21મી ઓગસ્ટે અમદાવાદમાં આખો દિવસ વરસાદ વરસાદ…. અને મારા સદનસીબે મેં એ વરસાદ મન ભરીને માણ્યો… છત્રીમાંથી પણ પાણી ટપકે, અને AMTS ની બસમાં છતમાંથી ય પાણી ટપકે… પણ શું મજા આવી છે… વાહ…
અને આખો દિવસ એ વરસાદની મજા લીધા પછી, જો શ્યામલ – સૌમિલ – આરતી મુન્શીની ટીમ પાસેથી આ ગીત રૂબરૂમાં સાંભળવા મળે, તો મને કેટલી મજા આવી હશે, એ તમે કલ્પના કરી શકો છો 🙂
શ્રી અવિનાશ વ્યાસની કલમે લખાયેલ – સ્વરબધ્ધ થયેલ આ ગીતની એક ખૂબી એનો ઢાળ… વરસાદ પહેલાની ધરતીની અધીરાઇ સાથે શરૂ થતું આ ગીત, વરસાદના આગમનમાં ધરતી ઝૂમી ઉઠે, એ રીતે કોઇ પણ સંગીત પ્રેમીને અચૂક ઝૂમાવી જ દે…!!
.
ધરા જરી ધીમી થા! આટલી અધીર કાં?
તારો સાજન શ્રાવણ આવે રે! ઓ આવે, ઓ આવે ઓ આવે રે!
ડુંગરાની કોરે, મોરલાના શોરે, વાદળના ગિરિમાં
તારો તારો સાજન શ્રાવણ આવે રે! ઓ આવે, ઓ આવે ઓ આવે રે!
(અગ્રગણ્ય ગુજરાતી દૈનિક “સંદેશ” (૨૯-૦૮-૨૦૦૭)ની અર્ધસાપ્તાહિક પૂર્તિમાં ઝળકેલા ગુજરાતી બ્લૉગર્સ)
ટહુકો.કોમ…
ગુજરાતી ભાષા પ્રત્યેના અનર્ગળ પ્રેમના કારણે છેલ્લા બે-ત્રણ વર્ષમાં અંગત બ્લૉગ્સનો જે રાફડો ફાટી નીકળ્યો એમાં ખૂબ જ ઝડપથી મોખરાનું સ્થાન અંકે કરી બેઠેલ આ વેબ-સાઈટ… શબ્દ અને સંગીતના સમન્વયથી આ મોરલાએ જે કામણ વિશ્વભરના ગુજરાતીઓ પર કીધા છે એ પેઢી દર પેઢી યાદ રખાશે. નોખો ચીલો ચાતરીને આજે કદાચ નં. ૧ નું સ્થાન ધરાવતી આ વેબ-સાઈટ ૫૫૦થી વધુ સાહિત્યકૃતિઓ ધરાવે છે અને એક નવી કાવ્ય-કૃતિ કે કાવ્ય-સંગીત લઈને રોજ સવારે કુકડાની બાંગની નિયમિતતાથી સૌને અચૂક જગાડે છે.
આજે ગુજરાતના મોખરાના દૈનિક “સંદેશ”માં ઓન-લાઈન ગુજરાતી ભાષાના બ્લૉગ્સની સુંદર નોંધ લેવાઈ છે અને ટહુકો.કોમ વિશે ગળચટ્ટી વાતો પણ થઈ છે. સંદેશમાં પ્રકાશિત આ લેખ આપ અહીં પણ વાંચી શકો છો. ટહુકો.કોમ અને આ લેખમાં સમાવિષ્ટ અને અસમાવિષ્ટ તમામ બ્લૉગર્સને હાર્દિક અભિનંદન અને ખૂબ ખૂબ શુભેચ્છાઓ…
જયશ્રી ભક્ત…
મોરપિંચ્છથી વીંટળાયેલા જે દેહમાંથી આ ટહુકો દિનબદિન ગ્હેંકતો-મ્હેંકતો રહે છે એ આજકાલ માદરે-વતન ભારતમાં છે… સ્વદેશાગમન પર રક્ષાબંધનના પર્વ નિમિત્તે આ સમાચારથી વધુ ગળી બીજી કઈ મીઠાઈ હોઈ શકે? ખરું ને, જયશ્રી?! ટહુકો.કોમને વધાઈ આપવા માટે આ ખાસ ટૂંક-નોંધ લખવાની મને પરવાનગી આપી એ બદલ તારો આભાર… વધાઈ, જયશ્રી ! વધાઈ, ટહુકો.કોમ ! વધાઈ, સમસ્ત ગુજરાતી નેટ-જગત !