Category Archives: ગઝલ

કોઇ શબ્દોની સમજ… – રવિ ઉપાધ્યાય

કવિ: રવિ ઉપાધ્યાય (www.raviupadhyaya.wordpress.com) ,
ગાયક: પાર્થિવ ગોહિલ
સંગીતકાર : પ્રકાશ ઉપાધ્યાય
પ્રસ્તાવના અને મલ્ટીમિડિયા રચયિતા ડો.જગદીપ ઉપાધ્યાય
મ્યુઝિક વીડીયો આલ્બમ ‘મંઝિલને ઢૂંઢવા..’

કોઇ શબ્દોની સમજ સ્વરથી પડે,
બ્રહ્મનો જેમ ભેદ તો ભીતરથી જડે…

રામ છૂપાયાં નથી રામાયણે,
ખોલશો જો દ્વાર તો અંતરથી મળે…

કાષ્ટમાં અગ્નિ છતાં દેખાય ક્યાં?
ના કોઇ ઉકેલ તો ઉત્તરથી મળે…

પ્રેમનો સાચો પરિચય ત્યાગમાં,
ફૂલની પિછાણ તો અત્તરથી પડે…

લાગણીનું પણ સદા એવું જ છે,
ક્યાંથી જન્મી, કયાં જઈ ઢળતી રહે…

હોય શ્રધ્ધા તો દિસે ઇશ્વર ‘રવિ’,
રામ નામે સેતુ તો પથ્થરથી બને…

વાત વિગતવાર કરી દે… – ગૌરાંગ ઠાકર

મારી આ દીવાલોથી મને પાર કરી દે,
બારીથી મને એક વખત દ્વાર કરી દે.

ઝાકળ ન ઊડે સૂર્ય! અહીં એમ ઊગી જા,
તું ફૂલ ઉપર એટલો ઉપકાર કરી દે.

તું પાસ રહે એ જ ગનીમત છે અહીં દોસ્ત,
હું ક્યાં કહું છું વાતનો સ્વીકાર કરી દે.

દીવાને અમે ટોડલેથી ભીતરે લાવ્યા,
તારાથી હવે થાય તો અંધાર કરી દે.

શ્રદ્ધા હવે શંકાની તરફ જાય છે ઈશ્વર,
તારા વિશે તું વાત વિગતવાર કરી દે.

એનામાં હવે વિશ્વ સમેટાઈ રહ્યું છે,
‘ગૌરાંગ’ ને પણ એક ગઝલકાર કરી દે.

– ગૌરાંગ ઠાકર

સ્થળ, સમય, ઘટના…. – કવિ રાવલ

(More than 600,000 people were left homeless by the January 12 Haitian earthquake……સ્થળ, સમય, ઘટના….)

(CNN.com – Haiti Earthquake)

કાળનાં કાગળ ઉપર કક્કો લખે છે,
દાખલો ઔકાતનો અડધો લખે છે.

વીજળી, વાદળ અને વગડો લખે છે,
ચન્દ્ર નહિ પણ તારલો ખરતો લખે છે.

શબ્દ નૈ પણ શબ્દનો થડકો લખે છે,
કોણ મારા નામનો પડઘો લખે છે?

જો ત્વચા પર વાગતો ચટકો લખે છે,
સ્થળ, સમય, ઘટના કશે અટકો લખે છે.

છાંયડો, વરસાદ ને તડકો લખે છે,
જિંદગી પણ કેટલી શરતો લખે છે!

વર્ષો જવાને જોઇએ – અમૃત ‘ઘાયલ’

સ્વર – સંગીત : મનહર ઉધાસ

.

વર્ષો જવાને જોઇએ ત્યાં ક્ષણમાં જઇ ચડયો,
આશ્ચયૅ વચ્ચે એમના આંગણમાં જઇ ચડયો!

પૂછો નહીં કે આજ તો કયાં નીકળી ગયો,
કાજળને સ્પર્શવા જતા કામણમાં જઇ ચડયો!

અંધારમુકત થઇ ન શકયો રોશની મહીં,
આંખોમાં આંખ નાખી તો પાંપણમાં જઇ ચડયો!

મનફાવે તેમ આભમાં ફંગોળતી રહી,
હું કયાંય નહિ ને ગેબની ગોફણમાં જઇ ચડયો.

કૈં ચાંદની જ એવી હતી, ભાન ના રહ્યું;
જાવું હતું સમુદ્ર ભણી, રણમાં જઇ ચડયો!

ન્હોતી ખબર, જવાય નહીં એમ સ્વર્ગમાં;
પહેર્યું હતું હું એ જ પહેરણમાં જઇ ચડયો!

‘ઘાયલ’ ગયો’તો કેમ સુરાલયમાં શું કહું?
ખૂબ જ હતો હું આજ વિમાસણમાં, જઇ ચડયો.

