ગ્લૉબલ કવિતા : ૭૪ : ગધેડો – જી. કે. ચેસ્ટરટન

The Donkey

When fishes flew and forests walked
And figs grew upon thorn,
Some moment when the moon was blood
Then surely I was born.

With monstrous head and sickening cry
And ears like errant wings,
The devil’s walking parody
On all four-footed things.

The tattered outlaw of the earth,
Of ancient crooked will;
Starve, scourge, deride me: I am dumb,
I keep my secret still.

Fools! For I also had my hour;
One far fierce hour and sweet:
There was a shout about my ears,
And palms before my feet.

– G. K. Chestorton


ગધેડો

મત્સ્ય ઊડે ને જંગલ ચાલે,
અંજીર ઊગે કાંટે,
મારો જનમ થયો છે નક્કી
રક્તિમ ચંદ્રની સાખે.

રાક્ષી શિર ને ભૂંડી ભૂંક
ને ભ્રાંત પાંખ સમ કાન,
સૌ ચોપગાઓમાં મારી જ
ફિરકી લે શેતાન!

ભૂખે-કોરડે મારો,
કરો ઉપહાસ, હું છું મૂઢ
ધરતીનો ઉતાર છું તોયે
રાખું ગૂઢને ગૂઢ

મૂર્ખાઓ! મારોય વખત હતો,
મીઠો ને વળી ઉગ્ર:
કાન આગળ એક શોર હતો ને
પગ આગળ તાડપત્ર.

– જી. કે. ચેસ્ટરટન
(અનુ. વિવેક મનહર ટેલર)


ખરો ગધેડો કોણ?

માની લો કે તમારે કોઈને ગાળ આપવી છે પણ ગાળ બોલ્યાનું આળ પણ માથે લેવું નથી તો આ આખી દુનિયામાંથી કયું એકમાત્ર પ્રાણી તમારી વહારે ધાશે? ગધેડો જ ને! તમારે કોઈને મૂર્ખ કહેવો છે? ગધેડો કહી દો. કમઅક્કલ કહેવો છે? ગધેડો કહી દો. નકામો કહેવો છે? ગધેડો કહી દો. મજૂર કહેવો છે? ગધેડો કહી દો. જક્કી કહેવો છે? ગધેડો હાજર જ છે! કદરૂપો કહેવો છે? જી હા, તમે બરાબર જ સમજ્યા. ગધેડો સૌથી હાથવગી એવી લાખ ગાળોની એક ગાળ છે. પણ એની સામે એ પણ હકીકત છે કે આ એક જ પ્રાણી એવું છે, જેને તમે લાખ ડીફણાં મારો તોય અળવીતરું ચાલતું નથી ને જે તમે કહો એ જ કરે છે. એના જેવું સંનિષ્ઠ ને મહેનતુ પ્રાણી જડવું મુશ્કેલ છે. એવો પ્રશ્ન પણ થાય કે શા માટે ઈશ્વરે એવું પ્રાણી બનાવ્યું હશે જે માત્ર બધાની મજાક બનવા જ સર્જાયું હશે? પણ રહો, કંઈક તો હશે ને આ પ્રાણીમાં, નહિતર જી. કે. ચેસ્ટરટન જેવા પંડિત કવિએ એક આખી કવિતા એના માનમાં શા માટે લખી હશે?

ગિલ્બર્ટ કીથ ચેસ્ટરટન. ૧૯-૦૫-૧૮૭૪ના રોજ કેન્સિંગ્ટન, લંડન ખાતે જન્મ. કવિ, નવલકથાકાર, નિબંધકાર, પત્રકાર, જીવનકથાકાર, ફિલસૂફ, નાટ્યકાર, પ્રવક્તા, અને વિવેચક. એ પાંચ જ વર્ષના હતા અને પરિવારમાં બીજું બાળક આવ્યું ત્યારે એમણે કહ્યું હતું: ‘હવે મારી પાસે હંમેશા એક ઑડિયન્સ રહેશે.’ બાળપણથી જ એ અગોચરથી પ્રભાવિત હતા. પરિવાર ઐક્યવાદ (યુનિટેરિયાનિઝમ)માં માનતો હતો. પત્ની ફ્રાન્સિસ બ્લૉગ એમાંથી એમને એન્ગ્લિકન સંપ્રદાયમાં લઈ આવવામાં નિમિત્ત બની. એ પોતાને ઓર્થોડોક્સ ખ્રિસ્તી તરીકે ઓળખાવતા અને એન્ગ્લિકનમાંથી ૩૦-૦૭-૧૯૨૨ના રોજ કેથોલિક પંથમાં પ્રવેશ્યા પછી આ સંકુચિતતા વધુ ગાઢી બની. પત્નીએ પતિની જેમ ધર્મપંથ પરિવર્તન ન કર્યું અને જીવનભર બંનેના ધર્મ વિશેના વિચારો અલગ હોવાનો એનો વસવસો આંસુઓમાં વહેતો રહ્યો. ચેસ્ટરટનનું પંથપરિવર્તન એ જમાનામાં ચોરેચૌટે ચર્ચાતા સમાચાર બની રહ્યા હતા. ચેસ્ટરટને કહ્યું: ‘હું શા માટે કેથોલિક થયો છું એ સમજાવવું કપરું છે કેમકે એ માટેના દસ હજાર કારણ છે જે દરેક એક જ કારણ બરાબર છે ને તે એ છે કે કેથોલિઝમ સત્ય છે.’ કોલેજમાં ભણ્યા પણ પદવી ન લીધી. શરૂમાં ચેસ્ટરટનને ચિત્રકાર બનવામાં ખૂબ રસ હતો જે એમના લખાણમાંના જીવંત શબ્દચિત્રોમાં પ્રતિબિંબિત થાય છે. ૬ ફૂટ, ૪ ઇંચની ઊંચાઈ અને ૧૩૦ કિલોગ્રામ વજનવાળા કદાવર શરીરનું વજન જેમ જીવનમાં એમ કથન-કવનમાં પણ પડતું. એમની કાયાની જેમ જ એમના વિરાટ વ્યક્તિત્વને પુસ્તકના પાનાંઓમાં કેદ કરવું મુશ્કેલ છે. એમના ‘ફ્રેન્ડલી એનિમી’ જ્યૉર્જ બર્નાર્ડ શૉને ચેસ્ટરટને જ્યારે કહ્યું કે તમને જોઈને લાગે છે કે ઇંગ્લેન્ડમાં દુકાળ પડ્યો છે. જવાબમાં બર્નાર્ડ શૉએ કહ્યું કે તમને જોઈને લાગે છે કે આ દુકાળનું કારણ તમે જ છો. મોઢામાં સિગાર, માથે ટોપી અને હાથમાં તલવારયુક્ત લાકડી – આ એમનો બાહ્ય દેખાવ. સ્વભાવે એકદમ ભૂલક્કડ. ક્યાં જવા નીકળ્યા છે જ ભૂલી જાય અને પત્નીને ટેલિગ્રામ કરીને પૂછાવે કે ક્યાં જવાનું હતું. જીવનના આખરી પાંચ વર્ષોમાં બીબીસી રેડિયો પરની એમની વાતચીત ખૂબ લોકપ્રિય થઈ હતી. ૬૨ વર્ષની વયે ૧૪-૦૬-૧૯૩૬ના રોજ હૃદયનો પંપ ફેઇલ થવાથી બિકન્સફિલ્ડ, ઇંગ્લેન્ડ ખાતે નિધન.

પુષ્કળ લખ્યું. ૮૦ જેટલા પુસ્તકો, ૨૦૦ જેટલી વાર્તાઓ, ૪૦૦૦ નિઓબંધો, સેંકડો કવિતાઓ અને બીજુંય ઘણું બધું. જેમ આર્થર કૉનન ડોયલનું અમર પાત્ર શેરલૉક હૉમ્સ એમ ચેસ્ટરટનનું ધર્મગુરુ-ડિટેક્ટીવ ફાધર બ્રાઉન. ચેસ્ટરટનને લોકો ‘વિરોધાભાસના રાજકુમાર’ તરીકે ઓળખે છે. ટાઇમ મેગેઝીન કહે છે: ‘શક્ય હોય ત્યારે ત્યારે ચેસ્ટરટન એમની વાતને લોકપ્રિય વાતો, કહેવતો અને રૂપકો વડે રજૂ કરે છે-પહેલાં કાળજીપૂર્વક એમને ઊલટાવી નાંખ્યા બાદ.’ જાહેરમાં વાદવિવાદમાં ભાગ લેવું પણ એમને ગમતું. ચતુરાઈ અને વ્યંગ એ એમના પ્રધાન કાકુ. ધર્મશાસ્ત્ર (થિઓલોજી) વિશેના એમના અભિપ્રાયો ઊંચું સ્થાન ધરાવે છે. કહે છે કે એમણે દરેક વિષય પર કંઈક્ને કંઈક કહ્યું જ છે અને બીજા કરતાં સારું જ કહ્યું છે. વીસમી સદીના શ્રેષ્ઠ સર્જકોમાં એમનું સ્થાન શિરમોર છે.

કવિતાનું શીર્ષક એ કવિતાના ઘરમાં પ્રવેશવા માટેનો ઉંબરો છે. ઉંબરા પર પગ મૂકતાં જ ખ્યાલ આવી જાય કે ઘર કેવું હશે! ૧૯૨૦માં લખાયેલી ચેસ્ટરટનની આ કવિતાનું શીર્ષક ‘ધ ડૉન્કી’ વાંચતા જ સમજી શકાય છે કે આ ગધેડા વિશેની કવિતા છે. પણ કવિએ ‘અ ડૉન્કી’ નથી લખ્યું એટલે ખ્યાલ આવે છે કે આ કોઈ એક ગધેડાની નહીં, સમગ્ર ગદર્ભજાતિ વિશેની કવિતા હોવી જોઈએ. કવિએ અહીં બૅલડ-મીટર પ્રયોજ્યું છે; જેમાં ચાર-ચાર પંક્તિના અંતરામાં પહેલી અને ત્રીજી પંક્તિમાં આયંબિક ટેટ્રામીટર (ચાર ઋણભાર-ધનભાર ધરાવતા શબ્દાંશ) અને બીજી અને ચોથીમાં આયંબિક ટ્રાઇમીટર (ત્રણ ઋણભાર-ધનભાર ધરાવતા શબ્દાંશ) વાપરવામાં આવે છે અને બીજી તથા ચોથી પંક્તિમાં પ્રાસ મેળવવામાં આવે છે. બૅલડ એટલે એક પ્રકારનું કથાકાવ્ય કે ગાથાગીત. મધ્યકાલીન ઇંગ્લેન્ડમાં આ પ્રકારની કવિતાઓ ખૂબ પ્રચલિત હતી. ચેસ્ટરટન બૅલડના માસ્ટર ગણાતા.

આ કવિતા ચેસ્ટરટનના સૂક્ષ્માતિસૂક્ષ્મ ભાવજગત અને ફિલસૂફીનું સીધું પ્રતિબિંબ છે. આ નાનીઅમસ્તી કવિતામાં આખેઆખા ચેસ્ટરટન નજરે ચડે છે: વિરોધાભાસ, વક્રોક્તિ, હાસ્ય, વ્યંગ, આશ્ચર્ય, વિનમ્રતા, સીધાસાદા ગરીબ માણસોનો બચાવ અને દુનિયાદારીથી છલકાતા અને અમીર માણસોને ઉપાલંભ. એમની પ્રખ્યાત ફાધર બ્રાઉન શ્રેણીની જેમ જ અહીં પણ આપણે જેને શરૂઆતમાં અવગણવાનું વિચારીએ છીએ, એ જ સત્યની અડોઅડ ઊભેલું જડી આવતાં આપણને અંતે દિગ્મૂઢ કરી દે છે. કોઈને ગધેડો કહેતાં પહેલાં બે ઘડી વિચારી લેજો: શું ખબર એની પીઠ પર ઈસુ ખ્રિસ્ત બેઠા હોય!

આ કવિતા ગધેડાની સ્વગતોક્તિ છે એ સમજી શકાય છે. પહેલા અંતરામાં એ પોતાના જન્મના સંજોગોની વિચિત્રતા વર્ણવે છે. કહે છે, જ્યારે માછલીઓ ઊડતી હશે, જંગલો ઊઠીને ચાલવા માંડ્યા હશે, અંજીર ઝાડ પર ઊગવાના બદલે કાંટાળા છોડ પર ઊગતા હશે અને ચંદ્ર જ્યારે લોહી જેવો રાતો થયો હશે ત્યારે મારો જન્મ થયો હશે. સંપૂર્ણ ચંદ્રગ્રહણ વખતે ક્યારેક ચંદ્રનો રંગ લોહી જેવો રાતો થઈ જતો હોય છે. છેલ્લો બ્લડ મૂન ૩૧ જાન્યુઆરી, ૨૦૧૮ના રોજ જોવા મળ્યો હતો. બાઇબલમાં રક્તિમ ચંદ્ર કયામત તરફ ઈશારો કરે છે એમ કહેવાયું છે. જોએલ (૨:૩૦-૩૧) કહે છે: ‘સૂર્ય અંધારામાં અને ચંદ્ર લોહીમાં બદલાઈ જશે, ઈશ્વરના મહાન અને ભયંકર દિવસ આવતાં પહેલાં.’ તાજેતરમાં માર્ક બ્લિટ્ઝના ‘બ્લડ મૂન્સ’ અને જોન હેગીના ‘ફોર બ્લડ મૂન્સ’ પુસ્તકોએ ધર્મિષ્ઠ માણસોમાં આવનારી કયામતનો સજ્જડ ડર બેસાડી દીધો છે. ચેસ્ટરટન પણ રક્તિમ ચંદ્ર અને એ દ્વારા નિર્દેશિત ભયાવહ એંધાણીઓથી જાણતલ હશે એટલે જ એમણે ગધેડાના જન્મ સાથે આ વાત સાંકળી લીધી છે. દુનિયા આખી તળેઉપર થઈ ગઈ હશે ત્યારે ગધેડાનો જન્મ થયો હશે. વાંચતાની સાથે વાત શીરાની જેમ ગળે ઊતરી જાય છે કેમકે ગધેડો આપણા સહુના તિરસ્કાર અને અવહેલનાનું કેન્દ્ર છે. આપણા મનોમસ્તિષ્કમાં ગધેડાની જે છબી છે એને અવળવાણી વડે કવિએ યથાર્થ વાચા આપી છે.

ગધેડા માટે અંગ્રેજીમાં Ass શબ્દ પણ વપરાય છે, જે લેટિન શબ્દ asinus પરથી ઊતરી આવ્યો છે જેનો એક મતલબ કઢંગુ અને મૂર્ખ પણ થાય છે. અંગ્રેજીમાં કૂલા માટે વપરાતા arse માંથી ‘આર’ ખડી પડતાં assનો બીજો મતલબ કૂલા પણ થયો. શેક્સપિઅરે ‘અ મીડસમર નાઇટ’સ ડ્રીમ’માં બોટમને ગધેડાનું માથું પહેરવ્યું એના ચાર દાયકા પહેલાં ૧૫૫૦માં asshead શબ્દ વપરાયો હતો. ચેસ્ટરટન ઍસના સ્થાને ડૉન્કી પ્રયોજે છે કેમકે એ આ અવગણાયેલા પ્રાણીને એના સન્માનનીય સ્થાને પુનરારૂઢ કરવા માંગે છે. ઓક્સફર્ડ ઇંગ્લિશ ડિક્શનરી કહે છે તેમ, નમ્ર લોકો સૌમ્યોક્તિરૂપે ક્રૂર લાગતા ‘ઍસ’ શબ્દને અવગણવા માટે ‘ડૉન્કી’ શબ્દ પ્રયોજે છે. સર્વાન્ટીસની પ્રખ્યાત કૃતિ ડૉન કિહોટેમાં નાયક સાંચો પાંઝા એના વાહન તરીકે ડેપલ નામના ગધેડાને પસંદ કરે છે. એન્ડી મેરીફિલ્ડે તો ‘ધ વિસ્ડમ ઑફ ડૉન્કીઝ’ નામનું પુસ્તક પણ લખ્યું છે. એ લખે છે: ‘ગધેડાઓને ચરતા જોવું એ કંઈક અનુભૂતિ જ છે. એ એક જાતની સારવાર છે, એક જાતનું ધ્યાન જ ગણી લો. તમે તમારી જાતને ખોઈ પણ બેસો છો અને પામી પણ લો છો.’ એક ઑસ્ટ્રેલિઅન કહેવત એવું કહે છે કે તમે ગધેડાઓને મેદાનમાં ચરતાં જુઓ તો ખુરશી ખેંચી લેવાનું ભૂલતા નહીં. કલાકો પસાર થઈ શકે એવું એ જાદુઈ અને નશીલું છે. ટ્રેઝર આઇલેન્ડના અમર સર્જક રૉબર્ટ લૂઈ સ્ટિવન્સને ‘ટ્રાવેલ્સ વીથ અ ડૉન્કી ઇન સિવેન્સ’ નામની ઉત્તમોત્તમ ગણાતી પુસ્તિકા લખી છે. ‘ધ રિલક્ટન્ટ સેંટ’ ફિલ્મમાં સેંટ જોસેફ પોતાને ‘ગોડ’સ જેક-એસ’ કહીને સંબોધે છે એ પણ યાદ આવે.

ગધેડો પોતાની જાતને જ ઉતારી પાડવાનું કામ ચાલુ રાખે છે. એ પોતાના ભદ્દા શરીરનું વર્ણન કરે છે. એનું માથું રાક્ષસ જેવું છે, એનું ભૂંકવુંય ચીડ ચડે એવું ભૂંડુભખ છે, કાન ભૂલી પડેલી, ભ્રાંત પાંખો જેવા છે. બધા ચોપગાઓમાં શેતાન જાણે એના એકલાની જ ફિરકી ઉતારતો હોય એમ એને લાગે છે. એ કહે છે કે હું મૂર્ખ છું, મને ભૂખે મારો, કોરડા વીંઝો, મારી ઠેકડી ઊડાવો; હું ઉપહાસને જ લાયક છું. હું તો ધરતીનો ઉતાર છું. –આ રીતે ત્રીજા અંતરાની ત્રીજી પંક્તિ સુધી ગધેડો પોતાની જાતને ઊતારી પાડવામાં કંઈ જ બાકી રાખતો નથી. પણ આ ચેસ્ટરટનની કવિતા છે. એ તો વિરોધાભાસના સ્વામી હતા. ગધેડો શું સાચે જ પોતાની જાતને ઊતારી પાડી રહ્યો છે કે એ સદીઓથી ઉપેક્ષિત રહીને હડધૂત થનારા સમાજનું પ્રતિનિધિત્વ કરીને આપણને જ ચાબખા મારી રહ્યો છે? દુનિયા આખીમાં એક બહુ મોટો વર્ગ છે, જેમના હક પર કહેવાતો ભદ્ર સમાજ આદિકાળથી તરાપ મારતો આવ્યો છે, શોષણ-અપમાન-તિરસ્કાર કરતો આવ્યો છે. ચેસ્ટરટનનો ગધેડો દુનિયાના ખૂણે-ખૂણે, દેશ-દેશાવરમાં પથરાયેલા આ શોષિત દલિત વર્ગનો કાનમાં વાગે એવો તીવ્ર અવાજ છે એ સમજી શકાય છે કેમકે કવિતામાં એનો સૂર અહીંથી બદલાય છે.

એ કહે છે કે હું ગામનો ઉતાર કેમ ન હોઉં પણ રહસ્યને રહસ્ય રાખતાં મને બરાબર આવડે છે. (આ સંભળાયું?- જે તમને નથી આવડતું!) ચેસ્ટરટનનો ગધેડો તડ ને ફડ વાત કરે છે. એ પોતાના વિશે બોલે છે ત્યારે પણ એકપણ શબ્દ ચોરતો નથી અને આપણને ફટકારે છે ત્યારે પણ નિર્મમતાથી જે કહેવું છે ડંકે કી ચોટ પર કહે છે. એ સીધું જ મૂર્ખાઓ કરીને સંબોધન કરે છે. પોણી કવિતા સુધી જે પાઘડી એણે પોતાના માથે પહેરી એ તાત્કાલિક અસરથી હવે આપણને પહેરાવે છે. એ કહે છે કે એનોય સમય હતો. ફરી ફરીને યાદ કરી શકાય, વાગોળવો ગમે, લાખ મૂર્ખ અને ઊતરતા હોવા છતાંય ખૂબ જ ગર્વ કરી શકાય એવો તીવ્ર અને મીઠો ‘હર કુત્તે કા એક દિન આતા હૈ’ જેવો સુવર્ણકાળ એના જીવનમાં પણ આવ્યો હતો. એ કયા સમયની વાત કરે છે એ સમજવા માટે ફરી એકવાર બાઇબલના પાનાં ઊલટાવવાં પડશે.

ઈસ્ટર પહેલાંના રવિવારને ખ્રિસ્તીઓ ‘પામ સન્ડે’ તરીકે ઉજવે છે અને એ પછીના આખા અઠવાડિયાને પવિત્ર સપ્તાહ તરીકે. પામ સન્ડેના આગલા દિવસે ઈસુ ખ્રિસ્તે લેઝારસને પુનર્જીવિત કર્યો હતો એટલે હર્ષઘેલા પ્રજાજનોએ બીજા દિવસે રવિવારે ઈસુની વિજેતા તરીકેની જેરુસલેમમાંની પધરામણીને વધાવી લીધી. નગરમાં પ્રવેશવા માટે ઈસુ ખ્રિસ્ત એના બે સાથીઓને એવો ગધેડો શોધી લાવવા સૂચના આપે છે કે જેના પર કોઈએ સવારી કરી ન હોય અને જે બિલકુલ અવાંછિત હોય. પોતાની જેમ જ ન્યાતબહાર હોય એવા પ્રાણીને ઈસુ પસંદ કરે છે. આમ તો વિજેતા રાજા નગરમાં ઘોડા પર પ્રવેશે પણ ઘોડો યુદ્ધ અને અશાંતિનું પ્રતીક છે, જ્યારે ગધેડો કદી યુદ્ધમાં જોતરાતો નથી અને એના જેવું શાંત અને સ્થિતપ્રજ્ઞ પ્રાણી જડવું દોહ્યલું છે. સફેદ ગધેડો વળી પ્રકાશ અને શુદ્ધતાનું પણ પ્રતીક ગણાતો. એમાંય માદા ગદર્ભ એ કારણોસર વધુ પસંદ કરાતી કે એ દૂધ પણ આપતી અને ઈઝરાઈલના લોકોને ‘જજિસ’ તથા ‘જિનેસિસ’ની આગાહીની જાણકારી હતી કે માદા સફેદ ગધેડા ઉપર બેસીને રાજા નગરમાં પ્રવેશસે. એટલે ઈસુ સફેદ માદા ગધેડો મંગાવે છે. આખું નગર અને નગરમાં ઊમટી પડેલા દુનિયાભરના લોકો પામવૃક્ષના પાંદડા પાથરીને, હાથમાં રાખીને, હલાવીને ગધેસ્વાર ઈસુનું હર્ષોલ્લાસભર્યું સ્વાગત કરે છે. ઈસુ પોતાને ઈઝરાઈલનો રાજા ઘોષિત કરે છે, બીજા અઠવાડિયે એમને શૂળી પર ચડાવી દેવામાં આવે છે. આ સિવાય પણ બાઇબલમાં ગધેડાનું મહત્ત્વ બતાવવામાં આવ્યું છે. ઈસુના હજાર વર્ષ પૂર્વે ડેવિડ પાસે રાજવી માદા ખચ્ચર હતું. એનો પુત્ર સોલોમન પણ ઈઝરાઈલનો નવો રાજા બન્યો એ દિવસે જંગલી ગધેડા પર જ સવાર થયો હતો. જેકબ એના પુત્ર જુદાહને આશીર્વાદ આપે છે એમાં પણ ગધેડાનો સંદર્ભ વાંચવા મળે છે. બલામ નામના મસીહા પણ ગધેડા પર સવારી કરતા બતાવાયા છે અને આ ગધેડો વાતો પણ કરે છે અને દેવદૂતની તલવારથી બલામને બચાવે પણ છે. વર્જિન મેરી પણ સગર્ભાવસ્થામાં પેટમાં ઈસુને લઈને બેથ્લેહેમ સુધી ગધેડા પર બેસીને જ આવે છે. આમ, ગધેડો ભલે ગધેડે ગવાતું પ્રાણી કેમ ન હોય, બાઇબલમાં એનું સ્થાન ખૂબ ઊંચુ અને મહત્ત્વનું છે. કુરાનમાં પણ ગધેડાનું સ્થાન ઘણું ઊંચું અંકાયું છે. જૂના અને નવા કરારમાં તથા કુરાનમાં ગધેડાને વફાદાર તથા હોંશિયાર પ્રાણી તરીકે, ડહાપણના ભંડાર તરીકે, પયગંબરોના વિશ્વાસુ વાહન તરીકે, ચીતરવામાં આવ્યો છે. કુરાનમાં ગધેડાના અવાજને ગંદામાં ગંદો ગણાવાયો છે પણ એની સાથે જ યાફૂર નામના ગધેડાને અલ્લાહના પ્રશ્નોનો જવાબ આપતો, પોતાની જાતને પયગંબરનો વફાદાર ગણાવતો અને મહંમદ પયગંબરનો ખાસ સાથી બનતો બતાવાયો છે. મહંમદ આ જ ગધેડા પર ફરતા. યાફૂર જ ઘરે ઘરે જઈને દરવાજો ખખડાવતો અને ઘરમાલિકને ઈશારાથી જાણ કરતો કે પયગંબર એમને બોલાવી રહ્યા છે.

કાવ્યાંતે ગધેડો તાડપત્રની વાત કરે છે. પામ સન્ડેના સંદર્ભ સાથે એ પણ સમજવું જરૂરી છે. પ્રાચીન કાળમાં ગ્રીક-રોમન સંસ્કૃતિ -જેનો ખ્રિસ્તી વિચારધારા ઉપર ખૂબ ઊંડો પ્રભાવ રહ્યો છે-માં તાડ(પામ)નું પાંદડુ વિજય અથવા આધિપત્યના પ્રતીકસ્વરૂપે પહેરવામાં અથવા ઊંચકવામાં આવતું હતું એ કારણોસર ‘પામ’નો અર્થ વિજય સાથે સંકળાઈ ગયો. પ્રાચીન ઇજિપ્તમાં તાડપત્ર સ્મશાનમાં લઈ જવાતું અને એ શાશ્વત જિંદગીનું પ્રતીક ગણાતું. અંગ્રેજીમાં પામ એટલે હથેળી પણ થાય છે, આ અર્થનો આવિર્ભાવ પણ હથેળીની અને તાડના પાંદડાની રચના વચ્ચેના આકારના સામ્યના કારણે જ થયો હતો. હિબ્રૂ બાઇબલ અને તોરાહના ત્રીજા પુસ્તક લેવિટિકસમાં સુક્કોટ (સાતમા મહિનાના પંદરમા દિવસે ઉજવાતો તહેવાર)ની ઉજવણી માટે જે ચાર છોડને ઈશ્વરના ચરણમાં લઈ આવવાનું કહ્યું છે, એમાંનો એક તે તાડવૃક્ષ. નવા કરાર (બુક ઑફ રેવિલેશન)માં લખ્યું છે: ‘વિશાળ મેદની, ગણી ન શકાય એટલી, દરેક દેશમાંથી, દરેક જાતિ અને લોકો અને ભાષાઓમાંથી, સફેદ વસ્ત્રોમાં આવી ઊભી હતી, હાથમાં તાડની શાખાઓ લઈને.’

ગધેડો એના એ સ્વર્ણિમ સમયને યાદ કરે છે જ્યારે પ્રભુપુત્ર ઈસુ એના પર સવાર થઈને ઈઝરાઈલમાં પ્રવેશ્યા હતા અને લોકો એમના સ્વાગત માટે તાડપત્રો જમીન પર પાથરતા હતા. આપણે સમજવાનું એ છે કે ઈસુ જ્યારે જેરુસલેમમાં પ્રવેશે છે ત્યારે ચારે તરફ કીડિયારું ઊભરાયું છે પણ આ બધા રંગ-રંગના લોકોની વચ્ચે એક જણ જે માણસ ન હોવાના નાતે જ નહીં પણ એ રીતે પણ બધાથી અલગ પડે છે કે એક જ જણ સાચા અર્થમાં પોતાના હોવાના તમામ અર્થો ભૂલી જઈને માત્ર ને માત્ર ઈસુની સાથે હોવાની ક્ષણોને આકંઠ માણી રહ્યું છે અને એ છે આ ગદર્ભ! ગદર્ભ બે સંદર્ભ નિર્દેશિત કરે છે: એક ઈસુ જેરુસલેમમાં અને એ રીતે આપણા આત્મામાં ‘શાંતિના રાજકુમાર’ તરીકે પ્રવેશે છે અને આપણી ભીતરના કોલાહલને શમાવે છે. બીજું, ગદર્ભ એ આપણી દૈહિક વાસનામય પ્રકૃતિનું પ્રતીક છે જેના પર ઈસુ સવાર થાય છે અને આપણામાંથી આ કામવાસના દૂર કરે છે. ‘ઉપર-ઉપરનું જીવી રહ્યા છો, કવર જોઈને બુક ખરીદી’ જેવી બાહ્ય સંદર્ભોને જ જોવામાં રત અને આંતરિક અર્થને ભૂલી જતી આપણી સાહજિક પ્રકૃતિને ગધેડાના માધ્યમથી આ કવિતામાં ચેસ્ટરટન હળવી પણ મક્કમ ટકોર કરે છે. આ ઉપરાંત એ કહે છે, કે નાનામાં નાની લાગતી વસ્તુનું પણ ઊંચામાં ઊંચું મૂલ્ય હોઈ શકે છે. દુનિયા ભલે તમને અવગણતી હોય, તમારી હાંસી ઊડાવતી હોય, પણ તમારે તમારી પોતાની કિંમત સમજવાની છે. તમે જ્યાં સુધી પોતાનું મૂલ્ય નથી સમજતા ત્યાં સુધી જ તમે ગધેડા છો, જે ઘડીએ તમે તમારી અગત્યતા, તમારા આ ધરતી પર અવતરવાનો હેતુ સમજી લો છો એ ઘડી એ તમને ગધેડો કહેનારા મૂર્ખાઓ સિદ્ધ થાય છે. આ ઉપરાંત, ઈસુની નજરમાં, ભગવાનની નજરમાં સૌ પ્રાણીઓ સમાન છે; સૌ મનુષ્યો સમાન છે; બધાનું લોહી એક છે; બધા સાથે એકસમાન વ્યવહાર થવો જોઈએ. આ વાત જે ચેસ્ટરટન ગધેડાને માધ્યમથી બનાવીને કહે છે એ વાત આપણે બધા પરાપૂર્વથી જાણતા હોવા છતાં સમાજમાંની અસમાનતા, ઊંચ-નીચ દૂર થતાં નથી અને એ અર્થમાં ચેસ્ટરટનનો ખરો ગધેડો તો આપણે છીએ, આપણો કહેવાતો ભદ્ર સમાજ જ છે!

અમે બરફનાં પંખી રે ભાઈ – અનિલ જોશી

સ્વર: અમર ભટ્ટ
સ્વરાંકન: અમર ભટ્ટ

.

અમે બરફનાં પંખી રે ભાઈ, ટહુકે ટહુકે પીગળ્યાં.

લૂમાં તરતો ઘોર ઊનાળો
અમે ઉઘાડે ડિલે,
ઓગળતી કાયાના ટીપાં
કમળપાંદડી ઝીલે,

ખરતા પીંછે પછડાતી બપ્પોર મૂકીને નીકળ્યા !
અમે બરફનાં પંખી રે ભાઈ, ટહુકે ટહુકે પીગળ્યાં.

લીલા-સૂકા જંગલ વચ્ચે
કાબરચીતરા રહીએ,
નભમાં ઊડતાં સાંજ પડે તો
સોનલવરણાં થઈએ,

રાત પડે ને ડાળ ઉપરથી કોયલ થઈને ટહુક્યાં
અમે બરફનાં પંખી રે ભાઈ, ટહુકે ટહુકે પીગળ્યાં.
– અનિલ જોશી

ગ્લૉબલ કવિતા : ૭૩ : નવા મિત્રો અને જૂના મિત્રો – જોસેફ પેરી

New Friends and Old Friends

Make new friends, but keep the old;
Those are silver, these are gold.
New-made friendships, like new wine,
Age will mellow and refine.

Friendships that have stood the test –
Time and change – are surely best;
Brow may wrinkle, hair grow gray,
Friendship never knows decay.

For ‘mid old friends, tried and true,
Once more we our youth renew.
But old friends, alas! may die,
New friends must their place supply.

Cherish friendship in your breast –
New is good, but old is best;
Make new friends, but keep the old;
Those are silver, these are gold.

– Joseph Parry


નવા મિત્રો અને જૂના મિત્રો

દોસ્ત નવા બનાવો કિંતુ ના વિસરો જૂનાને;
પેલાને જો ચાંદી કહો તો સોનું ગણજો આને.
નવી મિત્રતા નવી શરાબના જેવી જ છે અલબત્તા,
વયની સાથે વધુ ખીલે ને વધે સતત ગુણવત્તા.

ભાઈબંધી જે સમય અને પરિવર્તનની એરણ પર
ટકી શકી છે એ જ બધામાં છે સાચે સર્વોપર;
પડે કરચલી માથે, પળિયા ધોળા થાય ખચિત,
મૈત્રી ક્યારેય સડે નહીં ને થાય નહીં જર્જરિત.

