ગ્લૉબલ કવિતા : ૧૬૯ : રાતરાણી -જૉન ક્લેર

Evening Primrose

When once the sun sinks in the west,
And dew-drops pearl the Evening’s breast;
Almost as pale as moonbeams are,
Or its companionable star,
The Evening Primrose opes anew
Its delicate blossoms to the dew;
And hermit-like, shunning the light,
Wastes its fair bloom upon the night;
Who, blindfold to its fond caresses,
Knows not the beauty he possesses.
Thus it blooms on while night is by;
When day looks out with open eye,
‘Bashed at the gaze it cannot shun,
It faints, and withers, and is gone.

– John Clare

રાતરાણી

પશ્ચિમના આકાશ મહીં એકવાર સૂરજ જ્યાં બૂડે,
ઓસબુંદ શણગારે સંધ્યાના સ્તનને મોતીડે;
લગભગ લગભગ ચંદ્રકિરણના અજવાળાં-શી પાંખી
કે એના સંગાથી તારલિયાની માફક ઝાંખી,
રાતની રાણી હળવે હળવે એનાં પુષ્પો નમણાં,
નૂતન રૂપે ખીલવીને ઝાકળને ધરે છે બમણાં;
ને સાધુ પેઠે કરતી અજવાળાંથી આંખમિચામણ,
નવયૌવનની નિજના કરતી રાત ઉપર એ લ્હાણ;
રાત, જે પાછી એના પ્રેમલ આલિંગનથી અંધ,
નથી જાણતી રૂપ જે છે એની મુઠ્ઠીમાં બંધ;
આમ રહે એ ખીલી જ્યાં લગ રાત રહે રૂપાળી;
પણ જે પળ દિવસ આવીને જુએ આંખ ઊઘાડી,
છટક્યે ના છટકાય એવા ત્રાટકની શરમથી મારી,
મૂર્ચ્છા પામી, ને કરમાતી, થાય ખતમ બિચારી.

-જૉન ક્લેર
(અનુ. વિવેક મનહર ટેલર)

કવિતાનું સૌંદર્ય અને સૌંદર્યની કવિતા

કવિતાનું પોતાનું સૌંદર્ય હોય છે તો સૌંદર્યની પણ પોતાની કવિતા હોય છે. ક્યારેક કવિતા ભાવક પાસે અપ્રતિમ સજ્જતાની આકરી ઉઘરાણી કરે છે તો ક્યારેક એ રગોમાં દોડતા રક્તની જેમ ચુપચાપ અસ્તિત્વમાં ઓગળી જતી અનુભવાય છે. ક્યારેક, કવિતા એક-એક પાંદડી-કાંટાનો હિસાબ માંગે છે, તો ક્યારેક ગુલાબની પાંખડીઓનો આકાર, સંખ્યા, ગોઠવણ, રંગ-છટા, અને કાંટા – તમામને સદંતર અવગણીને માત્ર ખુશબૂ જ માણવાનું ઈજન આપે છે. જે રીતે પુષ્પનો રંગ-રૂપ-આકાર એક પ્રકારની કવિતા છે, એ જ રીતે આંખ બીડીને માત્ર સુગંધને મહેસૂસ કરવી એય કવિતા જ છે. જૉન ક્લેરની આ કવિતા પણ પાંદડીઓના પૃથક્કરણ કરતાં વધારે ખુશબૂના અહેસાસ માટેની કવિતા છે.

જૉન ક્લેર (૧૩-૦૭-૧૭૯૩થી ૨૦-૦૫-૧૮૬૪)નું પોતાનું જીવન પણ રાતરાણી જેવું જ હતું. ગરીબીના અંધારામાં જ એ ખીલ્યો. ખેતમજૂરનો દીકરો. અગિયાર વર્ષની ઊંમરે તો શિક્ષણ અભરાઈએ ચડી ગયું ને ખેતમજૂરીની ધૂંસરી ખભે ચડી ગઈ. વાસણ વેચનારો બન્યો. અમીર ખેડૂતની છોકરી સાથે પ્રેમ કર્યો પણ છોકરીના બાપે નકાર્યો. માળીકામ કર્યું. લશ્કરમાં જોડાયો. જિપ્સીઓની જોડે રખડી-રઝળી જોયું. ચૂનો પકવવાનું વૈતરું પણ અજમાવી જોયું. પણ અક્કરમીનો પડિયો કાણો તે કાણો જ. છેવટે પરગણાંની મહેરબાની સ્વીકારવી પડી. જન્મજાત કુપોષણના લીધે ઊંચાઈ પણ પાંચ ફૂટે અટકી ગઈ અને જીવનભર તંદુરસ્તીના નામે અલ્લાયો જ. જેમ્સ થોમ્સનનો સુપ્રસિધ્ધ કાવ્યસંગ્રહ ‘સિઝન્સ” ક્લેરે ખરીદ્યો હતો અને કવિતા-સૉનેટ લખવાની શરૂઆત કરી. મા-બાપને ઘરમાંથી ખદેડી કઢાતા અટકાવવા માટે એણે પોતાની કવિતાઓ સ્થાનિક પ્રકાશકને આપી. પુસ્તક છપાયું. પ્રસિદ્ધિ પણ ખૂબ મળી. માર્થા ટર્નર સાથે પરણ્યો, સાત-સાત બાળકો થયા અને પૈસા સાથેનો બારમો ચંદ્રમા યથાવત્ જ રહ્યો. કવિતા અને આજીવિકાની સૂડીમાં એ સતત વહોરાતો રહ્યો. પાગલપનના હુમલા આવવા શરૂ થયા. મદ્યપાન બિમારીની હદ સુધી વકર્યું. એકવાર શેક્સપિઅરના ‘ધ મર્ચંટ ઑફ વેનિસ’ના મંચનમાં શાયલોક સાથે ગાળાગાળી કરીને એણે ભંગ પણ પાડ્યો. બે વાર પાગલખાનામાં લાંબા ગાળા માટે દાખલ થવું પડ્યું અને છેલ્લા શ્વાસ પણ ત્યાં જ ભર્યા.

