Category Archives: હેમેન શાહ

વસંતી વિકળ વાયરો છે પછી શું? – હેમેન શાહ

ફક્ત પ્રશ્ન એક જ ખરો છે : ‘પછી શું?’
હજી હાથમાં મોગરો છે પછી શું?

સમંદર અહીં છીછરો છે પછી શું?
વખત પૂરતો મહાવરો છે પછી શું?

ગળી જાવ – ચાવો – ચૂસો – થૂંકી નાખો,
સમય જીભ પર કરકરો છે પછી શું?

દિવસ ખાખી કપડે જ હાજર થવાનો,
ગુલાબી આ ઉજાગરો છે પછી શું?

અગર કાવ્ય જેવું છે બ્રહ્માંડ તો પણ,
જો દુર્બોધ આ અક્ષરો છે પછી શું?

ફકીરો ગઝલ ગાય ઇશ્કે-મિજાજી,
વસંતી વિકળ વાયરો છે પછી શું?

– હેમેન શાહ

હોય વ્યવહાર તો કાલનું રાખીએ – હેમેન શાહ

અશ્રુ એકાદ ખુશહાલનું રાખીએ,
માન થોડુંક રૂમાલનું રાખીએ.

ક્રોધનું કહેણ કાલે ભલે માનશું,
વેણ આજે તો બસ વ્હાલનું રાખીએ.

સૂર્ય-તારા-ગ્રહો, વૃક્ષ-જળ-પંખીઓ,
ધ્યાન ક્યાં કોની હિલચાલનું રાખીએ?

એકતારો ને કરતાલ હો હાથમાં,
ગીત મજનૂ કે મહિવાલનું રાખીએ.

કાવ્યની વાત કરવી છે? બેસો, કરો,
હોય વ્યવહાર તો કાલનું રાખીએ.

– હેમેન શાહ

બહુ એકલવાયું લાગે છે – હેમેન શાહ

-તો દોસ્ત, હવે સંભળાવ ગઝલ, બહુ એકલવાયું લાગે છે,
લે મૂક હથેળી પર મખમલ, બહુ એકલવાયું લાગે છે.

શાયદ મારો ભુક્કો થાશે કે ઢાંચામાં જકડાઈ જઈશ,
શું થાશે એ કહેવું ન સરલ, બહુ એકલવાયું લાગે છે.

કૂવો બેઠો આતુરતાથી, વરસી ના એકે પનિહારી,
સંકોચાતું મરજાદી જલ, બહુ એકલવાયું લાગે છે.

ઉનાળો લઈને ખોબામાં જંગલ જંગલ ભટક્યા કરવું,
બે આંખો ત્યાં ભાળી શીતલ, બહુ એકલવાયું લાગે છે.

ખખડાવે ખુલાસાના રસ્તા, શંકાના ભીડેલા દરવાજા,
સોંસરવો છે આ કોલાહલ, બહુ એકલવાયું લાગે છે.

– હેમેન શાહ

વેદનાના સંબંધો, સંબંધોની વેદના – હેમેન શાહ

ઈસુ ઉપર ફેંકાયેલા પથ્થર તપાસ કર,
લોહી વડે લખાયેલા અક્ષર તપાસ કર.

ત્યાં મિત્રતાના અર્થને ચોખ્ખો લખ્યો હશે,
જુલિયસ સિઝરની પીઠનું ખંજર તપાસ કર.

ટૂંકી ને ટચ છે બંધ એમાં એક વેદના,
આ કાચની કરચને સવિસ્તાર તપાસ કર.

મુજ નામની વિશાળ ઈમારત કને જઈ,
મળવું જ હો મને તો તું અંદર તપાસ કર.

-હેમેન શાહ

લાખ ટુકડા કાચના – હેમેન શાહ

( ઘાસમાં વેરાય આખર………      Photo from Flickr)

* * * * * * *

એટલા તો ક્યાં છે દુષ્કર લાખ ટુકડા કાચના?
એક સપનું : એક પથ્થર : લાખ ટુકડા કાચના.

સ્હેજ ભીનું શ્યામ અંબર, લાખ ટુકડા કાચના;
ઘાસમાં વેરાય આખર, લાખ ટુકડા કાચના.

ધૂળિયો રસ્તો, ખભા પર શેરડી ની ગાંસડી,
ડૂબતો સૂરજ, ત્વચા પર લાખ ટુકડા કાચના.

