Category Archives: કાવ્યપ્રકાર

કા’નાને માખણ ભાવે રે.. કા’નાને મીસરી ભાવે…

સ્વર : હેમંત ચૌહાણ
makhan1.jpg

.

કા’નાને માખણ ભાવે રે
કા’નાને મીસરી ભાવે રે

ઘારી ધરાવું ને ઘુઘરા ધરું ને ઘેવર ધરું સૈ
મોહનથાળ ને માલપૂઆ પણ માખણ જેવા નૈ
કા’નાને …

શીરો ધરાવું ને શ્રીંખડ ધરું ને સૂતરફેણી સૈ
ઉપર તાજા ઘી ધરાવું પણ માખણ જેવી નૈ
કા’નાને …

જાતજાતના મેવા ધરાવું દૂધ સાકર ને દૈ
છપ્પનભોગની સામગ્રી પણ માખણ જેવી નૈ
કા’નાને …

સોળ વાનાના શાક ધરાવું ને રાયતા મેલું રાય
ભાતભાતની ભાજી ધરું પણ માખણ જેવી નૈ
કા’નાને …

એક ગોપીએ જમવાનું કીધું ને થાળ લૈ ઉભી રૈ
વળતા વ્હાલો એમ વદ્યા પણ માખણ જેવા નૈ
કા’નાને …

એક ગોપીએ માખણ ધર્યુંને હાથ જોડી ઉભી રૈ
દીનાનાથ તો રીઝ્યા ત્યારે નાચ્યા થૈ થૈ થૈ
કા’નાને …

સંવાદ રાખું છું – ગૌરાંગ ઠાકર

dew

અહીંયા એ રીતે હું આપણો સંવાદ રાખું છું,
બધું ભૂલી જવામાં પણ તને અપવાદ રાખું છું.

તને આપી જવી છે એટલે હું યાદ રાખું છું,
નહીંતર હર ખુશીમાં જાત મારી બાદ રાખું છું.

સરળતાથી મને વાંચી શકે તું એટલા માટે,
હું મારી વારતાનો અશ્રુમાં અનુવાદ રાખું છું.

જો ભીના થઇ શકાતું હોય તો મારી તલાશી લ્યો,
હું મારા એક ખિસ્સામાં સતત વરસાદ રાખું છું.

સ્મરણ પંખી બની મુજ ટોડલે ટહુક્યા કરે તેંથી,
તને સંબંધના પિંજરથી હું આઝાદ રાખું છું.

માણસ – વેણીભાઇ પુરોહિત

silhouette.jpg

કરવતથી વહેરેલાં
ઝેરણથી ઝેરેલાં,
કાનસથી છોલેલાં,
તોયે અમે લાગણીના માણસ.

બોમબોમ બીડેલાં પંખાળાં સાંબેલા,
તોપ તોપ ઝીંકેલા, આગ આગ આંબેલા,
ધણધણ ધુમાડાના
બહેરા ઘોંઘાટ તણી ઘાણીમાં પીલેલાં :
તોય અમે લાવણીના માણસ.

ખેતરના ડૂંડાંમાં
લાલ લાલ ગંજેરી,
શ્યામ શ્યામ સોનેરી,
ભડકે ભરખાયલ છે : દાણા દૂણાયલ છે :
ઊગવાના ઓરતામાં વણસેલા કણસેલાં –
તોય અમે વાવણીના માણસ.

ભૂખરાં ને જાંબુડિયાં… દૂધિયાં પિરોજાં,
દીઠાં ને અણદીઠાં દરિયાનાં મોજાં,
માતેલાં મસ્તાનાં ઘૂઘરિયાં સોજાં :
કાંઠેથી મઝધારે
સરગમને સથવારે,
તોય અમે આવણીને જાવણીનાં માણસ.
ચડતી ને ઊતરતી ભાંજણીનાં માણસ.
કરવતથી….

ગઝલ – અશરફ ડબાવાલા

ઘરમાં એવાં કો’ક દિવસ ચોઘડિયાં આવે,
ખૂટે આંખમાં પાણી ત્યારે ખડિયા આવે.

ડૂબી ડૂબીને ડૂબવાનું શું માણસમાં ભૈ;
એક વેંત ઊતરો ને ત્યાં તો તળિયાં આવે.

ડગલું એક ભરી શકવાના હોંશ નથી, પણ
ડગલું એક ભરું તો તારાં ફળિયાં આવે.

ઘંટીંના પથ્થરની જેવા વિચાર છે, ને –
મારી તારી વચ્ચે બબ્બે દરિયા આવે.

શબ્દોની હૂંડી લઇ ઊભો ભાષાના દરવાજે,
પાછો વળવા જાઉં અને શામળિયા આવે.

આજનું બોનસ…. કૃષ્ણગીતો….