ઇંગ્લેન્ડના ગામડાંઓનું પ્રાસંગિક ઉત્સાહપૂર્ણ પ્રતિનિધિત્વ અને એની ખાનાખરાબીના મરશિયાઓથી એ બહુખ્યાત થયો. “નોર્ધમ્પ્ટનશાયર ખેડૂત કવિ” એ એની ઓળખ. શરૂમાં ભૂલી જવાયેલો પણ વીસમી સદીના અંતભગમાં પુનઃપ્રતિષ્ઠા પામ્યો ને ઓગણીસમી સદીના અગ્રિમ હરોળના કવિઓમાં સ્થાન અંકિત કર્યું. જોનાથન બેટ કહે છે, “એ ઇંગ્લેન્ડમાં જન્મેલો સર્વકાલીન શ્રેષ્ઠ મજૂર-કવિ હતો. અન્ય કોઈએ કદી કુદરત વિશે, ગ્રામ્ય બચપણ વિશે તથા વિમુખ અને અસ્થિર જાત વિશે આવું સક્ષમ અને સબળ લખ્યું નથી.” ખેતક્રાંતિ અને ઔદ્યોગિક ક્રાંતિના પરિણામે ગામ અને શહેરોની થવા માંડેલી દુર્દશા એની સંવેદનાના તારને સતત ઝંકૃત કરતી. પ્રકૃતિ સાથે એનો રક્તસંસ્કાર હતો. પાગલખાનાની કેદ પણ એની અભૂતપૂર્વ અંતર્દૃષ્ટિ અને સ્વયંસ્ફૂર્ત ઊર્મિને બાંધી શકી નહોતી. એ બંધ આંખોનો મુસાફર હતો અને એના શબ્દચિત્રો ઉત્તમોત્તમ ચિતારાના ચિત્રોથી ચાર ચાસણી ચડે એવા હતા. પ્રસ્તુત રચના પણ એના લાગણીશીલ સૌંદર્યાન્વિત કામનો છટાદાર નમૂનો છે.

‘રાતરાણી’ કાવ્યસ્વરૂપે સૉનેટ છે, પણ જરા નોખા પ્રકારનું. સૉનેટ મૂળે ઇટલીનું કાવ્યસ્વરૂપ. પેટ્રાર્કે અષ્ટક-ષટક પ્રકારે આગવી પ્રાસવ્યવસ્થા ઘડી એના પર પોતાનો રુક્કો કાયમ કર્યો. ઇટલીથી સર થોમસ વાયટ અને હેન્રી હાવર્ડ, અર્લ ઑફ સરે એને અંગ્રેજી ભાષામાં ચતુષ્ક-યુગ્મક સ્વરૂપે અને અલગ પ્રાસરચના સાથે લઈ આવ્યા પણ એ સ્વરૂપ પર સિક્કો માર્યો શેક્સપિયરે. સ્પેન્સરે પણ નોખો ચોકો ચાતરવાની નાની પણ સફળ કોશિશ કરી. મિલ્ટને ચૌદ સળંગ પંક્તિમાં સફળ મિલ્ટનશાયી સૉનેટ બનાવ્યુ. જૉન ક્લેરને પણ સૉનેટસ્વરૂપ પર કદાચ પોતાની છાપ છોડવાની નેમ હશે, પણ એમાં એ ખાસ સફળ થયા નહીં. મિલ્ટનની જેમ ચૌદ પંક્તિઓ સળંગ રાખીને એમણે એલેક્ઝાન્ડર પોપે ખૂબ મશહુર કરેલ યુગ્મક (heroic couplet) પ્રકારની પ્રાસરચના અપનાવી, જેથી સૉનેટમાં અ-અ, બ-બ, ક-ક પ્રકારે સાત અલગ જોડિયા પ્રાસ હોય. વળી પ્રચલિત આયમ્બિક પેન્ટામીટરના સ્થાને એમણે ટેટ્રામીટર પ્રયોજ્યો છે. (જો કે છઠ્ઠી, નવમી અને દસમી પંક્તિમાં આઠના સ્થાને નવ શબ્દાંશ (syllables) છે.) દર બે પંક્તિના ચુસ્ત પ્રાસ અને દસના સ્થાને આઠ શબ્દાંશના કારણે ટૂંકી બનતી પંક્તિઓ થકી કવિતાનો લય ખૂબ પ્રભાવક બન્યો છે. ભાષા પણ સરળ છે, જેનું એક કારણ એ હોઈ શકે કે કવિનું ઔપચારિક શિક્ષણ ટીનએજ શરૂ થતાં પહેલાં જ પૂરું થઈ ગયું હતું. રોજિંદા વ્યવહારના શબ્દોથી કવિ જે રીતે રાતરાણીનું સૌંદર્ય ઉજાગર કરે છે પ્રસંશનીય છે.

