Category Archives: ટહુકો

‘કાવ્ય લાવણ્ય’ : કવિ શ્રી રાજેન્દ્ર શુક્લની રજૂઆત (Dec. 18 – USA) (Dec. 19 – India)

Granth Goshthi and Tahuko Foundation is inviting you to a scheduled Zoom meeting.

Join Zoom Meeting –
https://us02web.zoom.us/j/83532519108Meeting ID: 835 3251 9108
Passcode: 121212

Online Event
December 18, 2020 at 6:30 PM PST (USA)
December 19, 2020 at 8:00 AM – INDIA

વૃક્ષ – રાજેન્દ્ર શુક્લ

(કવિના પોતાના અવાજમાં કાવ્યપઠન)

વર્ષો વિતે વૃક્ષ થતું જ વૃદ્ધ;
શાખા-પ્રશાખા અતિશે પ્રવૃદ્ધ,
ફૂલે ફળે ને લચતું રસાળ;
છાયાય કંઈ વિસ્તરતી વિશાળ!

તાપે તપે ને તપ એનું તેજ;
ચોપાસ જાણે ઘટતો જ ભેજ,
પાસેનું સર્વે રસહીન થાય;
તો મૂળ ઊંડા અતિદૂર જાય!

છાયા તળે જીવ બધાં અજાણ,
કોને કયહીંથી કંઈ હોય જાણ?
માળે બધાં પંખી કરે કલોલ,
એ એકલું એમજ કંઈ અબોલ!

જોયાં કરે વાટ, કરાલ કાળ-
ઉન્મૂલ ક્યારે કરશે કૃપાળ!

– રાજેન્દ્ર શુક્લ

અમે મુસાફરો – મકરંદ દવે

અમે મુસાફરો, મુસાફરો મહાન ખલ્કના !

વૃદ્ધ ભૂતકાળ બાળ શો હતો રહ્યો રમી
સૃષ્ટિ આ કુમારી વિશ્વમાં નવી ઉષા સમી
ઊઘડી હતી ત્યહીં
મુગ્ધતા અહીં ;

ત્યારે દેશ દેશ મુલ્ક મલકમાં ભમી ભમી
અમે પ્રથમ ધરા મહીં ભરેલ ગીત હર્ષનાં
અમે મુસાફરો ! મુસાફરો અનંત વર્ષના.

અમે મુસાફરો ! કમાલ કારવાં જુઓ ચલે !
ગીચ જંગલે નવીન કેડી જાય પાડતા
કાળમીંઢ પર્વતોની ભીંતને ઉખાડતા
શુષ્ક રણે બાગ સૌ બહારના ઉગાડતા,

સમુદ્રને મહા પટે
અનેક નદીને તટે
વહી રહ્યા, વધી રહ્યા, કદમ કદમ પળે પળે;
અમે મુસાફરો, મુસાફરો સદા ગતિભર્યા
અમે વિશાળ સર્વ માટે માર્ગ મોકળા ધર્યા.

પ્રકૃતિના ચાહકો
સંસ્કૃતિના વાહકો
સૌન્દર્ય, પ્રેમ, પુણ્યના પ્રથમ અમે ઉપાસકો ;
અમે મુસાફરો, અમારી કૂચ મુક્તિ કારણે
ટે’લ નાખતા જઈ યુગોથી સર્વ બારણે,

સાથ આવો ! અંધકાર છોડી કોટડી તણા
સાથ આવો ! બેડીબંધ તોડીને રિબામણા
સાથ આવો ! નોતરી રહી નવી વિચારણા ;

અમે મુસાફરો, મુસાફરો પ્રદીપ મુક્તિના
પંથ કોડિયાં જલાવતા પ્રસુપ્ત શક્તિનાં
પ્રકાશ તણા ગાયકો
અમે મહાન સ્વપ્ન સાથ સત્યના વિધાયકો.
 – મકરંદ દવે

વાટ જુએ છે મીરાં – મીરાંબાઈ

સ્વર રચના: જયદેવ ભોજક
સંગીત : વિક્રમ પાટીલ
કંઠ : માધ્વી મેહતા

.

વાટ જુએ છે મીરાં રાંકડી રે,
ઊભી ઊભી અરજ કરે છે દીનાનાથની.

મુનિવર સ્વામી, મારે મંદિર પધારો રે,
સેવા કરીશ દિન-રાતડી રે…ઊભી.

