ગ્લૉબલ કવિતા : ૧૮૯ : વતનથી વિદાય થતાં – જયન્ત પાઠક

એ મૂક્યું વન, એ મૂક્યાં જન, ઘણે વર્ષે મળ્યાં જે ક્ષણ,
મૂક્યાં ડુંગર ને નદી, વતનનાં એ કોતરો, ખેતર;
આંખો બે રહી ભાળતી વળી વળી પાછી, ભીડ્યું એ ઘર
વેચાઈ ગયું ઢોર જેમ તલખે કોઢાર, છોડ્યું ધણ.

કેડી આગળ જાય, પાય અવળા, કેમે કરી ઊપડે;
આંખો જાય ભરાઈ વાટ તરુની કાંટાળી ડાળી નડે;
હૈયું ઉઝરડાય રક્તટશિયા ફૂટે ધીમેથી ઝમે
આઘે વેકુરથી નદીની હજીયે આ આંગળીઓ રમે.

ચાલો જીવ, જવાનું આગળ, નહીં આ કાળના વ્હેણમાં
પાછા ઉપરવાસ શક્ય વહવું, પાણી લૂછો નેણમાં;
ભારો લૈ ભૂતનો શિરે વણપૂછ્યે શા વેઠિયા ચાલવું
સાથે શ્વાન, પૂરી થતાં હદ હવે એનેય પાછા જવું.

આઘે ખેતર જોઉં બે કર કરી ઊંચા મને વારતી –
એ મારી ભ્રમણા? રિસાળ શિશુને બોલાવતી બા હતી?!

– જયન્ત પાઠક


અરે, આ ધૂળ પછી ઉમ્રભર મળે ન મળે…

જીવન ઘણીવાર વતન મૂકાવે છે. વિદ્યા, વ્યવસાય કે કોઈ પણ કારણોસર માણસને વતન છોડી અન્યત્ર સ્થાયી થવાની ફરજ પડી શકે છે. પણ મોટાભાગના કિસ્સાઓમાં તન ભલે વતન છોડે, મન વતનમાં રહી જતું હોય છે. ‘વતનની ધૂળથી માથું ભરી લઉં ‘આદિલ’, અરે, આ ધૂળ પછી ઉમ્રભર મળે ન મળે’નો ભાવ અસંખ્ય સર્જકોની કલમેથી ટપકતો આવ્યો છે, ટપકતો રહેશે. ચાલો ત્યારે, વતનવિચ્છેદની વેદનાને હળવાશથી હાથમાં લેતી જયંત પાઠકની આ રચનાને અઢેલીને બે’ક પળ બેસીએ.

વિપુલ માત્રામાં પણ ગુણવત્તાસભર કાવ્યસર્જન કરનાર જયન્ત પાઠકના બસોથી વધુ સૉનેટમાં ઊડીને આંખે વળગે એવું વિષયવૈવિધ્ય હોવા છતાં એમના સમગ્ર સર્જનની જેમ જ આ સૉનેટોમાં પણ એમની વ(ત)ન –વન અને વતન- પ્રીતિ ધ્યાનાર્હ છે. વન વતન લાગે અને વતન વન લાગે એ હદે બંને એમના જીવન અને કવનમાં રસ્યાંબસ્યાં છે. સાડા આઠ દાયકાના આયખામાંથી સાડા પાંચ શહેરોમાં વીત્યાં હોવા છતાં ગ્રામ્યવતન એમની કવિતાઓથી કદી અળગું જ ન થયું.

