Category Archives: ગીત

બોલ સાજના જાઉં પિયરિયે? – મુકેશ જોષી

બાપુના અક્ષરની લ્હેરો, બોલ સાજના જાઉં પિયરિયે?
કાગળમાં છે માનો ચહેરો, બોલ સાજના જાઉં પિયરિયે?

મંદિરમાં મંજીરાં રણકે એમ રણકવા જાઉં?
પાંચીકાની ગમતી મોસમ ગળે લગાડી આવું.
આંબાડાળે ટીંગાડેલું ગીત ફરીથી ગાવું,
એક સખીની અડધી તાલી પાછી દેતી આવું,
થાક ઉતારે એવો ફેરો. બોલ સાજના જાઉં પિયરિયે?

ખાટામીઠા જન્મારાની વાત કરી દઉં માને
બાપુજીનાં ચશ્માને સંતાડું છાને છાને
સઘળાં સુખો સાથે પાછાં ચશ્માં શોધી આપું
એકલતાના દરિયામાં જઈ બાંધું નાનો ટાપુ
સુખનો રંગ બનાવું ઘેરો, બોલ સાજના જાઉં પિયરિયે ?

– મુકેશ જોષી

એક વણજારાનું ગીત – જયશ્રી વિનુ મર્ચન્ટ

ગાતો હતો એક વણજારો,
અદીઠ, અજાણી સીમ છે ક્યાં?
સૂકી ભોમકા યુગોયુગોથી,
આભની એ રિમઝિમ છે ક્યાં?
ગાતો હતો એક વણજારો…

લઈ જાઉં ક્યાં આ અજંપો,
વતનની મારી એ નીમ છે ક્યાં?
તડકો ભીંજાય, સૂકાય વાદળ,
ભીનાશ જગમાં અસીમ છે ક્યાં?
ગાતો હતો એક વણજારો…

થાક છે તોયે નીંદ ન આવે,
તારાની આજે ટિમટિમ છે ક્યાં?
‘તારું-મારું’ની ઠાલી તકરાર,
જુદા અહીં રામ-રહીમ છે ક્યાં?
ગાતો હતો એક વણજારો…

– જયશ્રી વિનુ મર્ચન્ટ

એ પળ હજી ન ભાળી – વિનોદ જોષી

સ્વયં કવિશ્રીના અવાજમાં આ ગીતનું પઠન પણ એટલું જ સુંદર!

એ પળ હજી ન ભાળી,

હોઈ શકે એ મેઘધનુષી, હોઈ શકે છે કાળી!

વરસોથી બેઠું પગ વાળી વાદળમાં ચોમાસું,

ઊભી ધાર ન ફાવે એને હોય વ૨સવું ત્રાંસું,

ખરબચડી આખી આવરદા ખોટુકલી પંપાળી!

ઘાસ રાતભર ખમે હવાના હણહણતા હડદોલા,

પછી સવારે ગણે ઝીણકા ઝાકળના ફરફોલા;

ટહુકા જેવું રોજ કશું ચુપચાપ વીણતો માળી!

– વિનોદ જોષી

[કાવ્ય સંગ્રહ – ખુલી પાંખે પિંજરમાં]

શાહીના ખડિયાઓ પિવડાવું – મુકેશ જોષી

શાહીના ખડિયાઓ પિવડાવું,
તોય તું આંસુના ખડિયાઓ તાકતી,

ઓ મારી પેન! જઈ વૈદ્યને બતાવ
તને આટલી તરસ કેમ લાગતી?

થાકી જવાય આમ આંખોનાં ખેત૨માં
તાજો વ૨સાદ રોજ વાવતાં,

મોસંબી જ્યૂસ મને ભાવે છે જેમ
તને એ રીતે ઝળઝળિયાં ભાવતાં.

છાતીના પાડોશી ખિસ્સામાં બેસીને
એક એક ધડકન તું ચાખતી.

દિલનાં કમાડ ભલે વાસીને રાખું
આ તારી તરસ કેમ વાસું.

માફક ના આવતું કોઈ બીજું જળ
તું માગે છે ઘરનું ચોમાસું.

કોઈ દિવસ તું મને એવું જગાડતી કે
જાણે આ કુંડલિની જાગતી.