કારણ કે જૂના ને જાણીતા યારોની વચ્ચે,
ફરી એકવાર તાજી થઈને એ જ યુવાની મળશે.
પણ અફસોસ! કે જૂના યારો એક દિવસ તો મરશે;
સ્થાન એમનું નવા નવા ભેરુએ જ ભરવું પડશે.

જૂની યારીનું જતન કરીને રાખો એ અંતરતમ-
નવી તો સારી જ છે પરંતુ જૂની છે સર્વોત્તમ.
દોસ્ત નવા બનાવો કિંતુ ના વિસરો જૂનાને;
પેલાને જો ચાંદી કહો તો સોનું ગણજો આને.

– જોસેફ પેરી
(અનુ. વિવેક મનહર ટેલર)


મિત્ર ! તું ભગવાનથી પણ ખાસ છે….

શ્વાસ કરતાં પણ વધુ વિશ્વાસ છે,
મિત્ર ! તું ભગવાનથી પણ ખાસ છે.
વીતી, વીતે , વીતશે તારા વગર
એ પળો જીવન નથી, ઉપહાસ છે.

– સાચે જ, દોસ્તી એક એવો સંબંધ છે જે ભગવાનથીય મૂઠી ઊંચેરો છે કેમકે આ એક જ સંબંધ સંસારમાં સ્વાર્થથી પર હોવાની સંભાવના વધુ છે. દોસ્તી એટલે એક એવી ચાવી જે તમને તમારામાં ખોલી આપે છે. દોસ્તી એટલે ખજાનાનો એવો પેટારો જેમાં તમે જેટલો હાથ વધુ ઊંડો નાંખો, એટલા તમે તમને જ વધારે મેળવી શકો છો. દોસ્તી તમને સર્વથી સ્વ તરફ દોરી જાય છે કેમકે દોસ્ત એક જ વ્યક્તિ એવી છે જે તમને ગાળ આપીને પણ સાચું કહેવાની હિંમત કરી શકે છે, બાકીના સંબંધો તો ફેસબુકની લાઇક્સ જેવા વાડકી-વ્યવહાર જ હોય છે. જીવનમાં જે સંબંધ દોસ્તીની કક્ષાએ પહોંચી નથી શકતો એમાં દુઃખથી વિશેષ કંઈ હાથ લાગવું શક્ય જ નથી. વિલિયમ બ્લેક એક અદભુત વાક્ય આપી ગયા: ‘પંખી માળો, કરોળિયો જાળું, માણસ મૈત્રી’ (The bird a nest, the spider a web, man friendship) મતલબ, માણસનું ખરું ઘર ઈંટ-રેતીથી બનેલું મકાન નહીં, દોસ્તી જ છે. સંગીતકાર-કવિ જોસેફ પેરી પ્રસ્તુત રચનામાં દોસ્તોની વાત માંડે છે.

જોસેફ પેરી. ૨૧-૦૫-૧૮૪૧ના રોજ વેલ્સ, યુ.કે. ખાતે સંગીતપ્રેમી અને બહોળા પરિવારમાં જન્મ. નવ વર્ષની કૂમળી વયે અભ્યાસ છોડીને કોલસાની ખાણમાં કામે લાગ્યા. સાડા બાર પેની માટે એ અઠવાડિયાના છપ્પન કલાક કામ કરતા. અગિયારની ઉમરે લોખંડની ભઠ્ઠીમાં. ૧૩ વર્ષની વયે પરિવાર પેન્સિલ્વેનિયા, અમેરિકા સ્થળાંતરિત થયો ને ત્યાં એ ફરી ધાતુકામની ફેક્ટરીમાં જોતરાયા. પણ પંચમહાભૂતના એ શરીરમાં છઠ્ઠું મહાભૂત નામે સંગીત પણ શ્વસતું હતું. સહકર્મી સંગીતકારો પાસેથી નાની-મોટી ટિપ્સ મળતી રહી. ફેક્ટરી બંધ થઈ ત્યારે વિધિવત્ સંગીતશિક્ષણના પાગરણ થયાં. હાર્મનીમાં એમને સવિશેષ રસ હતો. એમના સ્વરાંકનોથી પ્રભાવિત થયેલા એમના વતને એ પરત ફર્યા ત્યારે બબ્બે સ્કૉલરશીપ આપવાની દરખાસ્ત મૂકી જે પારિવારીક સાંકળોથી બંધાયા હોવાના કારણે એમણે નકારી. પરિવારના નિર્વાહ માટે વેલ્સ અને અમેરિકા- બંને દેશ તરફથી ફાળાની વ્યવસ્થા થઈ એ પછી જ એ સંગીત શીખવાનું વિચારી શક્યા. પછી તો સંગીતમાં ડૉક્ટરેટ કર્યું. સંગીતમાં સ્નાતક અને ડૉક્ટરેટની પદવી મેળવનાર એ પ્રથમ વેલ્શ નાગરિક હતા અને વેલ્સમાં સંગીતના પ્રથમ પ્રોફેસર પણ બન્યા. વેલ્શ ભાષામાં પ્રથમ ઑપેરા પણ એમણે જ આપ્યું. ૧૮૬૧માં જેન થોમસ સાથે લગ્ન. ત્રણ પુત્ર અને બે પુત્રી થયાં. બે પુત્ર નાની વયે જ મૃત્યુ પામ્યા. અમેરિકાની સંગીતયાત્રાઓ થતી રહી. બંને દેશમાં એના સંગીતનો ડંકો વાગતો હોવા છતાં ધંધાકીય દૃષ્ટિના અભાવે આર્થિક સ્થિતિ કાયમ નબળી જ રહી. અદભુત ક્મ્પોઝીશન Myfanwy, સર્વોત્કૃષ્ટ ઋચા (hymn) Aberystwyth અને અભૂતપૂર્વ ઑપેરા Blodwenના કારણે એ અમેરિકન-વેલ્શ સંગીતના આકાશમાં ધ્રુવતારક જેવું અવિચળ સ્થાન પામ્યા છે. ઢગલાબંધ ગીતો, ભજનો, સમૂહગાન, ઑપેરા, અને વાદ્યસંગીતને એણે સંગીતબદ્ધ કર્યા છે. ઉત્તમ સંગીતકાર હોવાથી એમણે લખેલા ગીતોનો લય પણ એવો થયો છે કે સાંભળતાવેંત દિલમાં ઘર કરી જાય. ઉપરાછાપરી બે શસ્ત્રક્રિયા અને એના ગુંચવાડાના પરિણામે ૧૭-૦૨-૧૯૦૩ના રોજ દેહાવસાન. મૃત્યુશય્યા પર સૂતાં સૂતાં એમણે એમનું આખરી સંગીતનિયોજન ‘ડિઅર વાઇફ’ પોતાની પત્ની જેન માટે લખ્યું હતું. શબવાહિની ચર્ચના દરવાજે પહોંચી ત્યારે એમની અંતિમયાત્રામાં જોડાયેલ આખરી માણસ એમના ઘરેથી નીકળતો હતો. આમ, આ અંતિમયાત્રા ઘરથી ચર્ચ સુધી એક માઈલ લાંબી હતી. સાચા અર્થમાં એ ચીંથરે વીંટ્યું રતન હતા. જેક જોન્સે ‘ઑફ ટુ ફિલાડેલ્ફિયા ઇન ધ મૉર્નિંગ’ નવલકથામાં એમની આ જીવનયાત્રાને અમર બનાવી છે, જેના પરથી એક ફિલ્મ પણ બનાવવામાં આવી હતી.

રચનાની દૃષ્ટિએ ‘નવા મિત્રો અને જૂના મિત્રો’ ગીત આયમ્બિક ટેટ્રામીટરમાં લખાયું છે અને અ-અ-બ-બ પ્રકારની પ્રાસરચના પ્રયોજાઈ છે. ક્યાંક આ ગીતની સોળેસોળ પંક્તિઓ એકીસાથે લખાયેલી જોવા મળે છે તો ક્યાંક ચાર-ચાર પંક્તિના ચાર બંધ સ્વરૂપે આ ગીત છાપવામાં આવેલું જોવા મળે છે. સળંગસૂત્રીતા કે અંતરાવ્યવસ્થા જો કે આ ગીતને કોઈ ખાસ પ્રકારે ઉપકારક થતા ન હોવાથી એ બાબતનો ખાસ અર્થ રહેતો નથી. મૂળ ગીતનો લય ખૂબ જ મજબૂત છે એટલે કવિતાની સાથે લયનો પણ અનુવાદ કરવો અનિવાર્ય બને છે.

વાત મિત્રોની છે. પણ પાયાનો પ્રશ્ન એ છે કે મિત્ર આપણે કોને કહીશું? મિત્ર એટલે શેરીમાં કે શાળામાં કે હવેના જમાનામાં વૉટ્સ-એપ કે ફેસબુક જેવા સોશ્યલ મિડીયાઝના ચોતરે મળી ગયેલી વ્યક્તિ માત્ર? મિત્રની વ્યાખ્યા વ્યક્તિએ-વ્યક્તિએ બદલાતી નથી? સામાન્ય પરિભાષાને જરા વિસ્તારીએ તો પતિ-પત્ની મિત્ર તરીકે જીવવાનું નથી ઇચ્છતા? મા-બાપને સંતાનોના મિત્રો થવાના અભરખા નથી હોતા? ભાઈ-બહેન મૈત્રી નથી ઝંખતા? માત્ર શેક્સપિઅરના નાટકોમાં જ મૈત્રીના કેલિડોસ્કોપિક આયામ કેવા પ્રદર્શિત થયા છે એ જોઈએ:

‘એઝ યુ લાઇક ઇટ’ (અંક ૧, દૃશ્ય ૩)માં રોઝાલિન્ડ ડ્યુક ફ્રેડરિકને કહે છે કે: ‘રાજદ્રોહ વંશપરંપરાગત નથી, નામદાર, અને જો એ અમને અમારા મિત્રોમાંથી મળ્યો છે તો એનાથી મારે શું? મારા પિતા તો ગદ્દાર નહોતા.’ અહીં શેક્સપિઅર ‘પરિવાર’ને ‘મિત્ર’ ગણાવે છે. તો ‘ટ્વેલ્ફ્થ નાઇટ’ (અંક ૫, દૃશ્ય ૧)માં એન્ટોનિયો સેબેસ્ટિઅનને બચાવીને હેમખેમ શત્રુ રાજ્યમાં પહોંચાડવાનું જોખમ લઈ ધરપકડ થયા બાદ બિનશરતી પ્રેમને મૈત્રી વડે વ્યાખ્યાયિત કરે છે. તો ‘જુલિયસ સિઝર’(અંક ૩, દૃશ્ય ૨)માં માર્ક એન્ટની સિઝરની હત્યા કર્યા બાદ ભીડને સંબોધીને કહે છે, ‘મિત્રો, રોમનલોકો, દેશવાસીઓ, મારી વાત ધ્યાનથી સાંભળો.’ એ પોતાની પ્રજાને બીજા કોઈપણ સંબોધન કરતાં પહેલાં મિત્રો કહીને સંબોધે છે. મિત્ર સંબોધન પ્રેમી, ખાસ તો અવૈધ સંબંધ માટે પણ એ વાપરે છે. ‘ઓથેલો’ (અંક ૩, દૃશ્ય ૪)માં કેસિયો એની પ્રેમિકા બિઆન્કાને એક રૂમાલ એના ભરતકામની નકલ કરવા માટે આપે છે ત્યારે બિઆન્કા કહે છે, ‘આ કોઈ નવી મિત્રની ભેટ લાગે છે.’ ‘મર્ચન્ટ ઑફ વેનિસ’માં બે પુરુષો (બસાનિઓ અને એન્ટોનિઓ) તો ‘અ મિડસમર નાઇટ’સ ડ્રીમ’ (હેલેના અને હર્મિઆ) તથા ‘એઝ યુ લાઇક ઇટ’માં (રોઝાલિન્ડ અને સિલિઆ) બે સ્ત્રીઓ વચ્ચેની સજાતીય મૈત્રીની વિભાવના પણ એ આપે છે. ‘રોમિયો જુલિએટ’ જેવી વિજાતીય મૈત્રી તો એના નાટકોમાં ચારેતરફ વેરાયેલી છે. ટૂંકમાં, મિત્રતા એ કોઈ એક સંબંધ પૂરતું સીમિત નામ નથી, પણ બે વ્યક્તિ લાગણીના તંતુથી જોડાય એ જ મિત્રતા.

પણ મિત્રતાની વિભાવના જોવા માટે આપણે છે…ક શેક્સપિઅર સુધી નજર શા માટે લંબાવવી? આપણા પુરાણો-કથાઓ ભર્યાં પડ્યાં છે દોસ્તીના સ્વર્ણિમ પ્રકરણોથી. એકતરફ કૃષ્ણ-સુદામાની દોસ્તી છે તો બીજી તરફ કૃષ્ણ-દ્રૌપદીનું સખ્યત્વ છે. કૃષ્ણ અને અર્જુન વચ્ચે પણ સગપણ ઓછું અને દોસ્તી વધુ નજરે ચડે છે. બલરામ અને કૃષ્ણ પણ ભાઈ ઓછા અને ભાઈબંધ વધુ અનુભવાય છે. ખેર, કૃષ્ણ તો માણસ જ સંબંધોનો છે. એના મોરપિચ્છના જેટલા રંગ એથી વધુ તો એની મૈત્રીના. રામ અને હનુમાનની મૈત્રી રાવણ માટે તો કર્ણ અને દુર્યોધનની મૈત્રી આખી કૌરવસેના માટે નિર્ણાયક બની. પુરાણની વાતો છોડીએ તો આપણા હિંદી સિનેમાનો ઇતિહાસ પણ દોસ્તી, આનંદ, શોલે, યારાના, દોસ્તાના, દિલ ચાહતા હૈ જેવી સીમાચિહ્ન ફિલ્મોથી ઉજ્જવળ છે. ટૂંકમાં, જ્યાં જ્યાં સાચી દોસ્તી નજરે ચડી છે, ત્યાં લોકોએ એને વધાવી જ છે.

આ કવિતામાં જોસેફ દોસ્તીની આવી જ વાત લઈને આવ્યા છે. કવિતાની શરૂઆત જ નિતનવા દોસ્તો બનાવવાની છૂટ લેવાની વાતથી કરે છે પણ તરત જ યાદ અપાવે છે કે નવા દોસ્તો ભલે બનાવીએ પણ જૂનાને ભૂલવાના નથી કેમકે જો નવા દોસ્તો ચાંદી જેવા કિંમતી છે તો પુરાણા યાર સોના જેવા, બહુમૂલ્યવાન છે. એક બહુ સુંદર વાક્ય શેક્સપિઅરના નામે ચડી ગયું છે: ‘નવા મિત્રો કવિતા જેવા છે પણ જૂના તો મૂળાક્ષરો (આલ્ફાબેટ્સ) જેવા છે.મૂળાક્ષરોને ભૂલશો નહીં કેમકે કવિતા વાંચવા માટે તમને એની જ જરૂર પડશે.’ (હકીકત એ છે કે શેક્સપિઅરે એમના સમગ્ર સર્જનમાં ‘આલ્ફાબેટ’ શબ્દ માત્ર એક જ વાર ‘ટાઇટસ એન્ડ્રોનિકસ’માં જ વાપર્યો છે.) એમિલિ ડિકિન્સન પણ ‘મારા મિત્રો એ જ મારી ગરાસ છે’ એમ કહે છે. જોસેફ પણ બંને પ્રકારની મૈત્રીનું મૂલ્ય કરે છે. નવી દોસ્તીને એ નવી શરાબ સાથે સરખાવે છે, જે સમય જતાં વધુ અસરદાર અને મૂલ્યવાન બનશે જ. જે દોસ્તી સમય અને પરિવર્તનની કસોટી પર ખરી ઊતરી શકે છે એ જ બધામાં સર્વોપરી છે. ‘હેમ્લેટ’માં શેક્સપિઅર લખે છે: ‘તમારી પાસે જે મિત્રો છે, અને જેમની વફાદારી ચકાસી લેવાઈ છે, એમને લોઢાની હાથકડીથી તમારા આત્મા સાથે બાંધી રાખો, પણ દરેક નવા અપરિપક્વ માણસ સાથે તમારે હથેળી ગંદી ન કરો’ શેકસપિઅરના નામે ચડી ગયેલ ‘ધ પેશનેટ પિલ્ગ્રિમ’ની આખરી કવિતામાં હકીકતમાં રિચર્ડ બાર્નફિલ્ડ ‘વફાદાર મિત્રો મળવા મુશ્કેલ છે’ એમ કહે છે. (૧૫૯૯માં પ્રગટ થયેલ આ પુસ્તકમાંની વીસ કવિતામાંથી હકીકતમાં પાંચ જ કવિતા શેક્સપિઅરની હોવાનું પુરવાર થયું છે.)

