કવિ કૃષ્ણદવેની પ્રતિલિપિ સાથેના એક મુલાકાત કાર્યક્રમની સુંદર વિડીયો યુટ્યુબ ઉપર છે જેમાં કૃષ્ણ દવે આ કવિતાનું પઠન કરે છે.
એની રોજે રોજ હોય છે બબાલ.
પરપોટા હાથમાં લઇ હમણાં કહેતો’તો
આની ઊખડતી નથી કેમ છાલ?
એની રોજે રોજ હોય છે બબાલ.
એક’દી તો સુરજની સામે થઇ ગ્યો,
ને પછી નોંધાવી એફ. આઇ.આર.
શું કહું સાહેબ ! આણે ઘાયલ કરી છે,
મારી કેટલી યે મીટ્ઠી સવાર.
ધારદાર કિરણોને દેખાડી દેખાડી,
લૂંટે છે મોંઘેરો માલ.
એની રોજે રોજ હોય છે બબાલ.
એક’દી તો દોડતો ઇ હાઇકોર્ટ ગ્યેલો,
ને જઇને વકીલને ઇ ક્યે:
ચકલી ને ચકલો તો માળો બાંધે છે,
હવે તાત્કાલિક લાવી દ્યો સ્ટે.
બેસવા દીધું ને એમાં એવું માને છે,
જાણે બાપાની હોય ના દિવાલ?
એની રોજે રોજ હોય છે બબાલ.
એક’દી જુવાનજોધ ઝાડવાને કીધું,
કે માંડ્યા છે શેના આ ખેલ?
બાજુના ફળિયેથી ઊંચી થઇ આજકાલ,
જુએ છે કેમ ઓલી વેલ?
શેની ફૂટે છે આમ લીલીછમ કૂંપળ,
ને ઊઘડે છે ફૂલ કેમ લાલ?
એની રોજે રોજ હોય છે બબાલ
ચાલ પંખીની ભાષા કંઈ જાણીએ
કવિઓ તો અઘરું ને ઝાઝું બોલે છે ચાલ સહેલું ને થોડું કંઈ માણીએ
ટિટોડી કકળીને કહેતી પણ હોય કે આ આખું તળાવ મારું આણું
એમાં જો કલકલિયો ઊંધો પછડાય અને સોંસરવું પાડી દે કાણું
કાળોકોશી તો એને શીખવવા બેસે કે ચાલો કલકલિયાને મારીએ
ચાલ પંખીની ભાષા કંઈ જાણીએ.
બગલાનું કહેવું કે આખાં તળાવ કોઈ આણામાં માગે એ કેવું ?
ચકલી કે’ અમને તો આટલુંક આપેલું ધૂળ મહીં નાહ્યાની જેવું
પોપટ કાં પારેવાં બોલતાં રહે કે આવા ઝગડાઓ ઘરમાં ના ઘાલીએ
ચાલ પંખીની ભાષા કંઈ જાણીએ
કવિ કૃષ્ણદવેની પ્રતિલિપિ સાથેના એક મુલાકાત કાર્યક્રમની સુંદર વિડીયો યુટ્યુબ ઉપર છે જેમાં કૃષ્ણ દવે આ કવિતાનું પઠન કરે છે.
થોડો બાવળને આવ્યો કંટાળો.
ઑફિસમાં બોલાવી સુઘરીને પૂછ્યું કે કેટલોક બાકી છે માળો ?
થોડો બાવળને આવ્યો કંટાળો.
સુઘરી કહે કે સાહેબ પોતાનું ઘર છે કાંઈ બિલ્ડરની જેમ થોડું બાંધીએ ?
એક એક તરણાંની રાખીએ ડિટેલ, એને જાતમાં પરોવીએ ને સાંધીએ.