કવિતાના શબ્દોમાં પણ ઘણી જગ્યાએ ફેર જોવા મળે છે. ૧૮૩૫માં પ્રગટ થયેલ ‘ધ રૂરલ મ્યુઝ’ અને ૧૯૫૩માં પ્રગટ થયેલ ‘પોએમ્સ ઑફ જૉન ક્લેર’માં અનુક્રમે And hermit-like, shunning the light ના સ્થાને And shunning, hermit-like, the light (પંક્તિ ૭), while ના સ્થાને till (પંક્તિ ૧૧) અને gone ના સ્થાને done (પંક્તિ ૧૪) જોવા મળે છે. પહેલો પાઠ વધુ અધિકૃત હોવા છતાં બીજો પાઠ વધુ પ્રચલિત બન્યો છે. અર્થની દૃષ્ટિએ ઝાઝો ફરક ન હોવા છતાં આપણે મૂળ પાઠને વફાદાર રહીશું.

મૂળ કવિતા ‘ઇવનિંગ પ્રિમરોઝ’ની છે. ઇવનિંગ પ્રિમરોઝ આછાં પીળાં રંગના ફૂલોવાળો એક છોડ છે જે રાતે ખીલે છે અને સવારે મુરઝાઈ જાય છે. આપણે આ છોડથી પરિચિત નથી પણ ઇવનિંગ પ્રિમરોઝ અને રાતરાણીના ગુણધર્મ ખીલવા-મુરઝાવાની બાબતમાં સરખા હોવાથી અનુવાદમાં રાતરાણીને અપનાવી છે. આમ તો, પારિજાત પણ રાત્રે જ ખીલે છે પણ ફરક એટલો કે સવારે એનાં ફૂલ મુરઝાઈ નથી જતાં, ખરી જાય છે. કેટલાંક ફૂલો ઘડિયાળ પહેરીને ઊગે છે. ઇવનિંગ પ્રિમરોઝ, રાતરાણી અને પારિજાત જેવાં ફૂલો સૂર્યાસ્તથી સૂર્યોદય વચ્ચે પોતાનાં અજવાળાં રેલાવે છે તો કેટલાંક સૂર્ય સાથે તાલમેલ મેળવે છે. ઓફિસ ટાઇમ કહો, ગુલ દોપહરી કહો, કે નૌ બજિયા –આ ફૂલો સવારે નવ વાગ્યે ખીલે છે અને સાંજે ઓફિસ બંધ થવાના ટાંકણે બીડાઈ જાય છે. સૂરજમુખી ન માત્ર સૂર્ય સાથે ટાઇમિંગનો તાળો રાખે છે, સૂર્યની ગતિ સાથે મુખ પણ ફેરવે છે. આવા ફૂલોને સૂર્યાનુવર્તી (હીલિઓટ્રોપિક) કહે છે. હકીકત એ છે કે આ ફૂલો સૂર્ય તરફ નહીં પણ પ્રકાશની દિશામાં વૃદ્ધિ પામતાં હોય છે એટલે એ ફોટોટ્રોપિક કહેવાય છે. સૂર્યની સાથોસાથ પૂર્વથી પશ્ચિમ તરફ મોઢું ફેરવતા આ ફૂલો મહત્તમ સૂર્યપ્રકાશ મેળવવાની કોશિશમાં હોય છે જેથી પ્રકાશસંશ્લેષણ અને પ્રજનન વધુ સારી રીતે થઈ શકે. ગરદન ફેરવવાની આ કસરતથી સૂર્યમુખી પંદર ટકા જેટલી ઊર્જા મેળવે છે. (કસરત ખોટી નથી, ખરું ને?!) અને ફૂલો જ નહીં, કેટલાક છોડવાઓના પાંદડા પણ સૂર્યાનુવર્તી ગુણધર્મ ધરાવે છે. સૂર્યમુખી જેવા સૂર્યાનુવર્તી ફૂલોની અધધધ ૨૪૦૦૦થી પણ વધુ પ્રજાતિઓ જોવા મળે છે. અફીણના છોડના ફૂલો, ગલગોટો, ડેઝી, કમ્પાસ પ્લાન્ટ (રોઝિનવેડ) કેટલાક ઉદાહરણ છે.

