Category Archives: કમલેશ સોનાવાલા

એક કાગળ, એક કલમ – કમલેશ સોનાવાલા

સ્વર – રૂપકુમાર રાઠોડ
સંગીત – પંડિત શિવકુમાર શર્મા
આલ્બમ – સંગઠન

એક કાગળ, એક કલમ, કંપન ભરેલું કાળજું,
વચ્ચે એક કવિતાનું, અમથું અમથું શરમાવવું.

વાસંતી વાયરામાં, પુષ્પોનું લહેરાવવું,
ટહુકે કોયલના, સરગમનું સર્જાવવું,
વચ્ચે એક શાયરનું, અમથું અમથું ભમરાવવું…

રાતે, હોઠોનું, ધીમું ધીમું મુસ્કુરાવવું,
પરોઢે ગઝલનું ગેસુમાં ગુંથાવવું
વચ્ચે એક શમણાને, અમથું અમથું પંપાળવું…

પ્રણયની પહેલ છે, નયનોનું ટકરાવવું,
મહોબ્બતની મંઝિલ છે, આતમને મિલાવવું,
વચ્ચે એક હૈયાનું, અમથું અમથું નંદવાવવું…

ગીતાની શરૂઆત અર્જુનનો વિષાદયોગ,
ગીતાનો ઉપદેશ અર્જુનનો સન્યાસયોગ,
વચ્ચે આ ‘કમલ’નું અમથું અમથું અટવાવવું…

– કમલેશ સોનાવાલા

ગાગરમાં પાણી છલકવાનું છે – કમલેશ સોનાવાલા

સ્વર – સાધના સરગમ, પાર્થિવ ગોહિલ
સંગીત – પુરુષોત્તમ ઉપાધ્યાય

ગાગરમાં પાણી છલકવાનું છે,
જોબનિયું આજે ઝલકવાનું છે.
જ્યાં જ્યાં તમારા પગલાં પડ્યાં,
ઝાંઝરને ત્યાં ત્યાં ઝમકવાનું છે.

કેસર-ગુલાબી ચુંદડીને સંગ,
સજનીને સાંજે મળવાનું છે,
મઢૂલી બનાવી કાનની સંગ,
મુરલીના નાદે મટકવાનું છે.

નજરયુંથી નજરને મળવાનું છે,
ઝરમર ઝરમર વરસવાનું છે,
ફૂલની સંગે મહેંકવાનું છે,
લજામણી થઇ શરમાવાનું છે.

ઉભરતી ઉંમરને તલસવાનું છે,
આશિક આદિલને બહેકવાનું છે,
મુખડું તમારું પૂનમવાનું છે,
મધરાતે શમણામાં મળવાનું છે.

– કમલેશ સોનાવાલા

હર મહોબ્બત તણા ઇતિહાસના… – કમલેશ સોનાવાલા

સ્વર : ધનાશ્રી પંડિત

.

હર મહોબ્બત તણા ઇતિહાસના પુરાવા નથી હોતા,
હર મકબરાની પાસમાં મિનારા નથી હોતા.

હર આહ ભરનારા ઉરે આશિક નથી હોતા,
હર આગિયાની રૂહમાં સિતારા નથી હોતા.

હર હોઠની મુસ્કાનમાં મત્લા નથી હોતા,
હર વાર્તાનાં અતં સરખા નથી હોતા.

હર આસ્થા શ્રદ્ધા મહીં કિર્તન નથી હોતા,
હર બંસરીનાં નાદમાં ઘનશ્યામ નથી હોતા.

હર વમળનાં વર્તુળમાં કંકર નથી હોતા,
હર ઝેર પીનારા શંકર નથી હોતા.

હર ચમનમાં ઉડતા બધાં બુલબુલ નથી હોતા,
હર પ્રેમ કરનારા શાયર નથી હોતા.

અમારા બધાં સુખ તમોને મુબારક – કમલેશ સોનાવાલા

સ્વર : ભુપિન્દર
સંગીત : પુરુષોત્તમ ઉપાધ્યાય
આલ્બમ : સંમોહન

.

સંધ્યાના નભમાં છે લાલી શરાબી,
પણ ઇશ્ક છે, ફરેબી ને આલમ ખરાબી.

અમારા બધાં સુખ તમોને મુબારક,
મહેલોની મહેફિલ તમોને મુબારક;
તનહાઈયાંમાં યાદી તમારી,
અમારા બધા સુખ તમોને મુબારક.

પ્રેમ તણી કશ્તી મેં દિલમાં હિલોળી,
મૌનનાં ખડક થઈ તમે રે ડૂબાડી;
સાગરના મોતી તમોને મુબારક,
તનહાઈયાંમાં યાદી તમારી,
અમારા બધા સુખ તમોને મુબારક.

કરું હાથ ઊંચા ના બંદગી સમજશો,
બતાવી રહ્યાં ત્યાં વફાની તબાહી;
ખુદાની ખુદાઈ તમોને મુબારક,
તનહાઈયાંમાં યાદી તમારી,
અમારા બધા સુખ તમોને મુબારક.

કમલ તણી યાદોનાં ભ્રમર કદી બનશો,
પંકમાં ખીલ્યાં’તાં ને પંકમાં બીડાયાં;
બહારોની બરકત તમોને મુબારક,
તનહાઈયાંમાં યાદી તમારી,
અમારા બધા સુખ તમોને મુબારક.