વ્હાલસોયાં બચ્ચાંનો હોય છે સવાલ, એમાં સ્હેજે ના ચાલે ગોટાળો…
થોડો બાવળને આવ્યો કંટાળો…
ધોધમાર ધોધમાર વરસે વરસાદ તોય છાંટાની લાગે ના બીક,
ફલૅટની દીવાલ અને ધાબાં જોયાં છે ! એક ઝાપટામાં થઈ જતાં લીક,
રેતી સિમેન્ટમાં હેત જો ભળે ને, તો જ બનતો આ માળો હૂંફાળો…
થોડો બાવળને આવ્યો કંટાળો…
ક્વૉલિટી માટે તો ધીરજ પણ જોઈએ ને ? બાવળ કહે કે ભાઈ ઑ.કે.,
ચોમાસું માથે છે એટલે કહ્યું જરાક જાવ હવે કોઈ નહીં ટોકે.
ખોટું ના લાગે તો એક વાત કહી દઉં કે –
આ ઊંધા લટકીને જે પ્લાસ્ટર કરો છો, એમાં થોડીક શરમાય છે આ ડાળો…
થોડો બાવળને આવ્યો કંટાળો…
– કૃષ્ણ દવે
7મૅ એટલે કવિવર ટાગોરનો જન્મદિવસ.એમનાં ગીતોના સમગેય અનુવાદોના ગાનનો કાર્યક્રમ વિશ્વકોશમાં 7 ઑગસ્ટ 2019 (ટાગોર નિર્વાણદિન)ને દિવસે યોજાયેલો. ટાગોરપ્રેમી શૈલેશ પારેખનો વિચાર એવો હતો કે શબ્દોમાં ગુજરાતી અનુવાદ હોય અને સ્વરાન્કન ટાગોરનાં – મૂળ બંગાળી પ્રમાણે.
આજે એવો એક સમગેય અનુવાદ સાંભળો.
ગાંધીજીને ટાગોરની આ રચના પ્રિય હતી. કહે છે કે ટાગોર ગાંધીજીને પૂનાની જૅલમાં મળવા માટે ખાસ શાંતિનિકેતનથી પૂના ગયેલા. 26 સપ્ટેમ્બર 1932ના દિવસે બંનેનું મિલાન થયું. તે જ દિવસે અંગ્રેજ વડાપ્રધાને પૂના સમજૂતીને મંજૂરી આપી છે એવા સમાચાર મળતા ગાંધીજીના ઉપવાસ પૂર્ણ થયા. ત્યાં ગાંધીજીની ઈચ્છાથી ટાગોરે આ રચના મૂળ બંગાળીમાં ગાયેલી. કહે છે કે પછી જયારે પણ ઉપવાસ પૂર્ણ થાય ત્યારે આ રચના ગવાય એવો શિરસ્તો થઇ ગયેલો.
ઇતિહાસવિદ રામચંદ્ર ગુહાના પુસ્તક ‘Gandhi the years that changed the world 1914-1948’ માં ગાંધી-ટાગોરના આ મિલનની આમ નોંધ છે: ‘….on the afternoon of the 26th, the poet ‘bent with age and covered with a long flowing cloak proceeded step by step very slowly to greet Gandhiji who was lying in bed. Bapuji…. affectionately embraced Tagore, and then began to comb his white beard with his shaking fingers, like a child. …To celebrate, Tagore sang a verse from his Nobel Prize-winning poem, Gitanjali. Kasturba then offered her husband some orange juice,…’
મહાદેવભાઈની ડાયરીમાં પણ આમ નોંધ છે:
‘કવિએ “જીવન જખન શુકાયે જાયે” ગાયું.સુભાગ્યે એ મારી પાસે લખેલું હતું. એનો રાગ એ તો ભૂલી જ ગયા હતા.’
તાળાબંધી દરમિયાન મેં માત્ર હાર્મોનિયમ ને મંજીરાંને સહારે ગાયેલી આ રચના સાથે આ કવિઓના કવિ ટાગોરને વંદન.
-અમર ભટ્ટ
કવિ: રવીન્દ્રનાથ ટાગોર
સમગેય અનુવાદ:ગાન:અમર ભટ્ટ
.
જીવન જ્યારે સુકાય ત્યારે
કરૂણાધારે આવો
સકળ માધુરી છુપાય ત્યારે
ગીતસુધારસે આવો
કર્મ પ્રબળ આકારે જ્યારે
ગાજે,ઘેરે ચારે કોરથી ત્યારે
હૃદયપ્રાંગણે હે જીવનનાથ!
