ત્રણ અક્ષરમાં માપી લીઘું વિશ્વને ‘રમેશ’ પૂછો કે એનું નામ હતું : ‘વેદના’, તો હા! – Jay Vasavada

કવિ શ્રી રમેશ પારેખના નિધન પછી જય વસાવડાની કોલમમાં પ્રગટ થયેલો આ લેખ એમણે થોડા વખત પહેલા એમના બ્લોગપર ફરીથી પ્રસ્તુત કર્યો હતો, એ આજે એમની પરવાનગી સાથે અહીં ટહુકો પર …..
***************
સમજયા, ચંદુભાઇ!
એને ટેવ નડી, ટેવ…
ખોતરવાની.

આ ખુસાલિયો કાંઇ ખોતરવે ચડયો,
કાંઇ ખોતરવે ચડયો…
છેવટે ઇણે ઇનું મગજ ખોતર્યું
મોટા મોટા ખાડા કર્યા ઇમાં
મૂળે ખુસાલિયાને ગોતવું’તુ સુખ
જોવું’તું નજરોનજર
પછી પારકું હોય કે પોતાનું- પણ સુખ

ઇ અડબાઉને એમ કે
ચોપડિયુંમાં લખ્યું હોય ઇ બઘું સાચું જ હોય
સુખના ઝાડવા ફિલમુમાં ઉગે
સુખના ફુવારા કવિતામાં ઉડે
નવલકથાયું વાંચે એમાં હોય સુખના હિલ્લોળા
તે ખુસાલિયાને એમ જ થઇ ગ્યું કે સુખ હોય!
દીકરો અહીં જ થાપ ખાઇ ગ્યો…

એને એમ કે સોમવાર કે રવિવાર હોય
એમ સુખ પણ હોય જ!
ટપુભાઇને તરવેણીબેનની જેમ
સુખે ય આપડે ત્યાં આવે…
અક્કલના ઇસ્કોતરાને કહેવું ય સું?

આપણે તો જાણીએ, ચંદુભાઇ કે
સસલાને શિંગડા હોય તો
માણસને સુખ હોય.
ઠીક છે, ડાહી ડાહી વાતું કરીએ
ચોપડિયું વાંચીએ
જે વાંચવુ જોઇએ એ વાંચ્યું નહીં
પૂછજો એને, ઇતિહાસ વાંચ્યો છે એણે?
છે ચપટીય સુખ મળ્યાનો ઉલ્લેખ કોઇ પાને?

એક દિવસ ખુસાલિયો
પોતાના સપનાંને અડ્યો’તો!
ત્યારથી આવી દિમાગને ચાટી જાતી બળતરાઉં!
પણ હાળો મરસે !
સુખ નથી આઠે બ્રહ્માંડમાં
સુખ નામનો પદારથ જ નથી આ ભોં પર
આવી વાત ઇ જાણતો નથી
ઇ જ એનું સુખ!

રમેશ પારેખની આ લાંબી કવિતાનું ‘એડિટેડ વર્ઝન’ છે… એમની જીંદગી જેવું! છ અક્ષરના નામના આ ધણી આ વર્ષે મોટા ગામતરે ચાલ્યા ગયા, ત્યારની ગુજરાતી કવિતા વિધવા બની છે. તારીખ ૨૭ નવેમ્બરે કવિનો જન્મદિન છે. એમના શરીર અને એમના શબ્દોની સ્મૃતિઓ મનની ‘માલીપા’ ધક્કામુક્કી કરીને ‘હડિયાપાટી’ કરે ત્યારે એમનો મૃત્યુદિન યાદ આવે… એ સાંજે મોરારિબાપુએ એક બહુ ઝીણું કાંતીને પારખેલી વાત કહી હતી… રમેશ પારેખને સતત, સનાતન એક અજંપો સતાવતો હતો! એ રાત્રે રાજકોટના સ્મશાનમાં પ્રજ્વલિત ચિતા સામે જોતાં થયું… શું દેહ સાથે આત્માનો અજંપો પણ ભડભડ બળતો હશે?

આમ તો રમેશ પારેખે ગામો ગજવ્યા હતાં. મહેફિલની શાન અને મસ્તીની જાન થઇ જાય એવો એ માણસ. જીવનના અસ્તાચળે ખાધેપીધે પણ સુખી. ખુલ્લી તલવાર જેવી છોકરી અને સિટ્ટીના હીંચકે ઝૂલતા છોકરાની કાઠિયાવાડી કવિતાના ટ્રેન્ડસેટર કવિસમ્રાટ. આલા ખાચરની કવિતાના જાણતલ સર્જક. રમૂજી કટાક્ષથી મુશાયરાને ડોલાવે, અને ધીમે ધીમે ઢાળ ઉતરતી ટેકરીઓની સાખે દીધેલું ફૂલ યાદ કરીને રોમાન્સની ગુલાબી મહેંક પણ પ્રસરાવે! પરિવાર પ્યારો, મિત્રોનો સંગાથ ન્યારો… નામ થયું, ઠરીઠામ થયા… અઢળક યુવક મહોત્સવોમાં નવા નિશાળિયાઓએ એમની કવિતાની પાદપૂર્તિ કરી… સરટોચના તમામ સન્માનો મળ્યા… લોકોના હૃદયમાં, ટીવી ચેનલના કેમેરામાં, સરકારી યાદીમાં, અખબારી કાગળમાં, માંધાતાઓની મિજબાનીમાં બધે જ માનભર્યું સ્થાન મળ્યું. સંસારની જવાબદારી ત્રીજી પેઢીને ખોળે રમાડતાં સુપેરે નિભાવી. ગાલિબની માફક રમેશ પારેખની છે, એવી ખબર ન હોય છતાં સામાન્ય માનવીના જીભે એમની પંકિતઓ રમતી હોય એવું અમરત્વ મળ્યું.

રમેશ પારેખને કશુંક છાનુંછપનું પણ કદાચ છિન્નભિન્ન એક સપનું હતું… એને કશુંક અસુખ હતું. કયાંક આ ભડભાદર માણસને ચેન નહોતું પડતું. બધી અમીરાતની વચ્ચોવચ્ચ શૂન્યના આકારનો એક ઉણપ નામનો અંધારિયો કૂવો હતો! આવું એમણે જાહેરમાં નથી કહ્યું, પણ સર્જકના શબ્દો કયારેક એના અંતરમનની ચાડી ખાય છે….

અને સૌથી વઘુ ધારદાર, હૈયા સોંસરવા આરપાર નીકળતાં શબ્દોનો ગર્ભ હંમેશા દુઃખ નામના શુક્રકોષનું પીડા નામના અંડકોષ સાથે ફલન થાય ત્યારે બંધાય છે! હૈ સબસે મઘુર ગીત વો, જો દર્દ કે સૂરમેં ગાયે જાતે હૈ! ઓયવોય હાયહાય- અરેરેરે માડી! મરી ગયો પોકારીને લોહી નીંગળતી અવસ્થામાં હોસ્પિટલ ભેગું થવું સહેલું છે પણ નિયતિની થપ્પડને કંઇ ગુંજ નથી હોતી. એનો રક્તસ્ત્રાવ બહાર નહિં, ભીતર થાય છે. એમાંથી આકાર લે છે અક્ષરો…

વિશ્વનું એક્કે ન પુસ્તક દઇ શકયું એનો જવાબ
શું છે આ છાતીને ખોદી કાઢતી ઝીણી કણસ
*
કેમ તું મૂંગી છે તદ્દન, બોલપેન!
તારૂં કોણે દુભવ્યું મન, બોલપેન!
*
બંધ દરવાજા ઝૂરે છે સતત ટકોરાને
કોઇ વિલંબ કે કોઇ સબર કબૂલ નથી
*
આંખોને કાળમીંઢ કોણે ઘડી છે
મને કંઇ તો જોયાનું સુખ આપો…
મૂંઝારે ફાટફાટ છાતી ભીંસાય
મને કંઇ તો રોયાનું સુખ આપો…
*
લોહી તોડી શબ્દને દર્પણ કર્યા
– ને તને અર્પણ કર્યા!
*
હથેળી બહુ વ્હેમવાળી જગા છે
અહીં સ્પર્શ વસતા એ પ્રેતો થયા છે
હવે પાંપણોમાં અદાલત ભરાશે,
મેં સ્વપ્નો નીરખવાના ગુના કર્યા છે
*
જેટલી દંતકથાઓ બની અરીસાની
છે ઝીણી ઝીણી કરચ એ તો કોઇ કિસ્સાની
*
વીતેલી કાલનું જો નામ ખુશખુશાલ નથી
તો દોસ્ત, આજ હું સ્હેજે પાયમાલ નથી

મને બગીચો કહ્યો’તો એ તારી ભૂલ હતી
કોઇ લીલોતરી વિશે મને ખયાલ નથી
*
ઘટનાને હોત ભૂલી શકવાના બારણા
તો કોણ ખોલવાનું હતું બંધ દ્વારને?
*
ચકવી, ચાલો જઇએ એવા દેશ…
પ્હેરવો પડે છે અહીં તો આ કે પેલો
એકબીજાને ચાહવાનો કોઇ વેશ
*
તું ચહેરો ઉગામીને ઉભી રહી
એટલે હોઠમાં વાત થંભી ગઇ
*
અક્ષરો પાડું, ધકેલું, ચીતરૂ, ઘૂટું, ભૂંસું
હું રમું કાગળની વચ્ચે તમને મળવાની રમત
*
શું કામ આંખમાં આવ્યું વિચારવું પડશે
બધાથી ગુપ્ત આ આંસુ નિતારવું પડશે
મીંચાય આંખ, આ મનને મીંચાય કેમ, રમેશ
સમૂળગું જ હવે મનને મારવું પડશે
સ્વપ્નમાં જેમણે આખ્ખો બગીચો આપ્યો’તો
દીઘું છે તેમણે આ રણ, સ્વીકારવું પડશે.

રમેશ પારેખની આંખોમાં એ કયું આંસુ આજીવન થીજી ગયું હશે? એ કયા કિસ્સાની કરચ એમના પ્રતિબિંબને તરડાવતી હશે? કયા ટકોરાની પ્રતીક્ષામાં એમની મૂંગી બોલપેન કાગળને ‘બચબચ ધાવતી’ હશે? કયું સ્વપ્ન એમને ભૂલી જવાનું નિરંતર યાદ આવતું હશે? કઇ છાતીની કણસે કવિનો દેહ હાર્ટ એટેકથી ‘આફટર સિકસ્ટી’ પડ્યો, એ પહેલાં જ હાર્ટ પર એટેક કરીને ‘સ્વીટ સિકસ્ટીન’માં એમનો આત્મા દઝાડ્યો હશે? કેટલાક સવાલો એવા હોય છે કે એના જવાબ આપવાની લાખ ઇચ્છા હોય તો પણ એ ઢબૂરીને મૌનના સોયદોરાથી હોઠ સીવી લેવા પડે છે.
રમેશ પારેખે હરહંમેશ નિયતિની, સંજોગોના શિકાર બનેલા ઉછળતા હરણા જેવા સ્વપ્નોની વાત લખી છે. ‘મને ભીંજવે તું, તને વરસાદ ભીંજવે’થી પ્રચલિત કવિ એક ખૂણે ગૂપચૂપ એવું ય લખીને ગુમસુમ છે…

મન બહુ થાય છે વરસાદમાં નીકળવાનું
બધાના ભાગ્યમાં હોતું નથી પલળવાનું?
પડયું છે કોઈનું મડદું પણે ગુલમ્હોર તળે
વચન દીધેલ હશે કોઈએ ત્યાં મળવાનું?

માણસ ધાર્યું કરવા માટે હવામાં બાચકા ભરે છે. જીવસટોસટની બાજી રમે છે. દોડે છે. પડે છે. ચડે છે. રડે છે. ઝંખે છે. ડંખે છે. એને એવો ભ્રમ હોય છે કે, આ તો હાથવેંતમાં આવેલું સ્મિત છે. પણ જગતની ગમે તેટલી જીત મળે, પ્રીત ન મળે ત્યારે એને ખબર પડે કે, કુદરતના દરિયામાં એ એક પરપોટો છે.

હાથ સૂમસામ બની મેજ પર પડેલા છે,
અસંખ્ય ઝાંઝવાને સ્પર્શવાથી મેલા છે.

