Category Archives: કૃષ્ણ દવે

હરિ તો હાલે હારોહાર ! – કૃષ્ણ દવે

હું જાગું ઈ પ્હેલા જાગી ખોલે સઘળા દ્વાર

હરિ તો હાલે હારોહાર
નહિતર મારા કામ બધા કાંઈ ઉકલે બારોબાર ?
હરિ તો હાલે હારોહાર.
ખૂબ ઉકાળે, બાળે, ગાળે, દ્વેષ રહે ના લેશ
પછી કહે થા મીરા કાં ધર નરસૈયાનો વેશ
હું ય હરખની હડી કાઢતો ધોડું ધારોધાર
હરિ તો હાલે હારોહાર.
વાતે વાતે ઘાંઘા થઇ થઇ ઘણાય પાડે સાદ
સાવ ભરોસે બાથ ભરી જે વળગે ઈ પ્રહલાદ
તાર મળ્યે ત્રેવડ આવે ઈ નીરખે ભારોભાર
હરિ તો હાલે હારોહાર.
મુઠ્ઠીમાં શું લાવ્યા એની ઝીણી એને જાણ
પ્હોચ પ્રમાણે ખાટા મીઠા પણ જે ધરતા પ્રાણ
એની હાટડીએ હાજર ઈ કરવા કારોબાર
હરિ તો હાલે હારોહાર.
- કૃષ્ણ દવે

વાદળની રેલગાડી – કૃષ્ણ દવે

મન મુકીને વરસી રહેલા વરસાદનું બાળગીત …….

vaadal

વાદળની રેલગાડી… The famous Bay Area Fog & the Bay… May 2010 @ Mt. Tamalpais

વાદળની રેલગાડી આવે રે લોલ
પવનભાઈ પોત્તે ચલાવે રે લોલ

ગરજીને વ્હીસલ વગાડે રે લોલ
ટહુકાઓ સિગ્નલ દેખાડે રે લોલ

ડબ્બામાં છલકાતા છાંટા રે લોલ
મેઘધનુષ એના છે પાટા રે લોલ

સ્ટેશન આવે તો જરા થોભે રે લોલ
ભીંજાતા ગામ કેવા શોભે રે લોલ

ખળ ખળ ખળ ઝરણાઓ દોડે રે લોલ
ઊંચા બે પર્વતને જોડે રે લોલ

ખેતર ક્યે ખેડુતજી આવો રે લોલ
મનગમતા સપનાઓ વાવો રે લોલ

કૂંપળબાઈ દરવાજા ખોલે રે લોલ
લીલ્લુંછમ લીલ્લુંછમ બોલે રે લોલ

- કૃષ્ણ દવે

ઝાઝું વિચારવું જ નહી – કૃષ્ણ દવે

ઝાઝું વિચારવું જ નહી.
મારું કે તારું કંઈ ધાર્યું ના થાય એના કરતા તો ધારવું જ નહી.
ઝાઝું વિચારવું જ નહી.

રહેવા મળે તો ક્યાંક તરણાની ટોચ ઉપર પળભર પણ ઝળહળ થઇ રહેવું,
વહેવા મળે તો કોક કાળમીંઢ પથ્થરને ભીંજવવા આરપાર વહેવું,
આવી ચડે ઈ બધું પાપણથી પોખવું ને મનને તો મારવું જ નહી.
ઝાઝું વિચારવું જ નહી.

ઘુવડની આંખ્યુંમાં ચોટેલું અંધારું કુમળા બે કિરણોથી ધોત,
આગિયાના ગામમાંથી ચૂંટાયો હોત ને તો આજે તો સુરજ હું હોત,
સ્મરણો તો હંમેશા આ રીતે પજવે ,તો કંઈ પણ સંભારવું જ નહી.
ઝાઝું વિચારવું જ નહી.

સરનામાં પૂછી પૂછીને જે વર્ષે ઈ વાદળ નહી બીજા છે કોક,
ભીંજાવા માટે પણ પાસવર્ડ માંગે ઈ ચોમાસા કરવાના ફોક,
છાંટો યે હેતથી ના વરસી શકાય એના કરતા અંધારવું જ નહી.
ઝાઝું વિચારવું જ નહી.

- કૃષ્ણ દવે

પરીક્ષા – કૃષ્ણ દવે

રોજ પરીક્ષા ,રોજ પરીક્ષા , રોજ પરીક્ષા દઈએ ,
કાં તો સ્કુલમાં ,કાં ટયુશનમાં ,કાં ટેન્શનમાં રહીએ

નથી એકલા પાસ થવાનું ટકા જોઇએ મોટા .
નાની નાની મુઠ્ઠી પાસે પકડાવે પરપોટા
એચ ટુ ઓ ને ગોખી ગોખી ક્યાંથી ઝરણું થઈએ ?

રોજ પરીક્ષા ,રોજ પરીક્ષા , રોજ પરીક્ષા દઈએ ,

થાકું, ઊંઘું ,જાગું ત્યાં તો સામે આવે બોર્ડ
હોઉં રેસનો ઘોડો જાણે એમ લગાવું દોડ
પ્રવાસ ચાલુ થાય નહી એ પહેલા હાંફી જઈએ .

રોજ પરીક્ષા ,રોજ પરીક્ષા , રોજ પરીક્ષા દઈએ ,

રામ, કૃષ્ણ કે અર્જુન પણ ક્યાં દેતા રોજ પરીક્ષા ?
એના પપ્પા ક’દિ માંગતા એડમીશનની ભિક્ષા ?
કોની છે આ સીસ્ટમ જેમાં અમે ફસાયા છઈએ .

રોજ પરીક્ષા ,રોજ પરીક્ષા , રોજ પરીક્ષા દઈએ ,

- કૃષ્ણ દવે

અત્તર રહી જાય નહીં ફૂલમાં !!! – કૃષ્ણ દવે

બીજું શું કરવાનું સ્કૂલમાં ?
આખ્ખાયે ધંધામાં રાખવાનું ધ્યાન,
ક્યાંય અત્તર રહી જાય નહીં ફૂલમાં.
બીજું શું કરવાનું સ્કૂલમાં ?

ભણવાના કારખાના ધમધમતા રાખવાની
આપું બે ચાર તને ટીપ ?
માછલીની પાસેથી ઉઘરાવ્યે રાખવાની
મોતી ભરેલ કંઈક છીપ.
માસુમિયત જોઈ જોઈ લાગણીનું સપનું
પણ જો જે આવે ન ક્યાંક ભૂલમાં ?
બીજું શું કરવાનું સ્કૂલમાં ?

સીધેસીધું તો કદી મળવાનું નહીં
થોડું બેસાડી રાખવાનું બ્હાર
થનગનતી ઈચ્છાને લાગવું તો જોઈએ
ને કેટલો છે મોટ્ટો વેપાર !
ઊંચે આકાશ કૈંક દેખાડી ડાળ
પાછુ પંખીને કહેવાનું ઝૂલ મા.
બીજું શું કરવાનું સ્કૂલમાં ?

ધારદાર ફતવાઓ પાડવાના બ્હાર
અને ભાષણ તો કરવાનું લિસ્સું,
અર્જુનને પંખીની આંખ જ દેખાય
એમ તારે પણ વાલીનું ખિસ્સું.
શિક્ષણ નહીં, ફાઈવસ્ટાર બિલ્ડિંગ
જરૂરી છે સૌથી પ્હેલા તો સંકુલમાં.
બીજું શું કરવાનું સ્કૂલમાં ?