ભણકારા – બલવંતરાય ઠાકોર

આઘે ઊભાં તટધૂમસ જેમાં દ્રુમો નીંદ સેવે,
વચ્ચે સ્વપ્ને મૃદુ મલકતાં શાંત રેવા સુહાવે;
ઊંચાનીચાં સ્તનધડક-શાં હાલતાં સુપ્ત વારિ,
તેમાં મેળે તલ સમ પડે ઊપડે નાવ મારી.

માથે જાણે નિજ નરી જુવે કાંતિ તો સૃષ્ટિ સૂતી
ચોંકી જાગે, કુસુમવસને તેથી જ્યોત્સ્ના લપાતી;
ને બીડેલાં કમલ મહિં બંધાઇ સૌંદર્યઘેલો
ડોલે લોટે અલિ મૃદુ પદે, વાય આ વાયુ તેવો.

ત્યાં સૂતેલો લવું નવલ અર્ધા અનાયાસ છંદ,
કે આંદોલું જરી લય નવે બીનના તાર મંદ,
તેમાં આ શી – રજનીઉરથી, નર્મદાવ્હેણમાંથી,
સ્વર્ગગાની રજતરજ, કે વાદળી ફેનમાંથી,
– પુષ્પે પાને વિમલ હિમમોતી સરે, તેમ છાની
બાની ભીની નીતરી નીંગળે અંતરે શીય, સેહની!

– બલવંતરાય ઠાકોર

5 replies on “ભણકારા – બલવંતરાય ઠાકોર”

 1. અર્વાચીન ગુજરાતી કવિતામાં યુરોપથી આવેલ એકમાત્ર કાવ્યપ્રકાર એટલે સૉનેટ. 13મી સદીમાં ઈટાલીમાં જન્મીને 16મી સદીમાં અંગ્રેજીના વાઘાં પહેર્યા બાદ આ કાવ્ય-પ્રકાર 19મી સદીના અંતભાગમાં આવ્યું ગુજરાતી કવિતામાં. ઈ.સ. 1888ની સાલમાં બ.ક.ઠાકોરે લખેલું આ સૉનેટ એ આપણી ભાષાનું સર્વપ્રથમ સૉનેટ મનાય છે. સર્વપ્રથમ હોવા છતાં આ સૉનેટ ક્યાંયથી ઊણું ઉતરતું ભાસતું નથી એ પ્રથમ પ્રયત્ને જ કોઈ સાહસવીર એવરેસ્ટ આંબી લે એવી વિરલ સિદ્ધિ છે.

  આ સૉનેટ વિશેની વિગતવાર ટિપ્પણી અહીં માણી શક્શો: http://layastaro.com/?p=864

 2. Bansilal N Dhruva says:

  ગુજરાતીભાષાનુ આ પહેલુ સોનેટ વાંચીને ખૂબ આનંદ થયો.ધન્યવાદ.
  બંસીલાલ ધ્રુવ.

 3. Maheshchandra Naik says:

  સોનેટ વિશે સરસ જાણકારી પ્રાપ્ત થઈ, આપનો આભાર……………………..

 4. આ સોનેટનો આસ્વાદ કોલેજકાળ દરમ્યાન સર્વશ્રી સિતાંસુભાઈ એ કરાવેલો. જે આજ સુધી ભૂલી નથી. ટહુકાએ
  કોલેજકાળ યાદ કરાવી દિધો. બ.કા.ઠા. ના “પ્રેમ ના સોનેટ” પણ અદ્વિતિય કહી શકાય.

 5. shailesh pujara says:

  ટહુકાએ કોલેજકાળ યાદ કરાવી દિધો.- મને ગમતુ કાવ્ય – ખાસ તો તેના છ્ંદ મ્ંદાક્રાન્તા ને કારણે,

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *