Category Archives: સુધીર ઠાકર

આંગણ લીપ્યાં તોરણ બાંધ્યા, ગરબે રમવા આવો ને….

સ્વર – રેખા ઠાકર અને સાથીઓ
સંગીત – રેખા-સુધીર ઠાકર

આંગણ લીપ્યાં તોરણ બાંધ્યા, ગરબે રમવા આવો ને
ઘરઘર મીઠા ભોજન રાંધ્યા, ગરબે રમવા આવો ને

મતવાલી સૈયર સૌ નાચે, ગાયે ગુણ માં અંબાના,
મનમાં ભેદ હતા તે સાંધ્યા, ગરબે રમવા આવો ને

બારે મંદિર પાવન થાવા, લોક કરે આવનજાવન
ફૂલો સૂંધ્યા ને ફળ કાપ્યા, ગરબે રમવા આવો ને

દોલત છાંડી, ઘર મેં છાંડ્યું, છાંડ્યા મેં સૌ લોકો ને
સૌ સંબંધ મેં તોડી નાખ્યા, ગરબે રમવા આવો ને

આંગણ લીપ્યાં તોરણ બાંધ્યા, ગરબે રમવા આવો ને
ઘરઘર મીઠા ભોજન રાંધ્યા, ગરબે રમવા આવો ને

તું મીંઢળ જેવો કઠ્ઠણ… – વિનોદ જોશી

મારું આ ખૂબ જ ગમતું ગીત – આમ તો ૪ વર્ષ કરતા વધુ સમયથી ટહુકો પર ગૂંજે છે..! (તમે સાંભળવાનું ચૂકી નથી ગયા ને? )
આજે ફરી આ ગીત – અને એ પણ એક મઝ્ઝાના બોનસ સાથે.. આ જ ગીત – કવિના પોતાના સ્વર અને સ્વરાંકન સાથે..! મને શિકાગોમાં આ ગીત વિનોદભાઇ પાસે તો સાંભળવા મળ્યું જ હતું – પણ મધુમતીબેને પણ એમના મધુરા સ્વરમાં આની એક રજૂઆત કરી હતી..!

ચલો.. વધુ પૂર્વભુમિકા વગર સાંભળો અને માણો આ મસ્ત ગીત..!

સ્વર અને સ્વરાંકન : વિનોદ જોશી

.

*******
Posted on July 26, 2006.

સ્વર : રેખા ઠાકર
સંગીત : સુધીર ઠાકર
RA2840

.

તું મીંઢળ જેવો કઠ્ઠણ.. ને હું નમણી નાડાછડી
તું શીલાલેખનો અક્ષર, ને હું જળની બારાખડી

એક આસોપાલવ રોપ્યો…
તેં આસોપાલવ ફળીયે રોપ્યો.. તોરણમાં હું ઝુલી
તું અત્તરની શીશી લઇ આવ્યો, પોયણમાં હું ખીલી

તું આળસ મરડી ઉભો.. ને હું પડછાયામાં પડી..
તું મીંઢળ જેવો કઠ્ઠણ….

એક પાનેતરમાં ટાંક્યું,
મેં પાનેતરમાં મોતી ટાંક્યું, તેં પૂજ્યા પરવાળા
મેં શ્રીફળ ઉપર કંકુ છાંટ્યું, તેં પૂછ્યા સરવાળા

તું સેંથીમાં જઇ બેઠો, ને હું પાંપણ પરથી દડી
તું મીંઢળ જેવો કઠ્ઠણ…

– વિનોદ જોશી

કંઇક એ રીતે ગઝલની બાંધણી કરશું અમે – બરકત વિરાણી ‘બેફામ’

અહીં ફક્ત ૪ શેર સંગીતબધ્ધ થયા છે – પણ એવો સરસ લય છે કે જાણે બાકીની ગઝલ આપણે જાતે ગાઇને વાંચવાનું મન થઇ જાય…

સ્વર : સુધીર ઠાકર
સંગીત :: ???

.

કંઇક એ રીતે ગઝલની બાંધણી કરશું અમે,
કે તમારા મૌનને પણ રાગણી કરશું અમે.

સૌથી પહેલાં તો હ્રદયની તાપણી કરશું અમે,
એ પછી જે કાંઇ બચશે, લાગણી કરશું એમે.

પ્રીતને પણ એટલી સોહામણી કરશું અમે,
કે તમારા રૂપની સરખામણી કરશું અમે.

આ જગત અમને ભલેને નોખનોખા માર્ગ દે,
પણ સફર જીવનની તારા ઘર ભણી કરશું અમે.

આભધરતીનો તફાવત છે તો એથી શું થયું ?
ચંદ્ર થઇ જાશું ને તમને પોયણી કરશું અમે.

તું ન ચાહે તો પછી એને કોઇ ચાહે નહીં,
જિન્દગીને એ રીતે અળખામણી કરશું અમે.

શી દશા થઇ છે જીવનની, ખ્યાલ તો આવે તને,
એની કુરબાની નહીં પણ સોંપણી કરશું અમે.

કાં મળે સૌ કાંઇ અમને, કાંઇ મળે ના કાંઇ પણ,
એની પાસે એની ખુદની માગણી કરશું અમે.

એક વખત સ્પર્શી અમારી શુધ્ધતા પણ જોઇ લો,
છો તમે પથ્થર ભલે, પારસમણિ કરશું અમે.

છે ખુદા સૌના અને એથી એ સંતાઇ ગયો,
ડર હતો એને કે એની વહેંચણી કરશું અમે.

ચાર દિનની જિન્દગીમાં ઘર તો ક્યાંથી થઇ શકે ?
વિશ્ર્વને બેફામ ખાલી છાવણી કરશું અમે.

(આભાર : ગુજરાતસેન્ટર.કોમ)