સમયની સાથે માણસ ઘરડો થાય છે, શરીરનો ક્ષય થાય છે પણ દોસ્તીનો ક્ષય થતો નથી. જૂના અને ચકાસેલા દોસ્તોનો સહવાસ જ આપણા ઘડિયાળના કાંટા ઊલટા ફેરવી આપવા સમર્થ છે. દોસ્ત જ આપણો હાથ ઝાલીને આપણી વીતેલી ગઈકાલમાં લઈ જઈ શકે છે અને ते हि नो दिवसा गताःથી બિલકુલ વિપરીત એ આપણને ઘડપણમાં પણ નવયુવાનીનો અહેસાસ કરાવી શકે છે. પણ દરેક વસ્તુ એક એક્સપાયરી ડેટ સાથે જ આવે છે. દોસ્તી ભલે કદી મરતી નથી, પણ દોસ્તો તો મરણ પામે જ છે ને! એક પછી એક બધા જ દોસ્ત મરણને શરણ થાય ત્યારે? જોસેફ એટલે જ નવા મિત્રો પણ બનાવતા જવાની સલાહ આપે છે. એ કહે છે, જૂની દોસ્તીનું જીવની જેમ જતન કરો, કેમકે બધામાં એ જ સર્વોત્તમ છે. અને કવિતાની શરૂની બે પંક્તિઓનું પુનરાવર્તન કરીને પોતાના મુદ્દા નીચે ડબલ અંડરલાઇન કરે છે. કોઈકે કહ્યું છે ને, ‘કપડાંની વાત હોય તો નવાં શ્રેષ્ઠ છે, પણ દોસ્તોની વાત હોય તો જૂના.’ લૂઈ વૉલેસ ‘બેન-હુર’ નવલકથામાં લખે છે કે ‘આ પાગલ દુનિયામાં એક જ શાણપણ છે, અને તે છે જૂના દોસ્તોની વફાદારી.’ એક અજ્ઞાત કવિનો દોહો યાદ આવે છે:

दोस्ती ऐसी कीजिये जैसे सिर के बाल
कटे कटावे फ़िर कटे, जड से न जाए ख्याल।

પહેલી નજરે કવિતામાં માત્ર જૂના મિત્રોનું જ માહાત્મ્ય કર્યું હોય એમ લાગે પણ ધ્યાનથી જોઈએ તો સમજાય છે કે કવિએ નવા અને જૂનાનું નહીં, પણ દોસ્તીનું જ માહાત્મ્ય કર્યું છે. જૂનાની વાત કરતી વખતે પણ એ યાદ કરાવે છે કે નવા મિત્રોની પણ જરૂર પડવાની જ છે, કેમકે આજે જે નવા છે, એ જ તો કાલે જૂના થશે. અને જૂનું એટલું સોનું તો આપણે જાણીએ જ છીએ. જે મિત્રો આપણા જીવનની અંતરંગ ક્ષણોના સાક્ષી છે, જેમણે આપણી લાગણીઓના ઉતારચઢાવ સતત જોયા છે, જે આપણી સફળતા-નિષ્ફળતામાં આપણા કદમ સાથે હરદમ કદમ મિલાવતા આવ્યા છે, જે કદાચ આપણા સ્વ-ભાવને આપણા કરતાં વધુ સારી રીતે સમજી શકે છે એ દોસ્તથી બહુમૂલ્ય ઘરેણું જીવનમાં કયું હોઈ શકે? ઈસુથી સો વર્ષ પહેલાં થઈ ગયેલા માર્કસ ટુલિયસ સિસેરોએ કહ્યું હતું કે મિત્ર એ તમારી બીજી જાત (another self) છે; મિત્રો ‘બે શરીરમાં એક આત્મા’ છે. આજે આપણા સૌની સહનશક્તિ ઐતિહાસિક તળિયાને આંબી રહી છે, ત્યારે નાનીમોટી વાતોમાં આપણને ખોટું લાગી આવે છે, નજીવી બાબતમાં વર્ષોની દોસ્તી તૂટી જાય છે અને ક્યારેક જેના વિના જીવન શક્ય પણ નહોતું લાગતું એ સામા મળી જાય તો હસવાનુંય દુષ્કર થઈ પડે છે. સોશ્યલ મિડીયાની દોસ્તી આજે વાસ્તવિક દોસ્તી કરતાં આપણને વધુ મીઠી લાગવા માંડી છે. વર્ચ્યુઅલ સંબંધોનું રૉલર ધરતીમાં ઊંડે મૂળ ઊતારીને ઊગેલા વાસ્તવિક સંબંધો પર ઝડપભેર ફરી વળવા માંડ્યું છે. પણ જીવનમાં રડવા માટે આ વર્ચ્યુઅલ ખભા કામ નથી આવતા. દોસ્તી એટલે એવા ખભાનું સરનામું જ્યાં વગર ટિકિટે ટપાલ પોસ્ટ થઇ શકે, અને તોય એ ગેરવલ્લે ન જાય! ખોળિયામાં જેમ શ્વાસ એમ જીવનમાં દોસ્તનો ખભો અનિવાર્ય છે:

એ ખભો નહીં હોય તો નહીં ચાલશે,
એ ખભો ક્યાં છે? એ મારો શ્વાસ છે!

દોસ્તના ખભા ઉપર મૂકાયેલા માથાંઓએ તો ઇતિહાસ સર્જ્યા છે. જે ખભા પર આપણી જિંદગીની રામાયણ-મહાભારતના એક-એક શ્લોક લખાયા છે એ ખભાને નાની-મોટી વાતોમાં તરછોડવાનું, અવગણવાનું કેટલા અંશે વ્યાજબી ગણાય? જીવનના બબ્બે-પાંચપાંચ દાયકાઓ આપણી સાથે કોઈ મિત્ર બનાવીને વીતાવે એ વાત જ કેટલી મોટી છે! આપણી સહનશક્તિનો ગ્રાફ થોડો ઊંચો રાખીને આવા મિત્રો છેલ્લા શ્વાસ સુધી મિત્રો જ બની રહે એ જોતાં શીખી જઈશું તો જીવનમાં કોઈ તકલીફ જ નહીં રહે કેમકે ‘ઔષધ સર્વ દુઃખોનું, મૈત્રીભાવ સનાતન.’

અમે તો ગીત ગાનારા – પ્રિયકાંત મણિયાર

સ્વરાંકનઃ અમર ભટ્ટ
સ્વર: અમર ભટ્ટ

.

અમે તો ગીત ગાનારા
પ્રીત પાનારા
સાવ છલોછલ જઈએ ઢળી
પૂછીએ નહી ગાછીએ નહી મનમાં જઈએ ઢળી,
કોઈના મનમાં જઈએ મળી

આંખને મારગ અંદર જઈએ, ટેરવે કરીએ વાત,
સળગે સૂરજ આજ ભલેને નિતની શરદ રાત,
અમારે નિતની શરદ રાત,
આટલા ધગે તારલા એ તો વણ ખીલેલી મોગરકળી.

પુલ બનીને જલને જોવા ઉપજે દાહ,
સરકી જાતી ટ્રેનના પાટા અંતર ભરતા આહ,
જાણીએ અમે કોઈની એવી વેદના વળી.

સાગરના એ ક્ષારથી છૂટા – આભથી અંતરિયાળ,
જલને વહેવું હોય તો પછી ક્યાંકથી મળે ઢાળ,
કાળની કંકુશીશી એમાં ચાંલ્લો કરવા ક્ષણની સળી,
અમે ક્ષણની સળી.
– પ્રિયકાંત મણિયાર

ગ્લૉબલ કવિતા : ૭૨ : શ્યામ! હું તારી ગાયો ચરાવું – પરવીન શાકિર

आँख जब आईने से हटाई
श्याम सुन्दर से राधा मिल आई
आये सपनो में गोकुल के राजा
देने सखियों को बधाई
प्रेम-जल ख़ूब गागर में भर लूँ
आज बादल ने माया लुटाई
किसको पनघट पे जाने की ज़िद थी
किससे गागर ने विनती कराई
ओक से पानी बहने लगा तो!
प्यास गिरधर की कैसे बुझाई
अब तो जल का ही आँचल बना लूँ
पेड़ पर क्यों चुनरिया सुखाई
उसी बालक से निन्दिया मिलेगी
जिसने माथे की बिन्दिया चुराई
रंग डाली मेरी आत्मा तक!
क्या मनोहर के मन में समाई
मैंने सखियों को कब कुछ बताया
बैरी पायल ने ही जा लगाई
गोपियों से भी खेले कन्हैया
और हमसे भी मीठी लड़ाई
कोई ख़ुशबू तो अच्छी लगेगी!
फूल भर-भर के आँचल में लाई
श्याम! मै तोरी गईयाँ चराऊँ
मोल ले ले तू मेरी कमाई
कृष्ण गोपाल रास्ता ही भूले
राधा प्यारी तो सुध भूल आई
सारे सुर एक मुरली की धुन में
ऐसी रचना भला किसने गाई
कैसा बंधन बंधा श्याम मोरे
बात तेरी समझ में न आई
हाथ फूलो से पहले बने थे
या कि गजरे से फूटी कलाई!

– परवीन शाकिर

શ્યામ! હું તારી ગાયો ચરાવું

આંખ દર્પણથી જ્યારે ખસેડી,
શ્યામસુંદરને રાધા મળી આવી.
આવ્યા સપનામાં ગોકુળના રાજા,
આપવા સહિયરોને વધાઈ.
પ્રેમજળથી ભરું આખી ગાગર,
વાદળે આજે માયા લૂંટાવી.
કોને પનઘટ જવાની હતી જિદ્દ?
ગાગરે કોને વિનતિ કરાવી?
વહેવા લાગ્યું જો ખોબેથી પાણી!
પ્યાસ ગિરધરની શી રીતે છીપી?
જળનો જ આંચલ બનાવી હવે લઉં
ઝાડ પર કેમ ચુનરી સૂકાવી?
નીંદ પણ આપશે એ જ બાળક
જેણે માથાની બિંદીને ચોરી.
મારો આત્માય રંગી દીધો છે!
શી મનોહરને મન વાત આવી?
મેં સખીઓને ક્યારે કહ્યું કંઈ?
વેરી પાયલને લૈ વાટ લાગી
ગોપી સંગેય ખેલે કનૈયો,
મારી જોડેય મીઠી લડાઈ.
લાગશે કોઈ તો ખુશબૂ સારી!
ભરી-ભરી ફૂલ આંચલમાં લાવી.
શ્યામ! હું તારી ગાયો ચરાવું
મોલ લઈ લે તું મારી કમાઈ.
કૃષ્ણ ગોપાલ બસ, માર્ગ ભૂલ્યા
રાધા પ્યારી તો સૂધ ભૂલી આવી.
સૂર સૌ એક મુરલીની ધૂનમાં
આવી રચના ભલા, કોણે ગાઈ?
શ્યામ! બંધાયું આ કેવું બંધન!
વાત તારી સમજમાં ન આવી.
હાથ ફૂલથી પહેલાં બન્યા કે
ફૂલમાંથી જ ફૂટી કલાઈ!

– પરવીન શાકિર
(અનુ. વિવેક મનહર ટેલર)
પાકિસ્તાનની મીરાંબાઈ – પરવીન શાકિર અને શ્રીકૃષ્ણપ્રેમ

ગિરધરગોપાળ શ્રીકૃષ્ણ ધર્મ-જાતિ-સ્થળ-કાળથી પર છે. એના પર કોઈ ધર્મ કે દેશનો સિક્કો મારી ન શકાય. કૃષ્ણની લીલાઓ સેંકડો સદીઓથી માનવજાતને આકર્ષતી આવી છે. શ્રીકૃષ્ણને તમે ગ્લૉબલ મેગ્નેટ કહી શકો. કૃષ્ણ જેટલો લાડકો ભગવાન કોઈ થયો નથી, થશે નહીં. બીજા ભગવાનોથી વિપરીત એને તમારે ‘તું’ કહીને જ બોલાવવો પડે. પ્રસ્તુત નઝ્મમાં પરવીન શાકિર સૌના માનીતા કાનજી અને રાધાની વાત લઈને આવે છે.

પરવીન શાકિર સઈદ. કૃષ્ણની જેમ જ પરવીન પણ એના ચાહકોને એવી તો પ્યારી અને પોતીકી લાગે છે કે એને તુંકાર સિવાય બોલાવીએ તો વચ્ચે દીવાલ અનુભવાય. પરાણેય તમારે એને એકવચનમાં જ સંબોધવી પડે. જન્મ ૧૪-૧૧-૧૯૫૨ના રોજ કરાચી, પાકિસ્તાન ખાતે. પિતાના નામ શાકિરઅલીમાંથી શાકિરને એણે આજીવન પોતાની અટક તરીકે અપનાવ્યું. ઘરમાં વાતાવરણ સાહિત્યનું પણ લેખન પહેલવહેલું આદરનાર પરવીન. ખૂબ નાની વયે ગદ્ય-પદ્ય બંને પર હાથ અજમાવ્યો. શરૂમાં ‘બીના’ના છદ્મનામે લખતી. અંગ્રેજી સાહિત્ય, ભાષાશાસ્ત્ર, બેન્ક વહીવટ અને મૃત્યુના 3 વર્ષ પહેલાં જ અમેરિકાથી સાર્વજનિક પ્રશાસન -આમ ચાર-ચાર તો માસ્ટર્સ ડિગ્રી. પીએચડી પણ કર્યું. નાની-મોટી પદવીઓ અલગ. આટલો બધો ઉચ્ચઅભ્યાસ અંગ્રેજીમાં કર્યો હોવા છતાં અભિવ્યક્તિની ભાષા તરીકે એણે ઉર્દૂ પર જ મહોર મારી. ૧૯૮૨માં જ્યારે પરવીન સેન્ટ્રલ સુપિરિયર સર્વિસિસ (CSS)ની પરીક્ષા આપવા બેઠી હતી ત્યારે એના આશ્ચર્ય વચ્ચે એક સવાલ એની કવિતા વિશે જ પૂછાયેલો હતો. નવ વર્ષ શિક્ષિકા તરીકે કામ કર્યા બાદ સિવિલ સર્વિસમાં કસ્ટમ ખાતામાં જોડાઈ. ઇસ્લામાબાદ ખાતે ફેડરલ બ્યુરૉ ઓફ રેવન્યૂમાં નાયબ સચિવ બની. ગજબનાક સૌંદર્યવતી. એનું અપાર ભણતર, મેધાવી બુદ્ધિપ્રતિભા, બેસુમાર રૂપ, ક્રાંતિકારી વિચાર અને પાકિસ્તાન જેવા રુઢિચુસ્ત દેશમાં એક મુસલમાન મહિલા હોવા છતાં બેબાક હિંમતભેર લખેલી અને મંચ પરથી એના મદહોશ અવાજમાં રજૂ થતી એની બળવાખોર કવિતા ભલભલાને આંજી નાખતા. પાકિસ્તાની તબીબ સઈદ નાસિર અલી સાથે નિકાહ અને થોડા સમયમાં છૂટાછેડા. ભારતની એની મુલાકાત દરમિયાન એક ભારતીય જ્યોતિષીએ એનો હાથ જોઈને ભાખ્યું હતું કે એ એનું પાંચમું પુસ્તક પૂરું કરી શકે એ પહેલાં જ મૃત્યુ પામશે. થયું પણ એવું જ. ૨૬-૧૨-૧૯૯૪ના રોજ ઇસ્લામાબાદ કામે જતી વખતે એની કારના બસ સાથેના અકસ્માતમાં માત્ર બેતાળીસ વર્ષની નાની વયે એ જન્નતનશીન થઈ. એવું પણ માનવામાં આવે છે કે આ અકસ્માત પાછળ એના વિરોધીઓ અને/અથવા સરકારનો હાથ હતો. પણ મેરેલિન મનરો, મધુબાલા, દિવ્યા ભારતી, જિયા ખાન અને શ્રીદેવી જેવી સુંદરીઓના અકાળ અવસાનની જેમ જ એનું મોત પણ એક રહસ્ય બનીને રહી ગયું.