જ્યારે એક મિત્રએ મને પૂછ્યું કે જન્માષ્ટમીના દિવસે ટહુકા પર શું છે? – તો આવો કંઇ જવાબ આપવાની ઇચ્છા થઇ ગઇ – ‘મારા કથકલીના નૃત્યનું વિડિયો રેકોર્ડિંગ ‘ 🙂 ) . પણ એ તો તમને ખબર જ હશે, કે જ્યારે આખુ વર્ષ થોડા થોડા દિવસે કૃષ્ણભક્તિ અને કૃષ્ણપ્રેમના ગીતો ટહુકો પર આવતા હોય, તો જન્માષ્ટમીનો દિવસ કંઇ બાકી રહે ?

ટહુકાના રોજના ક્રમ પ્રમાણે આજે કૃષ્ણજન્મના પ્રસંગને અનુરૂપ એક રચના તો મુકી જ છે, અને આજે કવિ શ્રી કૃષ્ણ દવેના જન્મદિવસને ઉજવવા એમનું પણ એક બાળગીત છે ટહુકો પર….

અને બીજી એક ખુશી જરા મોડી મોડી ટહુકો પર ઉજવીએ… આપણા અનોખા અને વ્હાલા બ્લોગ : સહિયારું સર્જનનો જન્મદિવસ… ( 2 સપ્ટેમ્બર ). ઊર્મિએ શરૂ કરેલો આ બ્લોગ જાતે લખવાની અને લખતા શીખવાની ઇચ્છા ધરાવતા ગુજરાતી માટે એક ‘ઓનલાઇન પોએટ્રી વર્કશોપ’ છે…. જન્મદિવસની હાર્દિક શુભેચ્છાઓ, ઊર્મિ.. 🙂

અને હા…. બ્લોગસ્પોટ પર શરૂ કરેલા બે બ્લોગમાંથી એક ‘મોરપિચ્છ’ ( જે આજે તો ટહુકોનો જ એક ભાગ છે ) વર્ડપ્રેસમાં લાવ્યા હતા, એ દિવસ પણ તો 4થી સપ્ટેમ્બર જ તો હતો… ચલો… હવે વધારે વાતો નથી કરવી.. ( એટલે કે આજનો દિવસ… બાકી આમ કંઇ મારી વાતો બંધ થાય એવી નથી… મને તો કોઇ નવો મોકો મળે એટલી વાર, પાછી આવી જઇશ તમારી સાથે વાતો કરવા….. 😀 )

તો સાંભળો… આ પહેલા ટહુકો પર મુકાયેલા અને હવે પછી ટહુકો પર આવનારા થોડા કૃષ્ણભકિત અને કૃષ્ણપ્રેમના ગીતો… ( રેડિયો ટહુકોની પોસ્ટ આજે અહીં જ મુકી દઉં છું… ભવિષ્યમાં એને રેડિયો ટહુકોની પોસ્ટ તરીકે પણ મુકીશ )

krishna

.

આજની ઘડી રે રળિયામણી – નરસિંહ મહેતા

જન્માષ્ટમીના દિવસે કાનુડાને Happy Birthday કહેવાનું ભુલી જઇએ તો કંઇ ચાલે ? 🙂

સ્વર : હેમા દેસાઇ
સંગીત : આશિત દેસાઇ

Krishna-Bansuri-Flute

.

આજની ઘડી તે રળિયામણી,
હાં રે ! મારો વ્હાલોજી આવ્યાની વધામણી જી રે…..આજની ઘડી

જી રે તરિયા તોરણ તે બંધાવિયા,
હે મારા વ્હાલાજીને મોતીડે વધાવિયા જી રે…. આજની ઘડી.

જી રે લીલુડાં વાંસ વઢાવિયા,
હે મારા વ્હાલાજીનો મંડપ રચાવિયે જી રે…. આજની ઘડી.

જી રે પૂરો સોહાગણ સાથિયો,
હે મારો વ્હાલો આવે મલપતો હાથિયો જી રે…. આજની ઘડી.

જી રે જમુનાના નીર મંગાવિયે,
હે મારા વ્હાલાજીના ચરણ પખાળિયે જી રે… આજની ઘડી.

જી રે સહુ સખીઓ મળીને વધાવિયે,
હે મારા વ્હાલાજીની આરતી ઉતારિયે જી રે… આજની ઘડી.

જી રે તન-મન-ધન, ઓવારિયે,
હે મારા વ્હાલાજીની આરતી ઉતારિયે જી રે… આજની ઘડી.

જી રે રસ વાધ્યો છે અતિ મીઠડો,
હે મે’તા નરસિંહનો સ્વામી દીઠડો જી રે….આજની ઘડી.

 – નરસિંહ મહેતા

આ સઘળાં ફૂલોને કહી દો યુનિફોર્મમાં આવે – કૃષ્ણ દવે

સંગીત : હરીશ ઉમરાવ

પ્રિય કવિ શ્રી કૃષ્ણ દવે … Happy Birthday !! 🙂

.

આ સઘળાં ફૂલોને કહી દો યુનિફોર્મમાં આવે,
પતંગિયાઓને પણ કહી દો સાથે દફતર લાવે.

