Category Archives: રામનારાયણ પાઠક ‘શેષ’

રામનારાયણ પાઠક ‘શેષ’ શ્રેણીમાંના બધા પોસ્ટ (કક્કાવાર). સંપૂર્ણ પોસ્ટ માટે ક્લીક કરો.

છેલ્લું દર્શન - રામનારાયણ પાઠક
પાંચમી વર્ષગાંઠ સ્પેશિયલ: (કાવ્યસંગીત) પરથમ પરણામ મારા - રામનારાયણ પાઠક 'શેષ'પાંચમી વર્ષગાંઠ સ્પેશિયલ: (કાવ્યસંગીત) પરથમ પરણામ મારા – રામનારાયણ પાઠક ‘શેષ’

આજે Father’s Day..! સૌને અમારા તરફથી Happy પપ્પા દિવસ..! આ સાથે આ પહેલા ટહુકો પર મૂકેલું ગીત – આજે ફરી એકવાર.

અને ટહુકોની પાંચમી વર્ષગાંઠની ઉજવણીમાં આજે જ્યારે ગુજરાતી સુગમ-સંગીત, કાવ્યસંગીતની વાત કરવાની જ હતી – તો આજના દિવસે તો આ ગીત જ યાદ આવે ને! વર્ષોથી આપણા સંગીતકારોએ કવિઓની ઉત્તમ કૃતિઓ સ્વર-સંગીતબધ્ધ કરી આપણા સુધી પહોંચાડી છે. અને કાવ્યસંગીતની સાથે જ એટએટલા ગીતો અને નામો યાદ આવી જાય કે બધું લખવા જઇશ તો પ્રસ્તાવનાને બદલે નિબંધ જ લખાઇ જશે. (આ સાથે જ એક વિચાર આવ્યો – આ દર વર્ષે પરિક્ષામાં ‘મારી ગમતી ઋતુ, મારો ગમતો તહેવાર’ એવા વર્ષોથી પૂછાતા આવેલા અને વર્ષોથી ‘ગાઇડ’માં જોઇ જોઇને ગોખાતા આવેલા નિબંધ લખવાના આવે, એને બદલે – મારું ગમતું ગીત.. મારા ગમતા કવિ.. કે મને ગમતા સંગીતકાર – એવો નિબંધ કેમ નહીં પૂછાતો હોય?)

સોરી હોં! લાગે છે ગાડી જરા આડે પાડે ચડી ગઇ..! ચલો, fine ભરવો પડે એ પહેલા ગાડી સુગમ-સંગીતને રસ્તે પાછી લઇ આવું – અને સંભળાવું આ મઝાનું ગીત.
_______________________
Posted on September 4, 2009

જેટલીવાર આ ગીત સાંભળું એટલીવાર આંખો ભરાઇ આવે… ભગવાન જો એ ઘડીએ સામે આવે તો બસ એવી પાંખો માંગું કે ઉડીને મમ્મી-પપ્પા પાસે અમદાવાદ પહોંચી શકું..! ગીતના શબ્દો.. રાગ… નિરુપમા અને ફાલ્ગુની શેઠનો અવાજ.. બધું મળીને કંઇક એવો જાદુ કરે છે કે ગમ્મે એવી સ્થિતીમાં પણ બધુ છૉડીને મમ્મીભેગા થઇ જવાનું મન થઇ જાય.

સ્વર: નિરુપમા શેઠ, ફાલ્ગુની શેઠ
સંગીત : અજિત શેઠ

This text will be replaced

પરથમ પરણામ મારા, માતાજીને કહેજો રે,
માન્યું જેણે માટીને રતન જી;
ભૂખ્યાં રહૈ જમાડ્યાં અમને, જાગી ઊંઘાડ્યા,એવાં
કાયાનાં કીધલાં જતન જી.

બીજા પરણામ મારા, પિતાજીને કહેજો રે
ઘરથી બતાવી જેણે શેરી જી;
બોલી બોલાવ્યા અમને, દોરી હલાવ્યા ચૌટે,
ડુંગરે દેખાડી ઊંચે દેરી જી.

