ધોધમાર વસાદ પડી રહ્યો હોય અને ધરતી એનું ખોબેખોબે રસપાન કરી રહી હોય ત્યારે એ દ્રશ્ય આંખ સામે આવે કે જાણે માતાએ હમણાં જ જન્મેલા બાળકને ખોળે લીધું છે અને એના સ્તનમાંથી આપોઆપ જ દૂધની સેરો નીકળી રહી છે! માતાના દૂધમાંથી મળતા સંસ્કાર, પોષણ અને હૂંફ બળકનું જીવનપર્યંતનું ભાથું બની રહે છે એમ વરસાદ પણ ધરતીને જાણે આખા વર્ષનું પોષણ પૂરું પાડે છે. ભગવાને વરસાદ આપીને પોતાના લાડલા દીકરા માણસને કેટકેટલું આપી દીધું છે!! પાણી જ જીવન છે, અને સંસ્કૃતમાં પાણીને “જીવન” પણ કહે છે.
વરસાદ પડતાં જ મન બાળક બની જાય છે અને આપણે મોગરાના ફૂલ પર પડેલાં ટીપાં પી જઈએ છીએ, કાગળની હોડી બનાવી એમાં કીડી ને મંકોડાને મૂકી હોડીને તરતી મૂકી દઈએ છીએ. વરસાદ પડતાં જ મન પ્રેમી બની જાય છે અને વરને સાદ પાડીને બોલાવી Hero Hondaને આપણા romantic ઉન્માદોની kick મારી મકાઈ ખાવા નીકળી પડીએ છીએ. વરસાદ પડે અને મન મીરાંબાઈ બની જાય અને કહે કે “હું તો વ્હાલાના વરસાદે જ ભીંજાવું”, અન્યથી તો કોરી ને કોરી!
પાણીનું મહત્વ કોણ જાણે? એક તો છે દરિયાની માછલી કે જે સતત પાણીમાં જ મસ્ત છે, પાણીથી જ એનું જીવન છે. બીજું આ આકાશ કે જે પાણીના વાદળથી ભરેલું અને ખીલેલું લાગે છે. ઝાડ કે જે પાણીથી મ્હોરી ઊઠે છે. નદી કે જે પાણીથી ધસમસતી તરુણી બને છે. આપણા જીવનમાં પણ કોઈ પાણી બનીને આવ્યું હશે કે જેનાથી આપણે જીવીએ છીએ, જીવન ભરેલું છે, ખીલેલું છે, મઘમઘતું છે- એ “કોઈ”ને યાદ કરી કૃતજ્ઞ થવાના દિવસો એટલે આ વરસાદી મોસમ!
પ્રસ્તુત ગીતમાં વરસાદનું ખૂબ સરસ વર્ણન કરેલું છે. છાનું રે છપનું કાંઈ થાય નહી અને ઝાંઝર કે હાથની બંગડી જેમ ચાડી ખાય તેમ મેહુલિયો આવી રહ્યો છે અને ધરતી એના મિલને ઉત્સુક છે એ વાતની ચાડી આપણા કાનમાં પવન કરી જાય છે. અને પછી તો વરસાદ પણ નક્કી કરે છે કે જબ પ્યાર કિયા તો ડરના ક્યા અને ચોરી છૂપીથી નહી પણ દખ્ખણના ઢોલ વગાડતો આવી પહોંચે છે…….અને હવે તો ભરાયો છે એટલે વસુંધરાનો પાલવ પણ લ્હેરે છે! ખૂબ સુંદર શબ્દો અને સ્વરનિયોજનનુ શ્રુતિવૃંદે ગાયેલું આ ગીત અંતમાં અચાનક ધીમું પડી જાય છે ત્યારે પ્રશ્ન થાય કે આનંદ અને ઉત્સવના આ ધરતી-વરસાદના મિલનના વાતાવરણમાં આ ગંભીરતા શાની?? અહીં જ તો સ્વરકાર ક્ષેમુભાઈએ કમાલ કરી છે- ધીમું પડી જતું ગીત આપણને જાણે કવિ કાન્તના ચક્રવાક મિથુન કાવ્યની એ પંક્તિઓ યાદ કરાવી જાય છેઃ “પ્રણયની પણ તૃપ્તિ થતી નથી, પ્રણયની અભિલાષ જતી નથી” મિલનના સંતોષ અને કાંઈક મળ્યું છે એના વિચારોમાં મગ્ન ધરતી પાસું ફેરવીને જુએ છે તો એનો મેહુલિયો તો છે નહી!! ત્યાં જ જાણે પેલો પવન ફરીથી એના કાનમાં કહેતો હોય છે કે “કે હે આવે મેહુલિયો……આવતા શ્રાવણમાં!” અને એ મિલન પછીની જુદાઈ જાણે ધરતીથી જીરવાતી ના હોય એના સંકેત રૂપે ગીત પણ ધીમું થઈ જાય છે! પણ એક વાતની મોટી ખુશી ધરતી પાસે છે કે ધરતી હવે એકલી નથી, એનો પાલવ હવે લહેરાઈ રહ્યો છે, અને આશ્વાસન છે કે આવતા શ્રાવણમાં વરસાદ આવશે જ!
રમેશ પુરોહિતના શબ્દોમાં આ કવિતાના આસ્વાદની એક ઝલક.
ગુજરાતી કવિતામાં ભાષાનું લાલિત્ય અને લાવણ્ય સદેહે મૂર્તિમંત થતું ફક્ત ન્હાનાલાલની કવિતામાં જોવા મળે છે.
ગીતની શરૂઆતમાં આષાઢી કે શ્રાવણની હેલીની વાત નથી. આ વાત છે ઝીણા ઝરમરિયા મેહની. ન્હાનાલાલની શબ્દસૂઝ અહીં કામે લાગે છે. ‘ઝીણા’ શબ્દથી સૂક્ષ્મતા પ્રત્યે ઇશારો છે. ઝરમર વરસાદમાં સાતત્યની વાત છે. ધીમે ધીમે એકધારા પડી રહેલા હળવાફૂલ વરસાદને ઝીણો ઝરમર વરસાદ કહી શકાય. મુશળધાર નથી અને સરવડાં પણ નથી. કાવ્યનાયિકા મુગ્ધા છે એ બતાવવા કૌમારના નેહની વાત કરાઇ છે. વાસ્તવમાં મુગ્ધા પોતે ભીતરથી પલળી રહી છે. ભીતરના ભીંજાવાની વાત પર આવરણ ઓઢાડીને કહે છે કે ભીંજે મ્હારી ચૂંદલડી. ભીંજાવાની વાત સહેતુક છે, કુંવારા સ્નેહની વાત છે.
હવે પહેલો વરસાદ બીજો વરસાદ અને છેલ્લો વરસાદ
એવું કાંઇ નહીં !
હવે માટીની ગંધ અને ભીનો સંબંધ અને મધમધતો સાદ,
એવું કાંઇ નહીં !
સાવ કોરુંકટાક આભ, કોરોકટાક મોભ, કોરાંકટાક બધાં નળિયાં,
સાવ કોરી અગાસી અને તેય બારમાસી, હવે જળમાં ગણો
તો ઝળઝળિયાં !
ઝીણી ઝરમરનું ઝાડ, પછી ઊજળો ઉધાડ પછી ફરફરતી યાદ,
એવું કાંઇ નહીં !
હવે માટીની ગંધ અને ભીનો સંબંધ અને મધમધતો સાદ,
એવું કાંઇ નહીં !
કાળું ભમ્મર આકાશ મને ઘેઘૂર બોલાશ સંભળાવે નહીં;
મોર આઘે મોભારે ક્યાંક ટહૂકે તે મારે ઘેર આવે નહીં.
આછા ઘેરા ઝબકારા, દૂર સીમે હલકારા લઇને આવે ઉન્માદ,
એવું કાંઇ નહીં !
હવે માટીની ગંધ અને ભીનો સંબંધ અને મધમધતો સાદ,
એવું કાંઇ નહીં !
કોઇ ઝૂકી ઝરુખે સાવ કજળેલા મુખે વાટ જોતું નથી;
કોઇ ભીની હવાથી શ્વાસ ઘૂંટીને સાનભાન ખોતું નથી.
કોઇના પાલવની ઝૂલ, ભીની ભીની થાય ભૂલ, રોમ્રોમે સંવાદ
એવું કાંઇ નહીં !
હવે માટીની ગંધ અને ભીનો સંબંધ અને મધમધતો સાદ,
એવું કાંઇ નહીં !