Category Archives: વિપિન પરીખ

ઈસુ તથા શ્રી મોહનદાસ ગાંધીને – વિપિન પરીખ

માણસ નામે નબળું પ્રાણી,
એની ઊંઘ એને ઘણી વહાલી !
તમે અચાનક એને ઢંઢોળો તો
ક્રોધથી ગાંડોતૂર થઈ
ક્રોસ ઉપર તમને લટકાવે નહીં તો શું કરે ?
અથવા
હાથમાં જો બંદૂક આવે તો શું તમને જતા કરે ?
તમે તો સર્વજ્ઞાની –
આટલું પણ ન જાણ્યું કે
કાચી ઊંઘમાંથી કોઈને જગાડાય નહીં ?

– વિપિન પરીખ

કદાચ – વિપિન પરીખ

મને મેવાડમાં મીરાં મળી નહીં.
મને વૃંદાવનમાં રાધા મળી નહીં.
પણ કદાચ,
એમાં મારો પણ દોષ હોય.
મેં મુંબઈ છોડ્યું જ ન હોય !

-વિપિન પરીખ

—————-

આ કવિતા એટલે ગાગરમાં સાગર. કૈંક મેળવવા માટે કૈંક છોડવું પડે- એટલી સમજણ જો આવી જાય તો ભયો ભયો ! અહીં મને રાજેશ વ્યાસ ‘મિસ્કીન’નો ખૂબ જ પ્રખ્યાત શે’ર યાદ આવે છે: તારું કશું ન હોય તો છોડીને આવ તું; તારું જ બધું હોય તો છોડી બતાવ તું !
– ઊર્મિ

—————

આ કવિતા સાથે ઊર્મિએ લયસ્તરો પર મૂકેલી નોંધ મને એટલી તો ગમી ગઇ એ સીધી જ અહીં ટપકાવી છે. (ચાલશે ને, ઊર્મિ? :))

પ્રેમને કારણો સાથે (મને મારી ભાષા ગમે છે) – વિપિન પરીખ

કવિ શ્રી વિપિન પરીખ હવે આપણી વચ્ચે નથી રહ્યા..!! એમને આપણા સર્વ તરફથી શ્રધ્ધાંજલી સાથે માણીએ એમનું આ ખૂબ જ જાણીતું કાવ્ય..! મને યાદ છે… ઘણા વર્ષો પહેલા ચિત્રલેખામાં આ કાવ્ય વાંચ્યું હતું – અને ત્યારથી જ હ્રદય પર અંકિત થઇ ગયેલું..! કાવ્યનું શિર્ષક તો હમણાં હમણાં બીજા બ્લોગ પર વાંચ્યું ત્યારે જાણ્યું.. મને તો હંમેશા આ કાવ્ય – મને મારી બા ગમે છે – એ શબ્દોથી જ યાદ રહ્યું છે..!

મને મારી ભાષા ગમે છે
કારણ બાને હું બા કહી શકું છું.

‘મમ્મી’ બોલતાં તો હું શીખ્યો છેક પાંચમા ધોરણમાં.
તે દિવસે ખૂબ રોફથી વાઘ માર્યો હોય એમ
મેં ‘મમ્મી’ કહીને બૂમ પાડેલી.
બા ત્યારે સહેજ હસેલી –
કારણ બા એક સાદો પોસ્ટકાર્ડ પણ માંડ માંડ લખી શકતી.

બા બેંકમાં સર્વિસ કરવા ક્યારેય ગઈ નહોતી અને
રાત્રે ‘લાયન્સ’ પાર્ટીમાં ગઈ હોય એવું યાદ પણ નથી.
બા નવી નવી ‘ડિશ’ શીખવા ”માં ગઈ નહોતી
છતાં ઈંગ્લિશ નામ ખડક્યા વગર એ થાળીમાં જે મૂકતી
તે બધું જ અમૃત બની જતું.

મને મારી ભાષા ગમે છે,
કારણ મને મારી બા ગમે છે.

-વિપિન પરીખ

એક – વિપિન પરીખ

આ સામાન્ય માણસ
સાઠ કરોડમાંનો એક – હિન્દુસ્તાનનો,
કરોડરજ્જુ વિનાનો.

બસકંડક્ટરથી ધ્રુજનારો, ટ્રેનમાં ભીંસાનારો,
ટૅક્સીડ્રાઇવરથી પણ હડધૂત થનારો.
બેન્કના મામૂલી ક્લાર્કને સલામ ભરનારો.

એક એક પૈસો ટેક્સનો બ્હી બ્હીને સમયસર ભરનારો.
દેશી માલ જ વાપરવાનો આગ્રહ રાખનારો.
મકાનમાલિકના પાઘડીના વળમાં ગૂંચવાયેલો.
પોલીસના યુનિફોર્મને દૂરથી જોઈ થરથરનારો.

ચોકી પર સંકોચાઈને ચૂપ બેસનારો, ગાયના જેવો –
ભોળો, મિનિસ્ટરોનાં લિસ્સાં લિસ્સાં ભાષણોને સાચ્ચાં માનનારો,
ને વળી તાળી પણ પાડનારો.
ચૂંટણી વખતે જોરજોરથી ‘જયહિન્દ’ બોલનારો.
બધું ભૂલી જનારો, ગળી જનારો,
કચડાયેલો,
પણ રોજ સવારે કોણ જાણે શી રીતે
હસતો ઊઠનારો
હું પણ તેમાંનો જ –
એક

– વિપિન પરીખ

ચાલ મન ! – વિપિન પરીખ

sun-rays.jpg

વૃક્ષ કદાચ એમ પણ કહે –
‘મને પહેલાં ચા-પાણી પાઓ
પછી જ છાંયો આપું.’

કોયલ કદાચ આગ્રહ રાખે –
‘કોઇ સરસ જગ્યા જોઇ મને ફ્લેટ બંધાવી આપો
પછી જ ટહુકો મૂકું’

થોડાક પૈસા વધુ મળે તો
નદી પોતાનું બધું જ પાણી
સામે કાંઠે ઠાલવી નાખે તો નવાઇ નહીં.

ચાલ મન ! એવા દેશમાં જઇએ
જ્યાં સૂરજને તડકા માટે લાંચ ન આપવી પડે !