ફૂલના તે હાર ને ફૂલના ગજરા રે,
ફૂલના તોરા ને ફૂલ-પાંખડી રે…ઊભી.

પય પકવાન વા’લા, મીઠાઈ ને મેવા રે,
ઘેબર જલેબી તલ-સાંકળી રે..ઊભી.

લવિંગ સોપારી ને પાનનાં બીડલાં રે,
એલચી દોડા ને તજ પાંખડી રે..ઊભી

સાવ સોનાનાં વા’લા, સોગઠાં ઢળાવું રે,
રમવા આવો તો જાય રાતડી રે…ઊભી.

બાઈ મીરાં કે પ્રભુ ગિરધર નાગર,
જોતાં ઠરે છે મારી આંખડી રે..ઊભી.
– મીરાંબાઈ

બંસીવાલા આજે મોરા દેસ – મીરાંબાઈ

શબ્દ રચના: મીરા બાઈ
સ્વર રચના: જયદેવ ભોજક
સંગીત : વિક્રમ પાટીલ
કંઠ : માધ્વી મેહતા

.

બંસીવાલા આજે મોરા દેસ
તોરી સાંવરી સુરત હદ વેસ

આવન આવન કહે ગયે
કર ગયે કોલ અનેક
ગિણતાં ગિણતાં ઘીસ ગયી જિભા
હારી આંગળિયારી રેખ

એક બન ઢૂંઢી સકલ બન ઢૂંઢી
ઢૂંઢયો સારો દેસ
તોરે કારણ જોગણ હોઉન્ગી
કરુંગી ભગવો વેસ

મોર મુગુટ શિર છત્ર બિરાજે
ઘૂંઘરિયાળાં કેસ
મીરા કે પ્રભુ ગિરિધર નાગર
આવો ને એણી વેસ
– મીરાંબાઈ

તમારી યાદની -અમૃતલાલ દવે

શબ્દ રચના: અમૃતલાલ દવે
સ્વર રચના : જયદેવ ભોજક
કંઠ: માધ્વી મહેતા

.

તમારી યાદ ની હું ક્યાં જઉં ફરિયાદ કરવાને
નથી ઉપયોગી આ એકે અદાલત ન્યાય કરવાને

બની ને પ્રેમ માં પાગલ, કરી પરવા ન દૌલત ની
કરું અવ ખર્ચ પણ શેનો, મુકદ્દમો પાર કરવા ને

ભલે એ કોઈ ના દે દાદ કિન્તુ ચાંદની ઝરતી
હશે ને જોડ સારસ ની હશે નીકળી વિહારવાને

ટહુકો માનિની મદહર હશે કો કોકિલા કરતી
થશે ત્યારે અનુકૂળ એ અદાલત ન્યાય કરવા ને
-અમૃતલાલ દવે

શ્યામ મને અંગે લગાવે – “પરિમલ”

શબ્દ રચના: “પરિમલ”
સ્વર રચના : જયદેવ ભોજક
સ્વરઃ માધ્વી મહેતા
આ 40 વર્ષ જૂનું રેકોર્ડિંગ છે.

.

શ્યામ મને અંગે લગાવે તો આવું
કે રાધારાણી રટે ચડ્યાં રે લોલ
અંગ અંગ શ્યામલ બનાવે તો આવું
કે રાધારાણી રટે ચડયાં રે લોલ

રાધા તું શ્યામ બને શ્યામ ને ન ભાવે
ભોળી રાધા ને કોણ સમજાવે
કોઈ ને ના બંસી સુણાવે તો આવું

કાન્હા ની બંસી તો દુનિયા ની બંસી
નર ને નારીઓના હૈયા ને ડંસી
અવની થી આંખ બચાવે તો આવું

બંસી થી કાન્હા એ દુનિયા ને રંગી
એ ના સરજી આ પૃથ્વી ઉમંગી
અંગ અંગ બંસી બનાવે તો આવું
-“પરિમલ”

મારું એકાંત – પન્ના નાયક

Radhanagar beach, Andaman… Photo: Vivek Tailor

મને ગમે છે
મારું એકાંત.