અડે અડે ત્યાં ઉઝરડા પડે છે સપનાને
હાથને ટેરવાં સાથે જ નખ મળેલા છે.

એક તો હાથનું પોત જ છે સાવ તકલાદી
ને એમાં હસ્તરેખાઓના સળ પડેલા છે.

રમેશ પારેખે ગર્વથી ‘મારી કવિતા વિશ્વના હોઠ પર કરેલું પ્રથમ ચુંબન છે’ એમ ઉચ્ચાર્યું છે… અને કવિએ લોકોને રિઝવવા માટે કરવા પડતાં નખરાંનું મૂલ્ય સ્વીકાર્યું છે. દુનિયાને હસવા જેવી બે – ચાર પળો આપી, એમના મનમાંથી આવતીકાલનો ભય કાઢવાનું અવતારકાર્ય સર્જકનું છે, એવું કહી મન મનાવ્યું છે. એમણે કાલિદાસને પણ મૂતરડીમાં મેઘદૂતના નામે પડકારો કર્યો છે, અને આસપાસના અકસ્માતોથી અકળાઈને ઈશ્વરને પણ તોફાનમાં ગધેડીનો કહ્યો છે. શયનખંડની શહેનશાહત અને સ્તનોની સુંવાળપ, ભીડની ભયાનકતા અને મીરાના મનસૂબા પણ શણગાર્યા છે. પણ ફાંસી પહેલાની છેલ્લી ઈચ્છાના નામે લખેલી આ રચનામાં સર્જકના સપના નથી? વાંચો :

– ને સૌથી છેલ્લે ગામનું પાદર જોઈ લેવું છે
વડની ખાલીખમ છાયાને
ટગરટગર વળગી પડી રોઈ લેવું છે
એકલભૂલું બકરી બચ્ચું ઊંચકીને
પસવારવી છાતી
જોઈ લેવી છે નદીએ કોઈ છોકરી
છાનું છપનું ન્હાતી
થોરનું લીલું પાન તોડીને મા સમોવડ દૂધ ઝરી પડતું જોવું
મારગે કદી થડમાં કોર્યા નામને કહી આવજો છેલ્લીવાર વછોવું
સીમમાં નીહળ આ ઘટાટોપ ભાનને ફરી ખોઈ લેવું છે

આવું જ એક અવર્ણનીય શબ્દચિત્રના વર્ણનનું ચમત્કારિક કામ રમેશ પારેખની ‘ઈચ્છા’ નામની કવિતામાં છે. આખી કવિતામાં રંગબેરંગી વાસંતી કામનાઓના લસરકા છે, પણ દીર્ઘ કાવ્યની પૂંછડીએ વીંછીડંખ છે. કવિ લખે છે કે, મૃત્યુની અંતિમ ક્ષણે તમામ સ્વજનોના સ્મરણ થાય, હેડકી ચડે ને… પછી ફેરવી તોળે છે. ‘ના, ના, લગાતાર હેડકી ઉપડી હોય તે ક્ષણે તું ઉભી હોય સ્મિતવંતી ટગરટગર ને છેલ્લી હેડકી શમી જાય… ને હું મૃત્યુ પામું!’

વાત નક્કી છે. રમેશ પારેખના ગળે મરણપર્યંત બાઝેલો ડૂમો એક મોગરાની કળી છે. ટહૂકાની જાળી છે.યાને એક સ્ત્રી છે. કવિતામાં છોકરો છોકરી પાસે કાંટો કઢાવવા જાય છે, ત્યારે સોયને બદલે અણિયાળી આંખોથી એ કાઢવા કાકલૂદી કરે છે. ગામ સમજી જાય છે – કાંટો નહિ, આયત્મો કઢાવવાની વાત છે! કવિએ પોતાના આત્માના સોનેરી પિંજરાને નામ આપી દીઘું : સોનલ! નામ આપીને કદાચ નામ છૂપાવ્યું! અને આ દરેક પુરૂષના લલાટમાં લખાયેલી, છાતીના વાળમાં પસીનો બનીને બાઝેલી અને મૂલાધાર ચક્રમાં સહસ્ત્રદલ કમલ બનીને ખીલેલી નાયિકાનું રૂપ છે. રમેશ પારેખે વાસ્તવમાંથી વાયકા બની ગયેલી સ્વપ્નિલ પ્રિયા સોનલ માટેનો તલસાટ અને થનગનાટ કેવો ઉપસાવ્યો છે?

તું આવી તો ઘરના ખૂણા પ્હોળા પ્હોળા
પહેલીવાર હું મારાથી અળગો પડી
કરતો મારી ખોળંખોળ
*
તમે ઘેર આવ્યા ને, સોનલ
ફળિયે બેઠેલા પથ્થરના પંખીને
નીલું પિચ્છ અચાનક ફૂટે
પિચ્છ તળે કુમળો કુમળો પડછાયો કંપે
*
એક અનુભવ તને કહું, લે, સાંભળ સોનલ…
એક વકત આ હું ને મારી આંખ ગ્યાં‘તા દરિયે
ત્યારે કોઈ પગલું પડી ગયું હતું ઓસરીએ
ઘેર આવતા ઘરના મોં પર તાજગી ભાળી
અડપલું બોલી ઉઠયું : જડી ગયું, દે તાળી
પગલાં ઉપર અમે ચડાવ્યા પાંપણના બે ફૂલ
ટીપે ટીપે સપના સુધી બાંઘ્યો ભીનો પુલ
ઘર આખ્ખું ને અમે ય આખ્ખા ઝલમલ
ઓસરીએ અફળાતો દરિયો કલબલ કલબલ
*
સાંજ – અંગત એક ચિઠ્ઠી… પ્રિયતમાની,
પત્ર મારો – ફકત નિઃશ્વાસોનો ઢગલો
ભૂકંપોના વિચારોનો જ
સિસ્મોગ્રાફ અધકચરો
અને ચિઠ્ઠી –
તરન્નુમ જેટલી મીઠ્ઠી!