પશ્ચિમના આકાશમાં સૂર્ય આથમતાંની સાથે જ વાતાવરણમાં પલટો આવવાની શરૂઆત થઈ જાય છે. વાતાવરણમાં વ્યાપ્ત ઠંડકથી ભેજ જામતાં ઝાકળબુંદો જામી રહી છે. આ ઝાકળબુંદો સંધ્યાના સ્તનમંડળને જાણે કે મોતીડે શણગારે છે. રાત પૂરી ખીલી ન હોવાના કારણે ચંદ્રકિરણો અને તારાઓ હજી ઝાંખા નજરે ચડે છે. અને આ ભળભાંખળામાં ધૂમિલ નજરે આવતા ચાંદ-તારા જેવી નજરે આવતી રાતરાણી પણ હળવેકથી એના નમણાં ફૂલો ફરીથી નૂતન સ્વરૂપે ખીલવીને સંધ્યાને મોતીસેરે સજાવતી ઝાકળને ભેટ ધરે છે. સહજ પ્રશ્ન થઈ શકે:

રડી રડીને વિખેરાઈ રાત ફૂલો પર,
તુષાર છે કે છે મારી જ જાત ફૂલો પર?

અહીં ‘નૂતન’ શબ્દ ધ્યાન ખેંચે છે. મતલબ, આ ફૂલો જે આજે ખીલ્યાં છે, એ ગઈકાલે પણ ખીલ્યાં હશે, અને આવતીકાલે પણ ખીલશે. પારિજાતની પેઠે ખીલીને ખરી જનારું નહીં પણ દેવહૂમા પક્ષીની જેમ મુરઝાઈ ગયા પછી ફરી નવેસરથી ખીલનારું આ સૌંદર્ય છે.

હવે જુઓ… કવિ છે તો પશ્ચિમનો, પણ સાધુ-સંતોની સંસ્કૃતિથી કેવો પરિચિત છે! સાધુઓનું અલગારીપણું એણે આબાદ ચાક્ષુષ કર્યું છે. જેમ સાધુ પોતાની ફરતેના સંસારથી પાણીમાં કમળપત્ર પેઠે અલિપ્ત રહે એવી જ વિરક્તિથી રાતની રાણી ચાંદનીના અજવાળાં સામે આંખમીંચામણાં કરે છે. પ્રકાશના સૌ પ્રલોભનોથી એ સંત પેઠે પર છે. રાતના અંધારામાં શુદ્ધ ચાંદની જેવા એના શુભ્ર શ્વેત સૌંદર્યની નોંધ કોઈ લેશે કે નહીં એની પણ એને દરકાર નથી. એ તો બસ પોતાનાં ઉજ્જવળ ધવલ ફૂલોની અબોટ ખૂબસૂરતીને રાત પર ન્યોછાવર કરી દે છે, કહો કે વેડફી દે છે. પણ આમ કરીને રાતની સુંદરતાને એ વધુ ઉજાગર કરે છે.

પણ રાત વળી રાતરાણીના આ પ્રેમાળ આલિંગનોથી સાવ અનભિજ્ઞ છે. કસ્તૂરીમૃગ જેમ જાણતું નથી કે એની નાભિમાં જ એની અપ્રતિમ સુગંધનો ખજાનો છૂપાયો છે એમ જ રાત પણ અણજાણ છે કે એના આંચલમાં રાતરાણી શું ઠાલવી રહી છે! રાતને પોતાના પ્રેમાળ આલિંગનોની જરાય તમા નથી એ જાણવા છતાંય રાતરાણી પોતાની આખી જાત એના પર કુરબાન કરે છે. એ રાતના આવા નિસ્પૃહ વર્તનની એવી તો હેવાઈ થઈ ચૂકી છે કે જે ઘડીએ દિવસ પોતાની આંખો ઊઘાડી પ્રકાશ રેલાવી એની તરફ એકટકી માંડે છે એ ઘડીએ એનો વિલય શરૂ થઈ જાય છે. રાતરાણીની આ કુરબાનીમાં વફાદારી પણ કેવી કે દિવસ ઊગતાવેંત કાચબાની જેમ એ પોતાનું સમગ્ર અસ્તિત્વ પોતાની જાતમાં જ સંકેલી લે છે. પ્રકાશનું ત્રાટક થતાંવેંત એ તરત જ મૂર્છાવશ થઈ જાય છે, કરમાઈ જાય છે અને દિવસની પહોંચથી દૂ…ર દૂ…ર ચાલી જાય છે. ફરી સૂર્ય અસ્તાચળે જશે અને રાતના ઓળા ઊતરશે ત્યારે જ એનો ‘દિવસ’ તો શરૂ થશે. મકરંદ દવેનું ગીત યાદ આવ્યા વિના નહીં રહે:

ફૂલ તો એની ફોરમ ઢાળી રાજી.
કોઈનું નહીં ફરિયાદી ને કોઈનું નહીં કાજી !
વાયરો ક્યાં જઈ ગંધ વખાણે,
ફૂલ તો એનું કાંઈ ન જાણે,
ભમરા પૂછે ભેદ તો લળી
મૂંગું મરતું લાજી.