ત્રીજા પરણામ મારા, ગુરુજીને કહેજો રે
જડ્યાં કે ન જડિયા, તોયે સાચા જી;
એકનેય કહેજો એવા સૌનેય કહેજો, જે જે
અગમ નિગમની બોલ્યા વાચા જી.

ચોથા પરણામ મરા, ભેરુઓને કહેજો રે
જેની સાથે ખેલ્યા જગમાં ખેલ જી;
ખાલીમાં રંગ પૂર્યા, જંગમાં સાથ પૂર્યા;
હસાવી ધોવરાવ્યા અમારા મેલ જી.

પાંચમાં પરણામ મારા વેરીડાને કહેજો રે
પાટુએ ઉઘાડ્યાં અંતર દ્વાર જી;
અજાણ્યા દેખાડ્યા અમને ઘેરા ઉલેચાવ્યા જેણે
ઊંડા ઊંડા આતમના અંધાર જી,

છઠ્ઠા પરણામ મારા જીવનસાથીને કહેજો રે
સંસારતાપે દીધી છાંય જી;
પરણામ વધારે પડે, પરણામ ઓછાયે પડે
આતમને કહેજો એક સાંઇ જી.

સાતમા પરણામ, ઓલ્યા મહાત્માને કહેજો રે
ઢોરનાં કીધાં જેણે મનેખ જી;
હરવાફરવાના જેણે મારગ ઉઘાડ્યા રૂડા
હારોહાર મારી ઊંડી મેખ જી.

છેલ્લા પરણામ અમારા, જગતને કહેજો જેણે
લીધા વિના આલ્યું સરવસ જી;
આલ્યું ને આલશે, ને પાળ્યાં ને પાળશે, જ્યારે
ફરી અહીં ઊતરશે અમારો હંસ જી.

– રામનારાયણ પાઠક : ‘દ્વિરેફ’, ‘શેષ’, સ્વૈરવિહારી’

——————-
Posted on September 4, 2009
અને હા… કવિ શ્રી કૃષ્ણ દવેને એમના જન્મદિવસે ખૂબ ખૂબ શુભેચ્છાઓ.. 🙂

છેલ્લું દર્શન – રામનારાયણ પાઠક

કવિ શ્રી રામનારાયણ પાઠકના જન્મદિવસે એમને શ્રધ્ધાંજલી. એમના નામની સાથે જ મને એમની આ અમર રચના – પરથમ પરણામ મારા…. જરૂર યાદ આવી જ જાય.

*************

ધમાલ ન કરો, – જરાય નહિ નેન ભીનાં થશો, –
ઘડી બ ઘડી જે મળી – નયનવારિ થંભો જરા, –
કૃતાર્થ થઈ લો, ફરી નહિ મળે જ સૌંદર્ય આ,
સદા જગત જે વડે હતું હસન્તું માંગલ્ય કો!

ધમાલ ન કરો, ધરો બધી સમૃધ્ધિ માંગલ્યની,
ધરો અગરુ દીપ ચંદન ગુલાલ ને કુંકુમ;
ધરો કુસુમ શ્રીફલો, ન ફરી જીવને આ થવો
સુયોગ અણમૂલ સુંદર સુહાગી માંગલ્યનો!

ધમાલ ન કરો, ન લો સ્મરણ કાજ ચિહ્ને કશું,
રહ્યું વિકસતું જ અન્ત સુધી જેહ સૌંદર્ય, તે
અખંડ જ ભલે રહ્યું, હ્રદયસ્થાન તેનું હવે
ન સંસ્મરણ વા ન કો સ્વજન એ કદી પૂરશે.

મળ્યાં તુજ સમીપે અગ્નિ! તુજ પાસ જુદાં થિંયેં,
કહે, અધિક ભવ્ય મંગલ નથી શું એ સુંદરી?

-’શેષ’ રામનારાયણ પાઠક

( આભાર – પ્રભાતના પુષ્પો)