તમે અમદાવાદ રહેતા હો કે આમ્સ્ટરડેમ, અથવા તો લંડન કે લોસ એંજેલેસ હો, બાળક અંગ્રેજી માધ્યમમાં ભણતુ હોય એ ખુબ જ સામાન્ય છે. અને જ્યારે એ બચ્ચાઓ ટ્વિંકલ ટ્વિંકલ કરતા હોય, ત્યારે સહેજે ગુજરાતી માધ્યમમાં ભણેલા મા-બાપને કે દાદા-દાદીને પોતે ગાતા હશે એ ગુજરાતી બાળગીતો પણ યાદ આવતા હશે.
જો તમને ય ઇચ્છા હોય કે ઘરના બાળકો અંગ્રેજી અને હિન્દી (ફિલ્મના) ગીતોની સાથે ગુજરાતીમાં ગીતો ગાતા અને સાંભળતા થાય, તો સુરતના ‘હોબી સેંટર’ (the play group nursery)નું નજરાણું ‘હસતા રમતા’ – બાળગીતોની સીડી અચુક સાંભળજો… અને બાળકોને સંભળાવજો. (એક ખાનગી વાત કહું? બાળકોની સાથે સાથે કોઇ પણ ઉંમરની વ્યકિતને સાંભળવા ગમે, એવા છે આ બાળગીતો 🙂 )
( ‘હસતા રમતા’ ના બીજા થોડા ગીતો અહીં સાંભળો )
સ્વર : ઐશ્વર્યા હીરાની, સુપલ તલાટી
Composer : મોનલ શાહ
Music Arranger & Recording : મેહુલ સુરતી
.
કિટ્ટા કિટ્ટા…. કિટ્ટા…
કિટ્ટા કિટ્ટા…. કિટ્ટા…
કનુ :
ઇલા તારી કિટ્ટા…
ઇલા:
કનુ તારી કિટ્ટા…
ઇલા:
મારી પાસે મીઠી મીઠી શેરડી ને સિંગો
લે હવે તું લેતો જા હું આપું તને ડીંગો
કનુ :
મારી પાસે ખાટી મીઠી આંબલી ને બોર
એકે નહીં આપુ તને છો ને કરે શોર
ઇલા:
જાણે હું તો આંબલી ને બોર નો તુ ઠળીયો
ભોગ લાગ્યા ભાગ્યના કે ભાઇ આવો મળીયો
કનુ :
બોલી બોલી વળી જાય જીભના છો કુચ્ચા
હવે કદી કરું નહી તારી સાથે બુચ્ચા
ઇલા:
જા જા હવે લુચ્ચા….
ઇટ્ટા અને કિટ્ટાની વાત અલ્યા છોડ
ભાઇ બહેન કેરી ક્યાં જોઇ એવી જોડ