ્યનો સંચય થઈ શકે એવાં કાવ્યો આપણને જગતની કવિતામાંથી મળી શકે અને કોઈકે એનો સંચય કરવો પણ જોઈએ. પણ પોતાની કવિતાના પ્રેમમાં પડેલા માણસો બીજાની કવિતા લગભગ વાંચતા નથી, તો સંચય કરવાની તો વાત જ ક્યાં? આ સાથે રમેશ પારેખનું એક ગીત માણવા જેવું છે:
દરિયામાં હોય એને મોતી કહેવાય છે, તો આંખોમાં હોય તેને શું?
અમે પૂછ્યું : લે બોલ, હવે તું…
પંખીવછોઈ કોઈ એકલી જગ્યાને તમે માળો કહેશો કે બખોલ?
જોવાતી હોય કોઈ આવ્યાની વાટ ત્યારે ભણકારા વાગે કે ઢોલ?
બોલો સુજાણ, ઊગ્યું મારામાં ઝાડવું કે ઝાડવામાં ઊગી છું હું?
અમે પૂછ્યું : લે બોલ, હવે તું…
ઊંચી ઘોડી ને એનો ઊંચો અસવાર : એના મારગ મોટા કે કોલ મોટા?
દરિયો તરવાની હોડ માંડે તો દરિયાનું પાણી જીતે કે પરપોટા?
સૂરજ ન હોય તેવી રાતે ઝીંકાય છે એ તડકાઓ હોય છે કે લૂ?
અમે પૂછ્યું : લે બોલ, હવે તું…