રમેશ પારેખની એક કવિતા ‘છેલ્લો પ્રેમપત્ર’ છે. પ્રિયતમ પ્રિયાને પત્ર લખીને પોતાને જલદી પત્ર લખવા વિનવે છે! (એસએમએસના જવાબમાં ‘મિસ’ને મિસ્ડ કોલ થાય, એ જમાના પહેલાની વાત છે). જૂઈમંડપમાં પહેલી વાર હાથ પસવારવાની ઘટના યાદ કરી જૂઈનો સ્પર્શ અને ચુંબનનો કંપ લખવાની વિનવણી કરે છે…‘મારા લકવાગ્રસ્ત હાથનો શણગાર, ઠંડા પડતા જતા હાથોની ઉષ્મા તું’ એવું કહીને કવિ પત્રના અંતે લખે છે ‘ખરૂં કહું છું તારા વિના દેહ જાળવવાનો મારો આ અપરાધ બહુ લાંબો નહીં ચાલે!’
જી હા, રમેશ પારેખનો દેહ જળવાયો, પણ રમેશ તો કયાંક વ્હેલેરો ખોવાયો! એ શેતૂરના કોશેટાના ઉકળતા બાફમાંથી ગુજરાતી ભાષાને મળ્યું મુલાયમ કવિતાનું રેશમ! સ્વયં ર.પા. એ લખેલું:

એક ખાબોચિયું ઉંબરમાં આવ્યું : સુકાયું
હતો રમેશને મોટો પ્રસંગ જાણું છું.

પણ કદાચ સ્વજનો સિવાય વાહવાહીની કદરદાની લૂંટાવતી જનતાને આ ‘મોટા’ પ્રસંગ કરતા બીજા ઘણા ‘ખોટા’ પ્રસંગમાં વઘુ રસ હતો. સમયનું હિમ જામ્યું. એમના મનની ડાળીએ કોઈ ‘રેશમી કૂંપળ રૂપ’ ઝૂલતું રહ્યું, બહારની ત્વચા પર ઉંમરની કરચલીઓનું જાળું વધતું ગયું.

દરિયામાં હોય એને મોતી કહેવાય છે, તો આંખોમાં હોય તેને શું?
અમે પૂછયું : લે બોલ, હવે તું…
પંખી વછોઈ કોઈ એકલી જગ્યાને તમે માળો કહેશો કે બખોલ?
જોવાની હોય કોઈ આવ્યાની વાટ ત્યારે ભણકારા વાગે કે ઢોલ?
ઊંચી ઘોડીને ઊંચો અસવાર : એના મારગ મોટા કે કોલ મોટા?
સૂરજ ન હોય તેવી રાતે ઝીંકાય છે, એ તડકાઓ હોય કે લૂ?
અમે પૂછયું : લે બોલ, હવે તું…

આ સંવેદનશીલ હૈયાના તખ્તા પર નિત્ય ભજવાતો અજંપાનો ખેલ છે. સારૂં છે, રમેશ પારેખે એને કાવ્યની કયારીમાં રોપીને મહેકાવ્યો… નહીં તો, આપણી છાતીમાં બાઝેલો આવો જ ગળગળાટો ઓળખવાના શબ્દો કયાંથી સાંપડત? સર્જક અને સર્જન વચ્ચે કેવી અદ્રશ્ય બ્લૂટૂથ કનેકિટવિટી અઘૂરા પ્રણયની છે?…

તબક્કો જુદા પડવાનો જુદાઈમાં ય ના આવ્યો
તમે જુદા હતા કયાં કે તમારાથી જુદા પડીએ?

રમેશ પારેખથી, ફોર ધેટ મેટર કોઈ પણ ઉમદા સર્જકથી અળગા થઈ શકાતું નથી. ખરેખર, આ વાત કવિતાની નથી, પ્રેમની છે. એની તમામ તડપ, વિરહ, પીડા, વિષાદ પછી પણ ર.પા.એ જગતના તમામ દીવાનાઓનો ‘હાઝરનાઝર’ રાખીને લખ્યું છે :

તું જો જીતે તો ભલે, તું જીતે
હું તો હારી શકું છુ સાવ એ રીતે..
તું જો જીતે તો ભલે, તું જીતે
હું તો ચાહી શકું છું, તને એ રીતે!

આપણા જીવતરના ગઢમાં રમેશ પારેખની વેદનાનો હોંકારો સંભલાય છે? રમેશ પારેખની કવિતા હોય કે હિમેશ રેશમિયાના ગીતો… પ્રેમની કથા અમર હોય કે ન હોય, વ્યથા અમર હોય છે!

ફાસ્ટ ફોરવર્ડ

આપણે મળ્યાં તો ખરાં પણ એમ-
જેમ દરિયાની ધુમ્મરીમાં
ડૂબતા માણસના હાથમાં
કયાંકથી તરતું આવેલું
‘વહાણ’ છાપ બાકસનું ખોખું આવી જાય
ને એ…
(રમેશ પારેખ)

કવિની આત્મકથા – વિવેક મનહર ટેલર

Monastery by Vivek
(તારા સુધીનો માર્ગ તો સીધો છે, જાણું છું…    …બૌદ્ધ ધર્મસંસ્થાન, લેહ, જુન-2013     Picture by: Vivek Tailor)

 ****

ગીતામાં કહ્યું છે કે
जातस्य ही ध्रुवो मृत्युः
શંકરાચાર્ય પણ કહી ગયા કે
पुनरपि जननं, पुनरपि मरणं
બધાએ જ મૃત્યુ વિશે વાતો કરી.
બધા જ મૃત્યુ પણ પામ્યા.
પણ હું મૃત્યુમાં માનતો નથી.
હા, ક્યારેક મને પણ સાક્ષાત્કાર થશે જરૂર
પણ ત્યાં સુધી
હું ફક્ત જીવવામાં જ માનું છું.

-વિવેક મનહર ટેલર
(૧૦-૦૪-૨૦૧૩)

ન્ઝ

‘મનપાંચમના મેળામાં’ ની બે એરિયામાં થયેલી સફળ રજૂઆત પછી – ટહુકો ફાઉન્ડેશનના કલાકારો દ્વારા આગામી કાર્યક્રમ હવે Los Angeles માં!

અને હા, મનપાંચમના મેળામાં કે એના જેવો કોઇ પણ ગુજરાતી સંગીત કાર્યક્રમ તમારે તમારા શહેરમાં ગોઠવવો છે? ગુજરાતી સંગીત-સાહિત્યની સેવામાં ‘ટહુકો’ની ટીમ હાજર છે ..! વધુ માહિતી માટે સંપર્ક કરો : write2us@tahuko.com
Gujarati Event Flyer

વર્ષગાંઠ મુબારક હો, ટહુકો.કોમ….

bulbul by Vivek Tailor

*

૧૨ જુન, ૨૦૦૬….. ૧૨ જુન, ૨૦૧૪…

આઠ વર્ષ…. ૨૩૦૦થી વધુ પૉસ્ટ્સ… ૪૦૦૦૦થી વધુ પ્રતિભાવ… અને વિશ્વભરમાં ખૂણે-ખૂણે વસતા ગુજરાતીઓનો અપ્રતિમ સ્નેહ… કોઈ એવો ગુજરાતી શોધવો મુશ્કેલ છે જેને પોતાના મૂળિયા વિશે, ગુજરાતી હોવાપણા વિશે થોડો પણ પ્રેમ હોય અને ટહુકો.કોમ પર એકપણ મુલાકાત ન લીધી હોય.

કૂકડાની બાંગ કરતાંય વધુ નિયમિતતાથી રોજ સવારે સૂરજનું સ્વાગત કરતો જયશ્રી-અમિતનો ટહુકો છેલ્લા થોડા સમયથી અનિયમિત થયો છે એ આપણે સહુ જાણીએ જ છીએ. પારિવારિક વ્યસ્તતામાં બંને જણ ઝડપભેર ‘સેટ’ થઈ જાય અને આવનારા સમયમાં ફરી ટહુકો કૂકડાની બાંગ સાથે ‘કૉમ્પિટ’ કરતો થઈ જાય એવી શુભકામનાઓ સાથે મારા-તમારા-આપણા સહુના વહાલસોયા ટહુકો.કોમને આઠમી વર્ષગાંઠ પર શત શત કોટિ શુભકામનાઓ…

વર્ષગાંઠની અંતઃકરણપૂર્વકની વધાઈ હો, પ્યારા ટહુકો.કોમ !

– વિવેક મનહર ટેલર

રીડગુજરાતી.કોમના Founder મૃગેશ શાહ નું અવસાન…

1510718_10153784559045246_1876214884_nમિત્રો, આપ સૌને આ સમાચાર આપતા અત્યંત આઘાત અને દુઃખ અનુભવું છું. રીડગુજરાતી.કોમના Founder મૃગેશભાઈ આજે – જુન 5 -ના દિવસે અવસાન પામ્યા છે.

ઈન્ટરનેટ પર ગુજરાતી વાંચતો એક પણ ગુજરાતી વ્યક્તિ રીડગુજરાતી.કોમ કે મૃગેશ શાહના નામથી અપરિચિત ન હોય. મને પણ ઇન્ટરનેટ ગુજરાતીનો પ્રથમ પરિચય રીડગુજરાતી થકી જ થયો હતો. સમગ્ર ગુજરાતી વાચકવર્ગ માટે આ એક કારમો આઘાત છે. મૃગેશભાઈના પરિવારમાં ફક્ત તેમના વૃદ્ધ પિતા જ છે. ઈશ્વર તેમને આ આઘાત સહન કરવાની શક્તિ બક્ષે અને મૃગેશભાઈના આત્માને પ્રભુશરણ મળે એ જ અંતઃકરણ પૂર્વકની પ્રાથના..!

મળવા જેવા માણસ : શ્રી મહેન્દ્ર મહેતા – Article by પી. કે. દાવડા

1093752_10201825730906471_1361400182_oશ્રી મહેન્દ્ર મહેતા – જે આમ તો મારા માટે, અમિત માટે અને Bay Areaમાં વસતા મારા જેવા ઘણા બધા ગુજરાતીઓ માટે – વ્હાલા મહેન્દ્ર અંકલ. એમના વિષે આ આર્ટિકલ લખાયો છે એ જાણીને ખૂબ જ આનંદ થયો. ટહુકો ફાઉન્ડેશન દ્વારા અહીં Bay Areaમાં ગુજરાતી સંગીતના જે પણ થોડા કાર્યક્રમો પ્રસ્તુત થયા છે – એ મહેન્દ્ર અંકલ અને મીરા આંટીની સહાય અને પ્રોત્સાહન વગર શક્ય જ નો’તા! એમના વિષે વધુ વાંચો શ્રી પી.કે.દાવડાના શબ્દોમાં..

********

મહેન્દ્રભાઈનો જન્મ ૧૯૪૧ માં ભાવનગરમાં એક શિક્ષણ પ્રેમી કુટુંબમાં થયો હતો. એમના દાદા ભાવનગરમાં શિક્ષક હતા. એમના શિક્ષણ પ્રત્યેના સમર્પણથી પ્રભાવિત થઈ, ભાવનગરની પારસી સંસ્થાએ એમને કરાંચીમાં ગુજરાતિ શાળા સ્થાપવા અને ચલાવવા માટે મોકલ્યા હતા અને એ કામ એમણે સફળતા પુર્વક કર્યું હતું. એમના દાદી પણ નીડર અને સાહસિક હોવાથી એકલા ભાવનગર અને કરાંચી વચ્ચે આવવા-જવાનું કરતા અને સગા-સંબંધીઓને પણ લઈ જતા. એમના કાકા પણ આજીવન શિક્ષક હતા અને ગુજરાતી, અંગ્રેજી અને સંસ્કૃતના વિદ્વાન હોવાથી આનંદશંકર ધ્રુવે તેમને બનારસ બોલાવ્યા હતા. ગુજરાતના ખૂબ જ જાણીતા કવિ ઉમાશંકર જોષી મહેન્દ્રભાઈના કાકાના મિત્ર હોવાથી જ્યારે પણ ભાવનગર આવે ત્યારે એમના કાકાને મળવા આવતા.

મહેન્દ્રભાઈના પિતા ઈલેક્ટ્રીકલ-મિકેનીકલ એંજીનીઅર હતા. પોતે ઉચ્ચ શિક્ષણ મેળવેલું હોવાથી સ્વભાવિક રીતે પોતાના બાળકોને ઉચ્ચ શિક્ષા આપવા માટે શક્ય તે બધું જ કર્યું. મહેન્દ્રભાઈના પિતા ૧૪ વર્ષ સુધી બિમારીથી પથારીવશ હતા, ત્યારે એમની માતાએ બાળકોના અભ્યાસમાં બાધા ન આવે એટલા માટે એકલા હાથે એમની ચાકરી કરી. આ શિક્ષણપ્રેમી કુટુંબનું એક ઉત્કૃષ્ટ ઉદાહરણ છે.