– મુકેશ જોષી

પરપોટો ઊંચકીને… – વિનોદ જોશી [કાવ્યસંગ્રહ – ‘ખુલ્લી પાંખે પિંજરમાં’]

​​કવિશ્રી વિનોદ જોશીના ૨૦૨૩માં પ્રકાશિત કાવ્યસંગ્રહ – ‘ખુલ્લી પાંખે પિંજરમાં’ માં સમાવિષ્ટ એમના નવા કાવ્યો આપ સૌની સમક્ષ રજૂ કરતાં ખૂબ આનંદ થાય છે.

સ્વયં કવિશ્રીના અવાજમાં આ ગીતનું પઠન પણ એટલું જ સુંદર!

પરપોટો ઊંચકીને કેડ વળી ગઈ,

હવે દરિયો લાવું તો કેમ લાવું ?
વાદળ ઓઢીને સ્હેજ સૂતી, ત્યાં
ધોધમાર વરસાદે લઇ લીધો ભરડો,
વીજળી ઝબાક પડી પંડમાં
તો પડી ગયો સપનાને મીઠ્ઠો ઉઝ૨ડો;
વહેમીલા વાયરાને વાત મળી ગઈ,
હવે અમથી આવું તો કેમ આવું ?

નખની નમણાશ મારી એવી કે
પાણીમાં પૂતળિયું કોતરાઈ જાતી,
પાંપણ ફરકે ને હવા બેઠી થઇ જાય
પછી એનાંથી હું જ ઓલવાતી;
ઝાકળ ઉલેચવામાં સાંજ ઢળી ગઈ,
હવે સૂરજ વાવું તો કેમ વાવું ?

વિનોદ જોષી

એવી ઝરમર તે આપણો સંબંધ – નંદિતા ઠાકોર

કોઇ પૂછે તો નામ કોઇ દઇ ના શકાય
એવો મનહર છે આપણો સંબંધ
કેવો મનભર છે આપણો સંબંધ

કોઇ ટહુકાની જેમ અરે વેરાતું જાય
કોઇ તડકાનું તરણું થઇ અજવાળે ન્હાય
જેમ ઝાકળના ભેજથી ન પામી શકાય
એવી ઝરમર તે આપણો સંબંધ ….

કોઇ ભીતર ને બ્હાર અરે હેાય આરપાર
કોઇ રણઝણતો સૂર ભરી છેડે સિતાર
જેમ આગલાને પાછલા આ જન્મોની
સઘળી યે સરભર તે આપણો સંબંધ ….

નંદિતા ઠાકોર

સ્મરણો – ધ્રુવ ભટ્ટ

Presented by Asit kumarr Modi, Neele Film Productions Pvt, Ltd;
Composing and singing : Hemant Joshi
Music: Kaushik Rajapara
Recording Mixing and Mastering: Mangalam Studio – Dhoraji

સ્મરણોનું એવું
કે ક્યાંક હોય ફૂલ, ક્યાંક ધૂળ, ક્યાંક રેતી કે ધોધમાર વરસ્યો વરસાદ
પગલાંની છાપ
ક્યાંક ઓગળતી આંખ, ક્યાંક ભીંજાતી લાગણી કે દૂર દૂર રવરવતા સાદ.

ફાગણનાં ફૂલ સમું એકાદું નામ ક્યાંક વગડાની શૂળ જેમ વાગે
પાંપણથી રઢિયાળું સપનું સરે ને ક્યાંક જંગલમાં આગ આગ લાગે
સરવરમાં
સંધ્યાના ઓગળતા રંગ, ક્યાંક રાત, ક્યાંક ચાંદની કે રોમ રોમ પડતી સવાર ક્યાંક હોય

સ્મરણોમાં ફૂલ, ક્યાંક ધૂળ, ક્યાંક રેતીનું ઝાડવું કે ધોધમાર વરસ્યો વરસાદ.

આખ્ખોયે બાગ ક્યાંક ઝાકળની જેમ સાવ ઓચિંતો આભ બની ઝૂકે.
સાતમા પતાળવાળો પરીઓનો દેશ કોઈ, મારો છે, લાવ, કરી રૂઠે.
પર્ણોની જેમ
જરા ફરફરતા હોઠ ક્યાંક ચૂપ, ક્યાંક વાણી કે રણણણણણણ રણઝણતો નાદ,
રેતીનું ઝાડવું
કે ક્યાંક હોય ફૂલ, ક્યાંક ધૂળ, ક્યાંક સ્મરણોમાં ધોધમાર વરસે વરસાદ.

