શ્યામસુંવાળુ અંધારું – જયંત પાઠક

શ્યામસુંવાળું
સીસમ જેવું અંધારું
કિરણની કરવતથી વ્હેરાય

રજ રજ અજવાળું થૈ ખરે
પવનમાં ઊડે
પાંદડે બેસી ફરફરે !
પતંગિયાની પાંખો ઉપર તરે,
પાણીમાં બૂડે
રેતકણોમાં તળિયે ચળકે
મીન થઈને સળકે
આભ થઈને પથરાય
કીકીના કાજળમાં કલવાય
ટપકું થૈને ઝળકે!

– જયંત પાઠક

અંજની ગીત – મનોજ ખંડેરિયા

ભીડ ભરેલો ભરચક છું હું
કોલાહલની છાલક છું હું
ઘડિયાળોની ટકટક છું હું
આ નગરની વાચાળે.

એકાંતે અટવાતો ચાલું
મારાથી અકડાતો ચાલું
હું જ મને અથડાતો ચાલું
આ સફરની વાચાળે.

-મનોજ ખંડેરિયા

અંજની ગીત કાવ્યપ્રકાર વિશે વિશેષ માહિતી અહીં મળી શકશે: http://layastaro.com/?p=7440

ગઝલ – ભરત વિંઝુડા

સાવ સીધું છે ગૂંચવાવું શું,
કાળું ધાબું છે એમાં જાવું શું.

એ નથી જાણતા રિસાવું શું !
તો કહો એમને મનાવું શું !

એણે આપ્યું નહીં કશુંય મને,
બંધ મુઠ્ઠીમાં હું છુપાવું શું !

વહી ગઈ એમ વિસરાઈ ગઈ,
જિંદગીમાં કહો ભુલાવું શું !

કંઈ નથી આવતું બીજું મોઢે,
એક બગાસું છે એમાં ખાવું શું !

- ભરત વિંઝુડા

ગઝલ – રઈશ મનીઆર

દીવાનગીની હદ સુધી મુજથી ન જવાયું
ટળવળતું રહ્યું સ્વપ્ન ફરી એક નમાયું

તુજ આત્મકથામાં થયો ઉલ્લેખ ન મારો
એક પાનું જો કે સાવ તેમાં કોરું રખાયું

કાંટા હવે ખૂંચે છે તો ઘા પણ નથી પડતા
ક્યારે તે રુઝાયું છે જે ફૂલોથી ઘવાયું

તારી સ્મૃતિ તારા જ વિચારો અહીં દાટ્યા
ને નામ કબર પર છતાં મારું જ લખાયું

ઇતિહાસ લખાયો તે ઘડી નામ કોઇનું
સગવડતાભરી રીતે ‘રઈશ’ ભૂલી જવાયું

- રઈશ મનીઆર

ગઝલ – શેખાદમ આબુવાલા

હું નયનનું નીર છું
પ્રેમનું તકદીર છું

ખેંચશો – હારી જશો
દ્રૌપદીનું ચીર છું

અર્જુને પૂછ્યું મને
રે તું કોનું તીર છું

જે નજર આવે નહીં
તેની હું તસ્વીર છું

પાત્ર લાવો હેમનું
હું સિંહણનું ક્ષીર છું

જન્મના ફેરાની હું
તૂટતી ઝંજીર છું

જાય છે આદમ? ભલે!
દુ:ખ નથી-દિલગીર છું

– શેખાદમ આબુવાલા

ટૂંકી બહેરની પણ કેવી મજાની ગઝલ… ગાગરમાં સાગર જ જાણે !