પ્રસ્તુત સૉનેટ કવિના પાંચમા સંગ્રહ ‘અંતરીક્ષ’ (૧૯૭૫)માં સમાવિષ્ટ છે. આ જ સૉનેટને અડીને ‘વર્ષો પછી વતનમાં’ શીર્ષકથી લખાયેલું સૉનેટ પણ જોવા મળે છે. બંનેની સર્જનતારીખ એક જ -૦૪/૦૯/૧૯૬૯- છે. એટલે સમજાય છે કે વરસો પછીની વતનની મુલાકાત અને કદાચ કાયમી વિદાય –એમ બેવડી અનુભૂતિ કવિએ આ બે સૉનેટમાં ઝીલી હશે. સંગ્રહમાં કાવ્યારંભ પૂર્વેના અભિલેખ ‘હું અર્ધો જીવું છું સ્મરણ મહીં, અર્ધો સપનમાં…’ કવિની ગઈકાલના ઓરડાની અવારનવાર મુલાકાત લઈ આજની કવિતાઓ આપવાની કાવ્યરીતિ પર પણ પ્રકાશ ફેંકે છે. કવિની રચનાઓ વર્ડ્સવર્થની વ્યાખ્યા -it takes its origin from emotion recollected in tranquillity- ને ચરિતાર્થ કરતી હોય એમ અનુભૂતિના તાત્ક્ષણિક ઊભરાના બદલે બહુધા સંચયનિધિમાંથી જન્મ લેતી હોવાનું અનુભવાય છે. સુરેશ દલાલના મતે ‘જયન્ત પાઠકની કવિતા એટલે સ્મૃતિના આરસા-વારસાની કવિતા, ગયાં વર્ષોની કવિતા. ते हि नो दिवसा गताःની કવિતા.’ કવિએ પોતે કહ્યું છે: ‘…વતન સાથેના મુગ્ધતાના તંતુઓ એક પછી એક તૂટવા લાગ્યા છે ને કઠોર વાસ્તવની તાવણીમાં તવાવાનું શરૂ થયું છે. જિંદગીનું આનંદપર્વ પૂરું થયું છે; હવે એને સ્મૃતિમાં જ સાચવવું રહ્યું.’

પ્રસ્તુત રચનામાં કવિએ પોતાના પ્રિય શિખરિણીના સ્થાને શાર્દૂલવિક્રીડિત છંદ ખપમાં લીધો છે. ઓગણીસ અક્ષરના આ છંદમાં વાઘ(શાર્દૂલ)ની લાં…બી ફર્લાંગની જેમ યતિ છે…ક બારમા અક્ષરે આવે છે. છંદની ગતિ અને યતિનો કૂદકો –બંને વાઘફાળની સાથે ‘મેચ’ ન કરી શકાય તો કવિતાનો યોગ્ય શિકાર ન થઈ શકે. પણ કવિએ કૌશલ્યપૂર્ણ છંદનિર્વાહ કર્યો છે અને ક્યાંય યતિભંગ થવા દીધો નથી. હા, લઘુ-ગુરુમાં હૃસ્વ-દીર્ઘનું હસ્તાંતરણ ઘણી જગ્યાએ જોવા મળે છે. ત્રણ ચતુષ્ક અને એક યુગ્મકનું બનેલું આ સૉનેટ શેક્સપિરિઅન સૉનેટ સ્વરૂપ ધરાવે છે અને પહેલા ચતુષ્કમાં અ-બ-અ-બ પ્રાસવ્યવસ્થાનું પાલન કરી એને વફાદાર પણ રહે છે. ગુજરાતીમાં જો કે શરૂથી જ કવિઓ સૉનેટના મૂળ સ્વરૂપ અને પ્રાસગોઠવણીનું ચુસ્ત પાલન કરવાથી ઉફરા ચાલ્યા છે. અહીં પણ બીજા ચતુષ્કથી પ્રાસરચના ક-ક ડ-ડ મુજબ છેવટ સુધી આગળ વધે છે. આ સિવાય કાવ્યમાં વન-જન-ક્ષણ-વતન જેવા આંતર્પ્રાસ તથા ડુંગર-કોતર-ખેતર, ઢોર-કોઢાર, કાંટાળી-ડાળી-આંગળી જેવાં અનુરણન અને વર્ણસગાઈ પણ છૂટાંછવાયાં નજરે ચડે છે, જે સૉનેટના રણકાને વધારાનું નાદમાધુર્ય બક્ષે છે.