કેટલાક સંબંધ પણ રાતરાણી જેવા હોય છે. આમ એક, પણ દુનિયાની નજરે અલગ જીવતી બે વ્યક્તિ દુનિયાની નજરના પ્રકાશ બહારના અંધારામાં એક થઈને ખીલી ઊઠે છે. દુનિયાની જાણ બહાર જાહેર-ખાનગી સ્થળો, સોશ્યલ મિડિયાઝ, અને ટેલિફોનની જમીન પર આવી મૈત્રીના યુટોપિયાનું સર્જન થતું આવ્યું છે, થતું રહેશે. જેમની જિંદગીની ટ્રેન રાતરાણી અને સૂરજમુખીના બેવડા પાટા પર દોડતી હોય છે એ લોકો બહુધા રાતરાણીની ખુશબૂનો બદલો સૂરજમુખીને વધુ સૂર્યપ્રકાશ ભેટ ધરીને ચૂકવતા જોવા મળતા હોય છે, પણ એ વાત અહીં અસ્થાને છે.

ચૌદ પંક્તિની સમગ્ર કવિતા આમ જુઓ તો નિતાંત પ્રકૃતિગાન સિવાય બીજું કશું જ નથી. આપણે ત્યાં જેમ રાવજી, એમ ઇંગ્લેન્ડમાં કૃષિકવિ તરીકેની ખ્યાતિ પામનાર ક્લેરની અનેક કવિતાની જેમ આ કવિતા પણ આકંઠ સૌંદર્યરસથી ભરી-ભરી છે, પણ અંધારામાં ઓઝપાઈને રહી જતી સુંદરતા અને દિવસ ઊગતામાં એના થઈ જતા વિલયના કારણે આખી કવિતામાં એક આછી વિષાદરેખા પણ ખેંચાયેલી અનુભવાયે રાખે છે. ક્લેરની સરલ-સહજ ભાષા અને ચુસ્ત પ્રાસાવલિના કારણે કવિતા વધુ ધ્યાનાર્હ બની છે. ડેફોડિલ્સ ફૂલોને સંબોધીને લખાયેલી એક કવિતામાં જૉન ઇવનિંગ પ્રિમરોઝની જેમ જ સમયથી વહેલાં કરમાઈ જતાં ડેફૉડિલ્સના અનુસંધાનમાં સ-રસ જીવનદર્શન કરાવે છે:

પ્યારા ડેફૉડિલ, અમને એ જોઈને રડવું આવે છે
કે તમે બહુ ઉતાવળે ચાલી જાવ છો;
કેમ કે હજી તો વહેલી પરોઢનો સૂરજ
મધ્યાહ્ને પણ નથી પહોંચ્યો.
થોભો, થોભો
જ્યાં સુધી આ ઉતાવળિયો દિવસ
સાંધ્યગીત સુધી
પહોંચી ન જાય;
અને, સાથે મળીને પ્રાર્થના કરીને, અમે
પણ ચાલી નીકળીશું તમારી સાથે.
અમારી કને પણ, તમારી જેમ, રોકાવા માટે સમય ઓછો છે,
અમારી વસંત પણ ટૂંકી છે,
અમારી વૃદ્ધિ પણ ક્ષય પામવા અધીરી છે,
તમારી, અથવા કશાયની જેમ જ.
અમે મૃત્યુ પામીએ છીએ,
જેમ તમારો સમય, અને સૂકાઈ
જઈએ છીએ
ઉનાળાના વરસાદની જેમ;
અથવા પ્રભાતી ઝાકળના મોતીઓની જેમ;
ફરી કદી નહીં મળવા માટે.

બાલા જોગી – મકરંદ દવે

ચાલ હો તારી મતવાલી બાલુડા જોગી !
ચાલ હો તારી મતવાલી !

સોનલાવરણી કાય સુંવાળી જોગી !
ઝૂલતી આવે જટાળી
કાળમકાળી આંખમાં ઘેરી ઘેરી
ફૂટતી સિંદૂર–લાલી. – બાલડા જોગી.

માળાને મણકે ને ઝોળીને ઝૂલણે
ડોલતી ડુંગર ઢાળી
વનની વાટે વાટે ચાલ નિરાળી, જોગી !
રમતી આવે રૂપાળી. – બાલુડા જોગી.

શેરી–બજાર ગંજે, સારીયે સીમ ગુંજે
ઓમના અલખ ઉછાળી
આંધળી આંખો ભાળે, પડતી તારે જોગી
પગલે કેડી અંજવાળી. – બાલુડા જોગી.

દૂધડાં મલકે હોઠમાં હજી તારે
સેડ ફૂટે અમિયાળી
નિરભે નજરુંમાં પ્રાણ પરોવે ત્યાં તો
દુ:ખડાં દેતો ઓગાળી. – બાલુડા જોગી.

