Category Archives: રવિ ઉપાધ્યાય

હતી રાત થોડી અને વેશ ઝાઝાં – રવિ ઉપાધ્યાય

ગાયક : આશિત દેસાઇ, સંગીત : પ્રકાશ ઉપાધ્યાય

હતી રાત થોડી અને વેશ ઝાઝાં,
ત્યાં કરવી પડી એ સ્થિતિમાં ઉતાવળ;
ભૂલેલાં જૂઠાં રાહથી પાછો વળવાં,
હું લાવ્યો ‘તો મારી ગતિમાં ઉતાવળ…

જીવનભરનાં ગુન્હાં કબૂલીને જેમાં,
લખ્યોતો તને પત્ર મેં ખૂબ લાંબો;
ઘડી અંતની આવી ગઇ ને થઇ છે,
લિખિતંગની છેલ્લી લીટીમાં ઉતાવળ…

ન સીતાહરણ થાત, ના થાત મૃત્યુ
લંકાપતીનું, શ્રીરાઘવનાં હાથે;
કાંચનનો મૃગ જોઇ મોહી જવામાં
જો થાતી નાં સીતા સતીમાં ઉતાવળ…

મજા મસ્ત મહેફીલની માણવાંને ,
નિમંત્ર્યા’તા મિત્રો મેં વીણી વીણીને;
નિહાળીને વર્તન હું પસ્તાઇ બેઠો,
થતું, મેં કરી દોસ્તીમાં ઉતાવળ…

હજું જીવવુંને જીરવવું’તું બાકી,
હજું કાવ્યનાં ખૂબ કરવાં’તા સર્જન;
પરંતું ‘રવિ’ની જરુરત પ્રભુને,
જે કીધી મરણની તિથિમાં ઉતાવળ….

શબ્દ રચના: રવિ ઉપાધ્યાય (http://raviupadhyaya.wordpress.com/), ગાયક : આશિત દેસાઇ, સંગીત : પ્રકાશ ઉપાધ્યાય, પ્રસ્તાવના અને મલ્ટીમિડિયા રચયિતા : ડો. જગદીપ ર. ઉપાધ્યાય. ઓડીયો / વીડીયો સીડી ” મંઝિલને ઢૂંઢવા…”

સમસ્યાના સાગર તરી જાણજે – રવિ ઉપાધ્યાય

કવિ: રવિ ઉપાધ્યાય
ગાયિકા : રેખા ત્રિવેદી
સંગીતકાર : પ્રકાશ ઉપાધ્યાય

.

સમસ્યાના સાગર તરી જાણજે
મળ્યું છે જીવન તો જીવી જાણજે.

પરીક્ષા પ્રભુનેય દેવી પડે…..
થઇ અગ્નિમાં કંચન, તપી જાણજે…

ફુલોથી ઘણું શીખવાનું મળે
પીસાઇનેતું અત્તર બની જાણજે…

તફાવત તું સારાં બૂરાનો સમજ,
દીવાદાંડી જગની , બની જાણજે..

વિધાતાનો કેવો આ ઉપહાર છે.
તું બુધ્ધિની લ્હાણી કરી જાણજે.

પ્રલોભનથી રહીને નિરાળો ‘રવિ’ !
જીવન તો છે ઠીક, પણ મરી જાણજે.

કોઇ શબ્દોની સમજ… – રવિ ઉપાધ્યાય

કવિ: રવિ ઉપાધ્યાય (www.raviupadhyaya.wordpress.com) ,
ગાયક: પાર્થિવ ગોહિલ
સંગીતકાર : પ્રકાશ ઉપાધ્યાય
પ્રસ્તાવના અને મલ્ટીમિડિયા રચયિતા ડો.જગદીપ ઉપાધ્યાય
મ્યુઝિક વીડીયો આલ્બમ ‘મંઝિલને ઢૂંઢવા..’

કોઇ શબ્દોની સમજ સ્વરથી પડે,
બ્રહ્મનો જેમ ભેદ તો ભીતરથી જડે…

રામ છૂપાયાં નથી રામાયણે,
ખોલશો જો દ્વાર તો અંતરથી મળે…

કાષ્ટમાં અગ્નિ છતાં દેખાય ક્યાં?
ના કોઇ ઉકેલ તો ઉત્તરથી મળે…

પ્રેમનો સાચો પરિચય ત્યાગમાં,
ફૂલની પિછાણ તો અત્તરથી પડે…

લાગણીનું પણ સદા એવું જ છે,
ક્યાંથી જન્મી, કયાં જઈ ઢળતી રહે…

હોય શ્રધ્ધા તો દિસે ઇશ્વર ‘રવિ’,
રામ નામે સેતુ તો પથ્થરથી બને…

કહે એવું તે તારામાં શું છે ! – રવિ ઉપાધ્યાય

શબ્દરચના : રવિ ઉપાધ્યાય, સંગીત : નવીન શાહ, ગાયિકા : રેખા ત્રિવેદી, ‘ સનમ શોખીન ’ ( 1995 ) મ્યુઝિક ઓડીયો આલ્બમમાં ધ્વનીમુદ્રિત

.