ઘોંઘાટ શમી ગયો હોય છે,
ચિત્ત શાંત થયું હોય છે,
પછી
મારી મારે માટેની શોધ
આરંભાતી હોય છે,

અને
કાવ્યની પ્રથમ પંક્તિ
રૂમઝૂમ કરતી આવતી હોય છે
મારી પાસે,

અને
હરજી હળવે હળવે
મૂકતા હોય છે હાથ
મારે ખભે…

-પન્ના નાયક

ફૂલ સમી તું દૃષ્ટિ ફેંકે – વિવેક મનહર ટેલર

ફૂલ સમી તું દૃષ્ટિ ફેંકે, તને મળે ગજરો ઉત્તરમાં*,
રગરગમાં કંઈ મઘમઘ મહેંકે, કહેવું કેમ કરી અક્ષરમાં?

વાણીનો ‘નહીં બનેલ’ સેતુ તારા-મારા કાંઠા વચ્ચે,
એક નજરથી એમ રચાયો, ના સાંધા-ના વાંધા વચ્ચે;
મોઘમના અંતરાયો ઠેકે એક નજર કેવી પળભરમાં!

નહીં લખેલાં વાંચ્યાં કાવ્યો, નહીં રચેલાં ગાયાં ગીતો,
નહીં કરેલી થઈ ગઈ પ્રીતો, ‘નથી’ હતાં એ ‘છે’ મનમીતો;
એક નજરનો જાદુ છે કે પ્રેમ થયો પરગટ પથ્થરમાં.

એક નજરનું રેશમ ઝાલી કરાડ સૌ વિકરાળ ચડીશું,
સહિયારા શ્વાસોના સ્પર્શે સમજણને સંકાશ અડીશું;
ખાધું,પીધું ને રાજ મળે કે હોય ભલે કાંટા જીવતરમાં…
ફૂલ સમી તું દૃષ્ટિ ફેંકે, તને મળે ગજરો ઉત્તરમાં.

– વિવેક મનહર ટેલર
(૦૮-૦૭-૨૦૨૦)

(પુણ્યસ્મરણ: રમેશ પારેખ: ‘ફૂલ સમી હું દૃષ્ટિ ફેંકું, મને મળે ગજરો ઉત્તરમાં’)

શ્ર્રી જયદેવભાઇ ભોજકને યાદ કરતાં

પ્રખર સંગીતકાર અને સંગીત ગુરુ શ્ર્રી જયદેવભાઇ ભોજકનું અવસાન 3 ડિસેમ્બર 2020ના રોજ થયું.એમની શ્રધાંજલિ રૂપે અમે એમના સ્વરાંકનો અહીં પ્રસ્તુત કરીએ છીએ.માધ્વી મહેતાના આ સ્વરાંકનો અમને આપવા બાદલ આભારી છીએ.

ભોજક એટલે જૈન સંગીતકાર. ગુજરાતમાં ભોજક, નાયક, વ્યાસ અને મીન ચાર જાતિના લોકો નાટ્ય અને સંગીત ક્ષેત્રે પરંપરાગત રીતે સંકળાયેલા હોય છે. ગજાનનકાકાએ કહ્યું હતું કે, સંગીત આપણા પરિવારમાંથી જવું જોઈએ. તમારી પેઢીમાં સંગીતના કલાકારો એટલા છે જેટલા નાન્હાલાલના પરિવારમાં કવિઓ પણ નહિ હોય.
-જયદેવ ભોજક, સંગીતકાર

સંગીત સાથે સંકળાયેલ પરિવાર
ત્રીજી પેઢી | દલસુખભોજક
ચોથીપેઢી | નારણદાસ,કુષ્ણલાલ, વાસુદેવ, ગજાનન ભોજક.
પાંચમીપેઢી | જયદેવ,લાભશંકર, નામદેવ, જગદેવ, ડો.પ્રભાતદેવ અને રમાદેવી ભોજક.
છઠ્ઠીપેઢી | ગિરીરાજ,હેમેન્દ્ર, દેવરાજ, હંસરાજ, હેમંત, મેહુલ, ગોપી, પ્રતિમા, ભાવના
સાતમીપેઢી |બ્રીન્દા, હાર્મની,ખુશબુ, આશિષ, પરમ, મથુર, મીરા, યશ