આવ રે આવ મારી આજ આરોગવા
ભાવની ભોજન-થાળી
તારી તે ચાલ કેરે તાલે હો તાલે મારું
જાને તું આયખું ઉજાળી,

બાલુડા જોગી, ચાલ હો તારી મતવાલી.
 – મકરંદ દવે

ચિત્ત તું શીદને ચિંતા ધરે? – દયારામ

અચાનક જ જાણ થઇ કે કવિ દયારામનો અંદાજિત જન્મ દિવસ તે ભાદરવા સુદ 11( ઈસ્વીસન 1777,વિક્રમ સંવત 1833). આજે ભાદરવા સુદ 11- જલ ઝીલણી એકાદશી છે.
આમ સાઠોદરા નાગર જાતિના દયારામે એ સમયમાં ત્રણ વાર ભારતનાં તમામ તીર્થધામોની યાત્રા કરેલી. એમણે પુષ્ટિમાર્ગ અપનાવેલો.એ પોતે ખૂબ સુંદર ગાયક હતા એમ કહેવાય છે. મૂળ એ ચાંદોદ(ચાણોદ)ના ને છેલ્લે ડભોઇમાં રહેલા જ્યાં એમના ઘરમાં એક નાનું મ્યુઝિયમ(જો કે ખૂબ ઓછા મુલાકાતીઓ ત્યાં જાય છે.) દયારામનો તંબૂર ત્યાં સચવાયો છે. ઉમાશંકર જોશીએ એક કાવ્ય લખ્યું છે-
‘દયારામનો તંબૂર જોઈને’. એમાં છેલ્લી બે પંક્તિઓ આમ છે-
‘કાળને હાથ તંબૂરો: હૈયાતંતુથી ભૈરવી
ગુંજે ગુર્જરકુંજે, ત્યાં ડોલે શી કવિની છવિ!’
આજે ગુજરાતના ઉત્તમોત્તમ ગરબી કવિ દયારામની મારી પ્રિય રચના ફરીથી સાંભળો.

કવિ: દયારામ
સ્વરકાર: ગાયક :અમર ભટ્ટ

.

ચિત્ત તું શીદને ચિંતા ધરે?
કૃષ્ણને કરવું હોય તે કરે!

સ્થાવર જંગમ જડ ચેતનમાં માયાનું બળ ઠરે;
સ્મરણ કર શ્રીકૃષ્ણચંદ્રનું, જન્મ મરણ ભય હરે
કૃષ્ણને કરવું હોય તે કરે!

દોરી સર્વની એના હાથમાં, ભરાવ્યું ડગલું ભરે;
જેવો જંત્ર બજાવે જંત્રી તેવો સ્વર નીસરે
કૃષ્ણને કરવું હોય તે કરે!

તું અંતર ઉદ્વેગ ધરે, તેથી કારજ શું સરે?
ધણીનો ધાર્યો મનસૂબો, હર બ્રહ્માથી નવ ફરે
કૃષ્ણને કરવું હોય તે કરે!

થાવાનું અણચિંતવ્યું થાશે, ઉપનિષદ ઓચરે;
રાખ ભરોસો રાધાવરનો, દયા શીદને ડરે?
કૃષ્ણને કરવું હોય તે કરે!’

આ દિવસોમાં દયારામનું આ પદ ખૂબ સાંત્વન આપે છે. નરસિંહનું આ પદ પણ યાદ આવે છે-
‘જે ગમે જગદ્ગુરુ દેવ જગદીશને
તે તણો ખરખરો ફોક કરવો
આપણો ચિંતવ્યો અર્થ કાંઈ નવ સરે
ઊગરે એ જ ઉદ્વેગ ધરવો‘
દયારામના આ પદમાં ‘જેવો જંત્ર વગાડે જંત્રી’. કબીરસાહેબ પણ યાદ આવશે-‘જંત્રી જંત્ર અનુપમ બાજે’.
‘રાખ ભરોસો રાધાવરનો’ એમ છેલ્લે કહીને દયારામ પુષ્ટિમાર્ગમાં છેલ્લે ગવાતા સૂરદાસજીના પદનું પણ સ્મરણ કરાવે છે- ‘દ્રઢ ઈન ચરનન કેરો ભરોસો’.
દેશ રાગ પર આધારિત આ પદ સાંભળો.
-અમર ભટ્ટ

લાપરવા – મકરંદ દવે

કોક દિન ઈદ અને કો’ક દિન રોજા
ઊછળે ને પડે નીચે જિન્દગીનાં મોજાં.

કાંઈ અફસોસ નહીં કાંઈ નહીં ફિકર
કોઈ ચીજ તણી નહીં જિન્દગીમાં જિકર,
આવે ને જાય એના વેઠવા શા બોજા ?
કો’ક દિન ઈદ અને કો’ક દિન રોજા.

માન મળે, મળે ધનધાન, મળે સત્તા
પાન ચાવી બીજી પળે ખાવા પડે ખત્તા,
વાહ ભાખે કોઈ રૂડી આંખે વેષ ભાળી
આહ નાખે કોઈ ભૂંડી મોઢે મેશ ઢાળી,
રામ મારો રુદે હસે રંગ નહીં દૂજા
કો’ક દિન ઈદ અને કોક દિન રોજા.

