‘મરીઝ’ – ગુજરાતી ગઝલોના બાદશાહ, ગુજરાતના ગાલિબ.
નથી હું કહેતો કે સાચા વિવેચકો ન મળે
કલાને એના વફાદાર ચાહકો ન મળે
ભલેને ખોટા ટીકાકારો પણ રહે કાયમ
‘મરીઝ’ને જૂઠા પ્રસંશકો ન મળે
‘રમેશ પારેખ’ – ગુજરાતી કવિતાના ઇન્દ્રધનુષ.
આ બાજુ જંગલદહન દેમાર ચાલુ, રમેશ,
આ બાજુ કૂંપળ અવનવી ફુટવાની કથા છે !
કહેવાય છે કે આ બંને સર્જકોને એમના જીવનકાળ દરમ્યાન એ પ્રસિધ્ધિના મળી, કે જેના તેઓ ખરેખર હકદાર હતા. ગુજરાતી કવિતા અને ગઝલના વિશ્વમાં આ બંને નામ કાયમ બુલંદ સિતારા બનીને ઝળહળતા રહેશે, એ વાતમાં શંકાને કોઈ સ્થાન નથી.
આ સર્જકોની પ્રસિધ્ધિના આશયથી, તેમના જીવન અને તેમની ગુજરાતી ભાષા સાથેનો સંબંધ દર્શાવતા એક નાટક ‘એક ખોબો ઝાકળ’નું સર્જન કરવામાં આવ્યું. આ નાટકના લેખક, નિર્દેશક અને એક્ટર પણ છે ગુજરાતી ભાષાના ખૂબ જાણીતા લેખક – કવિશ્રી શોભિત દેસાઇ. શ્રી દેસાઇ, નાટકના પ્રથમ ચરણમાં ‘મરીઝ’ અને બીજા ચરણમાં ‘રમેશ પારેખ’ ની ભૂમિકા કરી દર્શકો સમક્ષ ગુજરાતી સાહિત્યના ઇતિહાસના એક અભિન્ન અંગને જીવંત કરે છે.
શ્રી શોભિત દેસાઇના પોતાના બેનર ‘ચરિત પ્રોડકશન્સ’ હેઠળ ભજવાતા આ નાટકને મુંબઇ અને કલકત્તામાં બહોળો પ્રતિસાદ મળ્યો છે. દરેક જગ્યાએ એકી કંઠે વખણાયેલા આ નાટકનું એક મોટુ જમા પાસુ એ પણ છે, કે દરેક શો પછી શ્રી રમેશ પારેખ અને મરીઝ ના પરિવારને Rs. 5000/- મોકલવામાં આવે છે.
મારા, અને ટહુકાના વાચકો તરફથી શ્રી શોભિત દેસાઇને આ પ્રકારનું અત્યંત પ્રશંસનીય કાર્ય કરવા બદલ હાર્દિક શુભેચ્છાઓ.
સાથે વાચકોને ખાસ વિનંતી : તક મળે તો આ નાટક જોવાનું ચુકશો નહીં
બચ્યા છે કેટલા ? એ શબ્દ પણ ગણી લઉં છું
છૂટો પડું છું ને ખુદની સિલક ગણી લઉં છું
ક્ષણો, કલાક, દિવસ, માસ, વર્ષ કે સૈકા
તમે હો એવા સમયને પ્રણય ગણી લઉં છું
– શોભિત દેસાઇ
( આ નાટક વિષે થોડી વધુ માહિતી ટુંક સમયમા ટહુકો.કોમ પર ઉપલબ્ધ્ધ થશે ) :