પધારો વસંતો… આ આંગણ સજાવો..!! – કમલેશ સોનાવાલા

સ્વર : રૂપકુમાર રાઠોડ, સોનાલી વાજપાઇ

.

વીતી ગયો છે દિન બધો,
છતાં અજવાસ બાકી છે,
પ્રણયની કે પ્રલયની એ,
હજી એક રાત બાકી છે.

મચલતી હવાઓ, લચકતી લતાઓ
છલકતી જુવાની, ગુલોથી વધાવો….
પધારો વસંતો… આ આંગણ સજાવો..!!

લટકતી લટોથી ન નજરો બચાવો
ઉઠાવો મિલાવો ઝુકેલી નિગાહો
જો બદલાય મૌસમ ન બદલો અદાઓ
પધારો વસંતો… આ આંગણ સજાવો..!!

અગન છે દિલોમાં, દિલોને મિલાવો
કરી છે જે વાતો, ન એને ભુલાવો
રસીલી તમારી રિસાઇ, મનાવો…
પધારો વસંતો… આ આંગણ સજાવો..!!

દિવાલો બની છે ત્યાં ઘરને વસાવો
બનીને દુલ્હનિયા આ ડેલામાં આવો
ભરી સેંથી સિંદૂર દીવો તો જગાવો
પધારો વસંતો… આ આંગણ સજાવો..!!

– કમલેશ સોનાવાલા

ચાલો તમારા પ્રેમની એક લહેર બનાવી દઉં – કમલેશ સોનાવાલા

ચાંદ સમા ચહેરા તણી તસવીર બનાવી દઉં
ને એ રીતે તમને નયનના ખ્વાબ બનાવી દઉં……….

સ્વર : રૂપકુમાર રાઠોડ
સંગીત : પુરુષોત્તમ ઉપાધ્યાય

wind-flower.jpg

.

ચાલો તમારા પ્રેમની એક લહેર બનાવી દઉં
એ રીતે તમને અમારા શ્વાસ બનાવી દઉં

શબ્દો તણા પુષ્પો ગુંથી ગજરો બનાવી દઉં
એ રીતે તમને ગઝલના પ્રાસ બનાવી દઉં

સાકી સુરા ને શાયરી મુહોબ્બત બનાવી દઉં
એ રીતે યાદો બધી રંગીન બનાવી દઉં

હથેલી તણી લકીરને કિસ્મત બનાવી દઉં
એ રીતે જીવવાતણું બહાનું બનાવી દઉં

અટકી ગઇ જ્યાં જિંદગી મંજિલ બનાવી દઉં
એ રીતે ખાલી કબર બિસ્તર બનાવી દઉં

કલ્પવૃક્ષની છાંવમાં મંદિર બનાવી દઉં
એ રીતે પથ્થર તને ઇશ્વર બનાવી દઉં

તમોને પ્રેમ કરું છું હું… – કમલેશ સોનાવાલા

સાધના સરગમ અને પાર્થિવ ગોહિલના સુરીલા કંઠે આ ગીત ખરેખર સાંભળવા જેવું છે. એકદમ સરળ શબ્દો.. ‘તમોને પ્રેમ કરું છું હું’ આ શબ્દો સાંભળવા કોને નથી ગમતા? અને એકવાર સાંભળવાથી પણ કોને ધરપત થઇ છે? દરેક પ્રેમીને આ શબ્દો વારંવાર સાંભળવા, અને વારંવાર કહેવા ગમે છે, અને આ ગીતમાં પણ એ જ ભાવના તો વ્યક્ત થઇ છે. અને આ ભાવના શબ્દોથી પર છે, એ વાત પણ કવિ કહી જ દે છે ને – મૌન તણાં મંદિરમાં, અંતર તણો અજવાસ… ધડકન ધડકતી કહે, વારંવાર…
સ્વર : પાર્થિવ ગોહિલ, સાધના સરગમ
સંગીત : પુરુષોત્તમ ઉપાધ્યાય
swans1.jpg

.

કહી દો અમોને તમે, વારંવાર…. વારંવાર…
તમોને પ્રેમ કરું છું હું..
તમોને પ્રેમ કરું છું હું..

ગુંજન કરો કાનોમાં, વારંવાર…. વારંવાર….
તમોને પ્રેમ કરું છું હું..
તમોને પ્રેમ કરું છું હું..

કોરા નથી કાગળ, છુપ્યા છે ફૂલ પ્રણયના ત્યાં
શબનમ બનીને લખો, વારંવાર…. વારંવાર….
તમોને પ્રેમ કરું છું હું..
તમોને પ્રેમ કરું છું હું..

સરિતા અને સાગર, બંધન છતાં સ્પંદન
સંગમ અધરનો કહે, વારંવાર…. વારંવાર….
તમોને પ્રેમ કરું છું હું..
તમોને પ્રેમ કરું છું હું..

મૌન તણાં મંદિરમાં, અંતર તણો અજવાસ
ધડકન ધડકતી કહે, વારંવાર…. વારંવાર….
તમોને પ્રેમ કરું છું હું..
તમોને પ્રેમ કરું છું હું..

કહી દો અમોને તમે, વારંવાર…. વારંવાર…
તમોને પ્રેમ કરું છું હું..
તમોને પ્રેમ કરું છું હું..