હાલ્યા કરે દુનિયાની વણઝાર ગાંડી
કોણ બેઠું રહે એની સામે મીટ માંડી,
દૂધ મળે વાટમાં કે મળે ઝેર પીવા
આપણા તો થિર બળે આતમાના દીવા.
લાંબી લાંબી લેખણે ત્યાં નોંધવી શી યાદી
બેય કોરે આપી જવી મુબારકબાદી,
ઘેલાં ભલે ઘૂઘવે આ જિન્દગીનાં મોજાં
આવો તમે ઈદ અને આવો તમે રોજા. 
– મકરંદ દવે

હું એક અનામી નદી – સુરેશ દલાલ

સ્વર : આરતી મુન્શી
સ્વરાંકન : ગૌરાંગ વ્યાસ
આલબમ : હસ્તાક્ષર

.

હું એક અનામી નદી : દરિયો ઝંખું છું.
હું એક ભટકતું કિરણ : જળને ઝંખું છું.

હું સદી સદીથી વહું : વિસામો ઝંખું છું.
હું સાવ અજાણ્યો કાળ : પળને ઝંખું છું.

હું ફૂલબ્હાવરી લહર : પરિમલ ઝંખું છું.
હું કૈંક ઝંખના લઈ : મનને ડંખું છું.

નથી ઝંખવું કંઈ : એ જ હું ઝંખું છું.
રંગ વિનાનો રંગ : અસંગને ઝંખું છું.
– સુરેશ દલાલ

ટપકે છે લોહી આંખથી – અમૃત ઘાયલ

શાયર અમૃત ઘાયલ:
જન્મ: 19/8:
કોઈકે કહેલું કે રાંધણ છઠ તે ઘાયલસાહેબનો જન્મદિવસ।.
તારીખ પ્રમાણે 19/8. ગઝલમાં તળપદા ગુજરાતી શબ્દો લઇ આવનાર ને મુશાયરા ગજવનાર શાયર તે ઘાયલસાહેબ। એમણે ને કવિ મકરન્દ દવેએ સંપાદિત કરેલું ગઝલનું પુસ્તક-‘છીપનો ચહેરો ગઝલ’તે મારૂં પ્રિય પુસ્તક છે ને એની પાસે વારંવાર પહોંચું છું, અટકું છું.
આજે એમની આ ગઝલ માણો.
દરેક શેરમાં તુલના છે એમ લાગે।
કાવ્યો અને કહાણી, લોહી અને પાણી,મૌન અને વાણી, ઉદાસી અને ઉજાણી, દાસી અને રાણીમાં તુલના horizontal છે. આ તુલના vertically પણ વિચારી શકાય?તો આમ બને-
કાવ્યો – કહાણી
લોહી – પાણી
મૌન – વાણી
ઉદાસી – ઉજાણી
દાસી – રાણી
મારૂં પ્રિય સ્વરનિયોજન ઓસમાણ મીરે અદભુત ગાયું છે.
– અમર ભટ્ટ

સ્વરકાર: અમર ભટ્ટ
ગાયક: ઓસમાણ મીર
આલબમ: સ્વરાભિષેક:4

.

ટપકે છે લોહી આંખથી પાણીના સ્વાંગમાં
કાવ્યો મળી રહ્યાં છે કહાણીના સ્વાંગમાં

આપણને આદિ કાળથી અકળાવતું હતું
લાવ્યો છું એ જ મૌન હું વાણીના સ્વાંગમાં

પૂનમ ગણીને જેમની પાસે ગયો હતો
એ તો હતી ઉદાસી, ઉજાણીના સ્વાંગમાં

‘ઘાયલ’ અમારે શુદ્ધ કવિતાઓ જોઈએ
દાસીના સ્વાંગમાં હો કે રાણીના સ્વાંગમાં
-અમૃત ઘાયલ

તો હું માનું શું? – મકરંદ દવે

એટલે આજે કહો, બસ એટલું જ કહો જરા
કે અરે મકરન્દ, જા, તું માગ તે મંજૂર છે;
તો હું માંગુ શું તમે કલ્પી શકો છો હેં ભલા !
આંખ મારી જોઈને જે કલ્પના–ઘેઘુર છે !
તાગ ના પામી શકો હો! લેશ ના ફાવી શકો
મેં અજાણ્યા સ્વપ્નની છાયા તહી ભરપૂર છે.

પણ કહું છું વાત હું આજે તમે એવું કહો
માગ તે મળશે અને ફળશે, ન કાંઈ દૂર છે
તો પછી, હા, તો પછી આ માંયલું મન ઊઠશે
પાડતું તાળી હસીને કે હવે ચકચૂર છે
આંખ ને હૈયું મળી મોંઘા મનોરથ માણવા
સાંભળો, કેવું ખરેખર કાળજું આતુર છે !

એક હો પટ વિસ્તર્યો સામે અફાટ અને પગે
ચાલતાં કેડી મહીં જ્યાં ફૂટતા અંકુર છે
હાથ લાઠી, કામળી ખમ્ભ અને કંઠે કડી
ગીતની એકાદ ના બીજી કંઈ જ જરૂર છે
ગીત કોને ? પ્રેમપાગલ સાદ પાડી જાઉં છું
કો’ અનામી કુંજમાં જ્યાં નિત્ય બંસી–સૂર છે
‘એ અલ્યા મકરન્દ’, બોલે આખરે કોઈ હસી
‘આવ, જો જેને જપે તે હાજરાહજૂર છે !’
 – મકરંદ દવે

ડાળ તૂટીને – વિનોદ જોશી

મારાં ઘરે ગુજરાતી સુગમ સંગીતની કેસેટ હતી જેમાં મેં આ ગીત સાંભળેલું છે,મને યાદ છે ત્યાં સુધી આરતી મુન્શી નો અવાજ છે અને શ્યામલ સૌમિલનું સ્વરાંકન છે.મને આ ગીત ખુબ ગમે છે,એમાં કેટલી સુંદર સંવેદના ઝીલાઈ છે.એ સ્વરાંકન તો જયારે મળશે ત્યારે મૂકીશ પણ કવિના અવાજમાં એનું પઠન પણ એટલું જ સુંદર લાગે છે,જે અહીં મુકું છું.

