એકદમ મઝાનું ગીત… બસ વારંવાર સાંભળ્યા જ કરીએ..!! અને આ ગીત સાંભળીને કશુંક યાદ આવતું હોય એવું લાગ્યું. શું યાદ આવે છે એ તો નથી ખબર? શબ્દો તો પહેલા સાંભળ્યા હોય એવું લાગતું નથી, પણ છતાંય જાણે જાણીતા લાગે છે? અને આ સ્વર… આ સ્વરાંકન.. બધું જ જાણે અજાણ્યું નથી લાગતું..! પેલો હિન્દી ફિલ્મોનું જાણીતું વાક્ય આ ગીત માટે વાપરવાની ઇચ્છા થઇ જાય – મૈંને શાયદ આપકો પહેલે ભી કહીં દેખા હૈ..!!
સ્વરકાર – સ્વર નિયોજન : સુગમ વોરા
ગાયક : પ્રગતિ મહેતા
કોરી-કોરી પાટી જેવો ભીનો ભીનો એક છોકરો,
મારી સાથે રોજ ફરે છે.
સાચું કહું તો હજુ ઘણોય અણસમજુ છે.
વાત-વાતમાં ચોમાસાની વાત કરે છે.
અમે એકલા રમીએ એમાં
રમત-રમતમાં એ સાવ અચાનક થઇ જાતો ગુમ!
થઇ જાતો સન્નાટો ત્યારે છાતી ધબકે
છાતી ધબકે એમ પાડતાં બૂમ!
બૂમ સાંભળી ઝાંખો ઝાંખો સામે આવે,
ત્યારે એની ભોળી ભોળી આંખ ડરે છે.
દૂર આવતી જોઇ શ્વાસમાં સ્થિર થઇને
સાંભળતા એ પગરવનો ધબકાર
અંદર જાણે એક પછી આ, એક પછી આ,
એક પછી આ ખૂલતાં સઘળાં દ્વાર!
સાવ સમીપે જઇને એને સ્પર્શ કરું તો મૂળસોંતરો,
લીલો લીલો સાવ ખરે છે…
– વંચિત કુકમાવાલા