છે ઘણા નાના તફાવત, માત્ર દ્રષ્ટિકોણના;
રત્નના ઢગલા બરાબર લાખ ટુકડા કાચના.

રાહ તારી જોઉં છું દર્પણના સીમાડા ઉપર,
આવવા તો ક્યાં દે અંદર લાખ ટુકડા કાચના.

શક્ય છે બે યુગની વચ્ચેના સુલભ એકાંતમાં…
બેસી ગણતો હોય ઇશ્વર લાખ ટુકડા કાચના.

કંઇક વસ્તુઓ ફકત દેખાવથી બનતી નથી,
ક્યાં રચી શક્તા સમંદર લાખ ટુકડા કાચના?

જિંદગીને સ્થિર કશો આકાર કઇ રીતે મળે?
સ્થાન બદલે છે નિરંતર લાખ ટુકડા કાચના.

– હેમેન શાહ

મન ન માને એ જગાઓ પર જવાનું છોડીએ – હેમેન શાહ

સ્વર – સંગીત : મનહર ઉધાસ
આલ્બમ : અક્ષર (મનહર ઉધાસનું 26મું આલ્બમ)

મનહર ઉધાસના ચાહકો હવે એમનું નવું આલ્બમ ‘અક્ષર’ online order કરી શકશે. અને અક્ષરના થોડા ગીતો/ગઝલોની ઝલક જોવા ‘અહીં ક્લિક કરો’.

.

મન ન માને એ જગાઓ પર જવાનું છોડીએ,
કોઈના દરબારમાં હાજર થવાનું છોડીએ.

પ્રેમના પ્રકરણ વિશે કંઈ બોલવાનું છોડીએ,
ચોપડીમાં એક વચ્ચે કોરું પાનું છોડીએ.

હોય જો તાકાત તો બે-ત્રણ હલેસાં મારીએ,
જળને વ્હેવાની રસમ શિખવાડવાનું છોડીએ.

કંઠને શોભે તો શોભે માત્ર પોતાનો અવાજ,
પારકી રૂપાળી કંઠી બાંધવાનું છોડીએ.

કોઈ દુર્ગમ પથ ઉપર તૂટેલી ભેખડ કાં બનો?
છોડીએ તો એક સીમાચિહ્ન નાનું છોડીએ.

– હેમેન શાહ
(આભાર : લયસ્તરો)

શાંત મનની ખીણમાં – હેમેન શાહ

જ્યારે હું તારા વિચારોમાં અછડાતો હોઉં છું,
દૂરના જંગલપ્રદેશમાં રખડતો હોઉં છું.

શાંત મનની ખીણમાં પડઘાય તારું નામ જ્યાં,
હું જ અસ્થિર ભેખડો માફક ગબડતો હોઉં છું,

રાતની ઊઘડી ગયેલી બારીની તું બહાર જો,
ક્યાંય જાગ્રત પાંદડાઓમાં ખખડતો હોઉં છું.

હું ઉલ્લંઘી કાળ ને સ્થળ, સ્વપ્ન તારું જોઉં છું,
પ્રાત:કાળે સૂર્યની સાથે ઝગડતો હોઉં છું.

જાય છે ઓફિસ તરફ જે, એ જ રસ્તામાં કશે,
હું ખરેલી સૌ વસંતોને કચડતો હોઉં છું.

હોઇ શકે… ! – હેમેન શાહ

ટીપાંની જલધિ કને શું વિસાત હોઇ શકે ?
પણ અસવાર થવા લાયકાત હોઇ શકે.

બધાં રહસ્ય નથી ખોલી શકતું અજવાળું
પ્રકાશમાં જુદા જુદા પરદાઓ સાત હોઇ શકે.

ન શસ્ત્રહીન સમજ મારી બંધ મુઠ્ઠીને,
કે જ્યાં કશું નથી ત્યાં ઝંઝાવાત હોઇ શકે.

ધીમા અવાજ વડે બારી આજ ખખડે છે,
ઉઘાડી જો તો ખરો, પારિજાત હોઇ શકે.

યુગો સુધી પછી જેની થતી રહે ચર્ચા,
નિમેષ માત્ર ટકે એવી વાત હોઇ શકે.

જરાક ગમગીની માંગી’તી શાયરી માટે,
વધુ મળી એ તારો પક્ષપાત હોઇ શકે.