પઠન:વિનોદ જોશી

.

ડાળ તૂટી ને ઝાડ એક રોયું
પછી કૂંપળ ફૂટી ને પછી પાંદડું થયું ને પછી
પાંદડે હસીને એને જોયું…

જોત રે જોતામાં ઝીણો છાંયડો ખર્યો ને
એણે માંડી કલરવની ભીની વાતું,
પરબારું પાલખીમાં હોંકારા દઈને આભ
અડખેપડખેથી સરી જાતું,

ઘડી તડકાને ઓઢી ઘડી પડછાયે પોઢી પછી
ખળખળતું ભાન એણે ખોયું
ડાળ તૂટી ને ઝાડ એક રોયું…

એકલી હવા ને જરા ઊભી રાખીને એનું
સરનામું ખાનગીમાં પૂછ્યું,
શરમાતું એક પાંદ પડખું ફર્યું ને એણે
ઝાકળનાં ઝૂમખાંને લૂછ્યું.

જરી ભણકારા વીંટયા જરી પગરવને લીંપ્યા પછી
ટહુકે ટહુકેથી એને ટોયું
ડાળ તૂટી ને ઝાડ એક રોયું…
-વિનોદ જોશી

હવે આ મળવાનું! – જયશ્રી વિનુ મરચંટ, “ભગ્ન”

પઠન : જયશ્રી વિનુ મરચંટ, “ભગ્ન”

.

અમસ્તુંયે હવે ક્યાં થાય મળવાનું ?
સમયની ધારથી વ્હેરાય મળવાનું

ભલે સામે જ હો, પણ ના મળે નજરો
છતાં આને જ તો કહેવાય મળવાનું!

તું ઝાલી હાથ મારો ચાલ પળ બે પળ
ભલે ને બે’ક પળ જીવાય મળવાનું

કોઈ ઉંમરના ખાનામાં છે ખોવાયું
બને ના શક્ય કે શોધાય મળવાનું !

અમે તો રાહ જોઈ શ્વાસ આખર લગ
હજી પણ ‘ભગ્ન’ જો હિજરાય મળવાનું!
-જયશ્રી વિનુ મરચંટ “ભગ્ન”

સ્વતંત્રતા, દે વરદાન આટલું – ઉમાશંકર જોશી

15/8/1952ના દિવસે રચાયેલું આ કાવ્ય છે. સ્વતંત્રતાની દેવી પાસે પ્રાર્થનામાં કવિ શું માગે છે? અને પ્રથમ પંક્તિમાં ‘એટલું’ શબ્દપ્રયોગ દ્વારા માગણીના લિસ્ટની શરૂઆત થાય છે. લિસ્ટ પૂરું થાય ત્યારે ‘આટલું’ શબ્દપ્રયોગ છે.
પઠન સ્વરૂપે સાંભળો.
– અમર ભટ્ટ

પઠન:અમર ભટ્ટ

.

દે વરદાન એટલું
સ્વતંત્રતા, દે વરદાન એટલું:
ન હીનસંકલ્પ હજો કદી મન;
હૈયું કદીયે ન હજો હતાશ;
ને ઊર્ધ્વજવાલે અમ સર્વ કર્મ
રહો સદા પ્રજ્વલી, ના અધોમુખ;
વાણી ન નિષ્કારણ હો કઠોર;
રૂંધાય દ્રષ્ટિ નહિ મોહધુમ્મ્સએ;
ને આંખમાંનાં અમી ના સુકાય;
ન ભોમકા ગાય વસૂકી શી હો!
વાણિજ્યમાં વાસ વસંત લક્ષ્મી,
તે ના નિમંત્રે નિજ નાશ સ્વાર્થથી.
સ્ત્રીઓ વટાવે નિજ સ્ત્રીત્વ ના કદી,
બને યુવાનો ન અકાલ વૃદ્ધ,
વિલાય ના શૈશવનાં શુચિ સ્મિતો;
ધુરા વહે જે જનતાની અગ્રીણો,
તે પંગતે હો સહુથીય છેલ્લા;
ને બ્રાહ્મણો- સૌમ્ય વિચારકો, તે
સત્તા તણા રે ના પુરોહિતો બને.
અને થઈને કવિ, માગું એટલું
ના તું અમારા કવિવૃંદને કદી
ઝૂલંત તારે કર પીંજરાના
બનાવજે પોપટ- ચાટુ બોલતા .
-ઉમાશંકર જોશી