– ધ્રુવ ભટ્ટ

દીપ જલે જો ભીતર સાજન – દેવિકા ધ્રુવ

ગીત : દેવિકા ધ્રુવ
સ્વર અને સ્વરાંકન : ભાવના દેસાઈ
આલબમ : સ્વરાંજલિ

દીપ જલે જો ભીતર સાજન,
રોજ દિવાળી આંગન.
કાચું કોડિયું વાત આ જાણે,
પરમ પુનિત ને પાવન.

મન – બરતનને માંજી દઈએ,
દર્પણ સમ દિલ ભાવન.
પછી ખીલે જો ભીતર સાજન,
રોજ દિવાળી આંગન.

નાની અમથી સમજી લઈએ,
ક્ષણની આવનજાવન.
આસોની અજવાળી અમાસે,
ઝગમગ દીપ સુહાવન.

ૐકારના ગીતો ધરીએ,
સૂરીલી વાગે ઝાલર,
અખંડ જ્યોતે ઝળહળ સૌને,
વંદન સહ અભિનંદન;
અભિનંદન, અભિનંદન.
– દેવિકા ધ્રુવ

લખ રે જોજન કેરા – અવિનાશ વ્યાસ

આ સુંદર માતાજીની

ગીત સંગીત : અવિનાશ વ્યાસ
સ્વર : ભાવના દેસાઈ
આલબમ : સ્વરાંજલિ

લખ રે જોજન કેરા આકાશી ગોખલે,
માડી તારો દીવડો જલે.
એનાં રે અજવાળાં જગમાં ઢળે;
માડી તારો દીવડો જલે.

ઝૂલે રે વિરાટ હિંડોળા ખાટ,
રાતડીએ પાથરી તેજની બિછાત;
કોણ રે કળ્યું એ કળે,
માડી તારો દીવડો જલે.

નીલાંબરી અંબર તારાઓના ઝૂલે ઝુમ્મર,
જગદંબા ગરબે ઘૂમે અવનિને ઉંબર;
જગનાં તિમિર તો ટળે,
માડી તારો દીવડો જલે.

વાઘને વાહન વિરજી વાઘેશ્વરી,
રંગતાળી દઈ ઘૂમે રંગમાં રાસેશ્વરી;
ભક્તોની ભક્તિ ફળે.
– અવિનાશ વ્યાસ

હું તો હમણાં બિડાઈ ગઈ – કવયિત્રી: પન્ના નાયક

મ્યુઝિક આલબમઃ વાત તારી ને મારી છે Audio Song # 5
~ કવયિત્રી: પન્ના નાયક
~ સ્વરકાર: નંદિતા ઠાકોર
~ સ્વર: નેહલ રાવલ
~ સંગીત સંકલનઃ અસીમ મહેતા
~ સંગીત નિયોજનઃ આલાપ દેસાઈ
~ નિર્માણ-પ્રસ્તુતિ:આપણું આંગણું બ્લોગ

હું તો હમણાં બિડાઈ ગઈ રંગરંગ બોલતી,
બિલ્લોરી કાચની બારી
આવન ને જાવનમાં અઢળક છે લોક
પણ ક્યાંયે ના બાંકેબિહારી

ધુમ્મસના કિનખાબી પડદાઓ
કોણે અહીં ઢાળી દીધા?
બારીમાં બોલતા ટહુકાને
કોણે પછી બાળી દીધા?
હું તો મનમાં ને મનમાં મુરઝાઈ ગઈ
ક્યારની શમણાંની વેલને શણગારી

ભલે ઊગ્યોને ચાંદ પણ આ રાત
જોને અહીં ઝૂર્યા કરે
ભયના ભણકારાઓ અંગ ને
અંતરમાં સ્ફૂર્યા કરે
મીરાં થઈ મન મારું ખૂલે
ને પૂછે છે ગોપીનેઃ ક્યાં છે ગિરિધારી?

– પન્ના નાયક

Apple Music Link:
https://apple.co/3RvKlYo

Spotify Link:
https://spoti.fi/3z4fICa

આપણું આંગણું બ્લોગ સંપર્ક: +91 88500 74946