સૉનેટના આરંભે બે વાર ‘એ’ આવે છે. આમ તો આ બંને ‘એ’ અનુક્રમે વન અને જન સાથે સંકળાયેલ છે, પણ એમાં ‘એય’વાળો તળપદી સુરતી લહેકો ન સંભળાય તો જ નવાઈ. વન અને વતન માટેનો કવિનો લગાવ સૉનેટના પ્રારંભે જ સમજાય છે. ‘વતનથી વિદાય થતાં’ની શરૂઆત વતનથી નહીં, વનથી થઈ છે. કવિ કહે છે, એ વન પણ અને એ માણસોનેય પાછળ મૂકી દીધાં છે. ઉત્તરાર્ધ ‘ઘણે વર્ષે મળ્યાં જે ક્ષણ’ વાંચતા સમજાય છે કે કવિ વરસો બાદ વતન પરત આવ્યા હશે અને થોડો સમય વતનમાં ગાળી ફરી શહેર જવા નીકળ્યા હશે એટલે ઘણાં વર્ષે જે લોકો ક્ષણભર માટે મળ્યાં હતાં એ લોકોને છોડીને જતી વેળાની અભિવ્યક્તિની આ કવિતા છે.

ડુંગર, નદી, ખેતર-કોતર બધું પાછળ છોડીને કથક વતનથી દૂરના માર્ગે આગળ ધપી રહ્યો છે. પણ આ મુસાફરી સરળ નથી. થોડી થોડી વારે ડોકું ફેરવીને પોતે પાછળ શું-શું છોડી જઈ રહ્યા છે એ જોવાની ફરજ કથકને પડે છે. આંખો વળી વળીને પાછળ જોઈ રહી છે. કવિએ લખ્યું છે: ‘શરીર ગાડામાં બેસીને શહેરમાં જવા નીકળ્યું છે. હૃદય ભૂતકાળને પકડવા પાછું દોડી રહ્યું છે, ગાડાની પાછળ બાંધેલા ઢોરની જેમ ઘસડાતું નાછૂટકે આગળ વધી રહ્યું છે. હું વનાંચલ છોડીને વસ્તીમાં જઈ રહ્યો છું. જંગલ, ડુંગરા ને નદી મને પાછળથી ખેંચી રહ્યાં છે. આ ધરતી સાથે મારે અટલો ગાઢ સંબંધ હતો તે તો આજે વિખૂટા પડતી વખતે જ જાણવા મળ્યું.’ બંધ ઘર વેચાઈ ગયું એટલે પાછાં આવવાની આખરી સંભાવના પર પણ પૂર્ણવિરામ મૂકાઈ ગયું. આ અવસ્થાને કવિ મૂંગા ઢોરના કોઢાર માટેના તરફડાટ સાથે સરખાવે છે. જાનવરને ન માત્ર પોતાનું ગમાણ, પણ ધણ સુદ્ધાં છોડી દેવાની ફરજ પડી હોય એવી વેદના અહીં તીવ્રતર થઈ છે. અને જો ઢોર કોઢાર માટે તલખતું હોય તો મનુષ્યની પીડા તો કેવી હોય! ‘એક વારનું ઘર’ કાવ્યમાં કવિ સોંસરો સવાલ કરે છે: ‘-લીલારો ચરવા આપણી ગાય/આઘેના વગડામાં નીકળી ગઈ છે./…/ અને આપણે?… આપણે પણ…’ આ વતનઝુરાપો કવિની રચનાઓમાં સતત વર્તાતો રહે છે: ‘ક્યાં છે મારું ટેકરીઓનું ગામ,/ ગામનું ઘર, ઘરની કોઢ, કોઢમાં/ અંધારાની કાળી ગાયને દોતી મારી બા?/ક્યાં છે…’ (ક્યાં છે?)