પરવીનની કવિતા નખશિખ એક સ્ત્રીની કવિતા છે. એના પ્રથમ સંગ્રહ ‘ખુશબૂ’ની પ્રસ્તાવનામાં એ લખે છે: ‘પરવીને પરવરદિગારને પ્રાર્થના કરી કે તું મારી અંદર રહેલી કન્યાનો મને સાક્ષાત્કાર કરાવ. ખુદા પણ હસ્યો હશે એ છોકરીની નાદાની પર. પૃથ્વી પર વસતા માનવીને આત્મજ્ઞાન થાય તેની જેવી બીજી કોઈ દુઃખદ ઘટના નથી એ વાત આ છોકરી જાણતી ન હતી. આમ છતાં પ્રાર્થના મંજૂર રાખવામાં આવી.’ અહીં બે વસ્તુ નજર સામે આવે છે. એક, પરવીનની કવિતા એ એના આત્મજ્ઞાનના પરિણામે જન્મેલા તીવ્રતમ દુઃખની ઉપજ છે અને બીજું, એ પોતાની જાતને એક સ્ત્રી તરીકે નહીં, છોકરી તરીકે જુએ છે પરિણામે એની કલમમાં શરૂથી અંત સુધી યુવાનીના ઉંબરે ઊભેલી યુવતીની મુગ્ધતા નજરે ચડે છે. ઉર્દૂ ગઝલ અને આઝાદ નઝ્મ એ પરવીનની કવિતાના બે પહલૂ છે. એની કવિતાઓ આત્મકથનાત્મક શૃંગારપ્રચૂર કામુકતાના કારણે બેહદ ચર્ચાનો વિષય બની હતી. એના વિરોધીઓનો વર્ગ જેટલો વિશાળ હતો, એટલો જ વિશાળ વર્ગ એના બેફામ સમર્થકોનો પણ હતો. શું કવિતા, શું દામ્પત્યજીવન કે શું સરકારી નોકરી- પરવીને કદી પાકિસ્તાનના સંકુચિત પછાત માનસધારી પુરુષપ્રધાન સમાજની પરવા કરી નહોતી. પોતાની સ્ત્રીસહજ ઊર્મિઓ એણે કશાય ઢાંકપિછોડા વિના હિંમતપૂર્વક રજૂ કરી છે. તમારી ગઝલ તો મર્દાના છે એવા આરોપની સામે મુશાયરામાં જરા પણ ઝંખવાયા વિના એણે ‘તો પછી સ્ત્રીની ગઝલ સાંભળો’ એમ કહીને ‘હુસ્ન કો સમઝને કો ઉમ્ર ચાહિયે જાનાં, દો ઘડી કી ચાહત મેં લડકિયાઁ નહીં ખુલતી’ જેવી ગઝલ ફટકારીને ટીકાકારોનો મોઢા સીવી લીધા હતા. ડૉ. બશીર બદ્ર પરવીનને ‘પૂરી ઔરતકી પહલી ગઝલ’ કહીને ઓળખાવે છે.

પ્રસ્તુત નઝ્મનું શીર્ષક ‘શ્યામ! હું તારી ગાયો ચરાવું’ વાંચતા જ નવાઈ અનુભવાય. પાકિસ્તાની મુસલમાન શાયરા અને શ્યામ? કંઈ ભૂલ તો નથીને? પણ પરવીનની કવિતાઓમાંથી પસાર થઈએ ત્યારે શ્રીકૃષ્ણપ્રેમની એની આરત આપણને મંત્રમુગ્ધ કરી દે છે. પરવીનને ‘પાકિસ્તાનની મીરાબાઈ’ કહીએ તોય કંઈ ખોટું નથી. પણ પરવીન જ શા માટે, ઘણા બધા મુસલમાન કવિઓ સદીઓથી કૃષ્ણપ્રેમની કવિતાઓ લખતા આવ્યા છે. પઠાણ ભક્ત કવિ રસખાન (સૈયદ ઈબ્રાહીમ) (?૧૫૪૮-?૧૬૨૮), સૈયદ મુર્તુઝા (૧૫૯૦-૧૬૫૨), ચાંદ કાજી (૧૬-૧૭મી સદી), અકબરના દરબારના નવ રત્નોમાંના એક અબ્દુલ રહીમ ખાન-એ-ખાના (૧૫૫૬-૧૬૨૭), ઉઝીર બેગ(૧૮૬૯), મિયાં નાઝીર અકબરાબાદી (૧૭૩૫-૧૮૩૦), મૌલાના હઝરત મોહાની (૧૮૭૮-૧૯૫૧) ઉપરાંત ઢગલાબંધ મુસ્લિમ અને સૂફી કવિઓએ શ્રીકૃષ્ણના ભક્તિગાન કર્યા છે. રસખાન એક રચનામાં કહે છે:

मानुष हौं तो वही रसखानि बसौं ब्रज गोकुल गांव के ग्वारन।
जो पशु हौं तो कहा बस मेरो चरौं नित नन्द की धैनु मंझारन।।
पाहन हौं तो वही गिरि को जो धरयो कर छत्र पुरन्दर धारन।
जो खग हौं तो बसेरो करौं मिलि कालिन्दी कूल कदम्ब की डारन।।

((કવિ) રસખાન કહે છે કે જો માણસ (અવતાર) હો તો ગોકુળ ગામના ગોવાળ તરીકે મળે, જો પશુ (અવતાર) હો તો નંદની ગાયો વચ્ચે ચર્યા કરું, જો પથ્થર થાઉં તો એ જ પહાડનો જેને પુરંદર (ઇન્દ્ર)ના કારણે છત્ર બનાવીને ધારણ કર્યો હતો, અને જો પંખી હોઉં તો કાલિન્દી કાંઠે કદમ્બની ડાળે રહું.)

ગઝલની સરખામણીમાં એની નઝ્મ અનેકવિધ વિષયોને સાંકળી લેતી, અને ક્યારેક વધુ બળકટ પુરવાર થતી નજરે ચડે છે. અંગ્રેજી શબ્દો અને શીર્ષકોનો પણ એને છોછ નથી એ એક કવિ તરીકેના મોકળાપણની નિશાની છે. પરવીનની નઝ્મોના નાનાવિધ વિષયવસ્તુઓમાંનો એક પ્રધાન વિષય તે કૃષ્ણ. પરવીનની રચનાઓમાં અવારનવાર મીરાંની દીવાનગી અને રાધાનો તલસાટ વંચાતો રહે છે. એ પોતાનો આત્મા સુદ્ધાં મુરલીમનોહર પર વારી દેતા કહે છે:

बस इक आत्मा रहती है/जो दान करुँ तुझ पर!
मनोहर/क्या वारुँ तुझ पर?

પ્રસ્તુત નઝમનો પહેલો બંધ જ એટલો આકર્ષક છે કે એનાથી આગળ વધીએ જ નહીં તો પણ સાર્થક છે. પરવીન દર્પણમાં પોતાની આંખોને જોઈ રહેલી રાધાની વાત કરે છે. આંખ દર્પણ સામેથી હટાવી લેવાઈ છે એ વાતને પરવીન રાધા કૃષ્ણના મિલનના અંત સાથે કેવી ખૂબસૂરતીથી સાંકળે છે! રાધા અરીસામાં પોતાને જુએ છે. આંખની કીકી શ્યામ રંગની છે એટલે અરીસામાં રાધા પોતાની આંખોને નહીં, શ્યામસુંદરને જ જોઈ રહી છે જાણે. આગળ વધીને એમ પણ કહી શકાય કે રાધા અરીસામાં જુએ છે ત્યારે એને પોતાની જાતને બદલે શ્રીકૃષ્ણ જ નજરે ચડે છે. એટલે એ અરીસામાં પોતાને જ્યાં સુધી જોયા કરે છે ત્યાં સુધી શ્યામ સાથેનું મિલન ચાલુ અને જેવી અરીસા સામેથી શ્યામ આંખો હટાવી નથી કે મિલન પણ પૂરું. અરીસાની સામે કોઈ આજીવન ઊભા રહી શકતું નથી, ભલે સ્વમાં શ્યામ કેમ ન દેખાતા હોય?! ટોચ ગમે એટલી વહાલી કેમ ન હોય માણસ ટોચ પર કાયમી ઘર કરી શકતો નથી એટલે રાધાએ પણ અરીસાથી નજર હટાવીને દુનિયામાં પરત તો આવવું જ પડે છે. મિલન ગમે એવું મધુરું કેમ ન હોય, એ કદી સનાતન હોઈ શકતું નથી. કેવું અદભુત કલ્પન! શ્યામમિલનની આવી ઉત્તમ કલ્પના તો આપણા વ્રજકવિઓએ પણ કદાચ નહીં કરી હોય. દેહથી બહાર નીકળીએ ત્યારે એહની પ્રાપ્તિ થાય એ વાત તો હજારો સંતો ને કવિઓ કરી ગયા છે. પણ સ્વમાં જ સર્વેશ્વરને જોવાની પરવીનની આ વાત યજુર્વેદના अहं ब्रह्मास्मि ભગ્વદગીતામાંના શ્રીકૃષ્ણના ઉચ્ચારણ -सर्वस्य चाहं हृदि सन्निविष्टो (હું બધા પ્રાણીઓના દિલમાં વસું છું)-ની યાદ પણ અપાવે છે. બીજું, પરવીન અહીં શ્યામસુંદર વિશેષણ વાપરે છે, જે કૃષ્ણ માટે જેટલું સાચું છે એટલું જ અરીસા સામે ઊભેલી રાધા માટે પણ સાર્થક છે. પ્રથમ બંધ વાંચતી વખતે શ્રી કૃષ્ન બિહારી ‘નૂર’ની ગઝલનો એક શેર પણ યાદ આવ્યા વિના નહીં રહે:

દેના હૈ તો નિગાહ કો ઐસી રસાઈ દે
મૈં દેખૂં આઇના,તો મુઝે તૂ દિખાઈ દે

સપનામાં ગોકુળના રાજા સખીઓને વધાઈ આપવા આવ્યા છે એટલે એમ જ લાગે છે કે ખુદ વાદળે આજે મહેર કરી છે. વાદળ ગોરંભાયેલું હોય ત્યારે શ્યામરંગનું હોય છે. શ્યામ વાદળ જ વરસી શકે. શ્યામસુંદર આજે માયા લૂંટાવી રહ્યો છે તો શા માટે આપણે આપણી માટીની ગાગરમાં આપણી પાત્રતા અનુસાર ભરી શકાય એટલું પ્રેમજળ ન ભરી લઈએ? રવીન્દ્રનાથ ટાગોરની ગીતાંજલિ યાદ આવે: ‘તારી અનંત ભેટો માત્ર આ મારા નાનકડા હાથોમાં આવતી રહે છે. યુગો વહી જાય છે, અને છતાં તું ભરતો જ રહે છે અને તોય હજી એમાં જગ્યા ખાલી જ રહે છે.’ પણ પનઘટ પર જવાની વાત આવી ક્યાંથી? આ જિદ્દ કરવા માટે ગાગરે કોની પાસે વિનંતી કરાવી? શ્યામને પનઘટ ગણીએ અને આપણી જાતને માટીની ખાલી ગાગર ગણીએ તો? પરવીન કહે છે, આપણો ખોબો તો કાણો છે. એમાં પાણી ઝાલવાની ગમે એટલી કોશિશ કરીએ, પાણી વહી જ જાય છે ને એ છતાં કૃષ્ણની તરસ છિપાઈ જાય છે એ કેવો કોયડો છે! કૃષ્ણનું ધ્યાન જો કે ખોબામાંથી સરી જતા પાણી તરફ છે જ નહીં, એ તો આકંઠ રાધાના સૌંદર્યનું પાન કરી રહ્યો છે એટલે તરસ તો છિપાઈ જ જાય ને! હકીકતે પણ કૃષ્ણમુરારિ તો ભાવના ભૂખ્યા છે. દ્રૌપદીના પાત્રમાંના કોથમીરના નાના અમથા પાંદડા માત્રથી એની ક્ષુધા શમી જાય છે. પનઘટ પર પાણી ભરવા આવીએ તો યમુનામાં નહાવું પણ પડે, ને નહાવા પડીએ તો ચુંદડી કદમ્બ પર નાખવી પડે ને એમ કરીએ તો કાનજી બધા કપડાં પોતાના કબ્જે કરી જ લેવાનો છે. નદીમાંથી નિર્વસ્ત્ર બહાર કેમ આવવું? પણ બધા જ આવરણ ઘનશ્યામે કબ્જે કરી લીધા હોય એથી વિશેષ પરમસુખ કયું? એ ખુદ દુન્યવી આવરણોથી મુક્તિ આપતો હોય તો હવે જેમ છીએ એમ રહેવામાં જ સાચું સુખ નથી? એટલે રાધા અને ગોપીઓ નદીના જળને જ આંચલ બનાવી લે છે. જેણે માથાની બિંદી ચોરી છે, એ ચિત્તચોરની મરજી વિના ઊંઘ પણ આવનાર નથી. આ મનોહરના મનમાં શું છે એ તો એ જ જાણે પણ એણે માત્ર કાયા જ નહીં, રાધાનો આત્મા સિક્કે રંગી નાંખ્યો છે. એક નઝ્મમાં પરવીન કહે છે:

तू है राधा अपने कृष्ण की, तेरा कोई भी होता नाम
तेरा रंग भी कौन-सा अपना, मोहन का भी एक ही काम

હવે વાત સ્વથી સર્વ સુધી આવે છે. રાધાએ તો પોતાના પનઘટગમન વિશે સખીઓને કંઈ જ કહ્યું નથી. કૃષ્ણને મળવાની આશામાં એ તો એકલી આવવા નિસરી હતી પણ દુશ્મન ઝાંઝરની ઝણકાર એના અભિસારને છતો કરી દે છે. એક અન્ય નઝ્મમાં પરવીન એના સાજશૃંગારમાં પાયલની વાત કરે છે:

हाथों की इक-इक चूडी में मोहन की झनकार
सहज चले फिर भी पायल में बोले पी का प्यार

કાનજી મૂઓ પણ કાંઈ કમ નથી. એ એકલી રાધા સાથે મીઠો કલહ નથી માંડતો, બધી ગોપીઓ સાથે પણ રાસલીલા રચાવે છે. શ્યામને રીઝવવા માટેના રાધાના પ્રપંચ પણ નજરે ચડે છે. કયા ફૂલની ખુશબૂ એને પસંદ પડી જાય એની સૂઝ ન પડતાં હરખઘેલી આંચલમાં જાત-જાતના ફૂલો ભરી લાવી છે. લક્ષ્મણ માટે કઈ જડીબુટ્ટી લાવવી એ બાબતમાં ગૂંચવાયેલા હનુમાન યાદ આવી જાય. દુનિયાદારીમાં કામના બદલામાં વેતન મેળવવાનો રિવાજ છે પણ શ્યામદારીમાં રાધા શ્યામની ગાય ચરાવવાનું કામ મળે તો બદલામાં પોતાની કમાઈ પણ આપવા તૈયાર છે. હકીકતમાં તો આપણી પાસે જે કંઈ છે એ બધું શ્યામનું જ છે એટલે આ તો तेरा तुझ को अर्पण અથવા त्वदीयं वस्तु गोविन्द तुभ्यमेव समर्पये જેવી વાત થઈ. કબીરે પણ આ જ કહ્યું હતું, ‘मेरा मुझ में कुछ नहीं, जो कुछ है सो तोह, तेरा तुझको सौपता, क्या लागे है मोह’ આ પ્રેમ છે, આ પ્રેમનો ખરો મહિમા છે. પરવીન કેવી સરસ વાત કરે છે! કહે છે, કૃષ્ણ તો માત્ર માર્ગ ભૂલ્યા હતા. ગોકુળ છોડીને ગયા એ ગયા, ફરી આવ્યા જ નહીં પણ રાધા તો બિચારી પૂરી સુધબુધ ખોઈ બેઠી છે. અહીં ‘રસ્તો ભૂલવા’નો બીજો અર્થ આડા રસ્તે ચડી જવું પણ થાય છે એ ભૂલવા જેવું નથી. પણ તોય શ્યામ માટે કોઈ ફરિયાદ નથી. વિમાસણ છે તો એ જ કે દુનિયાના બધા જ સૂર એક માત્ર વાંસળીની ધૂનમાં કેવી રીતે સમાયા છે? અન્ય એક મુસલમાન ભક્તકવિ ચાંદ કાજી બહુ સ-રસ વાત કરે છે:

बाँशी बाजानो जान ना
असमये बाजाओ बाँशी पराण माने ना।
यखन आमि बैसा थाकि गुरुजनार माझे
नाम धैरा बाजाओ बाँशी आमि मरि लाजे॥

(વાંસળી વગાડવાનું તું જાણતો નથી. કસમયે વાંસળી વગાડે છે ને (મારા) પ્રાણ માનતા નથી. જ્યારે હું વડીલજનોની વચ્ચે બેઠી હોઉં છું, તું નામ લઈને વાંસળી વગાડે છે ને હું લાજી મરું છું.)

આગળ પરવીન જે વાત કરે છે એ એક સ્ત્રી જ કરી શકે. શ્યામ સાથે આ જે બંધન બંધાયું છે એ વાત માત્ર સ્ત્રી જ સમજી શકે, દુનિયાનો કોઈ પુરુષ, પછી ભલેને એ પૂર્ણપુરુષોત્તમ શ્રીકૃષ્ણ કેમ ન હોય, એની સમજની બહારની છે. સ્ત્રીનો પ્રેમ, બિનશરતી સમર્પણ અને નિરપેક્ષતા પુરુષના કૉર્સ બહારનો દાખલો છે. અને અંતમાં સમર્પણની પરાકાષ્ઠાએ રાધા જે વિમાસણ અનુભવે છે એ જોઈને કૃષ્ણની રાસલીલા જોતાં નરસિંહ મહેતા જરૂર યાદ આવે. રાસલીલામાં તલ્લીન નરસિંહને એય ભાન નથી રહેતું કે હાથમાંની મશાલ સળગીને ક્યારે ખતમ થઈ ગઈ ને મશાલના સ્થાને હાથ ક્યારે સળગવા માંડ્યો! પરવીન કહે છે કે રાધાના હાથ શ્યામના અભિવાદન માટે ફૂલો-ગજરાથી એવા ભર્યા પડ્યા છે, બંને એવા એકાકાર થઈ ગયા છે કે હાથની રચના હાથમાંના ફૂલો કરતાં પહેલાં થઈ ચૂકી હતી કે ગજરામાંથી જ કાંડું ફૂટ્યું છે એ જ સમજાતું નથી. આ પ્રેમની ચરમસીમા છે. આ પ્રેમની આગળ સાક્ષાત ગોવર્ધનધારીની પણ કંઈ વિસાત નથી.