– અમૃત ‘ઘાયલ’

ધરતીની એક ત્રાડ – કૃષ્ણ દવે

૨૬ જાન્યુઆરી, ૨૦૦૧ ના દિવસે આવેલા ભુકંપ પછી લખાયેલી કવિ શ્રી કૃષ્ણ દવેની આ ગઝલ……
* * * * *

ધરતીની એક ત્રાડ, તમે શું કરી શકો?
હૈયે પડી તિરાડ, તમે શું કરી શકો.

પ્રત્યેક ખોપરીનો લઇ એક્સ-રે જુઓ તો
સરખી છે ચીર ફાડ, તમે શું કરી શકો?

તૂટું તૂટું થતી છત મૂંઝાઇને કહે છે,
ખૂલે નહિ કમાડ, તમે શું કરી શકો?

પગથી વળેલ ઘરને ટેકો દઇ ઉભેલા
પૂછી રહ્યાં છે ઝાડ, તમે શું કરી શકો?

ત્યાં કાટમાળમાંથી બાળક મળે છે રમતું
ઇશ્વર લડાવે લાડ, તમે શું કરી શકો?

– કૃષ્ણ દવે

ચલો આંગણામાં મનાવીએ – ગૌરાંગ ઠાકર

Female Cuckoo
(જરા ઝાડ જીવતું રાખજો……       …….૧૫-૦૪-૨૦૦૯)

(Photo: Dr. Vivek Tailor)

* * * * *

તમે વ્હાલ ઘરની દીવાલમાં, અમે બારસાખનાં તોરણો,
ચલો આંગણામાં મનાવીએ, હવે હેત–હૂંફનાં અવસરો.

હું તો માત્ર શ્વેત લકીર ને, તમે સાત રંગનો સાથિયો,
હું ભળી શકું બધા રંગમાં, મને બેઉ હાથે મિલાવજો.

ભલે જાય સૂર્ય કિરણ લઇ, તમે બાગથી ન જશો પ્રિયે,
હું તો રાતરાણીનું ફૂલ છું, તમે બસ સવાર સુધી રહો.

મને કોયલો એ કહી ગઈ, અમે રોજ આવી ટહુકશું.
તમે આસપાસ કમાડની, જરા ઝાડ જીવતું રાખજો.

હતું મૂલ્ય સ્વપ્નનું એટલું, અમે પાઇ પાઇ ચુકાવી છે.
અમે આંખ આંસુથી ધોઈ છે, કીધો બંધ આંખે ઉજાગરો

– ગૌરાંગ ઠાકર

…કે હદપાર પંખીઓના ટહુકા થઇ ગયા – ભગવતીકુમાર શર્મા

આ ગતિથી દ્રષ્ટિના દીવાઓ ધૂંધળા થઇ ગયા;
હું સ્કૂટર, રસ્તો- અને ચહેરાઓ ઝાંખા થઇ ગયા.

લક્સની ફિલ્મી મહેંક, ગીઝર ને શાવર બાથ આ;
નવસો ને નવ્વાણું નદીકાંઠા પરાયા થઇ ગયા.

સિક્સ ચેનલ સ્ટીરિયોફોનિક અવાજો છે અહીં;
કે હદપાર પંખીઓના ટહુકા થઇ ગયા.

બારીઓમાંથી સ્કાયસ્કેપર રોજ આવે ખરેખર;
સૂર્યના સોનેરી અશ્વો સાવ ભૂરા થઇ ગયા.

વૃક્ષ છોડીને વસાવ્યા પંખીઓએ એરિયલ;
લીલાં લીલાં પાંદડા તરડાઇ પીળા થઇ ગયા.

આજ હું માણસ, પછી હું શખ્સ ને મરહૂમ પણ;
મારા પડછાયા પળેપળ કેમ ટૂંકા થઇ ગયાં?

અંજલિ અર્પું પ્રથમ સંવત્સરીએ હું મને;
કે મગર કાગળના દરિયામાં વિહરતા થઇ ગયા !

– ભગવતીકુમાર શર્મા

ગીતના ઘેઘૂર ગરમાળામાં ચૂમી છે તને – મુકુલ ચોકસી

આજે ૨૧ ડિસેમ્બર – વ્હાલા કવિ શ્રી મુકુલ ચોક્સીનો જન્મદિવસ…. મુકુલભાઇને આજના ખાસ દિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ… અને સાથે સાંભળીએ એમની આ ખાસ ગઝલ, એમના પોતાના જ સ્વરમાં 🙂 કવિની આ ખૂબ જ જાણીતી ગઝલ, એમના આગવા અંદાઝમાં સાંભળવાની મઝા જ કંઇ અલગ છે..!

914032380_c58a4c3c32_m

ગીતના ઘેઘૂર ગરમાળામાં ચૂમી છે તને,
બે ગઝલની વચ્ચેના ગાળામાં ચૂમી છે તને.

પર્વતો પાછળ સવારે, ને બપોરે ઝીલમાં,
સાંજ ટાણે પંખીના માળામાં ચૂમી છે તને.

સાચું કહું તો આ ગણિત અમથું નથી પાકું,
બે ને બે હોઠોના સરવાળામાં ચૂમી છે તને.

કાળી રાતોમાં છુપાઈને ગઝલની આડમાં,
પાંચ દસ પંક્તિના અજવાળામાં ચૂમી છે તને.

લોકોએ જેમાં ન પગ મુકવાની ચેતવણી દીધી,
પગ મૂકીને એ જ કુંડાળામાં ચૂમી છે તને.

પાંપણો મીંચાય ને ઉઘડે એ પલકારો થતાં,
વાર બહુ લાગી તો વચગાળામાં ચૂમી છે તને.

ગઝલના ઘરમાં – આદિલ મન્સૂરી

ગઇકાલે શૂન્ય પાલનપુરીની ‘ગઝલ’ ઉપરની ગઝલ સાંભળી હતી… તો આજે આદિલ મન્સૂરી સાથે જઇએ ‘ગઝલના ઘરમાં..’

* * * * *

નિરાંત એવી અનુભવું છું ગઝલના ઘરમાં
કે શ્વાસ મુક્તિનાં લઈ શકું છું ગઝલનાં ઘરમાં

આ મૌન વચ્ચે જો શબ્દ કોઇ સરી પડે તો
હું એના પડઘાઓ સાંભળું છું ગઝલના ઘરમાં

આ મત્લા મક્તા રદીફને કાફિયાઓ વચ્ચે
હું ખુદથી વાતો કર્યા કરું છું ગઝલના ઘરમાં

તમારા ચહેરાનું નૂર જેમાં હજીએ ઝળકે
એ શેર હું ગણગણ્યા કરું છું ગઝલના ઘરમાં

આ જૂના લીંપણની પોપડીઓ ઉખડવા આવી
હું એને સરખી કર્યા કરું છું ગઝલના ઘરમાં

હું નામ કોઇનું ક્યાં લઉં છું કદીય ‘આદિલ’
સભાની આમન્યા જાળવું છું ગઝલના ઘરમાં

– આદિલ મન્સૂરી

નૂરે ગઝલ – શૂન્ય પાલનપૂરી

આજે કવિ શ્રી શૂન્ય પાલનપૂરીનો જન્મદિવસ… એમને આપણા સૌ તરફથી શ્રધ્ધાંજલી સાથે, સાંભળીએ એમની આ મઝાની ગઝલ. આ ગઝલના શબ્દો તો ટહુકો પણ ઘણા વખતથી છે, આજે મનહર ઉધાસના સ્વર -સંગીત સાથે ફરી એકવાર…

નીચે વિવેકની ટીપ્પણી છે એમ – ગઝલ પર લખાયેલી ગઝલો યાદ કરીએ તો આ ગઝલ એમાં ટોચની રચનાઓમાં આવે જ.

સ્વર – સંગીત : મનહર ઉધાસ

sketch_poster_PH74_l

.

આંખડી છેડે સરગમ, હૃદય તાલ દે,
અંતરો ગાય પંચમના સૂરે ગઝલ;
દર્દ અંગડાઇ લે, પ્રેમ ઝૂમી ઊઠે,
રૂપ ઝણકાવે પાયલ ને સ્ફુરે ગઝલ.

દ્રશ્ય સર્જાય મોંઘું મિલનનું અને
સાથિયા ચાંદ-સૂરજના પૂરે ગઝલ;
દોર ગોઝારો જામે વિરહનો અને
રાતના ઘોર સન્નાટે ઝૂરે ગઝલ.

ઊર્મિઓને કશું ક્યાંય બંધન નથી,
લાગણી મુક્ત છે સ્થળ અને કાળથી;
બુલબુલોએ રચી ગુલશનોમાં અને
આમ્ર-કુંજોમાં ગાઇ મયૂરે ગઝલ.

બે ધડકતા દિલોની કહાણી બને,
રંગ ભીની કરુણાની લ્હાણી બને,
પ્રેમ ને રૂપની દિવ્ય વાણી બને,
તો જ પહોંચી શકે દૂર દૂરે ગઝલ.

દેહના કોડિયે, પ્રાણની વાટને,
લોહીમાં ભીંજવીને જો બાળી શકો,
તો જ પ્રગટી શકે દર્દની મહેફિલે,
દિલને રોશન કરે એવું નૂરે ગઝલ.

જન્મ-મૃત્યુ છે, મત્લા ને મકતા ઉભય,
શ્વાસના કાફિયા, જિંદગીનો વિષય;
રંગ લૌકિક છે પણ અલૌકિક લય ,
ગાય છે ‘શુન્ય’ ખુદની હજૂરે ગઝલ.