પ્રણયના પાઠ હું ભૂલ્યો છું જ્યાંથી
ચહું છું પુનઃ કરી લઉં યાદ ત્યાંથી
છતાં મારા જીવનનું આજ ‘આસિમ’
વરસ બાવીસમું તે લાવું ક્યાંથી ?
– આસિમ રાંદેરી
હજી આંખમાં જાણે ફરકે છે કોઇ
હજી મીઠું શરમાઇ મરકે છે કોઇ
વિખૂટાં પડ્યાં તોયે લાગે છે ‘ઘાયલ’
હજી પણ રગેરગમાં સરકે છે કોઇ
નિહાળી નેત્ર કોઇના એ તારું ન્યાલ થઇ જાવું
અને અમને બનાવી તારું માલામાલ થઇ જાવું
દિવસ વીતી ગયા એ ક્યાંથી પાછા લાવું મન મારા
બહુ મુશ્કિલ છે ‘ઘાયલ’માંથી અમૃતલાલ થઇ જાવું
– અમૃત ઘાયલ
‘આવજો’ કીધું ન કીધું, સહેજમાં ચાલી ગયા
જિંદગીના બધા અરમાન પણ હાલી ગયા
લઇ ગયા સર્વસ્વ મારું એ કહું કેવી રીતે ?
આમ તો બે હાથ ખંખેરી દઇ, ખાલી ગયા
– મનહર મોદી
ધીમે રહી આ છેલ્લુંયે આંસુ વહી જશે
ભીનાશનું એકાંત બસ બાકી રહી જશે
અસ્તિત્વ એનું ઓગળી જાશે અભાવમાં
સ્મરણો વિનાની જિંદગી શેણે સહી જશે?
– રાજેન્દ્ર શુક્લ
કાળનું આ ચક્ર ફરતું કાળ પર
જિંદગી આવી ઊભી છે ઢાળ પર
કોઇ પીંછા ખેરવી ઊડી ગયું
છે હજી એકાદ ટહ્કો ડાળ પર
– બાલુભાઇ પટેલ