Category Archives: નીરજ પાઠક

કમાલ કરે છે, એક ડોસી ડોસાને હજી વ્હાલ કરે છે..! – સુરેશ દલાલ

સ્વર : નીરજ પાઠક ; સંગીત : શ્યામલ – સૌમિલ મુન્શી

This text will be replaced

કમાલ કરે છે
એક ડોસી ડોસાને હજી વ્હાલ કરે છે.

ડોસો જાગે ત્યારે ચશ્માં આપે
અને બ્રશ ઉપર પેસ્ટને લગાડે,
લોકોનું કહેવું છે કે ડોસીને આમ કરી
ડોસાને શાને બગાડે ?

મસાલા ચા અને ગરમ ગરમ નાસ્તો
ડોસી ડોસાનો કેવો ખ્યાલ કરે છે?

નિયમ પ્રમાણે દવા આપેછે રોજ
અને રાખે છે ઝીણું ઝીણું ધ્યાન,
બન્નેનો સંબંધ તો એવો રહ્યો છે
જાણે તલવાર અને મ્યાન.

દરમ્યાનમાં બન્ને જણ મૂંગાં મૂંગાં
એકમેકને એવાં તો ન્યાલ કરે એ.

કાનમાં આપે એ એવાં ઈન્જેકશન
કે સિગરેટ શરાબ હવે છોડો,
ડોસો તો પોતાના તાનમાં જીવે
કયારેક વહેલો આવે કે ક્યારેક મોડો.

બન્નેની વચ્ચે વહે આછું સંગીત
પણ બહારથી ધાંધલધમાલ કરે છે.

ડોસો વાંચે અને ડોસીને મોતિયો
બન્ને જણ વચ્ચે આવો છે પ્રેમ,
લડે છે,ઝગડે છે,હસે છે, રડે છે,
જીવન તો જળની જેમ વહેતું જાય એમ.

દોસ્ત જેવી દીકરીની હાજરીમાં બન્ને જણ
ઘરની દિવાલને ગુલાલ કરે છે.

————-

25th May :
Happy Marriage Anniversary to the very special couple :)