કવિ કહે છે, કેડી આગળ જાય છે પણ પગ અવળા પડે છે. આ મૂર્ત વિરોધાભાસ અમૂર્ત વ્યથાને આબાદ ચાક્ષુષ કરે છે. ‘ઘેર પાછો ફરું છું’ સૉનેટમાં કવિ લખે છે:

‘આ તે કેવો અનુભવ! બધું બે જણાતું અહીં આ
ભોમે: જૂનું નવું અતીત ને આજનું એક સાથે!

લાગે સાથે સમયની હુંયે આવજાઓ કરું છું,
ચાલું થોડે દૂર લગી, વળી ઘેર પાછો ફરું છું.’

પ્રસ્તુત સૉનેટ પણ ઊર્મિઓની આવી જ આવજાનું, વતનવિચ્છેદ અને વતનપ્રેમના દ્વંદ્વનું જ ગાન કરે છે. અન્ય એક સૉનેટ ‘વરસાદે વતન સાંભરતાં’માં પણ કવિ આ જ લાગણીને ઉદ્દેશે છે: ‘પડે ધીમાં કાળી સડક પર શાં ખિન્ન પગલાં!/ ચડે ઊંચા વેગે ધવલ સ્ત્રગ શાં વ્યોમ બગલાં!’ સફેદ બગલાંની ગતિ અને કાળી સડક પર પગલાંની ખિન્ન મથામણનો વિરોધાભાસ અહીં એ જ રીતે રજૂ થયો છે જે રીતે પ્રસ્તુત સૉનેટમાં કેડીના આગળ જવાની સાદૃશે કવિએ પગલાંના પાછળ પડવાની વાતે રજૂ કર્યો છે. પગલાં કેમે કરીને ઊપાડ્યાં ઊપડતાં નથી. અહીં બાલમુકુન્દ દવેના અમર સૉનેટ –જૂનું ઘર ખાલી કરતાં-ની અમર પંક્તિઓ ‘ખૂંચી તીણી સજલ દૃગમાં કાચ કેરી કણિકા! /ઉપાડેલાં ડગ ઉપર શા લોહ કેરા મણીકા!’ યાદ આવ્યા વિના નથી રહેતી. કવિની આંખો ઝળઝળિયાંથી ભરાઈ જાય છે અને પગ કેમે કરી ઉપડતાં નથી. રસ્તે કાંટાળી વાડ નડે છે પણ ઉઝરડા શરીરના બદલે હૈયા પર થાય છે. વેદનાના રક્તટશિયાઓ ફૂટી નીકળે છે અને ધીમે ધીમે ઝમે છે. દૂરથી જ નદીકાંઠાની ઝીણી કાંકરિયાળ રેતી જોઈને કવિની આંગળીઓ રેતીમાં રમતી હોય એમ આપોઆપ હાલવા માંડે છે. આંગળીઓની આ હિલચાલ કવિ બાળપણની નદીકાંઠાની રેતીમાં રમેલી રમતોમાં પહોંચી ગયા હોવાનું ઇંગિત કરે છે. ‘વનવતનની કેડીઓએ ફરી ડગલાં ભરું’ (‘વતન’)ની અનુભૂતિ અહીં સાક્ષાત્ થાય છે.

