Category Archives: જનાર્દન રાવલ

ઈશ્વર પડ્યો નથી રસ્તામાં – અવિનાશ વ્યાસ

(કૃષ્ણ-સુદામા….Dolls of India)

સંગીત : અવિનાશ વ્યાસ
સ્વર : જનાર્દન રાવલ
આલ્બમ – અમર સદા અવિનાશ Vol.3

આસ્વાદ : રઇશ મનીઆર
સંગીત : અવિનાશ વ્યાસ
સ્વર : જનાર્દન રાવલ

બે ફૂલ ચઢાવે મૂર્તિ પર,
પ્રભુ નહી મળે સસ્તામાં,
ઈશ્વર પડ્યો નથી રસ્તામાં.
કૃષ્ણની પાસે જવું હોય તો,
થવું પડે સુદામા….
ઈશ્વર પડ્યો નથી….

સાચું છે એ સચરાચર છે,
સાચું છે એ અજરામર છે,
સાચું છે એ પરમેશ્વર છે.
પણ ચો ધારે વરસે મેહુલિયો તો,
મેળે એક ટીપામાં….
ઈશ્વર પડ્યો નથી….

રામનું સ્વાગત કરતા ઋષીઓ
જાપ જપંતા રહી ગયા.
એઠાં બોરને અમર કરી ને
રામ શબરીના થઈ ગયા.

નહી મળે ચાંદી સોનાના
અઢળક સિક્કા માં,
નહી મળે કાશીમાં કે મક્કા માં,
પણ નસીબ હોય તો મળી જાય
તુલસીના પત્તામાં….
ઈશ્વર પડ્યો નથી….

– અવિનાશ વ્યાસ

રામભરોસે – મધુમતી મહેતા

(ઊંડી ખીણો ઊંચા ડુંગર… Yosemite Valley, April 09)

* * * * *

ગઝલ પઠન : મધુમતી મહેતા

.

સ્વર – સંગીત : જનાર્દન રાવલ

.

ઊંડી ખીણો ઊંચા ડુંગર, ચડવાનું છે રામભરોસે
જીવ્યા જેવું જીવતર છે ને મરવાનું છે રામભરોસે.

ક્યાં હોડી ને ક્યાં હલ્લેસાં, ક્યાં છે શઢ ને ક્યાં બેલીડા
પથ્થર જેવી જાત લઇને તરવાનું છે રામભરોસે.

જંગલની લીલાશ બનું કે પંખીની ઉડ્ડાન ભલે
પાન બનું કે પીછું મારું ખરવાનું છે રામભરોસે.

કાણી કોડી ફાટલ જૂત્તા તરસી આંખો લાંબા રસ્તા
યાદોનો લૈ એક ખજાનો ફરવાનું છે રામભરોસે.

હું છું સપનું કે જોનારો, હું પ્યાદું કે હું રમનારો ?
તર્કવિતર્ક બધા છોડી દૈ રમવાનું છે રામભરોસે.

– મધુમતી મહેતા

‘ક્ષેમુ દિવેટીઆ’ સ્પેશિયલ 4 : એવા રે મલક હજો આપણા – રવીન્દ્ર ઠાકોર

ઘૂંટડે બુઝાતી ચિર પ્યાસ… કવિતાની, ગુજરાતી સુગમની ચિર પ્યાસને બુઝાવતો એક ઘૂંટડો પાતી  ક્ષેમુ દિવેટીઆની આ રચના વિષે વધુ તો શું કહું? ખૂબ જ સુંદર શબ્દોને અનુરૂપ ગીત-સંગીત મળે ત્યારે આવી કોઇ રચના બને….

સંગીત : ક્ષેમુ દિવેટીઆ
સ્વર : હર્ષિદા – જનાર્દન રાવળ

.

એવા રે મલક હજો આપણા
ઝળહળ થિર જ્યાં પ્રકાશ
એવા રે મલક હજો આપણા

કોઇ ન રોકે ને ટોકે બંધવા
આપણે તો નિજમાં મગન
અંતર આસને બેઠો વ્હાલીડો
ચિત્તને તેની હો લગન

પળ પળ વહે તેનો શ્વાસ.. એવા રે…

આપણા તે સંતરી રે આપણે
આતમને કોઇની ન આણ
એને તે ભરુંસે વ્હેતી રોજ જો
અમરતની કલકલ સરવાણ

ઘૂંટડે બુઝાતી ચિર પ્યાસ… એવા રે…

અમ્મર જ્યોતિ, જ્યહીં ઝળહળે
જ્યહીં આપણોજ વહે રે પ્રકાશ
એવા રે મલક વાસો આપણા
આપણા અનંત ત્યાં રે નિવાસ

એવે રે પથ હો પ્રવાસ…. એવા રે…

કેવા રે મળેલા મનના મેળ – બાલમુકુન્દ દવે

સ્વર : હર્ષિદા રાવલ , જનાર્દન રાવલ

.

કેવા રે મળેલા મનના મેળ ?
હો રુદિયાના રાજા ! કેવા રે મળેલા મનના મેળ ?

ચોકમાં ગૂંથાય જેવી ચાંદરણાની જાળી,
જેવી માંડવે વીંટાઇ નાગરવેલ :
હો રુદિયાની રાણી ! એવા રે મળેલા મનના મેળ !

તુંબું ને જંતરની વાણી
કાંઠા ને સરિતાનાં પાણી
ગોધણની ઘંટડીએ જેવી સોહે સંધ્યાવેળ :
હો રુદિયાના રાજા ! એવા રે મળેલા મનના મેળ !

ધરતી ભીંજાય જેવી મેહુલાની ધારે,
જેવાં બીજ રે ફણગાય ખાતરખેડ :
હો રુદિયાની રાણી ! એવા રે મળેલા મનના મેળ !

સંગનો ઉમંગ માણી,
જિંદગીંને જીવી જાણી;
એક રે ક્યારામાં જેવાં ઝૂક્યાં ચંપો-કેળ :
હો રુદિયાના રાજા ! એવા રે મળેલા મનના મેળ !

જળમાં ઝિલાય જેવાં આભનાં ઊંડાણ,
જેવા ક્ષિતિજે ઢોળાય દિશના ઘેર :
હો રુદિયાની રાણી ! એવા રે મળેલા મનના મેળ !