Category Archives: સી.અર્જુન

જા જા નિંદરા હું તુંને વારું – નરસિંહ મહેતા

આ ભજન નાનપણમાં સાંભળેલું હતું….મને જો બરાબર યાદ હોય તો મોરારીબાપુની કોઇ કેસેટમાં એમના જ મુખે સાંભળવાનો લ્હાવો મળ્યો હતો…એ રેકોર્ડિંગ કોઈની પાસે હોય તો મને મોકલશો?

સ્વર – ?
સંગીત – સી.અર્જુન
ગુજરાતી ફિલ્મ – ભગત પિપાજી (૧૯૮૦)

જા જા નિંદરા હું તુંને વારું
તું છે નાર ધુતારી રે….

પહેલા પોરે સૌ કોઈ જાગે જી જી…
બીજે પોરે ભોગી રે..
ત્રીજે પોરે તશ્કર જાગે
ચોથે પોરે જોગી રે..

જા જા નિંદરા….

એક સમય રામ વનમાં પધાર્યા જી જી…
લક્ષ્મણને નિંદરા આવી રે..
સતી સીતાને કલંક લાગ્યું
ભાયુમાં ભ્રાંતિ પડાવી રે..

જા જા નિંદરા….

બાર બાર વરસે લક્ષ્મણે ત્યાગી જી જી…
કુંભકર્ણે લાડ લડાવ્યા રે..
ભલે મળ્યા મેહતા નરસિંહના સ્વામી
નિંદરા કરોના કોઈ વ્હાલી રે..

જા જા નિંદરા….

– નરસિંહ મહેતા

હાલો ને કીડીબાઇની જાનમાં – ભોજા ભગત

સ્વર – પ્રફુલ દવે
સંગીત – સી.અર્જુન
ગુજરાતી ફિલ્મ – ભગત પિપાજી (૧૯૮૦)

કીડી બિચારી કીડલી ને કીડીના લગનીયા લેવાય
પંખી પારેવડા ને નોતર્યા…હે કીડી ને આપ્યા સન્માન
હાલો ને કીડીબાઇની જાનમાં….

મોરલે બાંધ્યો રૂડો માંડવો રે, ખજુરો પિરસે ખારેક
ભુંડે રે ગાયાં રૂડાં ગીતડાં…હે પોપટ પિરસે પકવાન,
હાલો ને કીડીબાઇની જાનમાં….

મંકોડાને મોકલ્યો માળવે રે લેવા માંડવીયો ગોળ
મંકોડો કેડે થી પાતળો…હે ગોળ ઉપડ્યો ન જાય
હાલો ને કીડીબાઇની જાનમાં….

મીનીબાઇને મોકલ્યાં ગામમાં રે એવા નોતરવાં ગામ
હામા મળ્યા બે કૂતરા…હે બિલાડીના કરડ્યા બે કાન
હાલો ને કીડીબાઇની જાનમાં….

ઘોડે રે બાંધ્યા પગે ઘુઘરા રે, કાકીંડે બાંધી છે કટાર
ઉંટે રે બાંધ્યા ગળે ઢોલકા…હે ગધેડો ફુંકે હરણાઇ
હાલો ને કીડીબાઇની જાનમાં….

ઉંદરમામા હાલ્યા રે રીહામણે ને, બેઠા દરીયાને પેટ
દેડકો બેઠો ડગમગે…હે મને કપડાં પેહરાવ
જાવું છે કીડીબાઇની જાનમાં….

વાંસડે ચડ્યો એક વાંદરો રે, જુએ જાનની વાટ
આજતો જાનને લુટવી…હે લેવા સર્વેના પ્રાણ
હાલો ને કીડીબાઇની જાનમાં….

કઇ કીડીની કોની જાન છે રે, સંતો કરજો વિચાર
ભોજા ભગતની વિનતી…હે સમજો ચતુર સુજાણ
હાલો ને કીડીબાઇની જાનમાં….

કીડી બિચારી કીડલી ને કીડીના લગનીયા લેવાય
પંખી પારેવડા ને નોતર્યા…હે કીડી ને આપ્યા સન્માન
હાલો ને કીડીબાઇની જાનમાં…..

– ભોજા ભગત

વીજળીને ચમકારે – ગંગા સતી

જુનની ૧૪, ૨૦૦૬ માં પહેલા મુકેલી ગંગા સતીનું આ ભજનની ઓડીયો રેર્કોડીંગ….

vijali ne chamkare

સ્વર : દમયંતી બરડાઈ
સંગીત : સી.અર્જુન
ગુજરાતી ફિલ્મ : ગંગાસતી (૧૯૭૯)

સ્વર : દિપ્તી દેસાઇ
સંગીત : ગૌરાંગ વ્યાસ
આલ્બમ : શ્રધ્ધા

વીજળીને ચમકારે મોતી પરોવવું પાનબાઇ !
નહિતર અચાનક અંઘારા થાશે;
જોતજોતાંમાં દિવસ વયા ગયા પાનબાઇ !
એકવીસ હજાર છસોને કાળ ખાશે….

ભાઇ રે ! જાણ્યા જેવી આ તો અજાણ છે પાનબાઇ !
આ તો અધૂરિયાને નો કે’વાય,
આ ગુપત રસનો ખેલ છે અટપટો,
આંટી મેલો તો પૂરણ સમજાય….

ભાઇ રે ! નિરમળ થૈને આવો મેદાનમાં પાનબાઇ !
જાણી લિયો જીવની જાત;
સજાતિ વિજાતિની જુગતિ બતાવું ને,
બીબે પાડી દઉં બીજી ભાત….

ભાઇ રે ! પિંડ બ્રહ્માંડ્થી પર છે ગુરુ પાનબાઇ !
તેનો દેખાડું હું તમને દેશ,
ગંગા રે સતી એમ બોલિયાં રે,
ત્યાં નહિ માયાનો જરીયે લેશ….

– ગંગા સતી

પૂનમની પ્યારી પ્યારી રાત…

સૌને અમારા તરફથી શરદપૂનમની અમિત શુભેચ્છાઓ…!! અને હા, દૂધ-પૌઆની મઝા લેવાનું ન ભૂલતા..! શરદપૂનમની ચાંદનીમાં દૂધ-પૌઆ જેટલી મીઠાશ બીજી કોઇ મીઠાઇમાં પણ નહીં મળે..! 🙂

હે શરદ પૂનમની રાતડી જ રે અને ચાંદો ઊગ્યો છે આકાશ
અરે પણ સરખે સરખી સાહેલડી અરે મળી રમવા કારણ રાસ

સ્વર: ઉષા મંગેશકર
સંગીત: સી.અર્જુન

(Picture : Mayapur Katha)

.

હો.. પૂનમની પ્યારી પ્યારી રાત
મારી પ્રિતમ સાથે છે મુલાકાત, આજ તું ના જાતી…
ના જાતી… ના જાતી…
હો.. પૂનમની પ્યારી પ્યારી રાત ના જાતી…

ચમકે છે નભમાં જેટલાં તારા, સપનાં તે એટલાં મનમાં
આજની આ પૂનમ છે જેવી રૂપાળી, એવું જ રૂપ મારા તનમાં
જોજે થાયે ન આજે પ્રભાત, મારી પ્રિતમ સાથે છે મુલાકાત
આજ તું ના જાતી…
ના જાતી… ના જાતી…
હો.. પૂનમની પ્યારી પ્યારી રાત ના જાતી…

જાગી છે પ્રિત્ત મારી જન્મો જનમની, રમશું રે રાતભર રંગમાં
જાવ જાવ સખીઓ થાશે રે મોડું, સાજન છે કોઇનાં સંગમાં
મને કરવા દોને થોડી વાર, મારી પ્રિતમ સાથે છે મુલાકાત
આજ તું ના જાતી…
ના જાતી… ના જાતી…
હો.. પૂનમની પ્યારી પ્યારી રાત ના જાતી…