મહેન્દ્રભાઈનો શાળાનો અભ્યાસ મહદ અંશે ભાવનગરમાં થયો હતો. ૧૯૫૩ માં એમના પિતાને બોમ્બે પોર્ટ ટ્ર્સ્ટમાં નોકરી મળવાથી છેલ્લા ત્રણ વર્ષનો અભ્યાસ મુંબઈની શાળામાં થયો. ૧૦મા અને ૧૧મા ધોરણમાં જાણીતા કવિ જગદીશ જોષી એમના ગુજરાતીના શિક્ષક હતા. જગદીશ જોષી એ જમાનામાં Stanford માંથી M.A. ની ડીગ્રી લઈ આવેલા, તેમ છતાં ઉચ્ચ હોદ્દાવાળી અનેક નોકરીઓની ઓફર્સ ઠૂકરાવીને કુટુંબદ્વારા ચલાવાતી શાળામાં ગુજરાતિ અને અંગ્રેજીના શિક્ષક બની રહ્યા. જગદીશભાઈની મહેન્દ્રભાઇ ઉપર આની જે અસર થઈ એ એમના શબ્દોમાં કહું તો ,” જીવનમાં પૈસા કે હોદ્દો કરતા નિષ્ઠા વધારે અગત્યના છે, ઉપદેશથી નહિ પણ પોતાના વર્તનથી જગદીશભાઈએ શિખવ્યું.” મહેન્દ્રભાઈનો સાહિત્ય પ્રેમનો પાયો પણ અહીં વધારે મજબૂત થયો.

S.S.C. માં ઉત્તિર્ણ થઈ, મહેન્દ્રભાઈ એ મુંબઈની જયહિંદ કોલેજમાં બે વર્ષ અભ્યાસ કરી ઘણાં ઉચ્ચ માર્કસ સાથે,૧૯૬૦ માં ઈંટર સાયન્સ પાસ કર્યું. મુંબઈની ત્રણ પ્રતિષ્ઠિત કોલેજો એટલે V.T.T.I., I.I.T. અને U.D.C.T. આમાંથી કોઈપણ એક કોલેજમાં એડમીશન મળે એટલે સમજવું કે એ વિદ્યાર્થી મુંબઈ યુનિવર્સીટીના વિદ્યાર્થીઓમાંથી ટોપ બે ટકામાંથી છે. મહેન્દ્રભાઈને આ ત્રણે કોલેજમાં એડમિશન મળ્યું. આમાં સૌથી વધારે આકર્ષક ભવિષ્ય આપે એવી કોલેજ I.I.T. હોવાથી મહેન્દ્રભાઈએ I.I.T. માં સિવિલ એંજીનીઅરીંગમાં એડમિશન લીધું. ૧૯૬૪ માં B.Tech.(Civil) ની ડીગ્રી મેળવી અને વધારે અભ્યાસ કરવા અમેરિકા જવાની તૈયારી શરૂ કરી. ૧૯૬૪ માં એમને Stanford University માં Partial Scholarship સાથે એડમીશન મળ્યું. અહીં એમણે રેકોર્ડ સમય, માત્ર નવ મહિનામાં M.S. (Structural) ની ડિગ્રી મેળવી લીધી.

૧૯૬૫ માં મહેન્દ્ર્ભાઈ પાસે M.S.(Structural)ની ડીગ્રી અને ખીસ્સામાં માત્ર ૧૪ ડોલર રોકડા હતા. તરત નોકરી ન મળે તો ઘરેથી પૈસા મંગાવવા પડે, જે કરવાની એમની ઈચ્છા ન હતી. ૧૪ ડોલરમાં ત્રણ અઠવાડિયા ગુજારો કરવા બાદ એમને Southern Pacific Railway માં નોકરી મળી. અલબત આ ત્રણ અઠવાડિયા એમને મિત્રોએ થોડી મદદ કરેલી. મહેન્દ્રભાઈ મિત્રોની આ મદદને આજસુધી ભૂલ્યા નથી. Southern Pacific Railway ના બ્રીજ વિભાગમાં આઠ વર્ષ નોકરી કરી પણ પછી Descrimination થી નારાજ થઈ આ નોકરીમાંથી રાજીનામું આપ્યું. નોકરી છોડવાના ત્રણ દિવસમાં જ વિશ્વ વિખ્યાત Earthquake Engineering માં નિષ્ણાત John Blume & Associate માં નોકરી મળી ગઈ. આ કંપનીમાં સાત વર્ષ કામ કર્યું એ દરમ્યાન એમને આ ક્ષેત્રનો શ્રેષ્ઠ અનુભવ મળ્યો એટલું જ નહિં પણ એમને Structural Engineer તરીકે સ્વતંત્ર રીતે કામ કરવાનું લાયસેંસ પણ મળ્યું. ત્યારબાદ એક વર્ષ માટે San Francisco ની એક કંપનીમાં ચીફ એંજીનીઅર તરીકે કામ કર્યું.

આ દરમ્યાન ૧૯૭૦ માં મહેન્દ્રભાઈના લગ્ન કુટુંબે પસંદ કરેલી મીરા સાથે થયા. મીરાબહેન ગુજરાતના ખૂબ જ જાણીતા જસ્ટીસ બાલકૃષ્ણ ત્રિવેદી અને સમાજ સુધારક શાન્તિલાબહેનના પુત્રી હતા. મીરાબહેન પાસે M.A., LLB ઉપરાંત જર્નાલીઝમનો ડિપ્લોમા હતા. એમણે શાસ્ત્રીય સંગીત, કથક અને મણીપુરીના શિક્ષણ ઉપરાંત સાહિત્ય શોખ પણ નાનપણથી જ કેળવેલો. ૧૮ વર્ષની ઉમ્મરમાં જ કેટલીક કવિતાઓ ઉપરાંત “કલાપ્રણય” નામે એક નવલકથા લખી, ક.મા.મુનશીના હાથે ઈનામ મેળવેલું. આમ મહેન્દ્રભાઈ અને મીરાબહેનના લગ્ન એક “રબને બનાઈ જોડી” જેવા સાબિત થયા. મહેન્દ્રભાઇની ત્યારબાદની બધી સામાજીક પ્રવૃત્તિઓમાં મીરાબેનનો ખૂબ જ મોટો ફાળો હતો.

૧૯૭૨ માં એમની એકમાત્ર પુત્રી કલા નો જન્મ થયો. કુટુંબની શિક્ષણ પરંપરા જાળવી રાખીને કલાબહેને પણ અનેક ક્ષેત્રોમાં ઉચ્ચ ડીગ્રીઓ મેળવી.

મહેન્દ્રભાઈએ San Franscisco માં એક વર્ષ કામ કર્યા બાદ, Los Angles ની એક કંપનીમાં મેનેજર તરીકે આઠ વર્ષ કામ કર્યું. ૧૯૮૮ માં આ કંપનીમાંથી સ્વેચ્છાએ છૂટા થયા, અને California Government ની Division of State Architect, Sacramento Office માં જોડાયા. અહીં ત્રણ વર્ષ કામ કરી, પ્રમોશન મેળવી San Diego ની ઓફીસના વડા તરીકે ગયા. અહીં એમણે પ્રચલિત કાર્યપધ્ધતિમાં ફેરફાર કરી, કોઈપણ પ્રોજેકટમાં કામ કરતી બધી જ એજંસીસ જેવી કે School Districs, Architects અને Contractors વચ્ચે સમન્વય સાધી, સાથે મળીને પ્રોજેકટને સફળ બનાવવાનું કાર્ય કર્યું. ૨૦૦૬ માં એમણે કામકાજમાંથી નિવૃતિ લીધી અને પૂરો સમય સામાજીક પ્રવૃતિઓમાં ગાળવાનું શરૂ કર્યું.

આ નાના લેખમાં એમના સામાજીક યોગદાનને આવરી લેવું શક્ય નથી. એમણે અને મીરાબેને સાથે મળીને જે અનેક કામો કર્યા છે એમાંથી થોડાનો ઉલ્લેખ કરવો હોય તો, Indians For Collective સંસ્થા શરૂ કરવામા સક્રીય મદદ, Ali Akabar College of Music ને મદદ અને એના બોર્ડમાં સક્રીય સેવા, ૧૯૮૪ માં Indian Cousel General ને Festival of India ના આયોજનમાં સક્રીય મદદ, સાહિત્ય અને સંગીતના ૨૦૦ થી વધારે કાર્યક્રમોનું આયોજન, India Currents અને બીજી સંગીત, સાહિત્ય અને કળા સંસ્થાઓને પ્રોત્સાહન અને મદદ વગેરેનો સમાવેશ કરી શકાય.

સંગીતના કાર્યક્રમોમાં નોંધપાત્ર, ઉસ્તાદ અલીઅકબરખાન, પંડિત રવિશંકર, નીખીલ બેનરજી, હરિપ્રસાદ ચોરસિયા ઝાકીર હુસેન, સ્વપન ચોધરી, પુરષોત્તમ ઉપાદ્યાય, રાસબિહારી દેસાઈ, અમર ભટ્ટ અને બીજા અનેક કલાકારો ના કાર્યક્રમ યોજ્યા. સાહિત્યના કાર્યક્રમોમાં, ઉમાશંકર જોશી, મનુભાઈ પંચોલી, મકરંદ દવે, નિરંજન ભગત, સુરેશ દલાલ અને બીજા ઘણા સાક્ષરો ને નોતર્યા અને તેમના કાર્યક્રમ યોજ્યા.

સ્થાનિક કલાકારો માટે તેમને હમેશ કુણી લાગણી રહી, કલાકરો ને પોતાના ગણી તેમને સહાયભૂત થવા અને પ્રોત્સાહન આપવા હમેશાં તત્પરરહ્યા.

૨૦૧૩માં મહેન્દ્રભાઈ દ્વારા આયોજીત “સભા ગુર્જરી” કાર્યક્રમમાં, અમેરિકામાં વાર્તાલાપ આપવાનો સર્વપ્રથમ અવસર મને મહેન્દ્રભાઈએ જ આપેલો. એ વાર્તાલાપ પછી જ મને બીજા કાર્યક્રમોમાં વાર્તાલાપ આપવાના અવસર મળવા લાગ્યા.

૫ મી એપ્રીલ, ૨૦૧૪ માં મીરાબહેનનું અવસાન થતાં, મહેતા-દંપતી દ્વારા ચાલતી, કેલિફોર્નિયાના Bay Area ના ગુજરાતીઓ માટેની સાહિત્ય અને સંગીતની પ્રવૃતિને મોટી ક્ષતિ થઈ છે, પણ મને ચોક્ક્સ ખાત્રી છે કે મહેન્દ્રભાઈ થોડા સમયમાં જ સ્વસ્થ થઈ, મીરાબેનની સક્રીયતાની યાદોને સહારે ફરી કાર્યાન્વિત થઈ Bay Area ના ગુજરાતીઓની સેવામાં લાગી જશે.

-પી. કે. દાવડા

ઢીંગલીને મારી હાલાં ….

હાલાં હાલાં હાલાં રે
ઢીંગલીને મારી હાલાં

વાદળનું તો પારણું બાંધ્યું
ને તારાની હીંચકા દોરી
ચાંદામામા લાડ લડાવે
પરી રાણી કરે લોરી

હાલાં હાલાં હાલાં રે
ઢીંગલીને મારી હાલાં

સૂઈ જા ઓ મારી ઢીંગલી બેના
રાત હવે પડવાની
નાની નાની આંખો મીચી
નીંદરડી જો મજાની

હાલાં હાલાં હાલાં રે
ઢીંગલીને મારી હાલાં

નીંદરડીએ પોઢીને તમે
પવન પાંખે ઊડજો
પંખીઓના મીઠાં મીઠાં
ગીતો તમે સૂણજો

હાલાં હાલાં હાલાં રે
ઢીંગલીને મારી હાલાં

___________

આભાર – માવજીભાઇ.કોમ (http://mavjibhai.com/)

સૂર્ય જીતી જવાની શ્રદ્ધાથી… – અશરફ ડબાવાલા

મૌન સૈકાનું પણ સમજવું છે,
હોઠ વચ્ચે ઘડીક ફરવું છે.

