Category Archives: મુકેશ જોષી

કરવી હો જો વાત મનની – મુકેશ જોષી

કરવી હો જો વાત મનની, સાવ અચાનક કરજો
સુગંઘ આવે જેમ અચાનક શબ્દો ઉચ્ચરજો…

હું ગાઉં તો તાલ આપજો, તમને આપીશ તાલી
એક ટીપું યે ઢોળ્યાં વિના, કરવી ખાલી પ્યાલી
ખાલી થાઉં પછી તમારી મીઠી નજરે ભરજો…

શંખ થવું કે મોટી થાવું, નક્કી નહીં કરવાનું
દરિયાનો આભાર માનતાં દરિયામાં રહેવાનું
કેવા કેવા ડૂબી ગયા છે જોવા માટે તરજો…

– મુકેશ જોષી

ઓ હરિવર લઈ લ્યો આ ફ્લેટ. – મુકેશ જોષી

મારી બાજુનો ફ્લેટ થયો ખાલી,
ઓ હરિવર લઈ લ્યો આ ફ્લેટ.
એક દીવાની સૂરજને તાલી
ઓ હરિવર લઈ લ્યો આ ફ્લેટ,

વાદળની પોટલીમાં ચોરી જન્મોની
મૂડીનું નયને ચોમાસું,
‘હા’ પાડો એટલે ટોકનમાં દઈ આવું,
પાંચ કે પચીસ લાખ આંસું.
દઉં ગમતીલી સાંજની દલાલી!
ઓ હરિવર લઈ લ્યો આ ફ્લેટ,

મંદિરમાં ટોળાઓ લંબાવે હાથ
જાણે માંગવાનું સાચકલું ધામ,
મંદિરથી ફ્લૅટ છે ઢૂંકડો:
બપોરે ઘેર આવી કરજો આરામ,
ધરું ચાની હૂંફાળી પ્યાલી!
ઓ હરિવર લઈ લ્યો આ ફ્લેટ

મુકેશ જોષી

મારે મારી ડાળ ઉપરથી ખરી જવું છે. – મુકેશ જોષી

પવન માનતો નથી નહીં તો એની સાથે સરી જવું છે,
સાચું કહું તો મારે મારી ડાળ ઉપરથી ખરી જવું છે.

પાણીમાં ઓગાળી તડકો પી જાવાનું સહેલ નથી,
સુગંધનો દીવો જ કહે છે મારી પાસે તેલ નથી.
પીળા શ્વાસે લીલાં સ્વપ્નો ઉછેરવાં કૈં ખેલ નથી,
ધગ ધગ સૂરજ સામે હો ને એક જ શ્વાસે ઠરી જવું છે,
સાચું કહું તો મારે મારી ડાળ ઉપરથી ખરી જવું છે.

મળે ધરાનો ખોળો અંતે શું મોટી મિરાત નથી?
મરણ પછી પણ હૂંફ મળે એ નાનીસૂની વાત નથી.
ઝળહળ પાંખે ઊડી જવાનું એ બાજુ, જ્યાં રાત નથી.
જીવન જેણે આપ્યું એનાં દર્શન કાજે ફરી જવું છે,
સાચું કહું તો મારે મારી ડાળ ઉપરથી ખરી જવું છે.

– મુકેશ જોષી

કૃષ્ણ બધુંય જાણે છે – મુકેશ જોષી

નયન આમ ના થાવ અધીરાં કૃષ્ણ બધુંય જાણે છે,
હૃદય વાગતું કે મંજીરાં કૃષ્ણ બધુય જાણે છે.

આરસના મ્હેલોમાં રાણો સ્વયં થયો ખંડેર હશે,
ઠેઠ સુધી ના સમજાયું કે કોણે પીધું ઝેર હશે.
હસી પડીને બોલ્યાં મીરાં કૃષ્ણ બધુંય જાણે છે.

પાંચ પાંચ દીવાઓ તોય અંધારું સેકાયું નહીં
મનમાં પડતાં ચીરા કોઈ ચંદન થઈ ડોકાયું નહીં.
પહેલાં પૂર્યાં ચીર કે ચીરા કૃષ્ણ બધુય જાણે છે.

પીંજારાના નામે કોઈ જાત ભૂલી પીંજાઈ ગયું.
ગોકુળિયું તો ઠીક આખું બરસાના ભીંજાઈ ગયું
કેમ ઊડાડ્યા જાતના લીરા કૃષ્ણ બધુંય જાણે છે.

– મુકેશ જોષી

એટલે તો ઝાડવાંની સુંદર સવાર – મુકેશ જોષી

એટલે તો ઝાડવાંની સુંદર સવાર,
જાગીને પંખીની ચા પીએ એટલું જ.
વાંચે ના કોઈ દિવસ કાતિલ અખબાર.

જાગેલાં પાંદડાંઓ આવેલાં સપનાંઓ
વર્ણવતા જાય ભલી ભાંતથી
ડાળીઓને નોકરીએ જાવાનું હોય નહીં
સાંભળીને ઝૂલે નિરાંતથી.
દૂધવાળો ખખડાવે એ રીતે આવીને,
વાયરોય ખખડાવે દ્વાર, એટલે તો.

અડધું પવાલું ભરાય નહીં એટલી જ
ઝાકળથી ઝાડ નાહી લેતું.
પાંચ ટકા પાણીનો કાપ હોય એ દહાડે,
આપણી તો આંખમાંથી વહેતું.
તડકાઓ ડાળીઓને લૂછેઃ ના કોઈ કરે,
શંકાના પીળા વિચાર. એટલે તો.

– મુકેશ જોષી

બોલ સાજના જાઉં પિયરિયે? – મુકેશ જોષી

બાપુના અક્ષરની લ્હેરો, બોલ સાજના જાઉં પિયરિયે?
કાગળમાં છે માનો ચહેરો, બોલ સાજના જાઉં પિયરિયે?

મંદિરમાં મંજીરાં રણકે એમ રણકવા જાઉં?
પાંચીકાની ગમતી મોસમ ગળે લગાડી આવું.
આંબાડાળે ટીંગાડેલું ગીત ફરીથી ગાવું,
એક સખીની અડધી તાલી પાછી દેતી આવું,
થાક ઉતારે એવો ફેરો. બોલ સાજના જાઉં પિયરિયે?

ખાટામીઠા જન્મારાની વાત કરી દઉં માને
બાપુજીનાં ચશ્માને સંતાડું છાને છાને
સઘળાં સુખો સાથે પાછાં ચશ્માં શોધી આપું
એકલતાના દરિયામાં જઈ બાંધું નાનો ટાપુ
સુખનો રંગ બનાવું ઘેરો, બોલ સાજના જાઉં પિયરિયે ?

– મુકેશ જોષી

શાહીના ખડિયાઓ પિવડાવું – મુકેશ જોષી

શાહીના ખડિયાઓ પિવડાવું,
તોય તું આંસુના ખડિયાઓ તાકતી,

ઓ મારી પેન! જઈ વૈદ્યને બતાવ
તને આટલી તરસ કેમ લાગતી?

થાકી જવાય આમ આંખોનાં ખેત૨માં
તાજો વ૨સાદ રોજ વાવતાં,

મોસંબી જ્યૂસ મને ભાવે છે જેમ
તને એ રીતે ઝળઝળિયાં ભાવતાં.

છાતીના પાડોશી ખિસ્સામાં બેસીને
એક એક ધડકન તું ચાખતી.

દિલનાં કમાડ ભલે વાસીને રાખું
આ તારી તરસ કેમ વાસું.

માફક ના આવતું કોઈ બીજું જળ
તું માગે છે ઘરનું ચોમાસું.

કોઈ દિવસ તું મને એવું જગાડતી કે
જાણે આ કુંડલિની જાગતી.

– મુકેશ જોષી

એનો માળો – મુકેશ જોષી

ત્રીજી વેળા એનો માળો પડી ગયો
ચોથી વેળા એણે પાછુ પહેલું તરણું મુક્યુ
કોઈ ચિચિયારીઓ નહી
ન કાગારોળ કે
કલબલાટ નહી

પાંખોમાં હતી એટલી તાકાતથી
બંજર જગ્યાએથી પણ એણે શોધી કાઢ્યાં
કદાચ આ વખતે
એના ઇંડામાંથી
મારી શ્રદ્ધાનો જન્મ થવાનો…

– મુકેશ જોષી

એક દિ’ મળશો મને ? – મૂકેશ જોશી

સ્વર : નયન પંચોલી
આલ્બમ : સંગત
સ્વરાંકન : હરિશ્વંદ્ર જોશી

.

એક દિ’ મળશો મને ? ના, તને હું નહીં મળું,
તે દિવસે ને તે ઘડીથી હું ગઝલ વચ્ચે બળું.

ટોચ ઉપર એટલા માટે જવું છે દોસ્તો,
આભની આંખો ખૂલે ને હું તરત નજરે ચઢું;

સ્મિત, આંખો ને અદા, અંગડાઈ, ખુશ્બુ, કેશ પણ,
એકલો છું તોય જોને કેટલો સામે લડું;

દર વખત મારા શરીરે છેતર્યો છે સ્પર્શમાં,
હર વખત ઈચ્છા રહી જાતી કે હું મનને અડું;

આવતા જન્મે બનું હું મેઘનું ટીપું તો બસ,
એમના ગાલે અડું ને છો પછી નીચે પડું.
– મૂકેશ જોશી

તું ફક્ત ના હાર જો કે જીત જો – મુકેશ જોષી

તું ફક્ત ના હાર જો કે જીત જો
યુદ્ધ કરવાનીયે એની રીત જો

દુશ્મનો હથિયાર હેઠાં ફેંકશે
મ્યાનમાંથી કાઢશે તું સ્મિત જો

હું ગઝલના ગામમાં રહેવા ગયો
યાદ આવ્યું તોય પાછું ગીત જો

ભાગ અંદર આ પ્રસિદ્ધિની ક્ષણે
કોક બાંધે છે અહમની ભીંત જો

કામ સહુ પૂરાં કરીને નીકળ્યા
યાદ આવ્યું રહી ગઈ લ્યાપ્રીત જો

– મુકેશ જોષી