Category Archives: કાવ્યપ્રકાર

ગ્લૉબલ કવિતા : તે રહેતી હતી – વિલિયમ વર્ડ્સવર્થ

She dwelt among the untrodden ways
Beside the springs of Dove,
A Maid whom there were none to praise
And very few to love.
A violet by a mosy stone
Half hidden from the eye!
– Fair as a star, when only one
Is shining in the sky.
She lived unknown, and few could know
When Lucy ceased to be;
But she is in her grave, and, oh,
The difference to me!

– William Wordsworth

તે રહેતી હતી વણકચડાયેલા રસ્તાઓ વચ્ચે
હિમાલયના ઝરણાંઓની પાસે.
એક કુમારિકા જેને વખાણનારું ત્યાં કોઈ નહોતું
અને ચાહનારું તો જવલ્લે જ.
શેવાળિયા પથ્થર પાસેનું એક જાંબુડી ફૂલ
આંખોથી અડધું ઓઝલ !
– તારા જેવું શુભ્ર, જ્યારે એક જ
ચમકતો હોય આકાશમાં.
એ ગુમનામ જ જીવી, અને બહુ ઓછાં જાણી શક્યાં
કે લ્યુસી ક્યારે હયાત ન રહી;
પણ એ એની કબરમાં છે, અને, આહ
મને પડેલો ફરક !

-વિલિયમ વર્ડ્સવર્થ
(અનુ. વિવેક મનહર ટેલર)

સ્વની એકલતાનું કરુણપ્રશસ્તિ કાવ્ય
ઇન્ગ્લેન્ડના વાયવ્ય ખૂણામાં આવેલા અતિસુંદર લેક ડિસ્ટ્રિક્ટની મુલાકાત ‘લેક પોએટ્સ’ની જાણકારી વિના અધૂરી છે એ જ રીતે વિલિયમ વર્ડ્સવર્થ, સેમ્યુઅલ ટેલર કોલરિજ, તથા રોબર્ટ સાઉધી જેવા લેક પોએટ્સની કવિતાનું સાચું સૌંદર્ય લેક ડિસ્ટ્રિક્ટની જાણકારી વિના પૂરું માણી નહીં શકાય. એક તરફ આ પ્રદેશે આ અને અન્ય કવિઓની રચનાઓને અનવરત પ્રેરણા પૂરી પાડી તો બીજીતરફ આ કવિઓની રચનાઓમાં પ્રાદેશિક સૌંદર્ય કાબેલ ફોટોગ્રાફરે ખેંચેલા ઉત્તમ ફોટોગ્રાફ્સની જેમ ડગલે ને પગલે ઉજાગર થયું છે.

વર્ડ્સવર્થને ઇન્ગ્લેન્ડના શ્રેષ્ઠ કવિ તરીકે ઓળખનાર લોકોનો તોટો નહીં જડે. કોલરિજની સાથે ભાગીદારીમાં પ્રગટ કરેલ ‘લિરિકલ બેલડ્સ’થી અંગ્રેજી સાહિત્યમાં સુપ્રસિદ્ધ ‘રૉમેન્ટિક’ ક્રાંતિ અને યુગના શ્રીગણેશ થયા. બાળપણમાં જ અનાથાવસ્થા અને ગરીબીનો શિકાર વર્ડ્સવર્થ કાકાઓની મદદથી કેમ્બ્રિજમાં ભણ્યા. બહેન ડોરોથી આજીવન પડછાયાની પેઠે એમની સાથે જ રહી. બહેન અને પત્નીનો વર્ડ્સવર્થના જીવનમાં બહુ મોટો ફાળો રહ્યો. કવિને ફર-વા હતો એટલે જિંદગીભર મુસાફરી કરતા રહ્યા. કોલરિજની સાથે દોસ્તી રોજ સાથે ચાલવા જવાનું નિમિત્ત બની અને આ ‘વૉક’ની જ ફળશ્રુતિ એ લિરિકલ બેલડ્સ. જિંદગીના આખરી દસકામાં એમને રાજકવિનું સન્માન પણ મળ્યું. પોતાના ભારીખમ્મ ઇગો સાથે જીવનાર સર્જક તો તો ઘણા જોવા મળશે પણ પોતાના વજનદાર ઇગોને જીરવનાર જમાનો પણ જીવતેજીવત પામે એવા સર્જક તો જૂજ જ. જનાબ આવા ‘રેરેસ્ટ’માં સ્થાન પામે છે.

કવિતા વિશેની એમની બહુખ્યાત વ્યાખ્યા, ‘કવિતા બળવત્તર સંવેદનાઓનો સ્વયંસ્ફૂર્ત ઉભરો છે, જે પરમ શાંતિમાં એકત્ર કરેલ લાગણીમાંથી જન્મે છે’ આજે પણ એટલી જ પ્રસ્તુત છે. કવિતા વિશેની એમની ‘તીવ્ર’ માન્યતા હતી કે કવિતાનો વિષય ગ્રામ્યજીવનમાંથી જ પસંદ કરેલો હોવો જોઈએ કેમકે હૃદયના આવશ્યક આવેગ એ જ જમીનમાં પુખ્તતા પામી શકે છે અને કવિતાની ભાષા પણ રોજિંદા જીવનની જ હોવી જોઈએ અને ગદ્ય અને છાંદસ ભાષા વચ્ચે કોઈ જ તફાવત હોવો ન જોઈએ. કવિ ઘણે અંશે આ માન્યતાને જડની જેમ વળગી પણ રહ્યા હતા પણ એમના જ અંગતતમ મિત્ર કોલરિજે આ બાબતમાં જાહેરમાં એમના છોતરાં ફાડ્યાં હતાં. ગમે તે હોય પણ કવિતાની સાદગી અને સૌંદર્યની બાબતમાં વર્ડ્સવર્થને ભાગ્યે જ કોઈ અતિક્રમી શકે. એ રીતે જોતાં એમનું નામ વર્ડ્સવર્થ -શબ્દો જેમને લાયક છે- યથાર્થ છે.

વર્ડ્સવર્થ લિરિકલ પોએટ્રીના માસ્ટર છે. લિરિકલ-પોએટ્રી યાને કે ઊર્મિકાવ્ય કે ભાવગીત નામ પ્રમાણે જ ઊર્મિપ્રધાન-ભાવપ્રધાન હોય છે, વિચારપ્રધાન નહીં. આ કવિતાઓ જ્યારે તમારી અંદરથી પસાર થાય છે ત્યારે દિલને પહેલાં સ્પર્શે છે, મગજને પછીથી અથવા બિલકુલ જ નહીં. ઈકબાલનો એક શેર યાદ આવે:

अच्छा है दिल के पास रहे पासबान-ए-अक़्ल,
लेकिन कभी कभी इसे तन्हा भी छोड दे।
(અક્કલનો પહેરેદાર દિલની પાસે રહે એ સારું છે પણ ક્યારેક ક્યારેક એને(દિલને) એકલું પણ છોડી દેવું જોઈએ)

ઊર્મિકાવ્ય વાંચતી-સાંભળતી વખતે તમારી અંદર સંવેદનાના તાર ઝંકૃત થાય એ જ એની ખરી સફળતા. લાગણીના ઘાસની ગંજીમાંથી અર્થની સોય શોધવા બેસવાનું કામ કરે એ વિવેચક ખરા અર્થમાં તો બબૂચક જ ગણાય. A poem has to be not meanવાળી વાત આવી રચનાઓ માટે જ કહેવાઈ હશે. અહીં પ્રસ્તુત રચના પણ સીધી દિલને જ સ્પર્શી જાય છે. મૂળ અંગ્રેજી કવિતા શોકગીત (Elegy) અને લોકગીત (Ballad)– બંનેની લાક્ષણિકતાઓ ધરાવે છે. શોકગીત તોકેમ છે એ દેખીતું જ છે. અંગ્રેજીમાં લોકગીતમાં સામાન્યતઃ વપરાતો છંદ આયમ્બિક જેમાં વારાફરતી ટેટ્રામીટર અને ટ્રાઇમીટર પ્રયોજવામાં આવે છે એ અહીં વપરાયો છે અને લોકગીતની બીજી લાક્ષણિકતા મુજબ કવિતામાં કથા પણ વણી લેવામાં આવી છે.

વિશ્વ સાહિત્યમાં કાલ્પનિક કે મનગમતી પણ હાથવગી ન થઈ શકે એવી સ્ત્રીને સંબોધીને કવિતાઓ લખવાનો ચીલો નવો નથી. છેક ચૌદમી સદીમાં ઇટાલીના પેટ્રાર્કે (જેને દુનિયા આજે સૉનેટ કાવ્યસ્વરૂપના પિતા ગણે છે) લૉરા ડિ નોવ્સ નામની સ્ત્રી માટે સૉનેટ્સ લખ્યા. જેના પરિપાકરૂપે આવનારી સદીઓ સુધી આવા કૃત્રિમ પ્રણયકાવ્યો લખવાની પ્રણાલિકા સ્થાપિત થઈ જે ‘પેટ્રાર્કન કન્વેન્શન’ તરીકે ઓળખાયું. દાન્તે જેવા દિગ્ગજ કવિએ પણ બિટ્રિસ પોર્ટિનારી માટે આવ પ્રણયકાવ્યો લખ્યા. શેક્સપિઅરના સૉનેટ્સમાં કોઈક પુરુષપાત્ર માટેનું સમલૈંગિક આકર્ષણ સદાકાળ ચર્ચાનો વિષય છે. આપણે ત્યાં ગુજરાતી સાહિત્યમાં જેમ રમેશ પારેખની ‘સોનલ’, આસિમ રાંદેરીની ‘લીલા’, ખલીલ ધનતેજવીની ‘અનિતા’ એમઅંગ્રેજી સાહિત્યમાં વર્ડ્સવર્થની ‘લ્યુસી’…! લ્યુસી કોઈ જીવિત વ્યક્તિ હતીકે કાલ્પનિક, એ આજે પણ કલ્પનાનો વિષય છે. વર્ડ્સવર્થે લ્યુસી ઉપર કુલ પાંચ જ કાવ્યો લખ્યાં છે પણ આ કાવ્યોએ વિશદ ચર્ચા જગાવી છે. એમની એક કવિતા ‘લ્યુસી ગ્રે’નો ઉત્તમ ભાવાનુવાદ ‘મીઠી માથે ભાત’ કવિતામાં શ્રી વિઠ્ઠલરાય આવસત્થીએ કર્યો છે.