આઠ પંક્તિ પછી ભાવપલટાના સૉનેટના વલણને અનુરૂપ પ્રથમ બે ચતુષ્કમાં વર્ષો પછીની વતનની આ મુલાકાત આખરી હોવાની પ્રતીતિને લઈને જન્મેલી કશ્મકશ રજૂ થયા બાદ ત્રીજા ચતુષ્કમાં વાસ્તવનો સ્વીકાર આલેખાયો છે. ‘ચાલો જીવ’ કહીને કવિ જે આત્મસંબોધન કરે છે, એ સૉનેટને એકદમ ભાવકના હૈયાસરસું આણે છે. પ્રારંભે ‘એ’ના લહેકામાં જે આત્મીયતા અનુભવાઈ હતી, એ અહીં પુનઃ વર્તાય છે. ‘ચાલો જીવ’ સંબોધનમાં મનોદ્વંદ્વના અંતે હથિયાર ફેંકી દઈ વાસ્તવિકતાનો સ્વીકાર પણ સંભળાય છે. નિરાશાના સૂર સાથે કવિ અવઢવમાં પડેલી જાતને આગળ વધવા સૂચવે છે, કેમકે કાળની આ નદીમાં પાછાં ઉપરવાસ વહેવું તો શક્ય જ નથી. વાત કાળનદીના વહેણમાં તણાવાની છે, પણ નદી તો આંખોમાં ઊમડી આવી છે. આંખો લૂંછીને, વતનની યાદોને પાછળ મૂકીને અહીંથી આગળ જવાનું છે. ‘ભૂતકાળ ભૂંસાઈ ગયો છે, ભૂંસાઈ રહ્યો છે; એ કંઈક સચવાયો છે આ ડુંગરાઓની વજ્ર મુઠ્ઠીમાં ને કંઈક મારા મનમાં,’ આમ કહેનાર કવિ જો કે સમજે છે કે કોઈના કહ્યા-કારવ્યા વિના સ્વયંભૂ માથે ભૂતકાળનાં પોટલાં ઊંચકીને વેઠિયા મજૂરની જેમ ક્યાં લગી ઢસરડા કરવા? શેરીમાંના શ્વાને કદાચ વતન ત્યાગતા કવિની સંગત કરી હશે, એણેય હવે વતનની આખરી હદ આવતાં પાછાં વળવાનું થશે. સંગાથી શ્વાનનું આ ચિત્ર મહાભારતમાં મહાપ્રસ્થાને નીકળેલા પાંડવોના એકમાત્ર સંગી બનેલા શ્વાનની યાદ અપાવતું હોવાથી આપણને કેટલું ચિરપરિચિત લાગે છે, નહીં!

સૉનેટની આખરી બે પંક્તિઓ સૉનેટની ચોટની, કવિતાના અર્કની પંક્તિઓ છે અને જયન્ત પાઠક એમના મોટાભાગના સૉનેટોની જેમ અહીં પણ આ કવિકર્મ બજાવવામાંથી ચ્યુત થયા નથી. ગામની હદ પૂરી થઈ છે. હવે એકવારનું પોતાનું ખેતર પણ આઘે નજરે ચડે છે. ખેતરમાં લણ્યા વિનાનો પાક કદાચ હજીયે લહેરાતો હશે, તેમાં કવિને કોઈ બે હાથ ઊંચા કરીને કોઈ પોતાને બોલાવતું ન હોય એવો ભાસ થાય છે. એક પળ માટે સભાન કવિ જાતને ટકોર પણ કરે છે કે આ પોતાની ભ્રમણા તો નથી ને? પણ બીજી જ પળે એમને રિસાઈ ગયેલા બાળકને જે રીતે બા બે હાથ ઊંચા કરીને બોલાવે એ રીતે પોતાનું ખેતર પોતાને બોલાવતું હોવાનું લાગે છે. જેણે તનમનમાં વન-વતન સાથે એકત્વભાવ સેવ્યો-સાધ્યો હોય એના માટે આ વિચ્છેદ કેટલો દોહ્યલો હશે એનો આપણને આ ઉપમા ઉપરથી ખ્યાલ આવે છે. ક્યાંક આપણી આંખોના ખૂણે ભેજ ને હૈયે ઉઝરડા સહેજ થયા હોવાનું ન અનુભવાય તો જ નવાઈ!

