દરબાર ‘શૂન્ય’નો

19 ડિસેમ્બર : ‘શૂન્ય’ પાલનપુરી નો જન્મદિવસ.
આ પોસ્ટ મુકવામાં આમ તો હું 2 દિવસ મોડી પડી એમ કહેવાય..

એમને શ્રધ્ધાંજલી રૂપે, ચાલો આજે તમને લઇ જઉં – ‘શૂન્ય’ના દરબારમાં

શોધી રહ્યા છે જે અહીં આકાર ‘શૂન્ય’નો,
લેવો જ પડશે એમને આધાર ‘શૂન્ય’નો
લૂંટી લો પ્રેમ-લ્હાણ જગતભરના પ્રેમીઓ !,
ઊઘડ્યો છે આજ શાનથી દરબાર ‘શૂન્ય’નો.
– મુસાફિર પાલનપુરી

taj

કોઇના સ્મરણમાં, નયનને નિચોવી;
મેં ટપકાવી જે બુંદ રૂપે રસેલી,
બની એ પ્રણયની અમરતાનું સ્મારક
લઇ તાજની સર્વ જાહોજલાલી.

પ્રણય-જ્યોત કાયમ છે મારા જ દમથી,
મેં હોમી નથી જિંદગી કાંઇ અમથી;
સભાને ભલે હોય ના કૈં ગતાગમ,
મને ગર્વ છે કે શમા ઓળખે છે.

માણતાં આવડે તો હે ભગ્નાશ મન !
વેદના છે કઇ જે મધુરી નથી ?
સાંભળી લો ગઝલ ‘શૂન્ય’ની ધ્યાનથી
એને પ્રત્યક્ષ જોવો જરૂરી નથી.

કોઇના સ્મરણમાં, નયનને નિચોવી;
મેં ટપકાવી જે બુંદ રૂપે રસેલી,
બની એ પ્રણયની અમરતાનું સ્મારક
લઇ તાજની સર્વ જાહોજલાલી.

જમાનાના ખાધેલ હૈયાને પૂછો,
અમે શું ગુમાવ્યું ને શું મેળ્વ્યું છે !
અમસ્તી નિછાવર નથી ‘શૂન્ય કીધી,
ફક્ત એક નજર પર યુગોની કમાણી !

અમે કો’ એકના થઇને સકળ બ્રહ્માંડ લઇ બેઠા
તમે પણ ‘શૂન્ય; થઇ જાઓ તો આ સૃષ્ટિ તમારી છે.

અણુથી અલ્પ માનીને ભલે આજે વગોવી લો
નહીં સાંખી શકે બ્રહ્માંડ કાલે વિસ્તરણ મારું

દરદથી નીતરતી કવિતાને ખાતર,
ચહે છે બધા મુજને બરબાદ જોવા,
મલમની કરું ‘શૂન્ય’ કોનાથી આશા?
કે મિત્રો જ મારા જખમને ખણે છે.

માત્ર ઉલ્કાને જ અ ભિતી રહે છે રાતદિન,
જે હકીકતમાં સિતારા છે કદી ખરશે નહીં

પ્રેમ-સરિતાના તરવૈયા જાણે છે એ ભેદ વધારે;
આછું પાણી નાવ ડુબાડે, ઊંડું પાણી પાર ઉતારે.

મોતને કહી દો ન મૂકે હોડમાં નિજ આબરૂ,
‘શૂન્ય’ છે એ કોઇનો માર્યો કદી મરશે નહીં

8 replies on “દરબાર ‘શૂન્ય’નો”

  1. મુશાયરામાં ગાયેલુ શુન્ય સાહેબનુ છેલ્લુ મુક્તક…………………………

    હર દમ લથડતા શ્વાસ વધુ ચાલશે નહી,
    આ પાંગળો પ્રવાસ વધુ ચાલશે નહી,
    લાગે શુન્ય મૌનની સરહદ નજીક છે
    વાણી નો આ વિલાસ વધુ ચાલશે નહી.

  2. અમે કો’ એકના થઇને સકળ બ્રહ્માંડ લઇ બેઠા
    તમે પણ ‘શૂન્ય; થઇ જાઓ તો આ સૃષ્ટિ તમારી છે.
    વાહ . . . .
    છું “શૂન્ય” એ ના ભૂલ હે અસ્તિત્વના પ્રભુ,
    તું તો હશે કે કેમ ! પણ હું તો જરૂર છું . .

  3. સુંદર પુષ્પ-ગુચ્છ લઈને આવ્યા છો… અહીં શૂન્ય ક્યાં છે, આ તો ભર્યો ભર્યો દરબાર છે…

  4. ખુબ જ સરસ ….
    મોતને કહી દો ન મૂકે હોડમાં નિજ આબરૂ,
    ‘શૂન્ય’ છે એ કોઇનો માર્યો કદી મરશે નહીં
    શુ પન્ક્તી છે.. વાહ વાહ

  5. મને સ્ન્સાર સારો “શુન્ય” ભાસે છે..તમારા સમ..નવાઈ છે તમોને..”શુન્ય” મા સ્ન્સાર લાગે છે….!..ખુબજ સુન્દર રજુઆત….ચેતના .કે. ભગત…

  6. ખુલ્લી આંખે જીવન હકીકત છે,
    બંધ આંખે ફક્ત કહાણી છે.

    છું ‘શૂન્ય’ એ ન ભૂલ હે અસ્તિત્વના પ્રભુ !
    તું તો હશે કે કેમ પણ હું તો જરૂર છું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *