Category Archives: કવિઓ

કાગડાઓએ વાત માંડી – નિનુ મઝુમદાર

કાગડાઓએ વાત માંડી પણ સુણનારાનાં સાંસાં
નીંદમાં હોલો ટાપસી પૂરે બગલો ખાય બગાસાં

ચકલીઓએ ચીડિયા કર્યાં રોષમાં બોલ્યો મોર
વાર છે હજી ઊંઘવા દો ને પાછલી રાતને પ્હોર

પારેવડાંએ ચાંચ મારી ને ખેંચી કિરણ દોર
હંસલાઓએ હાર ગૂંથ્યો ને તેડવા ચાલ્યા ભોર

મરઘો મુલ્લાં બાંગ પુકારે જાગજો રે સહુ લોક
બંદગી કરે બતક ઝૂકી કોયલ બોલે શ્લોક

તીડ કૂદી કરતાલ બજાવે ભમરો છેડે બીન
કંસારી મંજીર લઈને ભજનમાં તલ્લીન

રાત ગઈ જ્યાં મૃત્યુ જેવી સહુનાં જાગ્યાં મન
પ્રાણને પાછો દિન મળ્યો છે દુનિયાને જીવન

-નિનુ મઝુમદાર

ગઝલ – મિલિન્દ ગઢવી

દિવસોનો કચરો બાળીને રાતે અજવાળાં રાખ્યાં છે,
તારો ખાલીપો સાચવવા સુઘરીના માળા રાખ્યા છે.

થોડો અવકાશ જરૂરી છે, સૌ જાણે છે, સૌ માને છે,
તેથી તો રેલના પાટા સમ સગપણમાં ગાળા રાખ્યા છે.

તું પણ બીજાની જેમ અરે! આંખોની પાર ન જોઇ શકી ?
આ ગરમાળાની પાછળ જે ઘેઘૂર ઉનાળા રાખ્યા છે !

તોરણમાંથી ટપકે રાખે છે આખા ઘરની નીરવતા,
ઘરડાં દ્વારોને યાદ નથી કે કોણે તાળાં રાખ્યાં છે.

ત્યાં દૂર ક્ષિતિજ પર સોનેરી એક ધજા ફરકતી રાખીને,
રસ્તાના અર્થો વિસ્તારી અમને પગપાળા રાખ્યા છે.

– મિલિન્દ ગઢવી ‘ગ.મિ.’

ગઝલ – ગુંજન ગાંધી

ફૂલ પર એ જીવવાની કામના ત્યાગી શકે,
પણ કહો ઝાકળ કદી આખો દિવસ જાગી શકે ?

આભ છે ઘનઘોર ને છે વાદળોનો ગડગડાટ
એક જણને ભીતરે તડકા-પણું લાગી શકે !

માપસરના હાથ જોડી માપસર માથું નમાવી
માપસરનું કરગરી એ મહેલ પણ માંગી શકે !

ઈસુથી લઈ આદમી લગ, છે બધું લોહી-લુહાણ
એકલે હાથે સમય પણ કેટલું વાગી શકે !

Deal કરતાં આવડે આકાશ સાથે જો તને
Lamp ને બદલે તું ઘરમાં ચંદ્ર પણ ટાંગી શકે !

બંધ કર – કિરણ ચૌહાણ

કોઈનો ડાયાબિટીસ ભડકાવવાનું બંધ કર,
આટલા મીઠા અવાજે બોલવાનું બંધ કર.

ભરઉનાળે, ભરબપોરે ટાઢ વાગે છે મને,
મારો ફોટો ફ્રિઝમાં સંતાડવાનું બંધ કર.

દોસ્ત ! જાણી લીધું મેં વસ્ત્રો તું કેવા સીવશે,
આમ ફૂટપટ્ટી વડે તું માપવાનું બંધ કર.

ભાઈ મારા, જર્જરિત દીવાલની હત્યા ન કર,
લઈ હથોડો રોજ ખીલા ઠોકવાનું બંધ કર.

પત્ની તારી શાકભાજી કાપશે કાતર વડે,
મૂછને ચપ્પુ વડે તું કાપવાનું બંધ કર.

જીવતા જો એ હશે, તું જીવતો રહેશે નહીં,
આ ઈલેક્ટ્રિક વાયરોને સ્પર્શવાનું બંધ કર.

– કિરણ ચૌહાણ

મને આવું ભીંજાવું નાં ફાવે – ચૈતાલી જોગી

સ્વર : સુહાની શાહ
સ્વરાંકન : સુહાની શાહ
સંગીત : સુગમ વોરા

વાદલડી રોજ મારા આંગણિયે આવીને
છાંટાની રમઝટ બોલાવે,
ધક્કો મારીને એને એટલુજ કહું,
મને આવું ભીંજાવું નાં ફાવે .

ટીપેટીપાંમાં હોય લથબથતું વ્હાલ,
મને બોલાવે ઝટઝટ તું હાલ,
શરમાતી જોઈ, મને ગભરાતી જોઈ કહે ,
ભીંજાતા શીખવું હું હાલ.
લૂચ્ચો વરસાદ,મને ટાણે-કટાણે
ભીંજવવાના બ્હાના બનાવે,
ધક્કો મારીને એને એટલુજ કહું,
મને આવું ભીંજાવું નાં ફાવે .

આંખોની ટાઢક બહુ દુર જઈ બેઠી છે
પાછી હું કેમ એને લાવું ?
પાણીએ બાંધ્યુ છે પાણીથી વેર
તને વાત હવે કેમે સમજાવું ?
પળભરમાં ધોધમાર , પળમાં તું શાંત ,
અલ્યા વરસીને આવું તરસાવે ?
ધક્કો મારીને એને એટલુજ કહું,
મને આવું ભીંજાવું નાં ફાવે.

– ચૈતાલી જોગી