ગઝલ – વિનોદ રાવલ

થાક ખાવા લગીર ઊભા છે,
ફૂલ પાસે સમીર ઊભા છે.

કોઈ વરસવા અધીર ઊભા તો,
કોઈ ખૂલ્લા શરીર ઊભા છે.

પૂર ઘટવાની રાહ જોતાં ત્યાં,
કોઈ તો સામે તીર ઊભા છે.

બ્હાર જેવા જ કોઈ મોટેરા,
આપણામાં ફકીર ઊભા છે.

એ સ્વયં મૃગ સમાન તરફડતાં,
જે ચલાવીને તીર ઊભા છે.

- વિનોદ રાવલ

ગઝલ – હનીફ સાહિલ

મારા સર્વે ગુમાનથી આગળ,
તીર કોઈ નિશાનથી આગળ.

ત્યાં હતું શહેર એક વસાવેલું,
મારા ઉજ્જડ મકાનથી આગળ.

થાય છે એવી તીવ્ર ઇચ્છા કે,
જઈને રહીએ જહાનથી આગળ.

હોય પંખી ભલે ને પીંજરમાં,
પણ છે દૃષ્ટિ ઉડાનથી આગળ.

શક્ય છે હો જમીન જેવું કંઈક,
દૂર આ આસમાનથી આગળ.

સાથ આપે તને તો લઈ ચાલું,
આ ધરા આસમાનથી આગળ.

દિલ ને દુનિયાની હકીકતથી હનીફ,
છે ગઝલ દાસ્તાનથી આગળ.

- હનીફ સાહિલ

પતંગનો ઓચ્છવ – રમેશ પારેખ

આજે વાસી ઉત્તરાણના દિવસે એક વાસી પોસ્ટ… ટહુકો પર ૨ વર્ષ પહેલા રજું કરેલું (અને લયસ્તરો પર ૬ વર્ષ પહેલા) રમેશ પારેખનું આ પતંગ ગીત.. પણ સાથે એક તાજી કવિતા એટલે આ નીચેનું ચિત્ર.

દેશથી દૂર રહેતા અમદાવાદીને ૧૪મી જાન્યુઆરીએ યાદ આવતું અમદાવાદ અહિં બખૂબી રજૂ થયું છે! સીદી સૈયદની જાળીમાં જાણે પતંગ નહીં, પણ જાત અટકી ગઇ છે!

10896252_10205560045778645_696266904078674667_o

******

ચાર વર્ષ પહેલા લયસ્તરો પર ધવલભાઇએ આપેલું આ મઝાનું પતંગ ગીત - આજે સીધેસીધું ત્યાંથી અહીં ટહુકો પર..!! એમનો પતંગ આપણે કાપ્યો નથી, તો યે આપણે અહીં લઇ લીધો – એના જેવું!! આપ સૌ ને અમારા તરફથી મકરસંક્રાતિની ખૂબ ખૂબ – પતંગ બોર અને તલના લાડુ ભરી શુભેચ્છાઓ..!!

પતંગનો ઓચ્છવ
એ બીજું કંઈ નથી, પણ
મનુષ્યના ઉમળકાઓનો છે ઘૂઘવતો વૈભવ !

નભની ઊંડીઊંડી ઉદાસીઓને લૂછવા
નભની ભડભડતી એકલતા ભૂંસવા
જુઓ, મનુષ્યો-
ઉંમગના રંગોમાં ઝબકોળી-ઝબકોળી
પ્રીતિની પીંછી ફેરવતા ઉજ્જડ-ઉજ્જડ નભમાં.

ઉજ્જડ નભને નમણું નજરાણું
ઉર્ફે આ પતંગ !

હરેક જણના પતંગ પર
લખિયો છે આ સંદેશો કે
હે નભ ! તું નીચે આવ !
આવ નીચે ને જરાક હળવું થા…
માર નગારે ઘા,
ગમગીનીનો ગોટો વાળી
જલદી કૂદ કછોટો વાળી
ઓચ્છવના આ રંગકુંદમાં ડૂબકી મારી ગા !
આવ, આવ, તું જરાક નીચે આવ ને હળવું થા…

આભ, તને
આ પતંગ રૂપે છે નિમંત્રણ-
નીચે આવી ચાખ ઉમળકો,
ચાખ જુવાની, ચાખ લાગણી
ચાખ પ્રેમ ને ચાખ હૃદયના ભાવ
આભ, તું જરાક નીચે આવ…

- રમેશ પારેખ

કંઠી બાંધી છે તારા નામની – અશરફ ડબાવાલા

કંઠી બાંધી છે તારા નામની
અઢળક અને અઢીમાં ફેર નહીં કાંઈ એવી લાગી મમત તારા ગામની.

માગ્યું મળે ને મન છલકાતું હોય ત્યારે કાંઠાનું ભાન રહે કેમ ?
કેટલા કોરા ને અમે કેટલા ભીંજાણા ઇ પૂછો ના મે’તાજી જેમ.
સાચું પૂછો તો એક જણને મળ્યા અને જાતરા ગણો તો ચાર ધામની
… કંઠી બાંધી છે તારા નામની

કેડીથી આડી ફંટાઈ મારી ઘેલછા કાંડું પકડીને મને દોરે
ચરણો ને ચાલની તો વાત જ શું કરવી ? હું ચાલું છું કોઈના જોરે
મોજડીની સાથ મોજ રસ્તે ઉતારી, હવે મારે નથી કોઈ કામની
… કંઠી બાંધી છે તારા નામની

– અશરફ ડબાવાલા

મારું એકાંત – પન્ના નાયક

મને ગમે છે
મારું એકાંત.

ઘોંઘાટ શમી ગયો હોય છે,
ચિત્ત શાંત થયું હોય છે,
પછી
મારી મારા માટેની શોધ
આરંભાતી હોય છે,

અને
કાવ્યની પ્રથમ પંક્તિ
રૂમઝૂમ કરતી આવતી હોય છે
મારી પાસે,

અને
હરજી હળવે હળવે
મૂકતા હોય છે હાથ
મારે ખભે…

- પન્ના નાયક