Category Archives: હાઇકુ

એક વળગણ જોઈએ – ઊર્મિ

25706_428448634941_4320931_n
(અઢળક ઈચ્છા…           Picture by Urmi, April 2010)

*

જીવનકાવ્યે
મિત્રતાનું ગાલગા
પણ જોઈએ.

*

માન્યતાને એક સરહદ જોઈએ,
રૂઢતાને પણ નિયંત્રણ જોઈએ.

શક્ય ક્યાં છે અહીં પરિત્યાગી થવું !
ત્યાગનું પણ એક વળગણ જોઈએ.

પ્રેમ, સમજણ કે પછી હો જીન્દગી…
સાવ નટખટ એક બચપણ જોઈએ.

હા, યુવાની થોડી ઉન્મદ જોઈએ…
પણ હો માનદ, એવું ઘડપણ જોઈએ.

જોઈએ, ઈચ્છા યે અઢળક જોઈએ,
પણ કદી અનહદની પણ હદ જોઈએ !

એક સરખી હોય ના ભરતી, સખા !
‘ઊર્મિ’ની પણ ક્યાંક વધઘટ જોઈએ…

-’ઊર્મિ’ (૨૬ મે, ૨૦૦૯)

અત્તર-અક્ષર (હાઈકુ) -પન્ના નાયક

Daffodils Field....  Photo: bestamericanpoetry.com

Daffodils Field.... Photo: bestamericanpoetry.com

પીઠી ચોળાવી
બેઠાં છે ડેફોડિલ્સ
ઘાસમંડપે

*

પરોઢે કરે
ઝાકળસ્નાતાં પુષ્પો –
સૂર્યસ્વાગત

*

ટહુકો રેલ્યો
કોયલે, ગુંજી ઊઠ્યું
આખ્ખું કાનન

*

પન્ના નાયક

આવા કેટલાંયે સત્તર અક્ષરમાં પોતાની અનુભૂતીનું અત્તર નાંખીને કવયિત્રી લાવ્યા છે એમનો નવો હાઈકુસંગ્રહ ‘અત્તર-અક્ષર’, જે જાન્યુઆરીની 25મી પ્રકાશિત થયો હતો.  આ સંગ્રહને એમણે આ પ્રકારનાં કુલ 206 હાઈકુથી શણગાર્યો છે.  એમાનાં થોડા હાઈકુ તમે એમની વેબસાઈટ પર પણ માણી શકો છો.  કવયિત્રીને ખૂબ ખૂબ અભિનંદન અને શુભેચ્છાઓ…

હાઈકુ – પન્ના નાયક

૧.

અંગઅંગ આ
પલળ્યાં,ધોધમાર
સ્મૃતિ-વરસાદે

૨.

આસોપાલવ
ના અહીં, દ્વારે ટાંગ્યાં
સ્મિત-તોરણ

૩.

ઈચ્છામૃત્યુ જો
મળે, મળે કવિતા
બાહુપાશમાં

૪.

ઉપવનમાં
પવન ગાતો ગીતો-
વૃક્ષો ડોલતાં

૫.

કૂણાં તૃણની
ઓઢણી અંગે ઓઢી
ધરા શોભતી

એ જ લખવાનું સખા ! – ઊર્મિ

*

વ્હાલની લીપી
છે સખા, ઉકલશે
એ વ્હાલથી જ !

*

આભ ગોરંભાઈ ગ્યું છે એ જ લખવાનું સખા !
તોયે ગુલાબી થયું છે એ જ લખવાનું સખા !

એક પંખી ફરફર્યું છે એ જ લખવાનું સખા !
એક પીંછું પણ ખર્યું છે એ જ લખવાનું સખા !

રાતભર આ લોચને પીડા પ્રસવની ભોગવી,
એક સપનું અવતર્યું છે એ જ લખવાનું સખા !

એમ તો લૂંટાવી દીધી છે હૃદય મિરાત, પણ-
એક સ્મરણને સાચવ્યું છે એ જ લખવાનું સખા !

દિલનાં દર્દોની કથા વિસ્તાર સંભળાવ્યા પછી,
કેટલું આ દિલ બળ્યું છે એ જ લખવાનું સખા !

કેટલી ઊંચી ચણી’તી ‘હું’પણાની ભીંત મેં !
ભીંતમાં કાણું પડ્યું છે એ જ લખવાનું સખા !

કેટલાં દરિયા વલોવ્યાં ને ઉલેચ્યાં, આખરે-
‘ઊર્મિ’નું મોતી જડ્યું છે એ જ લખવાનું સખા !

-‘ઊર્મિ’

છંદવિધાન : ગાલગાગા ગાલગાગા ગાલગાગા ગાલગા

કવિ શ્રી સુરેન ઠાકર ‘મેહુલ’ની ‘એ જ લખવાનું તને’ ગઝલમાંથી મળેલી પ્રેરણાનું પરિણામ એટલે આ ગઝલ…!

નેવાં – મનોજ ખંડેરિયા

આજે પલળીએ મનોજ ખંડેરિયાના આ મઝાના હાયકુ-કાવ્ય સંગાથે..!!

ટપકે નેવાં
આજે તો અવકાશે
છલકે નેવાં

રાત પડે ને
સામે ઘેર જવાને
સરકે નેવાં

કોણ આવતું
આજ આંખની જેવાં
ફરકે નેવાં

અષાઢ-રાતે
કણું બનીને આંખે
ખટકે નેવાં

પાંખ-પાંખમાં
મૌન ધ્રૂજતું ભીનું
ધબકે નેવાં

– મનોજ ખંડેરિયા