શહેરનો ભોજક પરિવાર અને સંગીત એકબીજાનું પર્યાય છે. સંગીત ક્ષેત્રે ગુજરાતમાં નામાંકિત, તેમજ સુગમ સંગીત ક્ષેત્રે પ્રખ્યાત પરિવારના ગળથૂંથીમાં સંગીત વણાયેલું છે. આજે તેમની સાતમી પેઢી સંગીતના વારસાને તેમજ પરિવારની પ્રથા સાચવવામાં સફળ નીવડી છે. ભોજક પરિવાર અને રાજ ઘરાનના સંગીત સાથે અનેરો નાતો છે. મૂળ ભાવનગરનું પરિવાર. જેમની ત્રીજી પેઢીમાં થયેલ દલસુખ ભોજક અને તેમના ચાર પુત્રો ભાવનગર રાજ પરિવારના ગાયકો હતા. સંગીતનું તેમનામાં પ્રચૂર જ્ઞાન. ત્યાર બાદ વાસુદેવ ભોજકના મોટાપુત્ર જયદેવ ભોજકે વડોદરામાં આકાશવાણી કેન્દ્રમાં મ્યૂઝિક ડાયરેક્ટરની નોકરી મેળવીને વડોદરામાં સ્થાયી થયા હતાં. પણ, મોટા પુત્રની જવાબદારી તેમણે નિભાવીને અને બાકીના તમામ ભાઈ-બહેનોને સંગીત શીખવાડ્યું. પૂર્વજો જ્યાં શાસ્ત્રીય સંગીતમાં માસ્ટર હતા, ત્યાં જયદેવભાઈએ સુગમ સંગીતમાં રસ દાખવીને તમામને શીખવાડ્યું. મહારાજા સ્વ.રણજીતસિંહ મહારાજ, પ્રજ્ઞા છાયા, કૃષ્ણકુમાર ગોસ્વામી, રાજેન્દ્ર શાહ, ભાવના નાયક, માયા વ્યાસ, આસિત દેસાઈ, વ્રજલતા વહુજી, અંજલી મેઢ, લતા પ્રભુણે જેવા અનેક કલાકારો તેમની પાસેથી તાલીમ લીધી હતી.

પ્રખર સંગીતકાર અને મ્હારા સૌ પ્રથમ સંગીત ગુરુ શ્ર્રી જયદેવભાઇ ભોજક ને આ સાથે હું ભાવભીની શ્રદ્ધાંજલિ અર્પું છું. એમનો દેહ વિલય ત્રીજી ડિસેમ્બર 2020 ના રોજ થયો. એમની પાસે સંગીત શિખવું એ મ્હારું અહોભાગ્ય હતું. અને એ યાદો તાજી કરતી હતી ત્યારે AIR ઉપર ગાયેલાં એમના compositions ના ઘણાં જૂનાં recordings હાથ મા આવ્યાં. આ ઓરિજિનલ recordings લગભગ ચાળીસ થી પણ વધારે વર્ષ જૂનાં છે અને બે ત્રણ વાર ટ્રાન્સફર થવા થી ઓરિજિનલ સ્પીડ માં થોડો ફેરફાર થઇ ગયો છે પણ પૂજ્ય જયદેવભાઇ ને શ્રદ્ધાંજલિ રૂપે આ ગીતો જે એમના compositions છે એ અહીં રજુ કર્યાં છે. છેલ્લા બે tracks “બંસીવાલા આજો મોરા દેસ” અને “વાટ જુવે છે મીરા રાંકડી” એ વધારે recent રેકોર્ડિંગ્સ સ્ટુડિયો માં કરેલા છે. હું નવ વર્ષ ની હતી ત્યારથી મ્હારાંમાં સંગીત ના સંસ્કાર નું સિંચન કરવા બદલ હું પૂજ્ય જયદેવભાઇ ની આજીવન ઋણી રહીશ. હરિ ૐ .
— માધ્વી મેહતા

શ્ર્રી જયદેવભાઇ ભોજક વિષે માહિતી મેળવવા અહીં ક્લિક કરો.

શ્ર્રી જયદેવભાઇ ભોજકના અવાજમાં 40 જૂનું રેકોર્ડિંગ માધ્વીબેન એ મોકલ્યું છે.સાંભળો (ઓડિયો જૂનો છે એટલે ગુણવત્તા એટલી સારી નથી)

.

.

1.સજાવે વેણી સુંદર શ્યામ – સુરેશા મજમુંદા
2.શ્યામ મને અંગે લગાવે – “પરિમલ”
3.તમારી યાદની -અમૃતલાલ દવે
4.બંસીવાલા આજે મોરા દેસ – મીરાંબાઈ
5.વાટ જુએ છે મીરાં – મીરાંબાઈ
6.મન મન સુમિરન તવ કરું – રમેશ પટેલ ‘પ્રેમોર્મિ’
7.અંતરની વીણા ના તારો તુંહી – રમેશ પટેલ ‘પ્રેમોર્મિ’