સુરેશ દલાલની કવિ માટેની ટિપ્પણી, ‘કવિતામાં કોઈપણ વલણ એ વળગણ ન થવું જોઈએ. જયન્ત પાઠક માટે શૈશવનું સ્થળ એક વ્યક્તિ જેટલું મહત્ત્વ ધારણ કરે છે,’ સાવ સાચી છે. જે રીતે થોમસ હાર્ડીની નવલકથાઓમાં તત્કાલિન ઇંગ્લેન્ડની ગ્રામ્ય પૃષ્ઠભૂએ એક પાત્ર જેટલું મહત્ત્વ પ્રાપ્ત કર્યું છે , એ જ રીતે જયન્ત પાઠકની રચનાઓમાં વન અને વતન વ્યક્તિવિશેષ બની રહ્યાં છે. પરંતુ, અતિની આ ગતિથી કવિતાની મતિ બગડી નથી એ જ આપણું સદનસીબ.

12 replies on “ગ્લૉબલ કવિતા : ૧૮૯ : વતનથી વિદાય થતાં – જયન્ત પાઠક”

  1. આપનો રસાસ્વાદ ખૂબ ગમ્યો.છેલ્લે ખેતરમાં બે હાથ ઊંચા કરી બોલાવતી બા એ કદાચ કવિની અસલ માતા હોઈ શકે જે હાલ હયાત નથી પણ કવિએ જયારે ગામ છોડ્યું ત્યારે દીકરાને કાયમ માટે શહેરમાં જતો જોઈ ભાવભીની વિદાય આપતાં બે હાથ લંબાવી આશીર્વાદ આપતાં કહ્યું હશે કે ‘સુખી રહેજો બેટા’ એ સમયનું બાનું ચિત્ર નજર સમક્ષ આવી ગયું હોય.સંતાન તો સદા પાસે જ રહે એવું માબાપને ગમે પણ તેના ઉજ્જવળ ભવિષ્ય માટે ભારે હૈયે તેને દૂર દૂર જવા દેવું પડે.એવી વસમી વિદાય જેણે આપેલી એ બા તો હવે રહી નથી પણ તેની સ્મૃતિરૂપ સીમમાં રહેલું આ ખેતર પણ હવે છેલ્લી વાર જોતાં બાના રૂપે વિદાય આપતું લાગે છે.

  2. કવિતા … તથા એનો આસ્વાદ …. પારણાં મા ઝુલીએ એવી અનુભૂતિ … વાહ…

  3. વતનપ્રેમનુ સરસ કાવ્ય,શ્રી જય્ંત્ભાઈને સ્મૃતિવંદના…..શ્રધ્ધાસુમન્….

  4. મનની વ્યથાબદ્ધ લાગણીઓને વહેતી કરતું સુંદર સોનેટ! જીવનનો ભુતકાળ ભલે ગમ્મેતેવો ઉઝ્ઝડ હોય પણ અંતેતો એ પોતાનો જ છે! ઘણીવાર જીવનમાં આજ મુડી મુઠ્ઠીમાં રહે છે. બાકી તો સરિતાની જેમ સરતા જીવનમાં આપણું શું કહેવાય?
    એટલે જ તો શ્રિ રામે કહ્યું હશે કે…अपि स्वर्णमयी लङ्का न मे लक्ष्मण रोचते | जननी जन्मभूमिश्च स्वर्गादपि गरीयसी ||
    સોનેટનું સુંદર પ્રુથકરણ કરવા બદલ ડો, ટેલરનો આભાર!

    • જ્ય઼શ્રિ ક્રિશ્ણ જ્યેન્દ્રભાઇ,
      આપણા જેવા વતન છોડેલા લોકો માટે ધરતીનો છેડો એટલે વતન. ચાહે મેમ્ફિસ રહો કે મેરેીલેન્ડ રહો કે મોન્ટ્રિયલ રહો.

      વિભુતિ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *