તા. 6 ઓગસ્ટ, 2007.
લગભગ એક વર્ષ પહેલા જ્યારે આ ગીત ટહુકો પર મુકેલું, ત્યારે એનો વિડિયો નો’તો મુક્યો. તો મને થયું કે જ્યારે વ્હાલું સુરત શહેર ખરેખર હસતું રમતું થઇ ગયું છે, અને આ ગીત બનાવીને મેહુલભાઇ, મુકુલભાઇએ જે હાકલ કરી હતી, તે સાંભળવાની સાથે સાથે જોવું પણ ગમશે.
——————————
તા. 14 સપ્ટેમ્બર, 2006.
સૂરત શહેરને પૂરના પાણીથી થયેલ ખાનાખરાબીની ઘીમે ધીમે મરામત થઈ રહી છે. પણ ખરું નુકશાન તો માલસામાનને થયેલા નુકશાનથી ક્યાંય વધારે છે. આવી પરિસ્થિતિમાંથી જે લોકો પસાર થાય એમના દિલ અને દિમાગને જે હાની પહોંચી હોય છે એની સારવાર કરવી ખૂબ કપરું કામ છે. આવા કપરા કાળમાંથી પસાર થનાર વ્યક્તિના માનસને થતી વિપરીત અસર માટે તબીબો Post Traumatic Stress Disorder એવું નામ આપે છે. આખા શહેરના દિલ પર લાગેલ જખમની સારવાર કરવી તો પણ કઈ રીતે એ મોટો સવાલ છે.
સૂરતના મનોરોગ તજજ્ઞ અને જાણીતા કવિ મુકુલ ચોકસીએ આ દિશામાં એક નવો પ્રયોગ કર્યો છે. એમણે સૂરતના જખ્મી ખમીરને જગાડવા માટે એક ખાસ ગીત લખ્યું છે. જે સૂરતના જ સંગીતકાર મેહુલ સૂરતીએ સ્વરબદ્ધ કર્યું છે અને ગાયું છે અમન લેખડિયાએ. આ પ્રકારનો આ પહેલો જ પ્રયોગ છે. આના વિષે વધુ માહિતી ટાઈમ્સ ઓફ ઈંડિયાના આ લેખમાં છે.
તમે પણ સાંભળો સૂરતના ઘા મટાડતું આ ગીત.
સંગીત – મેહુલ સૂરતી
સ્વર – અમન લેખડિયા
.
ચાલો ફરી પાછા હસતાં થઇ જઇએ
તાપીને કિનારે વસતાં થઇ જઇએ
રડવાનો નથી આ, લડવાનો સમય છે
તકલીફના પહાડો ચડવાનો સમય છે
ખૂબ ઉંચે જનારા રસ્તા થઇ જઇએ
ચાલો… ચાલો… ચાલો… ચાલો…
પાણીમાં ડુબે ઘર, સામાન ને મિલકત,
કિંતુ નહીં ડુબે, વિશ્વાસ ને હિંમત
પહેલાથી વધુ ઝડપે, વિકસતા થઇ જઇએ
ચાલો… ચાલો… ચાલો… ચાલો…
ચાલો ફરી પાછા હસતાં થઇ જઇએ
તાપીને કિનારે વસતાં થઇ જઇએ