ઓગણીસમી સદીના ઇંગ્લેન્ડમાં રોમાન્સ, રોમેન્ટિક, રોમાન્ટિસિઝમનો અર્થ આજે આપણે જે પ્રેમ સંબંધી અર્થ તારવીએ છીએ એ નહોતો. રોમાન્સ શબ્દ ‘રોમન’ પરથી ઊતરી આવ્યો હતો. એ સમયે રોમાન્સ એટલે વ્યક્તિગત હીરોગીરી આધારિત મધ્યયુગીન રાજવી પરાક્રમોની વાર્તા કે ગીતગાથા. એના પરથી પ્રવર્તમાન ‘ક્લાસિકલ’ પ્રવાહની વિરુદ્ધ વ્યક્તિગત લાગણીઓનો જે ઊભરો અને પ્રકૃતિના નાનવિધ સ્વરૂપોની આરાધના કરતો જે કળાપ્રવાહ ઊભરી આવ્યો એ રોમાન્ટિસિઝમ કહેવાયો અને વર્ડ્સવર્થ એનો મુખ્ય પ્રણેતા ગણાય છે. વર્ડ્સવર્થની આ કવિતા રોમેન્ટિક યુગનો આયનો છે. વિષય અને કાવ્યપદ્ધતિ –બંને રીતે આ રચના રોમાન્ટિસિઝમના લક્ષણ ધરાવે છે. સીધી-સરળ ભાષા, સહજ અભિવ્યક્તિ, અંગત લાગણીની અભિવ્યક્તિ, ગ્રામ્યજીવન અને કુદરતનું મહત્ત્વ, પારંપારિક પૌરાણિક પાત્રોની ગેરહાજરી અને લાઘવ- રોમાન્ટિસિઝમની આ તમામ કસોટી પર આ કાવ્ય ખરું ઉતરે છે.

જિંદગી જેમને ધ્યાનમાં નથી લેતી કે કદર નથી કરતી એ તમામ લોકો માટે કદાચ કવિનું આ કલ્પાંત છે. એવા તારાઓ જે એકલા જ પ્રકાશે છે, મુસાફરી કરે છે અને બળીને અંતે ખતમ થઈ જાય છે. શેવાળછાયા પથ્થરો તળે જેમ નાનકડું રંગીન ફૂલ ઢંકાઈ જાય એમ દુનિયાની ઉપાધિઓ તળે આ છોકરીનું અસ્તિત્વ લગભગ વણપ્રીછ્યું જ રહ્યું. એના ન હોવાથી કવિને જે ફરક પડ્યો એ જ કદાચ એના આખાય જીવતરનું સાર્થક્ય! બીજી રીતે જોઈએ તો આ કવિતા કદાચ લ્યુસીની ઓછી છે અને કવિની વધારે છે. કદાચ લ્યુસીની જિંદગી અને મોત કરતાં પણ કવિની સંવેદનશીલતાનું અહીં વધુ મહત્ત્વ હોય એમ પણ અનુભવાય. એક લગભગ ગુમનામ કુમારિકા જે અકાળે અવસાન પામી એના ન હોવાથી દુનિયાને શો ફરક પડે ? જેને દુનિયા કદી યાદ નથી કરવાની એવી બેનામ વ્યક્તિ તરફની પોતાની લાગણી બતાવીને કવિ કદાચ પોતાના વિશે જ કવિતા કરતા હોય એવું પણ લાગે.

કવિતાનું શીર્ષક પણ સૂચક છે. વણકચડાયેલા રસ્તાઓ માત્ર જંગલના નથી, લ્યુસીના વ્યક્તિત્વના પણ છે, મનોજગતના પણ છે અને અબોટ સેક્સ્યુઆલિટિના પણ છે. લ્યુસીના દિલ સુધી, મન સુધી, શરીર સુધી કદાચ કોઈ પહોંચી શક્યું નહોતું. ઝરણાં શબ્દ સાથે જ આપણાં માનસપટ પર સ્વચ્છ, તાજું, શીતળતાદેય, વહેતું પાણી તરવરી આવે. એક કુંવારિકાની તાજપ, અક્ષુણ્ણતા અને ચંચળતા- આ બધું કવિ એક જ વિશેષણમાં રજૂ કરી દે છે. આ શબ્દની તાકાત છે અને વર્ડ્સવર્થ જેવાને એ હસ્તગત છે. પથ્થર લાંબો સમય ઝરણાં પાસે પડી રહે એટલે સમય એના પર શેવાળ બનીને ફરી વળે. પથ્થર પાછળથી ઊગી આવતું પણ પથ્થરના કારણે અડધું જ નજરે ચડતું અર્ધનિમીલિત આંખ જેવું જાંબુડી ફૂલ ઘણું કહી જાય છે. તકલીફો પછીતેથીય ઉપસી આવતું પણ વણપ્રીછ્યું જ રહી ગયેલું લ્યુસીનું વ્યક્તિત્વ અને એની સુંદરતા- બંને અહીં છતા થયા છે.

લ્યુસીનું સૌંદર્ય એકલપંડા તારા જેવું છે. આકાશમાં ઘોર અંધારા વાદળો વચ્ચે ક્યારેક એક જ શુભ્ર પ્રકાશિત તારો દૃષ્ટિગોચર થતો હોય એમ અવાવરુ જંગલમાં ઝરણાકાંઠે લીલબાઝ્યા પથ્થર પાછળ ખીલેલા એકાકી રંગીન પુષ્પ જેવી એ શોભાયમાન છે… પણ એને વખાણનારું ને કદાચ ચાહનારું પણ કોઈ એને મળ્યું નહીં. સરનામાં વિનાની ટપાલ જેવી ઓળખાણરહિત જિંદગી એ જીવી ગઈ અને કદાચ એ હવે નથી રહી એની પણ બહુ લોકોને ખબર નહીં હોય. (એ કબરમાં છે એટલે કોઈકને તો ખબર છે જ!)

આગળ કહ્યું એમ વર્ડ્સવર્થ જીવનભર પોતાના અહમનો ભાર ઊંચકીને ચાલ્યા. આ કવિતામાં પણ એક તરફ લ્યુસી જેવી બિલકુલ અણજાણ કુમારિકા પરત્વે કવિની દરકાર નજરે ચડે છે તો બીજી તરફ, આવી સાવ અજાણી છોકરીનું પણ આવું ઊંડું ધ્યાન રાખનારની તીવ્ર ઊર્મિશીલતા અને સ્નેહભાવ ભાવક સામે ઉજાગર કરવાની આત્મશ્લાઘાપૂર્ણ પ્રયુક્તિ પણ નજરે ચડે. ટૂંકમાં, આ ગીત ક્દાચ એકલી લ્યુસીની જ નહીં, કવિની પોતાની એકલતા અને ખોટનું કરુણપ્રશસ્તિ કાવ્ય છે.

ગ્લૉબલ કવિતા : તારા પગ – પાબ્લો નેરુદા

When I cannot look at your face
I look at your feet.

Your feet of arched bone,
your hard little feet.
I know that they support you,
and that your sweet weight
rises upon them.

Your waist and your breasts,
the doubled purple
of your nipples,
the sockets of your eyes
that have just flown away,
your wide fruit mouth,
your red tresses,
my little tower.

But I love your feet
only because they walked
upon the earth and upon
the wind and upon the waters,
until they found me.

– Pablo Neruda

જ્યારે હું તારા ચહેરાને નથી જોઈ શક્તો
તારા પગ જોઉં છું.

મરોડદાર હાડકાવાળા તારા પગ,
નાના અને સખત તારા પગ.
હું જાણું છું કે તેઓ તને આધાર આપે છે,
અને એ પણ કે તારું મીઠડું વજન પણ
તેઓ જ ઉપાડે છે.

તારી કમર અને તારા સ્તન,
તારા સ્તનાગ્રના બેતરફા જાબુંડી,
હમણાં જ દૂર ઊડી ગયેલ
તારી આંખોના ગોખલાઓ,
ફળની ફાડ સમું તારું પહોળું મોં,
તારા રાતા કેશ,
મારો નાનકડો મિનાર.

પણ હું તો તારા પગને પ્રેમ કરું છું
ફક્ત એ કારણે કે તેઓ ચાલે છે
ધરતી ઉપર અને ચાલે છે
પવન પર અને પાણી પર,
ત્યાં સુધી જ્યાં સુધી તેઓ મને શોધી નથી લેતા.

-પાબ્લો નેરુદા
(અંગ્રેજીમાંથી અનુવાદ: વિવેક મનહર ટેલર)

*
“મારા લોહીમાં કદી એક આંગળી પણ ન ડૂબાડનારાઓ શું કહેશે મારી કવિતાઓ વિશે?”

– આ લખનાર વિશેની એક ફિલ્મ-El Postino (The Postman)-ની ડીવીડી, થોડા વરસ પહેલાં એક મિત્રે અમેરિકાથી મોકલી હતી. ફિલ્મ જોયા પહેલા કવિનું માત્ર નામ જ સાંભળ્યું હતું. ફિલ્મ જોયા પછી કવિનો પરિચય થયો. જોતજોતામાં આ પરિચય ગાઢ પ્રેમમાં પરિણમ્યો. પાબ્લો નેરુદા. મૂળ નામ રિકાર્ડો એલિઅય્સર નેફ્ટાલ્લી રેયસ બસોઆલ્ટો. વીસમી સદીના સૌથી સશક્ત કવિઓમાંના એક. જન્મ દક્ષિણ અમેરિકાના ચીલીના પારાલ ગામમાં ૧૨-૦૭-૧૯૦૪ના રોજ. રાજકારણમાં શરૂથી અંત સુધી ઊંચા વગદાર હોદ્દા પર સતત સક્રિય રહ્યા. રાજકીય કારણોસર એમણે જીવ બચાવવા દેશ છોડીને ભાગવુ પણ પડ્યું હતું. નેરુદાની કવિતાઓ અત્યંત મસૃણ પ્રણયોર્મિની દ્યોતક છે. દક્ષિણ અમેરિકાના જંગલાચ્છાદિત ગ્રામ્ય વિસ્તારમાં વીતેલ એમનું બાળપણ એમની કવિતાઓમાં સતત ડોકાતું રહે છે. પ્રકૃતિ, પ્રણય અને જીવન-દર્શન એમની કવિતાના પ્રધાન કાકુ. મનુષ્યજીવનની વિષમતાઓની ગૂંચ ઉકેલવાની મથામણ એમની કવિતાઓમાં સતત ડોકાતી રહે છે. નેરુદાની કવિતાની ગેલેક્સીમાં મોટા-નાના ગ્રહ-ઉપગ્રહો, સ્વયંપ્રકાશિત તારાઓ, લિસોટા છોડી જતા ધૂમકેતુઓ, સપ્તરંગી વલયો, રહસ્યગર્ભિત બ્લેકહૉલ્સ, વિસ્મિત કરતી આકાશગંગાઓ ઉપરાંત ઘણું બધું એવું છે જે લૌકિકને અલૌકિકતા બક્ષે છે… ઈ.સ. ૧૯૫૦માં એમને વિશ્વ શાંતિ પુરસ્કાર મળ્યો. ૧૯૭૧માં એમને કવિતા માટે નોબલ પુરસ્કાર મળ્યો. પ્રોસ્ટેટના કેન્સરના કારણે ૨૩-૦૯-૧૯૭૩ના રોજ એમનું નિધન થયું. પણ હજીય એવું માનવામાં આવે છે કે રાજકીય કારણોસર ડોક્ટરને હાથો બનાવીને ઇન્જેક્શન આપી એમની હત્યા કરવામાં આવી હતી.

નેરુદા માનતા કે કવિતા રોજબરોજની નાનામાં નાની અને ગંદામાં ગંદી વસ્તુઓમાં પણ રહેલી છે અને જે લોકો આ કવિતા જોઈ નથી શકતા, એ લોકો પાછાં જ પડવાનાં છે. અશુદ્ધ કવિતાની હિમાયત કરતાં નેરુદાએ લખ્યું છે કે, “પૈડાં જેમણે ખનીજ અને શાકભાજીના બોજા સાથે લાંબું, ધૂળિયું અંતર કાપ્યું છે, કોલસાના થેલાઓ, પીપડાઓ અને ટોપલીઓ, સુથારના ઓજારપેટી માટે હાથા અને દાંડાઓ… એમાંથી વહે છે સંપર્કો મનુષ્યના ધરતી સાથેના, જાણે કે મૂંઝાયેલા ગીતકારો માટેનું લખાણ.. કો’ક એમાં જોઈ શકે છે મનુષ્યની સ્થિતિની મૂંઝાયેલ અશુદ્ધિ… કવિતા, આપણે પહેરેલાં કપડાં, અથવા આપણા શરીર જેટલી જ મલિન… પ્રેમના વહનમાં વસ્તુઓની ઊંડી ઘુસપેઠ, કબૂતરના પંજા, બરફ અને દાંતના નિશાનવાળી, પરસેવાના ટીપાં અને વપરાશ વડે નજાકતથી કરડાયેલી એક વપરાઈ ગયેલી કવિતા… સાચે એ જ કવિની નિસબત છે, જરૂરી અને સંપૂર્ણ. જે લોકો વસ્તુઓના “ખરાબ સ્વાદ”થી ઉફરા રહે છે, એ બરફમાં ચત્તા મોંએ પછડાશે.”

‘ખરાબ સ્વાદ’ની વાત શરીરના સંદર્ભમાં કરીએ તો ‘પગ’ યાદ આવે. ચહેરો, દેહયષ્ટિ વિ.ની કવિતાઓ ચારેતરફ વેરાયેલી મળી આવશે પણ ખાસડાં અને ધૂળ-કાદવ જ જેના નસીબમાં છે એવા પગ વિશે બહુ ઓછા કવિઓએ કવિતા કરી હશે. આપણે ત્યાં પગ ધોઈને ‘ચરણામૃત’નું આચમન લેવાનો રિવાજ છે. ‘ચરણસ્પર્શ’ હજી આપણા સંસ્કારનો બ્રાન્ડ ઍમ્બૅસેડર છે. રામની પાદુકા સિંહાસન પર મૂકીને ભરતે ચૌદ વર્ષ રાજ્ય કર્યું હતું. કેવટે કહ્યું, ‘પગ મને ધોવા દ્યો રઘુરાય.’ ચરણસ્પર્શથી શિલા અહલ્યા થઈ. કૃષ્ણના મનુષ્યાવતારનો અંત પગની પાનીમાં તીર વાગવાથી થયો હતો. વામને ત્રણ પગલાંમાં બલિનું સર્વસ્વ લઈ લીધું હતું. વિષ્ણુના પગમાંથી ગંગા પ્રગટ થઈ હતી. દક્ષની પુત્રી પિતાગૃહે શંકરની અવહેલના જોઈ પગના અંગૂઠામાંથી અગ્નિ પ્રગટાવી અગ્નિસ્નાન કર્યું હતું. શ્રીમદ્-ભાગવતમાં એક શ્લોક છે:

प्रणयकामदं पद्मजार्चितं धरणिमण्डनं ध्येयमापदि ।
चरणपंकजं शन्तमं च ते रमण न: स्तनेष्वर्पयाधिहन् ॥
(માટે મનોવ્યથાનો નાશ કરનાર હે રમણ! આપનું ચરણકમળ, જે પ્રણામ કરનારાઓને કામનાઓ અર્પણ કરનારું છે; બ્રહ્મદેવે પૂજેલું છે, પૃથ્વીને શોભાવનારું છે, આપત્તિકાળમાં ધ્યાન ધરવા યોગ્ય છે અને અત્યંત સુખકારક છે તેને આપ અમારાં સ્તનો ઉપર મૂકો (અને કામજ્વરને શાંત કરો).

આ છતાંય ચરણકમળ કદી કવિતામાં કમળ બની ખીલી શક્યાં નહીં. પણ નેરુદા પગની કવિતા લઈ આવ્યા છે. કેમકે નેરુદાની કવિતા જિંદગીમાંથી જન્મી છે. નેરુદાની કવિતાનું પોતીકું વહેણ છે જે પરંપરાની ધારાને સાવ અડોઅડ છતાં તદ્દન ઉફરું વહે છે.

પાકીઝા ફિલ્મમાં ટ્રેનમાં ઓઢીને સૂતેલી મીનાકુમારીના એકમાત્ર ઉઘાડા અંગ-પગમાં રાજકુમાર ચિઠ્ઠી મૂકીને ચાલ્યો જાય છે, એમ લખીને કે, “आपके पांव देखे, बहुत हसीन हैं। इन्हें जमीन पर मत उतारियेगा, मैले हो जाएँगे।“ આપણે ત્યાં પણ વિખ્યાત લોકગીત છે, ‘“હાલાજી તારા હાથ વખાણું કે પટ્ટી તારા પગલાં વખાણું?”’ નેરુદા પણ પ્રિયતમાના પગના વખાણ કરે છે. કવિતાની પહેલી પંક્તિ જ પ્રશ્ન ઊભો કરે છે: ‘જ્યારે હું તારા ચહેરાને નથી જોઈ શક્તો, તારા પગ જોઉં છું.’ ચહેરો કેમ નથી જોઈ શકાતો ભલા? સંકોચ નડે છે? કે ચહેરાનું ઓજસ અસહ્ય છે? હશે. કવિનું ધ્યાન આજે ચહેરા પર છે જ નહીં. કવિની ગતિ એક અંતિમથી બીજા અંતિમ તરફની છે. વચમાં કમરની લચક, સ્તનોનો ઉભાર, આંખ, સ્મિત – ઘણું બધું છે પણ કવિ તો પગના પ્રેમમાં છે. પગ માટેનો સવિશેષ પ્રેમ કે જાતીય આવેગ પોડોફિલિઆ (Podophilia) કે ફૂટ ફેટિશિઝમ (Foot Fetishism) તરીકે ઓળખાય છે જેમાં પગ, પગના આંગળાં, પગમાં પહેરેલ આભૂષણો, પગરખાં વિ. જાતીય સંતોષ મેળવવા માટેના સાધન બની રહે છે. કહે છે કે થોમસ હાર્ડી (લેખક), ફ્યોદોર દોસ્તોએવસ્કી (લેખક),એલ્વિસ પ્રિસ્લી (ગાયક), બ્રિટની સ્પીઅર્સ (એક્ટ્રેસ), બ્રુક બર્ક (મોડેલ), એન્રિક ઇગ્લેસિઆસ (ગાયક), એન્ડી વૉરહૉલ (પોપસ્ટાર) જેવી જગવિખ્યાત હસ્તીઓ ફૂટ ફેટિશ હતી.

કવિ પગ પર ધ્યાન આપે છે કેમકે આ પગ ભલે નાના અને સખત કેમ ન હોય, એના મરોડદાર હાડકાંઓ જ પ્રિયાને આધાર આપે છે અને મીઠું લાગે એવું વજન પણ ઉપાડે છે. ‘ઘણું ભારણ છે જીવનમાં છતાં એક બોજ એવો છે, ઉપાડો તો સહજ લાગે, ઉતારો તો વજન લાગે.’(ગની દહીંવાળા) પ્રિયતમાનું વજન ઉપાડી લેતાં પગ એકરીતે તો પ્રિયતમાને જ ઈંગિત કરતાં લાગે છે. પ્રિયતમા પણ મરોડદાર નાની કાયાવાળી અને કદાચ સખ્તજાન (પણ) છે.

કવિતાની શરૂઆતમાં ચહેરો જોવાની અશક્તિ નોંધાવ્યા બાદ કવિ પ્રિયતમા તરફ ફેરનજર કરે તો છે જ. નાજુક કમર અને કમરની નજાકત ઊભારી આપતાં ભરાવદાર સ્તન, ઉન્નત ડીંટડીઓનો લલચાવતો જાંબુડી રંગ, ક્યાંક દૂર ચાલી ગયેલી આંખોના સ્થાને ખાલી ખાડા, પહોળું મોં અને રાતા કેશ. આખી કવિતામાં પ્રિયતમાના સૌંદર્યના જ રંગો ભર્યા બાદ પોતાની પરિસ્થિતિ કવિ એક જ પણ અસરકારક લીટીમાં વર્ણવે છે – મારો નાનકડો મિનાર. પ્રિયાના અપ્રતીમ સૌંદર્યથી થતી ઉત્તેજના કવિ છૂપાવતા નથી. છૂપાવવાનું હોય પણ નહીં… પ્રેયસી નિર્વસ્ત્ર ઊભી હોય અને પ્રેમી કામોત્તેજના ન અનુભવે એ ઘડી સેક્સોલોજીસ્ટ પાસે જવાની ઘડી છે.

પણ ‘આજની ઘડી રળિયામણી’ છે. આ પ્રેમની ઘડી છે. પ્રેમના મૂલ્યાંકનની ઘડી છે. એક કવિતામાં નેરુદા કહે છે, ‘હું ફરીથી પ્રેમમાં પડ્યો, અને પ્રેમે મારી જિંદગીમાં એક નવું મોજું ઊછાળ્યું અને મને પ્રેમથી, ફક્ત પ્રેમથી તર કરી દીધો, કોઈના પણ માટે ખરાબ વિચારી ન શકું એ રીતે.’ આ પ્રેમની તાકાત છે. એ તમને સંપૂર્ણ બનાવે છે. તમે જેને ચાહો છો એને પણ સંપૂર્ણ બનાવી દે છે. સુન્દરમ્ નું એક મુક્તક યાદ આવે:

હું ચાહું છું સુંદર ચીજ સૃષ્ટિની
ને સૃષ્ટિમાં જે કંઈ હો અસુન્દર,
મૂકું કરી સુંદર ચાહી ચાહી !

કવિ પ્રિયાને સાંગોપાંગ ચાહે છે. એક કવિતામાં નેરુદા કહે છે, ‘મને રોટલી, હવા, પ્રકાશ, વસંત, બધાની ના કહી દે, પણ તારા સ્મિતની નહીં, કેમકે હું મરી જઈશ.’ પણ આજે એ લલચામણા સ્તન, સ્તાનાગ્રો, કમર, આંખ, સ્મિત – આ બધાને અવગણીને પગનું મૂલ્યાંકન કરે છે કેમ કે એ પગ ત્રણેય લોકમાં ચાલ-ચાલ કરે છે, જ્યાં સુધી કવિને શોધી નથી લેતા ત્યાં સુધી. મનોજ ખંડેરિયા યાદ આવે:

મને સદભાગ્ય કે શબ્દો મળ્યા તારે નગર જાવા,
ચરણ લઈ દોડવા બેસું તો વરસોના વરસ લાગે.

પગથી પ્રેમી સુધીની યાત્રા કદાચ વરસોના વરસ લાંબી પણ હોય. પવન અને પાણી પર ચાલવાની વાત કવિ કરે છે. અશક્ય અને આધારહીનતામાં ચાલવાની આ વાત છે. પણ સાચી પ્રતીક્ષા, સાચો પ્રેમ અશક્યને શક્ય અને નિરાધારને આધાર બનાવે છે. નેરુદા એક જગ્યાએ કહે છે, ‘આપણે સમયના જળ પર થઈને સાથે જઈશું કેમકે પડછાયાઓમાં થઈને મારી સાથે બીજું કોઈ મુસાફરી નહીં કરે.’ આ પગ તને મારા સુધી લઈ આવે છે અને લઈ આવે ત્યાં સુધી એ જંપતા કે થાકતા કે અટકતા પણ નથી, માટે જ હું તારા પગને ચાહું છું… તારા પગ મારા પ્રેમને સંપૂર્ણતા બક્ષે છે.

ભવિષ્યવેત્તા – ચન્દ્રવદન મહેતા

કાલે રજા છે, ગઈ છું ય થાકી, વાંચીશ વ્હેલા સહુ પાઠ બાકી
તારી હથેલી અહીં લાવ, સાચું હું ભાઈ, આજે તુજ ભાગ્ય વાંચું.

કેવી પડી છે તુજ હસ્તરેખા ! જાણે શું લાખે નવ હોય લેખાં !
પૈસા પૂછે છે ? ધનની ન ખામી જાણે અહોહો ! તું કુબેરસ્વામી !

છે ચક્રચિહ્નો તુજ અંગુલિમાં, જાણે પુરાયા ફૂટતી કળીમાં
છે મત્સ્ય ઊંચો, જવચિહ્ન ખાસ્સાં, ને રાજવી લક્ષણ ભાઈનાં શાં !

વિદ્યા ઘણી છે મુજ વીરલાને, ને કીર્તિ એવી કુળ હીરલાને !
આયુષ્યરેખા અતિ શુદ્ધ ભાળ, ચિંતા કંઈ રોગ નથી તું ટાળ,

ને હોય ના વાહન ખોટ ડે’લે, બંધાય ઘોડા વળી ત્યાં તબેલે.
ડોલે સદાયે તુજ દ્વાર હાથી, લે બોલ જોઉં, વધુ કંઈ આથી ?

જો ભાઈ, તારે વળી એક બ્હેન, ચોરે પચાવે તુજ પાટી પેન,
તારું લખે એ ઉજમાળું ભાવિ, જાણે વિધાત્રી થઈ હોય આવી !

મારેય તારે કદી ના વિરોધ રેખા વહે છે તુજ હેત ધોધ
એ હેતના ધોધ મહીં હું ન્હાઉં, ચાંદા ઝબોળી હરખે હું ખાઉં.

ડોસો થશે, જીવન દીર્ઘ તારું, ખોટી ઠરું તો મુજ નક્કી હારું !
આથી જરાયે કહું ના વધારે, કહેતાં રખે તું મુજને વિસારે !

‘જો જે કહ્યું તે સહુ સાચું થાય, ઈલા ! પછી તો નહીં હર્ષ માય
પેંડાં, પતાસાં ભરી પેટ ખાજે, ને આજ જેવી કવિતા તું ગાજે.’