શાંત ચરણે આવો
દીન બની મન મારું જ્યારે
ખૂણે પડ્યું રહે થાકીને ત્યારે
દ્વાર ખોલી હે ઉદાર નાથ!
વાજન્તા ગાજન્તા આવો
વાસના ધૂળ ઊડાડી જ્યારે
અંધ કરે આ અબોધને ત્યારે
હે પવિત્ર, હે અનિંદ્ર, રુદ્ર તેજે આવો!
સાઉથ આફ્રિકામાં ફિનિક્સ સૅટલમેન્ટમાં આ અંગ્રેજી લખાણ નીચે એમ લખ્યું છે- The Only Poem Composed by Gandhi.
9 સપ્ટેમ્બર 1934ના દિવસે ગાંધીજીએ હૈદરાબાદ વેલફેર સેંટરનાં મિસ માર્ગારેટને અંગ્રેજીમાં એક સંદેશો લખી આપેલો તે આ લખાણ. ગાંધી આશ્રમમાં ‘હૃદયકુંજ’ ની બહાર પણ આ લખાણ જોવા મળે છે. અંગ્રેજી કાવ્ય પઠનસ્વરૂપે અને ગુજરાતીમાં ઝૂલણા છંદમાં એનો ગેય અનુવાદ ઉમાશંકર જોશીએ કર્યો તે ગાન સ્વરૂપે અમારા આલબમ ‘કાવ્યસંગીતયાત્રા:2’માં છે તે આજે ખાસ માણો.
– અમર ભટ્ટ
LORD OF HUMILITY
Lord of humility, dwelling in the little pariah hut
help us to reach for Thee throughout
that fair land watered by Ganges,
Brahmaputra and Jamuna.
Give us receptiveness,
Give us open-heartedness,
give us Thy humility,
Give us the ability and willingness
to identify ourselves
with the masses of India.
O God!
who does help only when man
feels utterly humble,grant that we
may not be isolated from the people.
we would serve as servants and friends.
Let us be embodiments of self-sacrifice,
embodiments of godliness,
humility personified, that we may know
the land better and love it more.
– M.K.Gandhi
ભૂમિ આ જ્યાં વહે ગંગાજમુના અને
બ્રહ્મપુત્રા તણાં વિપુલ વારિ,
ત્યાં તને પામવા શોધ ચારે ખૂણે
સતત કરીએ,હજો સ્હાય તારી
મન રહે મોકળાં, હ્ર્દય ખુલ્લાં રહે
હે હરિ,તાહરી નમ્રતા દે,
સકલ ભારતજનોથી થવા એકરસ,
પૂર્ણ લગની અને શક્તિ તું દે
હે પ્રભુ,ધાય વ્હારે તું જયારે ખરે,
થઇ રહે માનવી નમ્ર છેક,
અલગ પડીએ આ લોકોથી-દે આટલું
મિત્ર-સેવક થવું એ જ ટેક
આત્મબલિદાન, પ્રભુલીનતા ,નમ્રતા
જીવને મૂર્ત થાઓ અમારા,
જેથી આ દેશને સમજીએ ખુબ ને,
એ પ્રતિ ઊમટે પ્રેમધારા
-મોહનદાસ ગાંધી
હિન્દીમાં યુટ્યુબ ઉપર સુંદર વિડિઓ છે
માવજીભાઈએ એક સરસ ઈમેલ કર્યો જેમાં મન્ના ડેનું ૧૯૬૮નું એક રેકોર્ડિંગ મોકલ્યું,એ પણ સાંભળવા જેવું ખરું.આ ઉપરાંત The Record News સામાયિકનો ૨૦૧૧ના એક અંકમાં ગાંધીજી લખેલી આ રચના વિષે પણ વાત લખી છે એ મોકલી.વાત કેટલી સાચી એની ચકાસણી થઇ શકે એમ નથી પણ વાત અહીં શબ્દ સહ મુકું છું.