કહે એવું તે
તારામાં શું છે ! મારામાં શું છે !
હું જોઉં જ્યાં – તું હોય જ ત્યાં
કહે – એ શું છે ?

તને નીરખી આ ચાંદો જો ને આજે પણ શરમાય
તને નીરખી એ તારલીયાની આંખો પણ મિંચાય
ધીમો સાગર તું જોને આજ ફરી ઘુઘવતો થાય
કહે …એ શું છે ?..કોનામાં શું છે ?… મારામાં શું છે ?

તારાં સ્મિતોથી ફુલડાં જો ને આજે ક્યાં વેરાય
સારી આલમ સુવાસોથી આ આજે શું ઉભરાય
તારા નયનોમાં મારું આજ મને દર્પણ દેખાય
કહે …એ શું છે ?..કોનામાં શું છે ?… તારામાં શું છે ?
કહે …એ શું છે ?..કોનામાં શું છે ?… તારામાં શું છે ?

મારી કાચી કાયા કેરા કુંભે – રવિ ઉપાધ્યાય

ગાયિકા : હંસા દવે
સંગીતકાર: દક્ષેશ ધ્રુવ

મારી કાચી કાયા કેરા કુંભે, જનનીએ પ્રગટાવ્યું રે…..
મારા કાળજડાનું કોડિયું….

મારા અંધ હ્રદયનું બંધ બારણું, અંબાએ ઊઘાડ્યું રે
માયાનું બંધન તોડિયું….. મારી

ભવના ઘાટે, કંટક વાટે,
ડગ ભરતો ને ઠોકર વાગે;
શ્રધ્ધા શક્તિમાં જ ધરીને,
દિવ્ય આશના શ્વાસ ભરીને…

ઝુકાવ્યું મેં સાગરમાં ત્યાં, માએ પાર ઊતાર્યું રે….
મારું ડગમગ કરતું હોડિયું ….. મારી

તિમિર ભરેલી દશે દિશામાં,
પંથ ન સૂજે ઘોર નિશામાં;
જનમ મરણના ઝંઝાવાતે,
જાપ જપ્યા માના દિનરાતે;

ઘોર તિમિર ઘનઘટા ગઇ ને જનનીએ ઝબકાવ્યું રે…..
મારાં નવજીવનનું પરોઢિયું……. મારી

– રવિ ઉપાધ્યાય
———————————-
સ્વ. નંદલાલ ભૂતા ટ્ર્સ્ટ દ્વારા બાહર પાડેલ ગરબાની અને ‘ચંડીપાઠ’ની કેસેટ હે મા ત્વમેવ સર્મમમાં સમાવિષ્ટ. નવરાત્રિ નિર્ઝરિણી અને ઉરના સૂર પુસ્તકમાં પ્રકાશિત

મંઝિલને ઢૂંઢવા… – રવિ ઉપાધ્યાય

કવિ શ્રી રવિ ઉપાધ્યાયના જન્મદિવસે આપણા બધા તરફથી એમને શ્રધ્ધાંજલી..

સ્વર – સંગીત : પુરુષોત્તમ ઉપાધ્યાય

challenge

ગાયક અને સંગીતકાર : પ્રકાશ ઉપાધ્યાય   

મંઝિલને ઢૂંઢવા દિશા કપરી જવું પડે,
છોડી જૂનું વતન નવી નગરી જવું પડે.
 
યુગોથી મીંટ માંડવી તપ એનું નામ છે,
શ્રીરામને જમાડવાં શબરી થવું પડે.
 
બદલાની અપેક્ષા વિનાં સત્કર્મ જો ક્રરો ,
પત્થરનાં દેવને ક્દી પ્રગટી જવું પડે.
 
દર્શન પ્રભુનાં પામવાં ક્પરી કસોટી છે,
અર્જુનનાં રથના ચક્ર્ની ધરી થવું પડે.
 
પાણી થવાંને કેટલું પાણી સહન કરે,
વાદળ બનીને વીજથી સળગી જવું પડે.
 
સન્માન કેવું પામશો મૃત્યુ પછી ‘રવિ’,
જોવાં તમાશો એક્વાર ગુજરી જવું પડે.

 

સંબંધ તો પ્રેમનો થવા – રવિ ઉપાધ્યાય

સંબંધ તો પ્રેમનો થવા સંજોગ જોઇએ,
સાચું પૂછો તો ભાગ્યમાં કોઇ યોગ જોઇએ!

એમ સમજાશે નહીં કિંમત શી મિલનની,
રામ-સીતાના જેવો વિરહ ને વિયોગ જોઇએ!

કષ્ટ વિના સાધના ફળતી નથી કદી,
શીલાની અહલ્યા થવાં કોઇ સંયોગ જોઇએ!

કર્મનાં કાજળ ન ગંગાજળથી ધોવાતાં,
જીવનમાં સત્યનાં સદા પ્રયોગ જોઇએ!

યુધ્ધમાં તલવાર તો કોઇની સગી નથી
મિત્ર યા શત્રુ સહુનો ભોગ જોઇએ!

પામવાં મૃત્યુ ‘રવિ’ આખરમાં કુદરતી,
જેની દવા મળે નહીં એ રોગ જોઇએ!