ટહુકોના પ્રથમ જન્મદિવસે તમારા બધા તરફથી જે વ્હાલનો વરસાદ મળ્યો, એમાં હું ખરેખર મન ભરીને ભીંજાઇ..
આજે થયું કે એ વરસાદની થોડી વાછટો તમારા સુધી પણ પહોંચાડું…
મોટેભાગે વરસાદ આવતા પહેલા મોરના ટહુકાઓ સંભળાતા હોય છે, પણ કોયલના ટહુકાઓ તો વસંત આવે ત્યારથી સંભળાતા હોય છે. મને યાદ છે, ઉનાળાની રજાઓમાં (ખાસ કરીએ બપોરે) ઘરની બાલ્કનીમાં બેઠા બેઠા મેં કોયલ સાથે ઘણી વાતો કરી છે…. એ કૂહૂ કરે… અને સામે હું એના જેવો અવાજ કરવાની કોશિશ કરું… પછી તો રીતસરની અમારી જુગલબંદી ચાલતી :))
એવો જ એક, પણ એકદમ તાજો ટહુકો મને ટહુકોના જન્મદિવસે મળ્યો… ઘોડાસર (અમદાવાદ)ના એક આંબાથી ઉડેલો એ ટહુકો આજે તમારા સુઘી પહોંચાડુ છું…
Audio clip: Adobe Flash Player (version 9 or above) is required to play this audio clip. Download the latest version here. You also need to have JavaScript enabled in your browser.
————–
મેં તો આ વેબસાઇટ ખૂબ મજે થી ચાખી છે,
અરે આ તો હજુ ટહુકો છે, પંખી તો બાકી છે.
– મુકુલ ચોકસી
————–
જયશ્રી ! આ ટહુકો શું છે? શબ્દો ને સૂરની વાતો…
ભાષા જીવાડવાના નિઃસ્વાર્થ યત્ન આ તો;
અથવા તો આ છે કોશિશ શબ્દોથી સાંધવાની,
તૂટ્યો છે કર્મથી જે, મા-ભોમ સાથે નાતો !
– વિવેક મનહર ટેલર
————–
કેવો મસ્ત અને મજાનો છે આ ટહૂકો,
આજે એક વરસનો થયો આ ટહૂકો,
હજી કાલે જ થયુ તું જેનુ આગમન અહી,
આજે પા-પા પગલી ભરે છે આ ટહૂકો,
ગૂંજ્યા કરે છે એ વતનની દરેક યાદમાં,
માભોમ ને ખોળે ઉછર્યા કરતો આ ટહૂકો,
ગીત, ગાન ને ગઝલનું થતુ અહીં સંગમ્,
શબ્દ,સૂર ને સંગીતથી સજ્જ છે આ ટહૂકો,
આ તો છે સંબંધો ને શમણાંઓની મથામણ,
ઘરથી દૂર ઘરનું મીઠું સંભારણું છે આ ટહૂકો,
નિત્ય ટહૂકે છે જે જયશ્રીદીદીના યત્નોથી,
ગુર્જરધરાને સાચી અંજલિ આપતો આ ટહૂકો.
– હેરી
————–
ટહુકે ટહુકે, મત્ત બની મન-મોર નાચે,
શબ્દે શબ્દે તત્વ જીવનનું ભરપુર રાચે.
– સુરેશ જાની
————–
સામેના
એ ઝાડ ઉપરની ડાળી પર
એ
રેલે મીઠા ટહુકા.
મારા ઘરની બારી
ઝીલે ટહુકા એના.
ટહુકો મારી ભીતર જઈ પડઘાય.
મને
મજબુર કરી દે પડઘાવાને.
પછી તો
કોણ ટહુકે, કોણ વળી પડઘાય,
જરી ન કળાય !
ટહુકો પડઘો થઈને ટહુકે;
પડઘો ટહુકી, પાડે પડઘો !
હવે તો
ડાળ ઉપર બેઠી એ હું કે એ ?!
અને આ બારીમાં હું ભાળું એને !!
પણ
એક દિવસની વાત:
ટહુકો ગાયબ !
પેલું ઝાડ ઝૂરતું
મારામાં કરમાય.
જોઈ રહું બસ ડાળ ઉપર બેઠેલી
એને–
એના અકળ મૌન સહ !
પૂછું–
ક્યાં એ ટહુકો તારો ?
જવાબમાં યે
પડઘાતું બસ મૌન.
પણ
બસ એક દિવસ તો
એય ઉડી ગઈ ફફડાવીને પાંખો-
લઈને
એના ટહુકા
કરીને
ભીતર મારું ખાલી…
ખાલી,
સાવ થયેલું મંન લઈને
બેસું હું કોમ્પ્યુટર પાસે.
ખોલું ભીતર એનું
ભીતર ભરવા મારું !
અને
ખોલતાં, સાવ અચાનક
પરિચિત પરિચિત
ટહુકો
મારા કોમ્પ્યુટરની ભીતર રહી
પડઘાય,
“ટહુકો ડૉટ કૉમ” થઈ !!
– ઊર્મિસાગર