મન ફાવે ત્યાં માછલીઓને આમ નહીં તરવાનું,
સ્વીમિંગપુલના સઘળા નિયમોનું પાલન કરવાનું.

દરેક કૂંપળને કોમ્પ્યુટર ફરજિયાત શીખવાનું,
લખી જણાવો વાલીઓને તુર્તજ ફી ભરવાનું.

આ ઝરણાંઓને સમજાવો સીઘી લીટી દોરે,
કોયલને પણ કહી દેવું ના ટહુકે ભરબપ્પોરે.

અમથું કૈં આ વાદળીઓને એડમિશન દેવાનું?
ડોનેશનમાં આખ્ખેઆખ્ખું ચોમાસું લેવાનું.

એક નહીં પણ મારી ચાલે છે અઠ્ઠાવન સ્કૂલો,
‘આઉટડેટ’ થયેલો વડલો મારી કાઢે ભૂલો !

કાવ્ય – સુરેશ દલાલ

તું મારી ખૂબ નજીક નહીં આવ :
મને તારી બીક લાગે છે.
તું મારી ખૂબ નજીક નહીં આવ :
મને મારી બીક લાગે છે.

ફરી પાછું એનું એ મળવું
છૂટા પડવું, મળવું :
એનું એ અમૃતચક્ર, વિષચક્ર,
ચક્ર, ચક્રાકાર ગતિ….
ફરી પાછી અપેક્ષા
ફરી પાછી ભરતી ને ઓટ
ચંદ્રનો ઉદય ને ક્ષય
ફરી પાછો ભય –
ખબર નથી કે ગીતનો લય
ક્યાં અને ક્યારે તૂટી જશે –

તું મારી નજીક નહીં આવ
ભલે આ ગીત અધૂરું રહે
ભલે આ ગીત વણગાયું રહે –

પણ હવે
ઉઝરડા સહન કરવાની
મારી કોઇ તાકાત નથી.

ગુલાબ મારાં કોણ લેશે ? – મહેશ દવે

શ્રાવણી સવારની ભીનીભીની છાબમાં
ટહુકાનાં ખીલ્યાં ગુલાબ,
– ગુલાબ મારાં કોણ લેશે ?

શ્રાવણી બપોરની ભીનીભીની છાબમાં
તડકાનાં ખીલ્યાં ગુલાબ,
– ગુલાબ મારાં કોણ લેશે ?

શ્રાવણી સાંજની ભીનીભીની છાબમાં
સળવળતાં કોનાં ગુલાબ
– ગુલાબ મારા કોણ લેશે ?

શ્રાવણી રાતની ભીનીભીની છાબમાં
સપનાંના ઉઘડે ગુલાબ,
– ગુલાબ મારા કોણ લેશે ?

કોઇ મને ક્યારે કહેશે ?
– ગુલાબ મારા કોણ લેશે ?

ને નવ્વાણું ટકા બાકીના ખર્ચી નાખ હિંમતમાં – મરીઝ

ફક્ત એક જ ટકો કાફી છે, પૂરતો છે મહોબતમાં,
ને નવ્વાણું ટકા બાકીના ખર્ચી નાખ હિંમતમાં.

મુકામ એવો પણ આવે છે કોઇ વેળા મહોબતમાં,
ફરક જ્યારે નથી રહેતો અવજ્ઞામાં કે સ્વાગતમાં.

નહીં એ કામ લાગે હો હજાર ઊભરા મહોબતમાં,
અણીના ટાંકણે હંમેશા ઓટ આવે છે હિંમતમાં.

અહીં બીજે કશે પણ ધ્યાન દેવાની મનાઇ છે,
સળંગ રસ્તો અગર જોયો તો એ જોયો અદાવતમાં.

અહીં બે ત્રણની વચ્ચે પણ ખબર કોઇ નથી લેતું,
હજારો હાજરીમાં શું દશા થાશે કયામતમાં.

જરા થોડું વિચારે કે તરત એમા ઉણપ નીકળે,
અહીં સંતોષ કોને હોય છે પોતાની હાલતમાં.

જગતમાં સૌ શરાબીની આ એક જ કમનસીબી છે,
શરૂમાં શોખ હો, આગળ જતા પલટાય આદતમાં.

કરે છે એવી દ્રષ્ટિ ને કરે છે એવી અવગણના,
હો જાણે એમણે વરસો વિતાવ્યા તારી સોબતમાં.

પછી એના પ્રવાહે આખું સાધારણ જીવન વીતે,
મહત્વના બનાવો હોય છે – બે ચાર કિસ્મતમાં.

પછી એકાંતનો ચસ્કો ન લાગે તો મને કહેજો,
જરા થોડો સમય વીતાવો અમ જેવાની સોબતમાં.

‘મરીઝ’ આ એક અનોખી વાત સાચા પ્રેમમાં જોઇ,
કરો જુઠ્ઠી શિકાયત તો મજા આવે શિકાયતમાં.