સૂર્ય જીતી જવાની શ્રદ્ધાથી,
કોઈ છાયાની સાથ રમવું છે.

બંધ બારીને ભીંત સમજીને,
આજ પગલાંને પાછા વળવું છે.

હસ્તરેખાનો હાથ ઝાલીને,
એક વિસ્મયને સત્ય ગણવું છે.

વિશ્વવ્યાપક્તા દૂર ફેંકી દ્યો,
બે’ક અક્ષરમાં મારે તરવું છે.

– અશરફ ડબાવાલા

રમેશ વિશેષ

કવિ રમેશ પારેખના નામની ઓળખાણ થોડા શબ્દોમાં શક્ય જ નથી… પણ તો યે, તમારે કોઇને રમેશ પારેખની ઓળખાણ આપવી હોય – તમારા શબ્દોમાં – તો કેવી રીતે આપશો? નીચે કોમેંટમાં લખીને જણાવશો? (ફેસબુક પર કોમેંટ આપશો તો પણ ચાલશે)..

રમેશ પારેખ વિષે – મોરારી બાપુ – કવિ સુરેશ દલાલ, મકરંદ દવે, ચિનુ મોદી & વિવેક ટેલર શું કહે છે એની એક ઝલક અહીં વાંચો..!!

*****************

રમેશની વાણીએ ગુજરાતની આંખો ભીની કરી છે. હોઠ પર હાસ્ય ફરકાવ્યું છે. હ્રદયને ભીજવ્યું છે. કટાક્ષની ધારથી મનને ફટકાર્યું છે. અને પ્રાણને તેજ પાયું છે. રમેશ ગુજરાત પર અમૃતમેઘ બની વરસ્યો છે. વિદ્યુત બની ચમક્યો છે અને દુધિયાં વાદળ સમો વિહર્યો છે. અત્યંત કુમાશથી માંડી અત્યંત કૌવત સુધી તેની વાણી વિસ્તરી છે.
– મકરંદ દવે

રમેશ પારેખ કંઇક ભાળી ગયેલો કવિ હતો. પ્રેમના માર્ગે ચાલનારો આ કવિ સતત કંઇક ખોજવામાં રત હતો. ખુદ ભીંજાઇને બીજાને ભીંજવવા મથતો એ કવિ હતો.
– મોરારિ બાપુ

રમેશ પારેખની કવિતાનો હું સનાતન ઘાયલ છું. એ હૃદય મન સરોવરનો કવિ છે અને આપણા માન-સરોવરનો અધિકારી છે. એની કલમમાંથી આખોને આખો ગીતોનો દરિયો ઊછળી આવે છે. સર્જકતાથી ફાટફાટ થતાં આ કવિનું નામ વૈપુલ્યથી અને વૈવિધ્યથી ગીત, ગઝલ અને અછાંદસ દ્વારા ઊર્મિકવિતા સાથે ગુંથાયેલું અને ગંઠાયેલું છે. સોનલ તેની કાલ્પનિક વાસ્તવિકતા છે અને વાસ્તવિક કલ્પના છે. રમેશ એ વાવાઝોડું પી ગયેલો કવિ છે.
– સુરેશ દલાલ

એને તમે ‘લયનો કામાતુર રાજવી’ કહો કે પછી ‘સર્જકતાથી ફાટફાટ થતો કવિ’ કહો, રમેશ પારેખ છેલ્લા ત્રણ દાયકા સુધી ગુજરાતી ભાષાપ્રેમીઓના હૃદય પર એકચક્રી શાસન કરનાર અનન્વય અલંકાર છે. પોતાના નામને એણે કવિતાના માધ્યમથી જેટલું ચાહ્યું છે, ભાગ્યે જ કોઈ કવિ કે લેખકે એટલું ચાહ્યું હશે. ફરક ખાલી એટલો જ કે એનો આ ‘છ અક્ષર’નો પ્રેમ આપણે સૌએ સર-આંખો પર ઊઠાવી લીધો છે. કવિતામાં એના જેવું વિષય-વૈવિધ્ય અને શબ્દ-સૂઝ પણ ભાગ્યે જ કોઈના નસીબે હશે. એની કવિતાના શીર્ષક તો જુઓ: ‘કાગડાએ છુટ્ટું મૂક્યું છે ગળું’, ‘ઘઉંમાંથી કાંકરા વીણતા હાથનું ગીત’, ‘પત્તર ન ખાંડવાની પ્રાર્થના’, ‘મા ઝળઝળિયાજીની ગરબી’, ‘સમળી બોલે ચિલ્લીલ્લીલ્લી’, ‘વૈજયંતીમાલા અથવા ઠાકોરજીની છબીમાં’, ‘હનુમાનપુચ્છિકા’, ‘મનજી કાનજી સરવૈયા’, ‘બાબુભાઈ બાટલીવાલા’, ‘સાંઈબાબાછાપ છીંકણી વિશે’, ‘પગાયણ’, ‘હસ્તાયણ’, ‘રમેશાયણ’, ‘’પેનબાઈ ઈંડું ક્યાં મૂક્શો?’, ‘કલમને કાગળ ધાવે’ વિ…

રમેશ પારેખ એટલે દોમદોમ કવિતાની સાહ્યબીથી રોમરોમ છલકાતો માણસ. રમેશ પારેખ એટલે નખશિખ ગીતોના મોતીઓથી ફાટફાટ થતો સમંદર. રમેશ પારેખ એટલે ગુજરાતી ભાષાનું અણબોટ્યું સૌન્દર્ય. રમેશ પારેખ એટલે લોહીમાં વહેતી કવિતા.
– વિવેક ટેલર

ન્હાનાલાલ પછી પ્રજા દ્વારા હોંશથી પોંખાયેલો આ એક જ કવિ છે. પૂર્વે ન્હાનાલાલે અને હમણાં રમેશે જ ગુજરાતણોના કંઠમાં ગીતોથી માળો બાંધ્યો છે. રમેશ પારેખની કવિતાનું પુનઃ મૂલ્યાંકન આ ક્ષણે શક્ય નથી કારણકે રમેશ નું સાચું મૂલ્યાંકન હજી થયું જ નથી!
– ચિનુ મોદી