(પંખીના ટહુકાનું તોરણ બાંધે છે કોઈ…. …નળસરોવર, જાન્યુ-૨૦૦૭)
(લીલો પતંગો ~ Little Green Bee-eater ~ Merops Orientalis)
(Photo: Vivek Tailor)
ભીતરના કલશોરને, સહિયર ! કયા પિંજરે વાખું ?
ટહુકે ટહુકે પાંખે પાંખે ગગન ઊડતું આખું.
ચક્-ચક્, ચીં-ચીં, કૂ-કૂ, કા-કા
ખળખળ વહે રગોમાં;
ડાળ-પાંદડા તાર-થાંભલા
શ્વાસોના સરનામા.
કલરવના વાવેતર રૂદિયે, શું રાખું, શું ચાખું ?
ટહુકે ટહુકે પાંખે પાંખે ગગન ઊડતું આખું.
ડામરની પરશુ,
ઈંટની કરવતનો રંજાડ;
રૂંવા કાઢે કોઈ હાથથી
એમ કપાયા ઝાડ.
ચીસોના ટોળાં, હું કોને હોઠે આંગળી રાખું ?
ટહુકે ટહુકે પાંખે પાંખે ગગન ઊડતું આખું.
વિવેક મનહર ટેલર
(૧૨-૦૮-૨૦૦૭)
જયશ્રીબેન,
ભીતરનો કલશોર – -વિવેક મનહર ટેલર. ગીત ગમ્યું. વિવેકભઈની કલ્પનાની પાંખે ઊડવાની મઝા આવી. નળ સરોવર કાંઠે લઈ જઈ પંખીદર્શન પણ કરાવ્યું. આનંદ આવ્યો.
ચન્દ્રકાન્ત લોઢવિયા.
ભીતરના કલશોર…. વાહ વાહ વાહ… એ બધા કલશોર સાંભળવાની તો ખૂબ જ મજ્જા આવી ગઈ… સાચે જ ગગન ઊડ્યું હોં… 🙂
મજાનું ગીત થયું છે દોસ્ત…! અભિનંદન…!
ખુબ જ સુંદર રચના. વારંવાર વાચવાનું મન થાય એવી રચના.
વિવેકભાઈ વધુ આવી રચનાઓ રજુ કરતાં રહેશો. આભાર
– અમિત ત્રિવેદી
ચીસોના ટોળાં, હું કોને હોઠે આંગળી રાખું ?
વાહ… વાહ… અને ખરેખર વાહ…. બહુ જ સુંદર….
‘મુકેશ’
વાહ વિવેકભાઇ !