ઉંચકી સુગંધ એક ઊભું ગુલાબ
એની વેદનાની વાતોનું શું?
કાંટાંથી છોલાતી લાગણી ને સપનાંઓ
ઉંઘ છતાં જાગવાનું શું?
સુવાસે પડઘાતું આખું આકાશ
છતાં ખાલીપો ખખડે ચોપાસ.
ઉપવનના વાયરાની લે છે કોઇ નોંધ?
કોણ વિણે છે એકલી સુવાસ?
વાયરો કહે તેમ ઉડવાનું આમ તેમ
વાયરાનું ઠેકાણું શું? – ઉંચકી સુગંધ……
ધારોકે ફૂલ કોઇ ચૂંટે ને સાચવે,
ને આપે ને સુંઘે તો સારું.
ધારો કે એક’દીની જિંદગીમાં મળવાનું,
થોડું રખાય તો ય સારું.
પણ ઉપવનમાં ઝુરવાની હોય જો સજા,
તો મળવાના ખ્વાબોનું શું ? – ઉંચકી સુગંધ……
હવે પહેલો વરસાદ બીજો વરસાદ અને છેલ્લો વરસાદ
એવું કાંઇ નહીં !
હવે માટીની ગંધ અને ભીનો સંબંધ અને મધમધતો સાદ,
એવું કાંઇ નહીં !
સાવ કોરુંકટાક આભ, કોરોકટાક મોભ, કોરાંકટાક બધાં નળિયાં,
સાવ કોરી અગાસી અને તેય બારમાસી, હવે જળમાં ગણો
તો ઝળઝળિયાં !
ઝીણી ઝરમરનું ઝાડ, પછી ઊજળો ઉધાડ પછી ફરફરતી યાદ,
એવું કાંઇ નહીં !
હવે માટીની ગંધ અને ભીનો સંબંધ અને મધમધતો સાદ,
એવું કાંઇ નહીં !
કાળું ભમ્મર આકાશ મને ઘેઘૂર બોલાશ સંભળાવે નહીં;
મોર આઘે મોભારે ક્યાંક ટહૂકે તે મારે ઘેર આવે નહીં.
આછા ઘેરા ઝબકારા, દૂર સીમે હલકારા લઇને આવે ઉન્માદ,
એવું કાંઇ નહીં !
હવે માટીની ગંધ અને ભીનો સંબંધ અને મધમધતો સાદ,
એવું કાંઇ નહીં !
કોઇ ઝૂકી ઝરુખે સાવ કજળેલા મુખે વાટ જોતું નથી;
કોઇ ભીની હવાથી શ્વાસ ઘૂંટીને સાનભાન ખોતું નથી.
કોઇના પાલવની ઝૂલ, ભીની ભીની થાય ભૂલ, રોમ્રોમે સંવાદ
એવું કાંઇ નહીં !
હવે માટીની ગંધ અને ભીનો સંબંધ અને મધમધતો સાદ,
એવું કાંઇ નહીં !