જરા ધ્યાનથી જોઈએ તો સમજાય છે કે એક જ નાની અમથી નઝ્મમાં પરવીન કેવી બખૂબી આખાય ભાગવતને સમાવી લે છે! કૃષ્ણની બાળલીલાના મોટાભાગના અગત્યના પહલુઓ પરવીને અહીં એક જ નઝ્મમાં કેદ કરી દીધા છે. આ કરામત સર્વાંગ સંપૂર્ણ સમર્પણ વિના શક્ય નથી ને એટલે જ પરવીનને ફરી-ફરીને ‘પાકિસ્તાનની મીરા’ કહેવાનું મન થાય છે.

ટન ટન બેલ પડ્યો -રૂપાંગ ખાનસાહેબ

.

ટન ટન ટન બેલ પડ્યો ને, સ્કુલમાં થઇ ગઈ છુટ્ટી
ભરી દફતર ખભે મુકીને મે તો દોટ મૂકી..
પાંજરામાંનું પંખી જાણે જાય આકાશે ઉડી… જાય આકાશે ઉડી..

યુનિફોર્મ છે વિખરાયેલો ને છે ખુલ્લું દફતર
બુટની દોરી છુટ્ટી ને બેલ્ટ ઢીલો ને બક્કલ..
સ્કુલ તો લાગે જાણે મેદાને એ દંગલ.. ટન ટન ટન બેલ ..

નોટબૂકના પાનાં ફાડીને પ્લેઈન બનાવવા બેઠા
સ્કુલના દરવાજે અમે તો રીક્ષા કાજે બેઠા
થઇ રહી છે ચોપડાઓની જુઓ અદલા-બદલી
લંચબોક્ષ ખાલી કરવાની છે ઉતાવળ કેટલી…ટન ટન ટન બેલ..
-રૂપાંગ ખાનસાહેબ

એક કાચી સોપારીનો કટકો રે – વિનોદ જોશી

કાવ્ય ગાન – કવિ શ્રી વિનોદ જોષી

એક કાચી સોપારીનો કટકો રે

એક લીલું લવિંગડીનું પાન
આવજો રે… તમે લાવજો રે… મારા મોંઘા મે’માન
એક કાચી સોપારીનો……

કાગળ ઊડીને એક ઓચિંતો આવિયો
કીધાં કંકોતરીનાં કામ,
ગોતી ગોતીને આંખ થાકી રે બાવરી
લિખીતંગ કોનાં છે નામ ?

એક વાંકી મોજ્જલડીનો ઝટ્ટકો રે
એક ઝાંઝરનું ઝીણું તોફાન
ઝાલજો રે… તમે ઝીલજો રે… એના મોંઘાં ગુમાન
એક કાચી સોપારીનો…….

ઊંચી મેડી ને એના ઊંચા ઝરુખડા
નીચી નજરુંનાં મળ્યા મેળ,
ઉંબરમાં સાથિયા ને ટોડલિયે મોરલા
આંગણમાં રોપાતી કેળ !

એક અલ્લડ આંખલ્લડીનો ખટ્ટકો રે
એક હૈયામાં ઊઘલતી જાન
જાણજો રે… તમે માણજો રે… એનું વાતું જુવાન
એક કાચી સોપારીનો…..

– વિનોદ જોશી

ગ્લૉબલ કવિતા : ૭૧ : ક્યારેક – શીનાઘ પ્યુ

Sometimes

Sometimes things don’t go, after all,
from bad to worse. Some years, muscadel
faces down frost; green thrives; the crops don’t fail,
sometimes a man aims high, and all goes well.

A people sometimes will step back from war;
elect an honest man, decide they care
enough, that they can’t leave some stranger poor.
Some men become what they were born for.

Sometimes our best efforts do not go
amiss, sometimes we do as we meant to.
The sun will sometimes melt a field of sorrow
that seemed hard frozen: may it happen for you.

– Sheenagh Pugh

ક્યારેક

ક્યારેક બદમાંથી ચીજો બદતર નથી બનતી કદી,
ને કંઈક વર્ષો દ્રાક્ષ પણ હંફાવે છે હિમપાતને;
હરિયાળી ફૂલે-ફાલે, નિષ્ફળ પાક પણ જાતો નથી,
ક્યારેક માણસ ઊંચું તાકે, ને બધું સારું બને.

ક્યારેક લોકો પાછી પાની પણ કરે છે યુદ્ધથી;
ચૂંટે છે પ્રામાણિકને, ને કાળજી પૂરતી કરે,
કે કોઈ અણજાણ્યો ગરીબીમાં ન સબડે ભૂલથી.
કેટલાક લોકો જે થવાને જન્મ્યા છે, બસ, એ બને.

ક્યારેક કોશિશ શ્રેષ્ઠતમ એળે ન જાતી આપણી,
ક્યારેક જે કરવા વિચાર્યું હોય એ કરીએ છીએ.
સંતાપનું મેદાન જે થીજ્યું પડ્યું હો કાયમી
પીગાળશે ક્યારેક સૂરજ: આવું તમને પણ ફળે.

– શીનાઘ પ્યુ
(અનુ. વિવેક મનહર ટેલર)

મોટું કોણ? કવિ કે કવિતા? કળા કે કળાકાર?

ક્યારેક કવિતા કવિને પણ અતિક્રમી જતી હોય છે. કવિતાના વિરાટસ્વરૂપ સામે સર્જક અને એનું અન્ય તમામ સર્જન વામણા બનીને રહી જતા હોય છે. આ કળાની તાકાત છે કેમકે સર્જક માત્ર સર્જન કરતી વખતે જ પોતાના સર્જનનો માલિક હોઈ શકે, એકવાર શબ્દો કાગળ પર મંડાઈ ગયા કે એ પરાયા થઈ ગયા. સર્જક મટી જાય છે પણ અક્ષર મટતા નથી, કદાચ એટલે જ આપણે એને અ-ક્ષર કહેતા હોઈશું! આવી જ એક કવિતા બ્રિટિશ કવયિત્રી શીનાઘ પ્યુ લઈને આવ્યા છે.

શીનાઘ પ્યુ. કવિ, નવલકથાકાર, અનુવાદક અને વિવેચક. બર્મિંગહામ, ઇંગ્લેન્ડ ખાતે ૨૦-૧૨-૧૯૫૦ના રોજ જન્મ. હાલ શેટલેન્ડ ખાતે પતિ સાથે રહે છે. નિવૃત્ત થયા ત્યાં સુધી યુનિવર્સિટીમાં સર્જનાત્મક લેખન શીખવતાં હતાં. સાયબરસ્પેસના શોખીન. કહે છે, હું પુષ્કળ સમય ઓનલાઇન વેડફું છું. શીનાઘની કવિતા વાસ્તવ અને કલ્પના તથા ઇતિહાસ અને સાંપ્રતતાની વચ્ચેની ‘નો-મેન્સ લેન્ડ’માં લઈ જતી કવિતા છે. એની ભાષાની સરળતા બહુધા ભ્રામક છે. સરળતાનું પડ જરા ઊંચકતા જ અંદરથી કંઈક અણધાર્યું જ આપણા હાથમાં આવી પડે છે. કરકસરયુક્ત શબ્દ-પ્રયોજન તથા કાવ્યસ્વરૂપના યોગ્ય સંમાર્જનના કારણે એમની કવિતાઓ ભાવકને તરત સ્પર્શી જાય છે. ભૌગોલિક દૃષ્ટિએ એમને એંગ્લો-વેલ્શ કવિ ગણી શકાય પણ જે રીતે એમની કવિતાઓના વિષયવસ્તુ સ્થળ, ઇતિહાસ અને સંસ્કૃતિઓને બહોળા ફલક પર આવરી લે છે એ જોતાં એમને વિશ્વનાગરિક ગણવું વધુ ઉચિત થઈ પડે છે.

શીનાઘ પ્યુની આ નાની અમથી કવિતા ‘ક્યારેક’ અભૂતપૂર્વ લોકપ્રિયતા પામી છે અને લોકોએ જીવનના દરેક તબક્કામાં અને દરેક પ્રસંગોમાં, ખાસ કરીને શોકસભાઓમાં તથા શાળાઓએ અભ્યાસક્રમમાં ને પરીક્ષામાં આ કવિતા સેંકડોવાર વાપરી છે, વાપરી રહ્યા છે. લંડન, હેલસિંકી, પિટ્સબર્ગ જેવા શહેરની ટ્રામ, મેટ્રો અને સ્ટેશનમાં આ કવિતા રોજ સેંકડો મુસાફરો વાંચે છે. હકીકત એ છે કે સર્જક શીનાઘ પ્યુ આ કવિતાને બેહદ નફરત કરે છે. એ એના બ્લૉગ પર લખે છે કે આ કવિતા તમારે બિનવ્યાવસાયિક હેતુસર જ્યાં વાપરવી હોય ત્યાં વાપરો, પણ મારું નામ વાપરશો નહીં. આજે જ્યારે કવિતા નીચે કવિનું નામ લખવાનું રહી ગયું હોય તો કવિ હોબાળો મચાવી દે એવા સંજોગોમાં શીનાઘ પોતાનું નામ કવિતા નીચે ન લખવા આગ્રહ કરે છે. શીનાઘ કહે છે કે એ આ કવિતાને એટલા માટે નફરત કરે છે કે એ એમનું પ્રતિનિધિ કાવ્ય નથી. આ કાવ્ય એમની સાચી શૈલી અને સર્ગશક્તિ રજૂ કરતું નથી. એ કહે છે કે જો પહેલાથી ખબર હોત કે આ કાવ્ય આવું લોકપ્રિય બનશે તો એમણે વધુ મહેનત કરી હોત. ખેર, ‘ક્યારેક’ આવું પણ બને છે!

ક્યારેક’ કાવ્ય મૂળભૂતરીતે કવયિત્રીએ એંસીના દાયકામાં એક ઓળખીતા ખેલાડી માટે લખ્યું હતું. આ ખેલાડીને કોકેનનું વ્યસન હતું અને આ કવિતા એ ખેલાડી ગમે તે ભોગે વ્યસનમુક્ત થઈ શકશે એવી આશા સાથે લખાઈ હતી. શીનાઘ ભલે આ કવિતાથી ધરાઈ ગયાં છે પણ સેંકડો લોકો માટે આ કવિતા આશાનું કિરણ બનીને આવી છે. દુનિયાભરના લોકોએ પોતાની તથા પોતાના ઓળખીતાઓની મદદ કરવા માટે આ કવિતાનો સહારો લીધો છે. કવિની કવિતા માટેની નફરતનો લોકોએ જાયજો પણ લીધો છે ને કવિને એમ કહીને ઝાટ્ક્યા પણ છે કે તમારે જાતે જ તમારી કવિતાની ગુણવત્તા નક્કી કરવી હતી તો રાખવી હતી બધી તમારી પાસે. લોકોથી મોટો વિવેચક કોઈ નથી. લખો એવી કવિતા જે આ કવિતાને ટપી જાય. – કોઈપણ કવિ આ વાતનો શો જવાબ આપી શકે?

આર્થર કોનન ડોયલને એમની ઐતિહાસિક નવલકથાઓ વધુ વહાલી હતી, પણ લોકોને શેરલોક હોમ્સ જ એટલો ગમ્યો કે જેનાથી છૂટકારો મેળવવા લેખકે મારી નાખ્યો હતો, એ જ શેરલોક હોમ્સને એણે ફરી જીવતો કરવો પડ્યો હતો. અગાથા ક્રિસ્ટી પણ એના અમર પાત્ર ‘હરક્યુલ પોઇરો’થી પરેશાન હતાં કેમકે પ્રકાશકો એ સિવાય બીજું કશું લખવા જ નહોતા દેતા. ‘અ ક્લોકવર્ક ઓરેન્જ’ની પ્રસિદ્ધિ અને બાકીના કામ તરફ સેવાતા દુર્લક્ષથી એના સર્જક એન્થની બર્ગેસ પણ વ્યથિત હતા. ફ્રાન્ઝ કાફ્કાએ તો પોતાનું ઘણુંખરું લખાણ સળગાવી દીધું હતું અને જે અધૂરા લખાણ મૃત્યુપર્યંત સળગાવી દેવા કહ્યું હતું એ જ ‘ટ્રાયલ’, ‘કેસલ’ અને ‘અમેરિકા’એ એને અમરત્વ આપ્યું. ‘વીની-ધ-પૂ’ના સર્જક મિલ્ને પણ વીનીને ધિક્કારતા હતા કારણ કે વીનીની ચકાચૌંધના કારણે એમનું બાકીનું સર્જન પોંખાયું નહીં. શીનાઘને પણ આ રચના સાથે આવો જ લવ-હેટનો સંબંધ છે.

રચનાની દૃષ્ટિએ ચાર-ચાર પંક્તિના ત્રણ અંતરાવાળું આ ગીત આયમ્બિક પેન્ટામીટરમાં લખાયું છે પણ કવયિત્રી પોતે આ રચના લખતી વખતે ગંભીર નહોતા એટલે એમણે ચુસ્ત પ્રાસ મેળવવાની દરકાર રાખી નથી એટલે આખરી અંતરાને બાદ કરતાં રચનામાં પ્રાસ શિથિલ જોવા મળે છે. ઘણી ભાષાઓમાં આનો અનુવાદ થયો છે પણ વિતાલી અશ્કેનાઝીએ કરેલો રશિયન અનુવાદ શીનાઘને પોતાની રચના કરતાંય વધુ ગમે છે. ગુજરાતીમાં અનુવાદ કરતી વખતે પ્રાસરચના અ-બ-અ-બ પ્રકારની પ્રમાણમાં નિયમિત કરી છે અને અંગ્રેજીમાં જે અપૂર્ણાન્વય (enjambment) છે એને અવગણીને પંક્તિ વધુ સુગમતાથી આસ્વાદ્ય બને એનું ધ્યાન રાખ્યું છે.

ક્યારેક’ શીર્ષક પરથી સમજી શકાય છે કે અહીં જે વાત છે એ રોજમરોજની નથી, કાયમની નથી પણ કદીમદીની છે. કવિતામાં જે વિધેયાત્મક્તા અને આશા છે એ હંમેશા પરિપૂર્ણતામાં પરિણમતા નથી. એટલે પહેલી નજરે ભલે કવિતા હકારાત્મક્તાની કેમ ન લાગે, હકીકતમાં એ નિરાશાઓથી ભર્યાભાદર્યા જીવન તરફ વધુ ઈશારો કરે છે. જો કે લોકોને ‘કહીં લાખો નિરાશામાં અમર આશા છુપાઈ છે’ (મણીલાલ દ્વિવેદી)વાળી વાત વધુ સ્પર્શી ગઈ છે. શીનાઘ કહે છે ક્યારેક ચીજો ખરાબમાંથી વધુ ખરાબ તરફ ગતિ નથી કરતી. બ્રિટનની કવિતા છે એટલે દ્રાક્ષની વાડીઓ અને બરફના કારણે થતું નુકશાન આગળ આવે છે. કવિ મસ્કાડેલ શબ્દ પ્રયોજે છે. મસ્કાડેલ એટલે સફેદ વાઇન જેમાંથી બનાવવામાં આવે છે એવી દ્રાક્ષની એક જાતિ. એક અર્થ મસ્કતની દ્રાક્ષ એવો પણ થાય છે જોકે વિકીપીડિયા એનો વિરોધ કરે છે. હિમવર્ષા દ્રાક્ષનો પાક વેડફી નાંખતી હોય છે પણ કવિ કહે છે ક્યારેક વરસો સુધી દ્રાક્ષનો પાક હિમપ્રપાતને પણ હંફાવીને વિજયી નીવડે છે. ચોતરફ હરિયાળી ફૂલે-ફાલે છે, પાક નિષ્ફળ જતો નથી. માણસ ઊંચુ નિશાન તાકે છે અને સફળ થાય છે. કવિનો આશાવાદ વધુ આગળ વધે છે. માણસજાત યુદ્ધથી પાછી ફરે છે, ચૂંટણીમાં પ્રામાણિક માણસની વરણી કરે છે, અજાણ્યા ગરીબોની દરકાર કરે છે. કેટલાક માણસો પોતે જે થવા સર્જાયા હોય એ જ બને છે.

