Category Archives: ગઝલ

નહીં…. – અંકિત ત્રિવેદી

શક્યતાને આ રીતે સાંધો નહીં,
ઉંબરા પર ઘર તમે બાંધો નહીં.

સાચું પડશે તો મઝા મારી જશે,
સ્વપ્ન જોવામાં કશો વાંધો નહીં.

એટલી ખૂબીથી ચાદરને વણી,
ક્યાંયથી પણ પાતળો બાંધો નહીં.

એમને તો જે હશે તે ચાલશે,
એમના નામે કશું રાંધો નહીં.

આ ગઝલ છે, એની રીતે બોલશે,
કોઈ સાધો, કોઈ આરાધો નહીં.

– અંકિત ત્રિવેદી

તો શું જોઈતું’તું ? – અનિલ ચાવડા

વારતા આખી ફરી માંડી શકાતી હોત તો શું જોઈતું’તું ?
ને ક્ષણોની પોટલી બાંધી શકાતી હોત તો શું જોઈતું’તું ?

આપ બોલ્યા તે બધા શબ્દો પવન વાટે અહીં આવ્યા હશે પણ,
પત્રની માફક હવા વાંચી શકાતી હોત તો શું જોઈતું’તું ?

જો પ્રવેશે કોઈ ઘરમાં તો પ્રવેશે ફકત સુખની લ્હેરખીઓ,
એક બારી એટલી નાંખી શકાતી હોત તો શું જોઈતું’તું ?

ડાળથી છુટ્ટું પડેલું પાંદડું, તૂટી ગયેલા શ્વાસ, પીછું,
ને સમયની આ તરડ સાંધી શકાતી હોત તો શું જોઈતું’તું ?

આ ઉદાસી કોઈ છેપટ જેમ ખંખેરી શકતી હોત, અથવા,
વસ્ત્રની નીચેય જો ઢાંકી શકાતી હોત તો શું જોઈતું’તું ?

– અનિલ ચાવડા

સૂર્ય જીતી જવાની શ્રદ્ધાથી… – અશરફ ડબાવાલા

મૌન સૈકાનું પણ સમજવું છે,
હોઠ વચ્ચે ઘડીક ફરવું છે.

સૂર્ય જીતી જવાની શ્રદ્ધાથી,
કોઈ છાયાની સાથ રમવું છે.

બંધ બારીને ભીંત સમજીને,
આજ પગલાંને પાછા વળવું છે.

હસ્તરેખાનો હાથ ઝાલીને,
એક વિસ્મયને સત્ય ગણવું છે.

વિશ્વવ્યાપક્તા દૂર ફેંકી દ્યો,
બે’ક અક્ષરમાં મારે તરવું છે.

– અશરફ ડબાવાલા

લખાવટ નથી – હેમંત પુણેકર

કોઈ લાંબી લાંબી લખાવટ નથી
ગઝલ છે ઇશારો, છણાવટ નથી

એ જીરવી નથી શકતો એકાંતને
સ્વયં સાથે આ દુશ્મનાવટ નથી?

તું પોતાને રોકીને ઊભો છે બસ!
જગતમાં બીજી કંઈ રુકાવટ નથી

પછી ચડજે ટોંચે, તું પહેલા તપાસ
કે મૂલ્યોમાં કોઈ ગિરાવટ નથી

હું જેવો છું એવો છું તારી સમક્ષ
બનાવટ નથી કંઈ સજાવટ નથી

રદિફ, કાફિયા, છંદ ફાવી ગયા
ગઝલમાં હજુ એવી ફાવટ નથી

– હેમંત પુણેકર

પુંકેસરની છાતી ફાટી છે – વિવેક મનહર ટેલર

flowers by Vivek

(પુંકેસરની છાતી…  …લેહની ધરતી પરથી, જુન, ૨૦૧૩     Picture by: Vivek Tailor)

*

સવાર ફાટી પડી, આ શી ઘડબડાટી છે ?
નિયત આ રાતની શા માટે આજે ખાટી છે ?

યુગો પછી આ પુંકેસરની છાતી ફાટી છે,
નિતાંત પાનખરે શેની આ ગુલાંટી છે ?

ઉષરભૂમિને શું જુએ છે ? હા, એ હું જ છું પણ
તું આવ, ત્યાં જો કઈ શક્યતાઓ દાટી છે ?

એ લાગણીનું બીજું નામ આપવું શું, કહો
ડૂબો જ્યાં તળ સુધી પણ થાય કે સપાટી છે.

પસાર થઈ ગઈ છે ટ્રેન હડબડાટીમાં,
ને પ્લેટફૉર્મે હજી એ જ ધણધણાટી છે !

મને લૂંટી જ લે છે, જ્યારે જ્યારે આવે છે
આ તારી યાદ છે કે ગામનો તલાટી છે ?

ગઝલમાં તું જ તું, તારા વિચાર, તારી વાત,
અમે મફતમાં છતાં પણ પ્રસિદ્ધિ ખાટી છે.

ચકિત ન થા તું, પ્રલાપોથી કોરા કાગળના,
ગઝલ ! તું હોય નહીં એ જ સનસનાટી છે…

વકી છે, આજે પ્રથમવાર એ નજર ફેંકે,
ગઝલની આખીય કાયામાં ઝણઝણાટી છે.

– વિવેક મનહર ટેલર
(૦૨/૦૩-૦૪-૨૦૧૩)

વસંતી વિકળ વાયરો છે પછી શું? – હેમેન શાહ

ફક્ત પ્રશ્ન એક જ ખરો છે : ‘પછી શું?’
હજી હાથમાં મોગરો છે પછી શું?

સમંદર અહીં છીછરો છે પછી શું?
વખત પૂરતો મહાવરો છે પછી શું?

ગળી જાવ – ચાવો – ચૂસો – થૂંકી નાખો,
સમય જીભ પર કરકરો છે પછી શું?

દિવસ ખાખી કપડે જ હાજર થવાનો,
ગુલાબી આ ઉજાગરો છે પછી શું?

અગર કાવ્ય જેવું છે બ્રહ્માંડ તો પણ,
જો દુર્બોધ આ અક્ષરો છે પછી શું?

ફકીરો ગઝલ ગાય ઇશ્કે-મિજાજી,
વસંતી વિકળ વાયરો છે પછી શું?

– હેમેન શાહ

ને ભરાણી છે સભાઓ ઢાંકણાંની – અનિલ ચાવડા

વાત છે લોહી ઊડ્યું એ છાંટણાની.
ત્યાં ગણતરી શું કરું હું આંકડાની ?

બોલ હે ઈશ્વર ! મને કંડારવામાં
આંગળાની ભૂલ છે કે ટાંકણાની ?

સાવ સુક્કા વૃક્ષ જેવું મોં કરીને,
પાંદડાંની વાત કે’ છે, પાંદડાંની ?

વૃદ્ધથી રડવું જ રોકી ના શકાયું,
વાત જ્યારે નીકળી આ બાંકડાની.

એક માણસ નામની ફૂટી છે શીશી,
ને ભરાણી છે સભાઓ ઢાંકણાંની.

– અનિલ ચાવડા

ટહુકાનું ભાષાંતર હોય? – મકરંદ મુસળે

મૌનનો ક્યાંયે મંતર હોય ?
ટહુકાનું ભાષાંતર હોય ?

કક્કો ઘૂંટીને શું થાય ?
પ્રેમનું તે કંઈ ભણતર હોય ?

મહેનતથી મ્હેંકે છે કાય,
પરસેવાનું અત્તર હોય ?

આભ જુઓ ત્યારે સમજાય,
ભીંત વગર પણ છત્તર હોય.

માતા જેવું કોઈ ન ગાય,
હાલરડાનું જંતર હોય ?

– મકરંદ મુસળે

વરસાદમાં – ઉર્વીશ વસાવડા

એ રીતે આવીને મળ વરસાદમાં
છોડ છત્રી, ને પલળ વરસાદમાં

આપણું શૈશવ મળે પાછું ફરી
હોય એવી બે’ક પળ વરસાદમાં

તાપથી તપતી ધરાના દેહ પર
લેપ લપાતો શીતળ વરસાદમાં

મોર, ચાતક, વૃક્ષની સંગાથમાં
નાચતી સૃષ્ટિ સકળ વરસાદમાં

વ્હાલ ઈશ્વરનું વરસતું આભથી
તું કહે વરસે છે જળ વરસાદમાં

– ઉર્વીશ વસાવડા

ભજન ગઝલ – જવાહર બક્ષી

એવો તે કંઈ ઘાટ જીવનને દીધો જી
પરપોટામાં કેદ પવનને કીધો જી

ચારેબાજુ સ્પર્શનું ભીનું અંધારું
અણસારાનો લાગ નયનને દીધો જી

લોચનિયાંનો લોભ પડ્યો રે બહુ વસમો
દ્રષ્ટિનો દરબાર સ્વપનને દીધો જી

સપનામાં તો ભુલભુલામણ, અટવાયા
ઓળખનો અવકાશ તો મનને સીધો જી

અંતે આ આકાશનું બંધન પણ તૂટ્યું
પરપોટાની બહાર પવનને પીધો જી

– જવાહર બક્ષી