Category Archives: અછાંદસ

માતૃભાષા – પન્ના નાયક

આજે ૨૧ ફેબ્રુઆરી – આંતરરાષ્ટ્રિય માતૃભાષા દિવસ..!!  (See: wiki) આજના દિવસની શુભેચ્છાઓ સાથે – પન્ના નાયકની આ કવિતા ફરી એકવાર…

**********
આપણને
જે ભાષામાં સપનાં આવે

આપણી માતૃભાષા
મને
હજીય ફિલાડેલ્ફિઆમાં
સપનાં ગુજરાતીમાં આવે છે.
પણ
મારી આસપાસના
કેટલાક ગુજરાતીઓ
ઉમાશંકરની છબિ જોઈને
સતત પૂછ્યા કરે છે :
‘આ કોની છબિ છે ?’
‘આ કોની છબિ છે ?’
અને
મારું સપનું નંદવાઈ જાય છે.
(સપનાંનાં હૈયાંને નંદવામાં વાર શી ?)

– પન્ના નાયક

તું મને ના ચહે – હરીન્દ્ર દવે

તું મને ના ચહે,
ને ચહું હું તને,
પ્યાર ના એ મને આવડે છે.

પ્રેમમાં માત્ર પરિત્યાગનો ભાવ,
તો આપણા પંથ જુદા પડે છે.

હું ના બંધન કોઈ માનનારો કદી,
હું ન ‘ચિરકાળ ચાહીશ’ એવું કહું;
કાલ સૌંદર્ય તારું જશે ઓસરી
ને નહીં હુંય તે આજ જેવો રહું.

કાલ તો ઉગશે કાલ
આ આજને માણવા ચિત્ત તારું ચહે છે ?

આવ, તો, આવ હે !
અધરને આંગણે
હ્રદય ત્યાં વાટ તારી લહે છે.

- હરીન્દ્ર દવે

(આભાર – લયસ્તરો.કોમ)

હું માગું છું – નીતા રામૈયા

નાચગાનથી ધબધબતા
આ શહેરના ધોરી રસ્તા વચ્ચે
ઊભા રહીને
હું માગું છું
મારી જાતનું રખોપું કરી શકે તેવી
એક રાત્રિ અને તેનો નિર્વેદ અંધકાર.

રાત્રિની પંપાળ વિના
અને
અંધકારની ઓથ વિના
મારી જાત
- મને ડર લાગે છે –
ભરભર ભરભર ભૂકો થઇ જશે, કદાચ,
શેરીના કૂતરાની જેમ
ડસડસતા
આ શહેરમાં.

વટકેલ આખલા જેવા
આ છટકેલ શહેરની વચ્ચોવચ્ચ
વીલે મોઢે ઊભા રહીને
હું માગું છું
મારી જાતનું રખોપું કરી શકે તેવી
એક રાત્રિ અને તેનો નિર્વેદ અંધકાર.

-નીતા રામૈયા

મારું એકાંત – લતા હિરાણી

નવેમ્બર ૨૦૧૨માં જ્યારે હિતેન આનંદપરાને મળવાનું થયું – ત્યારે એમણે એક મઝાનું સંકલન ભેટ આપ્યું. ‘અર્વાચીન કવયિત્રીઓના કાવ્યોનો સંપુટ’ – અને ત્યારે વાત થયેલી કે માર્ચમાં International Women’s Day આવે ત્યારે ટહુકો પર કવયિત્રી સ્પેશિયલ કંઇક કરી શકાય.

આમ તો આજે International Women’s Day છે – પણ ટહુકો પર છેલ્લા ૨ દિવસથી Women Special જેવું જ કંઇ છે – પહેલા દક્ષા વ્યાસ, અને પછી કાજલ ઓઝા-વૈદ્ય. તો આજે માણીએ – લતા હિરાણીને..!!

Yosemite National Park 030

મેઘધનુષ આવીને મને પૂછી ગયું… April 2009

મેં મારું એકાંત
બધી દિશાઓમાં વેરી દીધું
અને પછી કણેકણમાં ફૂટ્યા
અવાજ વગરના ટહુકાઓ…

મેઘધનુષ આવીને મને પૂછી ગયું,
આ પહાડ પર ગુંજે છે એ તારાં ગીત ??
મેં કહ્યું ના, આ લોહીના લયમાં ચુપચાપ વહે છે
એ મારાં ગીત

પાંદડીએ હળવેથી મલકી
સાક્ષી પૂરી દીધી……
એણે ફરી પૂછ્યું
આ પર્વત, નદી, ઝરણાં ને વનરાઇ
તારા જ રક્તના લયને તાલ પુરાવે છે ને !!

હું ઉઘડતા મૌનથી ઉભરાઇ ગઇ…
દિશાઓ સાક્ષીભાવે ગુંજી રહી….

મને ખબર છે, હું અનુભવું છું
મારા લખચોરાશી કાળના કઠેડાથી
મારી પર વરસ્યા કરે છે એ સુર
ને મારા એકાંતમાં એ ઓગળ્યા કરે છે

પછી ફેલાય છે સુર્યનું હુંફાળું વ્હાલ
ને ચંદ્રનું સ્મિત…

મારું શાંત સરોવર હિલોળે ચડે છે
અને એક અનુબંધ રચાય છે.

જોડાઇ જઇએ છીએ
હું ને આકાશ, હું ને ધરતી
વચ્ચે ગુંજ્યા કરે છે કોઇ
અનહદનો નાદ થઇ…

- લતા હિરાણી

ગોઠવણ એટલે શું ? – કાજલ ઓઝા-વૈદ્ય

આજે મને પહેલીવાર સમજાયું કે ગોઠવણ એટલે શું ?
રંગરોગાન વગરના સંબંધનો ચહેરો
પહેલીવાર ધોધમાર અજવાળામાં
આંખ સામે ખૂલી ગયો !

તું… જાણે સામે કિનારે,
અને, તારી આસપાસ નાચતી
નિર્વસ્ત્ર હકીકતોની ભૂતાવળ…
… આ કિનારે એકલી-અટૂલી હું.
મારા ખિસ્સામાં, મારી અપેક્ષાઓ
અધિકારોનું ચૂંથાયેલું લિસ્ટ…
કહેલા-ન કહેલા,
માની લીધેલા શબ્દોના, લીરેલીરા !
આંખમાં રેતી ને હોઠ પર ઝાંઝવા,

આપણી વચ્ચેના પુલને
ફૂરચેફૂરચા થઈ ઉડી જતો જોઈ રહ્યા છીએ
આપણે બંને – અસહાય !

- કાજલ ઓઝા-વૈદ્ય