ક્યારેક એવુંય બનતું હોય છે કે આપણા શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ પ્રયત્નોના ગળામાં વિધિ સફળતાની વરમાળા પહેરાવે છે. ક્યારેક એવું બને છે કે આપણે જે કરવા ધાર્યું હોય એ સાચે જ કરી શકીએ છીએ. દુનિયાદારીની આડખીલી પગમાં વચ્ચે નડતી નથી. પીગળવા જ ન કરે એવા હઠીલા બરફાચ્છાદિત દુઃખના મેદાનને ક્યારેક સૂર્ય પીગાળી દે છે. અહીં ‘ફિલ્ડ’નો તરજૂમો ‘ખેતર’ કરવા મન લલચાઈ શકે છે કેમકે આગળ દ્રાક્ષ, હરિયાળી અને પાકની વાત આવી ચૂકી છે પણ કારણકે કવિતા એક ખેલાડીને માટે લખાઈ છે, અહીં (રમતનું) મેદાન શબ્દ જ ઉચિત ગણાશે. બીજું, કવિ તો હકીકતમાં બરફ (snow) લખવા માંગતાં હતાં. કેમકે જે ખેલાડી માટે આ લખાયું એ ખેલાડી કોકેઇનનો બંધાણી હતો અને કોકેઇનનો સફેદ રંગનો ભૂકો બરફની છીલ જેવો જ દૃષ્ટિગોચર થાય છે. પણ આજે જેમ ઘણાબધા કવિઓ કવિતા લખવા માટે કાગળ-કલમ વાપરવાને બદલે સીધા કમ્પ્યુટર કે હવે તો મોબાઇલમાં જ ટાઇપ કરે છે, એમ ટાઇપ કરતી વખતે ભૂલ થઈ ગઈ અને સ્નૉના સ્થાને સંતાપ (sorrow) ટાઇપ થઈ ગયું. કવિને મૂળ વિચાર કરતાં ભૂલ વધુ ગમી ગઈ અને એમણે ભૂલ સુધારી નહીં. હકીકત એ છે કે બરફના સ્થાને સંતાપ શબ્દ જ આ રચનાને કાવ્યકક્ષાએ લઈ જવામાં વધુ સહાયક નીવડ્યો છે. શીનાઘ કહે છે: ‘હું ઘણીવાર કી-બૉર્ડને સર્જનાત્મક પ્રક્રિયામાં જોડાવા દેવામાં માનું છું.’ ભાઈ, વાહ!

બાર પંક્તિની આશાવાદી કવિતાની આખરી અર્ધપંક્તિ આ કવિતાની અપ્રતિમ લોકચાહના માટેનું ખરું કારણ છે. આપણે બધા જ જાણીએ છીએ કે જીવનમાં મોટાભાગે ખરાબ વધુ ખરાબ બને છે, પાક અવારનવાર નિષ્ફળ જાય છે, ધાર્યું નીવડતું નથી, અકારણ યુદ્ધો થતા રહે છે, અપ્રામાણિક માણસો જ ચૂંટાઈને આગળ આવે છે, ગરીબોની અને અજાણ્યાઓની આપણે મોટાભાગે ઉપેક્ષા જ કરીએ છીએ અને આપણામાંથી મોટાભાગનાને એ જ વાતનો અફસોસ હોય છે કે આપણે જે બનવા માટે જન્મ્યા હતા, એ બની જ શક્યા નથી, બધી કોશિશ વ્યર્થ જાય છે, કરવા કંઈ ઇચ્છીએ છીએ અને થાય છે કંઈ, દુઃખના મેદાન કદી સાફ થતા જ નથી, જીવનમાં સુખનો સૂરજ કદી ઊગતો જ નથી. સરવાળે, જિંદગીમાં સૌને દુઃખ વધુ અને સુખ ઓછાં, નિષ્ફળતા ઝાઝી અને સફળતા જૂજ, લાચારી પુષ્કળ અને આઝાદી થોડાં જ મળ્યા હોવાનો અસંતોષ બહોળો અને સંતોષ અલ્પ જ અનુભવાય છે. પણ આ કવિતાની આખરી અર્ધપંક્તિ અમર્યાદિત આશાની વાત કરે છે જે સમગ્ર મનુષ્યજાતિની એકમાત્ર ઝંખના હોવાથી આ પંક્તિ કવિતાની સફળતાની ચાવી બની ગઈ છે. કવિ કહે છે, જીવનમાં જે બધું જ સકારાત્મક વસ્તુઓ ક્વચિત્ જ ફળતી હોય છે, એ બધી જ કાશ! તમને પણ ફળે! સામી વ્યક્તિ માટેની મહત્તમ સુકામના વ્યક્ત કરતી હોવાના કારણે આ અતિસરળ પંક્તિ લોકોના દિલમાં કાયમ માટે કંડારાઈ જવામાં સફળ નિવડી છે.

આશા એકમાત્ર એવું તણખલું છે જેના સહારે માનવજાત અસ્તિત્વના પહેલા દિવસથી આજદિન લગી જીવનસાગરમાં તરતી આવી છે અને અસ્તિત્વ ટકશે ત્યાં સુધી એના આધારે જ તરતી રહી શકશે. માણસના જીવનમાંથી આશા કાઢી લો તો શું બચે? પ્રાણવાયુ જે ફેફસાં માટે, એ જ આશા જીવન માટે છે. રાતના અંધારામાં માણસ આંખ મીંચીને માત્રને માત્ર એ જ કારણોસર ઊંઘી શકે છે કે રાત ગમે એટલી અંધારી કેમ ન હોય, સવાર તો પડવાની જ છે. માણસને જો એવી ખાતરી થઈ જાય કે આવતીકાલે સવાર પડવાની જ નથી, તો એ કદાચ ઊંઘી જ ન શકે. બર્નાર્ડ વિલિયમ્સે કહ્યું હતું: ‘એવી કોઈ રાત કે સમસ્યા છે જ નહીં જે સૂર્યોદય કે આશાને હરાવી શકે.’ દુઃખના દિવસો આપણે બેળે બેળે પણ એ કારણોસર જ પસાર કરી શકીએ છીએ કે દિલમાં ઊંડે ઊંડે એ આશા છૂપાયેલી હોય જ છે કે સુખના દિવસ આવશે જ. ઇસુના ૨૭૦ વર્ષ પૂર્વે થિઓક્રેટસે કહ્યું હતું: ‘જ્યાં જીવન છે, ત્યાં આશા છે.’ ઈસ્લામમાં તો અલ્લાહમાંના ભરોસાને જ આશા કહી છે. શેક્સપિઅર પણ કહે છે કે દુઃખી માણસો પાસે બીજી કોઈ દવા નથી, સિવાય કે આશા. મોટા મોટા મહાપુરુષો અને સંતો કહી ગયા કે આજમાં જીવો પણ માનવજાત પાસે જો આવતીકાલની આશા ન હોય તો એની આજ પણ શૂન્ય જ થઈ જાય. મૃત્યુ ગમે એટલું અફર કેમ ન હોય, માણસ જીવે છે જ એટલા માટે કે એને ખાતરી છે કે એ કાલે સવારે ઊઠવાનો જ છે, ભલે પછી મોઢેથી એ ‘કાલ કોણે દીઠી છે’નું પોપટિયું રટણ કેમ ન કરતો હોય!

શીનાઘની આ કવિતા આશાનો બુસ્ટર ડોઝ છે. એ ‘ક્યારેક’ ‘ક્યારેક’ની આલબેલ પોકારે છે પણ આપણને એમાંથી ‘હંમેશા’ ‘હંમેશા’નો જ પડઘો સંભળાય છે. એ ‘આવું તમને પણ ફળે’ કહે છે ત્યારે આપણા હાથમાંથી બધા હથિયાર હેઠા પડી જતા અને આપણે દોડીને આ કવિતાને આશ્લેષમાં લેવા જતા હોવાનું અનુભવાય છે. ‘ક્યારેક’ શબ્દ નાની-નાની આશાઓનો સમાનાર્થી બનીને આપણી પાસે આવે છે. આ કવિતાએ નિષ્ફળતાની ચરમસીમા પર ઊભેલા ઢગલાબંધ લોકોનો હાથ ઝાલીને સંજીવની બક્ષી છે. એટલે જ ક્યારેક કળા કળાકાર કરતાં મહાન સિદ્ધ થાય છે. હા, ‘ક્યારેક.’

ચોકલેટનો બંગલો

સ્વરાંકન: રૂપાંગ ખાનસાહેબ
સ્વર: દ્રવિતા ચોકસી

.

હોય એક સુંદર ચોકલેટનો બંગલો, ચમકતો ચાંદામામા કેરા રંગનો.
ચોકલેટના બંગલાને ટોફીના દ્વાર, ખિસકોલી પૂંછડે ઝાડુનો માર.
હોય એક…

ગોળ ગોળ લેમનનો ગોખલો છે નાનો, હલો હલો કરવાનો ફોન એક છાનો
બિસ્કીટને ટોડલે સુંદર છે મોર. પીપરમીંટના આંગણામાં લાલ ફૂલ ડોલ,
હોય એક…

ચાંદીના ઝાડ પાછળ ચાંદામામા ભમતા. મોતીના ફલોમાં સંતાકુકડી રમતા.
ઉંચે ઉંચે હિચકો ખૂબ ઝૂલે ઝૂલ, મેનાનું પીંજરું ટાંગે રંગલો.
હોય એક …

ગ્લૉબલ કવિતા : ૭૦ : ચર્ચમાં – આર. એસ. થોમસ

In Church

Often I try
To analyse the quality
Of its silences. Is this where God hides
From my searching? I have stopped to listen,
After the few people have gone,
To the air recomposing itself
For vigil. It has waited like this
Since the stones grouped themselves about it.
These are the hard ribs
Of a body that our prayers have failed
To animate. Shadows advance
From their corners to take possession
Of places the light held
For an hour. The bats resume
Their business. The uneasiness of the pews
Ceases. There is no other sound
In the darkness but the sound of a man
Breathing, testing his faith
On emptiness, nailing his questions
One by one to an untenanted cross.

– R S Thomas


ચર્ચમાં

ઘણીવાર હું મથું છું
એની ચુપકીઓની ગુણવત્તાનું
વિશ્લેષણ કરવા. શું અહીં જ ભગવાન છુપાયો છે
મારી શોધખોળથી? મેં સાંભળવી બંધ કરી છે,
કેટલાક લોકોના ચાલી ગયા પછી,
એ હવાઓને જે પુનર્ગઠિત કરે છે પોતાને
નિગરાની માટે. એણે આ જ રીતે પ્રતીક્ષા કરી છે
પથ્થરો એની ફરતે ટોળું બનાવી બેઠા છે ત્યારથી.
આ છે કઠણ પાંસળીઓ
એક શરીરની જેને આપણી પ્રાર્થનાઓ જીવંત કરવામાં
નિષ્ફળ નીવડી છે. પડછાયાઓ આગેકૂચ કરી રહ્યા છે
તેમના ખૂણાઓમાંથી, એ જગ્યાઓનો કબ્જો મેળવવા માટે
જે પ્રકાશે બાનમાં રાખ્યો છે
એક કલાક સુધી. ચામાચીડિયાઓ
એમના ધંધે લાગી ગયાં છે. બાંકડાઓની બેચેની
શમી ગઈ છે. બીજો કોઈ જ અવાજ નથી
અંધારામાં સિવાય કે એક માણસના
શ્વસનનો, એના વિશ્વાસને ચકાસતો
આ ખાલીપે, એના પ્રશ્નોને એક પછી એક
ખીલે ઠોકતો એક ભાડૂતવિહોણી શૂળી પર.

– આર. એસ. થોમસ
(અનુ. વિવેક મનહર ટેલર)


ઈશ્વર: માનો તો મૈં ગંગા મા હૂઁ, ના માનો તો બહેતા પાની…

ઈશ્વર. શું છે ઈશ્વર? સત્ય કે અસત્ય? વાસ્તવ કે કલ્પના? સધિયારો કે ડર? જગન્નિયંતા કે કથપૂતળી માત્ર? આપણે એનું સર્જન છીએ કે એ આપણું? કોઈએ જોયો નથી, કોઈએ અનુભવ્યો નથી, કોઈએ જોયાનો દાવો કર્યોય હોય તો એ દાવાની સત્યાનૃતતા કોઈએ કરી નથી ને તોય માનવજાતે આજસુધીના ઇતિહાસમાં સૌથી વધુ વિશ્વાસ આ સંપૂર્ણતઃ ઇન્દ્રીયાતીત વિભાવનામાં જ મૂક્યો છે, ને મૂકતી રહેવાની છે. માણસે જે દિવસે પહેલવહેલીવાર ડર અનુભવ્યો હશે એ દિવસે કદાચ ઈશ્વરનો જન્મ થયો હશે અને ડર એ સહજ અને સ્વભાવગત અનુભૂતિ હોવાના કારણે કોઈપણ જાતના સંપર્ક કે સંદેશવ્યવહાર વિના દરેક યુગ, દરેક દેશ અને દરેક સંસ્કૃતિએ પોતાનો ઈશ્વર સ્થાપ્યો જ છે. દુનિયા આસ્તિકોથી ભરી પડી છે તો નાસ્તિકોનીય કંઈ કમી નથી. પણ ઈશ્વર ગળથૂથીથીજ એવો રક્તસંસ્કાર બની બેઠો છે કે એના અસ્તિત્વને સમુચુ નકારવું નાસ્તિકો માટેય આસાન નથી. પ્રસ્તુત કવિતામાં આર. એસ. થોમસ ઈશ્વરની વિભાવનાને ટટોલી જુએ છે.

રોનાલ્ડસ્ટુઅર્ટથોમસ. ૨૯-૦૩-૧૯૧૩ના રોજ કાર્ડિફ, વેલ્શ (યુ.કે.) ખાતે ખલાસીને ત્યાં જન્મ. મા-બાપનું એકમાત્ર સંતાન. ૨૩ વર્ષની વયે એન્ગ્લિકન ચર્ચમાં પાદરી બન્યા. ૧૯૪૦માં મિલ્ડ્રેડ એલ્ડ્રિજ સાથે લગ્ન, જે ૧૯૯૧માં એલ્ડ્રિજના અવસાન સુધી ટક્યા. ચિત્રકાર પત્નીની પ્રસિદ્ધિએ થોમસની કવિ તરીકે પ્રસિદ્ધ થવાની ઇચ્છામાં ભાગ ભજવ્યો. એલિઝાબેથ વર્નન સાથે બીજા લગ્ન. જેનો ઉપદેશ આપ્યો એ જ જીવન જીવ્યા. સ્વૈચ્છિક ગરીબીનો સ્વીકાર. ઘરની એકમાત્ર સાહ્યબીની ચીજ વેક્યુમ ક્લિનર પણ થોમસે એમ કહીને કાઢી નાંખ્યું કે એ બહુ અવાજ કરે છે. પ્રબળ રાષ્ટ્રવાદી હતા પણ માતૃભાષા છેક ૩૦ની ઊંમરે શીખ્યા એટલે કવિતા અંગ્રેજીમાં જ લખી. ૧૯૯૬માં નોબલ પારિતોષિક માટે નામાંકન થયું પણ મેળવવા જેટલા સૌભાગ્યશાળી ન નીવડ્યા. આજીવન નાના અમથા વેલ્શની બહાર ભાગ્યે જ નીકળ્યા હશે પણ યુરોપના મુખ્ય કવિઓમાંના એક ગણાયા. ૧૫૦૦થી વધુ કવિતાઓ લખી. ૮૭ વર્ષની જૈફ વયે ૨૫-૦૯-૨૦૦૦ના રોજ હૃદયરોગની બિમારીથી દેહાવસાન.

દેશના પારંપારિક વિચારો અને બીજી રીતે કહો તો, આત્માને હચમચાવી નાંખનાર કવિ. જેમ થોમસ હાર્ડીનું સમગ્ર સર્જન વેસેક્સની ફરતે રચાયું છે એમ આર. એસ. થોમસની કવિતા પણ વેલ્શના સામાન્યજનના જીવનમૂલ્યોનું સહજ ગાન છે. આપણે ત્યાં લક્ષ્મણે જેમ ‘કોમનમેન’ સર્જ્યો તેમ થોમસે એની કવિતાઓમાં ‘ઇઆગો પ્રિથેર્ચ’ નામના ખેડૂતનું સર્જન કરી વેલ્શના આત્માને અવાજ આપ્યો છે. એ પોતાના દેશબંધુઓની કઠોર આલોચના કરે છે પણ કરુણામય સમદૃષ્ટિ સાથે. કડવા કટાક્ષ પણ અનુકંપાસભર છે. ભાષા સરળ પણ લય મજબૂત. માનવમનના ઊંડાણમાંથી એમની કવિતા નીકળે છે અને ઈશ્વરની ઊલટતપાસ કરવા નીકળે છે. એમની રચનાઓમાંથી ઈશ્વરના છેતરામણા પ્રપંચ સામેનો આર્તસ્વર ઊઠે છે. એ ‘ક્રોસના કવિ’, ‘ચર્ચના કવિ’ તરીકે ઓળખાય છે. પણ ઈશ્વર વિશેની પારંપારિક કવિતાઓ કરતાં આ કવિતાઓ ઊફરી ચાલે છે. બહુધા એમાંથી નાસ્તિકતાનો સૂર ઊઠતો સંભળાય છે. એ ન સંભળાયેલી પ્રાર્થનાઓનો, એકલતાનો, અંધારાનો, ઈશ્વરના પથ્થરિયા મૌનનો જવાબ માંગે છે. એ કહેતા, ‘કેટલાક લોકો આતુર છે એ જાણવા કે મારા બે વ્યવસાયો વચ્ચે અથડામણ નથી થતી? તો હું હંમેશા જવાબ આપું છું કે ઈસુ કવિ હતા, નવો કરાર પણ એક કવિતા છે, અને મને કોઈ સમસ્યા નડતી નથી.’ એમની કવિતા એકાકી જીવની ‘નખશિખ શુદ્ધ, નખશિખ કડવી’ કવિતા તરીકે ઓળખાવાય છે. એ કહે છે, ‘મારો મુખ્ય હેતુ છે કવિતા બનાવવાનો. તમે પહેલાં તમારી જાત માટે બનાવો છો, બીજા લોકો પછી ઇચ્છતા હોય તો જોડાઈ શકે છે.’

૧૯૬૬માં લખાયેલ ‘ચર્ચમાં’ એક ગદ્યકાવ્ય છે. છંદ કે પ્રાસની પળોજણમાં પડવાના બદલે કવિ સીધી સરળ ભાષામાં પોતાની વાત બહુ ઓછી પંક્તિઓમાં રજૂ કરે છે. વીસ પંક્તિની કવિતામાં માત્ર નવ જ વાક્ય છે અને છેલ્લું વાક્ય તો કાવ્યાંતે જ પૂરું થઈ શકે એને બાદ કરીએ તો આખી રચનામાં બીજું એક જ વાક્ય પંક્તિ પતે ત્યાં પતે છે. એ સિવાયના સાતે-સાત વાક્યો પંક્તિની વચમાં પૂરાં થાય છે એટલે આખી કવિતામાં એક પંક્તિ બીજીમાં ને બીજી ત્રીજીમાં સતત ઢોળાતી રહે છે, જેને આપણે અપૂર્ણાન્વય (Enjambment/run-off lines) તરીકે ઓળખીએ છીએ. આ પ્રયુક્તિને લીધે કાવ્ય સળંગસૂત્રી હોવાનું અનુભવાય છે.

કવિતા ‘ઘણીવાર’થી શરૂ થાય છે, અર્થાત્ આ જે પણ કંઈ વાત કે મથામણ છે એ આજની કે એકવારની નથી, એ સતત ચાલતી આવેલી અને કદાચ સતત ચાલતી રહેનાર પ્રક્રિયા છે. કવિતાનો પ્રારંભ આત્મકથનાત્મકશૈલીમાં થાય છે પણ થોડી જ વારમાં હું નીકળી જઈને ‘અમારી પ્રાર્થનાઓ’ના ‘અમે’માં રૂપાંતરિત થાય છે અને એ પછી આખી કવિતા ત્રીજા પુરુષ કથાનકમાં રજૂ થતી હોય એમ લાગે છે. કવિ બહુ સિફતથી પોતાના ‘આઇ’ને દૂર કરી દે છે કેમકે એ જાણે છે કે ‘આઇ’નો બોજો માથા પર લઈને ઈશ્વરના દાદરા ચડી શકાનાર નથી. નાયક ચર્ચમાં બેઠો છે અને ઈશ્વરની તલાશમાં છે. ‘ઈશ્વર કણ કણમાં વસેલો છે’, ‘अहं ब्रह्मास्मि’ અને ‘મન ચંગા તો કથરોટમેં ગંગા’ આપણે ફક્ત બોલવા માટે જ બોલીએ છીએ, દિલથી કદી સ્વીકારતા નથી. ને એટલે જ વિશ્વભરમાં ધર્મસ્થાનોનું નિર્માણ અનવરત ચાલતું આવ્યું છે. ઈશ્વરને મળવા આપણે કદી આપણા કે બીજાના દિલ સુધી જતા નથી, મંદિર-મસ્જિદ-ગિરિજાઘરમાં જ જઈએ છીએ, કેમ જાણે આખી દુનિયાને પડતી મૂકીને ઈશ્વર ત્યાં જ આરામ ન ફરમાવતો હોય આપણી પ્રતીક્ષામાં. ઈશ્વર વિશેની કોઈપણ સંસ્કૃતિની એકેય વાતો તર્કસંગત નથી ને તોય ઈશ્વરના અસ્તિત્વને નકારવાની આપણી હિંમત નથી. ટી. એસ. ઇલિયટે કહ્યું હતું: ‘માનવજાત વધુ પડતી વાસ્તવિક્તા સહી શકતી નથી.’હરિવંશરાય બચ્ચન કહે છે: ‘આણે બનાવીને મંદિર-મસ્જિદ-ગિરજાઘર/ખુદાને કરી દીધો છે બંધ;/આ છે ખુદાની જેલ/જેને તેઓ-વ્યંગ તો જુઓ/કહે છે શ્રદ્ધા-પૂજાના સ્થાન.’

નાયક ચર્ચમાં નિયમિત આવે છે અને ચર્ચ ખાલી થઈ ગયા પછી પણ ત્યાં હાજર રહે છે. થોમસ પોતે પાદરી છે એટલે એ કદાચ એ પાદરીના ધર્મોપદેશ પતી ગયા પછીના ચર્ચની આ સ્થિતિ કલ્પે છે. એ અહીંની ચુપકીદીઓની ગુણવત્તાનું વિશ્લેષણ કરવા અવારનવાર મથે છે. મૌનમાંથી ઊઠતા પડઘા સાંભળવા એના કાન કાયમ આતુર રહે છે. પ્રશ્ન થાય છે, શું આ જ જગ્યા છે જ્યાં એની નજરોથી, પહોંચથી, શોધખોળથી પરે ઈશ્વર સંતાયો છે? લોકો ચાલ્યા ગયા પછીના ખામોશ વાતાવરણમાં મંડરાયા કરતી હવાઓ જાણે ચોકીપહેરો ભરવા માટે પુનર્ગઠિત થઈ રહી છે. નાયક હવે એની અવગણના કરવા માંડ્યો છે. મતલબ એવો પણ સમય હશે જ્યારે એ આ હવાઓને સુંઘતો, ગણકારતો હશે. પણ હવે એને લાગે છે કે પથ્થરો ટોળું જમાવીને બેઠાં છે ત્યારથી આ ચર્ચ, આ હવાઓ ઈશ્વરની આમ જ રાહ જોયા કરતાં હશે. ચર્ચમાંના આ પથ્થરો જાણે લાશની કઠણ પાંસળીઓ છે જેમાં વરસોની, સદીઓની પ્રાર્થના પણ પ્રાણ ફૂંકી શકી નથી. ઈસુના પુનરુજ્જીવન (Resurrection)ની વાયકા યાદ આવ્યા વિના નથી રહેતી. મૃત્યુના ત્રીજા દિવસે ઈસુ ખ્રિસ્ત ફરી જીવતા થયા હતા એ વાત ખ્રિસ્તી ધર્મના કેન્દ્રસ્થાને છે. ઈસુ પુનર્જીવિત થયા ન હોઈ શકે એમ જેઓ માને છે તેઓ હજી પાપમુક્ત થયા જ નથી એમ કહી દઈને ખ્રિસ્તી ધર્મ તમામ પ્રકારની આશંકાઓની શક્યતાઓ પર પૂર્ણવિરામ મૂકી દે છે. કોઈ જ ધર્મ આવા પૂર્ણવિરામોથી પર નથી.

શ્રદ્ધાનો હો વિષય તો પુરાવાની શી જરૂર?
કુરઆનમાં તો ક્યાંય પયંબરની સહી નથી. (જલન માતરી)

નમું તને પથ્થરને? નહીં, નહીં
શ્રદ્ધા તણા આસનને નમું નમું. (સુન્દરમ્)

આમ, ઈશ્વરને શ્રદ્ધાનો વિષય બનાવી દઈને એના અસ્તિત્વની ખરાખરી તરફ આપણે આંખ જ મીચી દીધી છે. ચર્ચનો ધર્મનાદ ટાઢો પડી ગયો છે. લોકો ચાલ્યા ગયા છે. સ્થગિત હવા ત્યાંને ત્યાં ઘુમરાઈ રહી છે. પથ્થરો વધુ નિર્જીવ ભાસી રહ્યા છે. ઘડી પહેલાં જે સ્થાન પ્રકાશના તાબામાં હતું એને હડપવા ખૂણાઓના અંધારા આગેકૂચ કરી રહ્યાં છે. ‘એલાઇવ’ કવિતામાં થોમસ લખે છે: ‘અંધારું તારી હાજરીનો ગાઢો બનતો જતો ઓળો છે.’ દિવસભર ચુપચાપ ઊંધા લટકી રહેલ ચામાચીડીયાઓ પોતાના કામે લાગી ગયાં છે. ચામાચીડીયા આપણી અંધ શ્રદ્ધાના પ્રતીક છે. માણસોના હોવાથી બાંકડાઓ પણ જાણે કે બેચેન હતા, તે માણસોના ચાલી ગયા પછી તેમની બેચેની પણ ક્રમશઃ શમી રહી છે. અંધારામાં બધું જ ઓગળી ગયું છે, અવાજ સુદ્ધાં. અંધારું આમેય બધા ભેદભાવ મિટાવી દઈને બધાને એકાકાર કરી દઈ એક જ કક્ષાએ આણે છે, જે સહન કરવું મનુષ્ય માટે શક્ય નથી, ને કદાચ એટલે જ મનુષ્યમાત્ર અંધકારથી ડરે છે.

ટાંકણી પડે તો પણ સાંભળી શકાય એવી ચર્ચની નીરવ શાંતિમાં ત્યાં હાજર એકમાત્ર માણસના શ્વસનનો અવાજ એકમાત્ર અપવાદ છે. ‘ધ ઇકોઝ રિટર્ન સ્લૉ’માં એ લખે છે: ‘તમારે એવી પ્રતીક્ષાની કલ્પના કરવાની છે જે ઉતાવળી નથી કેમકે એ સમયાતીત છે.’ થોમસે જિંદગીનો મોટાભાગનો સમય ચર્ચની સેવામાં વીતાવ્યો હતો એટલે એની કવિતાઓમાં ચર્ચ અને ધર્મ સદૈવ કેન્દ્રસ્થાને રહ્યા છે. એમની કવિતાઓના સાચા નાયક ચર્ચ બહુધા ખાલી જ જોવા મળે છે, અથવા વધુમાં વધુ એક માણસ એમાં હાજર દેખાય છે. આ એક માણસ કવિનો આભ્યંતર અહમ્ (Alter ego)પણ હોઈ શકે છે. થોમસ છૂપા ઈશ્વરનો, નીરવતાનો કવિ છે. એ અંધારા એકાંતમાં પોતાનું અજવાળું શોધવા મથે છે. ‘ધ એમ્પ્ટી ચર્ચ’કવિતામાં એ કહે છે: ‘એ લોકોએ એના માટે આ પથ્થરની જાળ બિછાવી, મીણબત્તીઓથી લલચાવ્યો, જાણે કે એ એક મોટા ફૂદાની જેમ અંધારામાંથી અહીં આવી ચડવાનો ન હોય.’ આજ કવિતામાં એ આગળ કહે છે: ‘શા માટે, તો, હું ઘૂંટણિયે પડીને મારી પ્રાર્થનાઓ એક પથ્થરના હૃદય પર ફટકારું છું? શું એ આશામાં કે એમાંની એકાદ પ્રજ્વળશે અને આ પ્રકાશિત દીવાલો હું સમજી શકું એનાથી વધુ વિરાટ કશાકનો પડછાયો ફેંકી શકે?’

‘ન્યુક્લિઅર’માં એ કહે છે: ‘એવું નથી કે એ બોલી શકતો નથી; ભાષાઓ કોણે સર્જી, સિવાય કે ભગવાન?’ પણ અહીં પથ્થરોની નિર્જીવ વસ્તીમાં ખાલી ક્રોસની ઉપર એ એક માણસ પોતાના શ્વાસોચ્છ્વાસ વડે પોતાના પ્રશ્નો, પોતાની શંકાઓ, પોતાની શ્રદ્ધાઓને એક પછી એક ખીલે ઠોકી રહ્યો છે. ૩૧ ઓક્ટોબર, ૧૫૧૭ના દિવસે માર્ટિન લ્યુથરે વિટેનબર્ગ કેસલ ચર્ચના દરવાજે ચર્ચમાં પેસી ગયેલા સડાના વિરોધમાં પોતાના ૯૫ મુસદ્દાઓની નકલ ખીલે ઠોકી હતી એ વાત યાદ આવ્યા વિના નહીં રહે. અહીં પણ નાયક પોતાના વિશ્વાસને આ ખાલીપામાં, આ અંધારામાં ચકાસવા મથી રહ્યો છે. જેમ ઈસુના શરીરમાં એમ એ પોતાના પ્રશ્નોના શરીરમાં ખીલા ઠોકી રહ્યો છે. શું આનો મતલબ એવો સમજવો કે એ પોતાના જવાબો મેળવી રહ્યો છે? અહીં શૂળી ભાડૂતવિહોણી છે એ રૂપક ખાસ્સું અર્થગંભીર છે. આ રૂપકે સાહિત્યજગતને ચર્ચાના ચકડોળે ચડાવ્યું છે. આ ખાલી ક્રોસ હાજરી-ગેરહાજરી, શ્રદ્ધા-અશ્રદ્ધા, ક્રુસાહોરણ-પુનરુજ્જીવનના વિરોધાભાસ ઈંગિત કરે છે. સુધારાવાદી ખ્રિસ્તીઓ (પ્રોટેસ્ટન્ટ્સ) લોકોનો ક્રોસ ખાલી હોય છે જ્યારે પરંપરાગત રોમન કેથલિક સંપ્રદાયમાં ક્રોસની ઉપર ઈસુ ખ્રિસ્ત જોવા મળે છે. આ બિનનિવાસિત શૂળીનો એક અર્થ એવો કરી શકાય કે ઈશ્વર હવે અહીં નથી, ચાલ્યા ગયા છે. જ્યારે બીજો અર્થ પરંપરાગત ઈસુના ક્રુસારોહણ (crucifixion) અને પુનરુજ્જીવન તરફ ઈશારો કરે છે. એમ માની શકાય કે પુનરુત્થાન થઈ ચૂક્યું હોવાથી એ હવે ક્રોસ પર નથી. એવું પણ કહી શકાય કે આપણે જે સમાજ-સંસ્કૃતિમાં રહીએ છીએ એનું એ હદે પતન થઈ ચૂક્યું છે કે ભગવાન હવે અહીં રહી શકે એમ ન હોવાથી આપણને છોડીને ચાલ્યા ગયા છે. ‘ભાડુત’ શબ્દ પણ ધ્યાન માંગે છે. ભાડુત એટલે એક એવો શખ્સ જે બીજાના મકાનમાં રહે છે. મતલબ આ ક્રોસ એ ઈસુનું પોતાનું ઘર નથી, એ રોમન લોકોએ આપેલું ભાડાનું ઘર છે.

થોમસે કહ્યું હતું: ‘ગામડાંના દેવળમાં પાદરી તરીકે રહેવાના ફાયદાઓ અને પડકારોમાંનો એક છે શાંતિ અને એકલતા. ઘણો બધો સમય ઘૂંટણિયે પડીને ઈશ્વરને શોધવામાં, સંપર્ક સાધવાની કોશિશમાં જાય છે અને ઈનામમાં નીરવતા અને અનુપસ્થિતિની લાગણી મળે છે, કેમકે આપણે એનામાં છીએ, નહીં કે એ આપણી કોઈ ઈમારતો કે છટકાઓમાં.’પણ આ કવિતા છે. પાદરી થોમસ અને કવિ થોમસને એમણે કાયમ અલગ રાખ્યા હતા. ચર્ચમાં એમણે કદી પોતાની અંગત માન્યતાઓના જોરે ધર્મોપદેશ આપ્યો નહોતો. ચર્ચમાં એ બાઇબલની જ વાત કરતા. એટલે થોમસની અન્ય રચનાઓ તરફ નજર કરો કે ન કરો, એના પાદરી તરીકેની કારકિર્દીને ધ્યાનમાં લો કે ન લો, કવિતા કવિતા છે અને એ કદી અર્થ અને સમજણની પકડમાં આવી શકે નહીં એટલે આ કવિતાને તમે નાસ્તિકતાનું રણશિંગુ પણ કહી શકો અને આસ્તિકતાનો શંખનાદ પણ; કેમકે ગ્લાસ અડધો ભરેલો છે કે અડધો ખાલી છે એ માત્ર ને માત્ર જોનારાની નજર ઉપર જ અવલંબિત હોઈ શકે. તમે ખોબામાં જે અંજલિ ભરી છે, એ શ્રદ્ધા હશે તો સાક્ષાત્ ગંગાજળ છે, ને શ્રદ્ધા ન હોય તો નકરું પાણી…