– ચન્દ્રવદન મહેતા

ગ્લૉબલ કવિતા: केनू संग खेलू होली – મીરાંબાઈ

केनू संग खेलू होली
पिया त्यज गये है अकेली..!

माणिक मोती सब हम छोडे
गले में पहनी सेली
भोजन भवन भलो नही लागे
पिया कारन भयी रे अकेली
मुझे दुरी क्युँ मेली ?

अब तुम प्रीत अवर सु जोडी
हम से करी क्युं पहेली ?
बहु दिन बीते, अजहुन आये,
लग रही ताला वेली
केनु दिल मा ये हेली ?

श्याम बिना जीयडो मुरझावे,
जैसे जल बिन बेली,
मीरा को प्रभू दरसन दिजो
मै तो जनम जनम की चेली
दरस बिना खडी दुहेली…

– मीरांबाई

કોની સંગ રમવી રે હોળી?
ગયા પિયા મને એકલી છોડી.

બાંધી ગળામાં તારી કંઠી,
છોડ્યા સઘળાં માણેક-મોતી,
મહેલ, ભોજન સહુ લાગે અકારાં,
થઈ એકલી હું પિયાને કાજ, ભોળી.
મને દૂર કેમ તરછોડી?

મુજ સંગ પ્રીત કરી ક્યમ પહેલાં?
હવે બીજાની સાથે ક્યમ જોડી?
કેટલા દિવસ થયા, હજીય ન આવ્યા,
થઈ રહી તાલાવેલી,
કેમ દિલમાં આવી હેલી?

શ્યામ વિના આ જીવ મુરઝાતો,
જળ વિણ વેલ શું મહોરી?
મીરાંને પ્રભુ દર્શન આપો,
દાસી જનમ જનમની, હો રી !
દરસ વિના દુઃખિયારી તોરી.

-મીરાંબાઈ
(અનુ. વિવેક મનહર ટેલર)

હોલી કે દિન દિલ ખિલ જાતે હૈં…

પ્રેમલક્ષણા ભક્તિનું સર્વોત્કૃષ્ટ શિખર છે મીરાં. મીરાંની ભક્તિનું પાનું કાઢી લો તો કૃષ્ણની કિતાબ અધૂરી લાગે. ‘મેરે તો ગિરિધર ગોપાલ, દૂસરો ન કોઈ’, ‘હે રી મૈં તો પ્રેમદિવાની’, ‘મુખડાની માયા લાગી રે’, ‘ગોવિંદો પ્રાણ અમારો રે’, ‘શામળો ઘરેણું મારે સાચું રે’, ‘લાગી કટારી પ્રેમની’ – મીરાંબાઈની કેફિયતના પાનાં ફેરવતાં જઈએ તેમ તેમ કૃષ્ણ વધારે પોતીકા લાગતા જાય એવી સાચી પ્રેમલગન લઈને જન્મેલી મીરાં બહુ દૂરના ભૂતકાળમાં ન થઈ હોવા છતાંય એના જીવનકાળ અંગે અનિશ્ચિતતા પ્રવર્તે છે. મેડતાના ઠાકોર વીર દૂદાજી રાઠોડના પુત્ર રત્નસિંહને ત્યાં ઈ.સ. ૧૫૦૨–૦૩માં એમનો જન્મ. મુખમુદ્રા તેજસ્વી હોવાના કારણે એમનું નામકરણ મિહિરાંબાઈ (મિહિર=સૂર્ય) થયું, ને એમાંથી મીરાંબાઈ. ચિત્તોડના રાણા સાંગાના પુત્ર ભોજરાજ સાથે બાળલગ્ન અને થોડા જ સમયમાં વૈધવ્ય. ભોજરાજના નાના ભાઈ વિક્રમાદિત્યથી થાકીને મીરાંએ મેવાડ છોડ્યું. બાળપણમાં જ એક સાધુ પાસે મળેલી કૃષ્ણની મૂર્તિ સાથે મીરાંએ સ્વયંવર રચી લીધો હતો. કૃષ્ણભક્તિ અને સાધુસંગના પરિગ્રહણના કારણે રાજરાણી મીરાંને મબલખ દુઃખો મળ્યાં જે એણે પ્રહલાદની નિસ્પૃહતા અને ધ્રુવની અવિચળતાથી સહી લીધાં. શંકરની પેઠે વિષનો પ્યાલો ગટગટાવીને, બાળવિધવા મીરાંએ કૃષ્ણને જ પતિ સ્વીકારીને આત્મલક્ષી રીતિમાં ઉત્તમ એવાં ભક્તિશૃંગારનું અમૃત આપ્યું.મીરાં એટલે મધ્યકાલીન ભક્તિયુગનાં ઉત્તમ કવયિત્રી.

રજનીશ કહે છે, ‘મીરાં તીર્થંકર છે. મીરાં સ્વયં ભક્તિ છે. એનું શાસ્ત્ર પ્રેમનું શાસ્ત્ર છે. એના શબ્દ તમને ડૂબતા બચાવી શકશે.’ સુરેશ દલાલ મીરાંને ‘એક સ્ત્રીનું આધ્યાત્મિક આંદોલન’ કહે છે. કહે છે, ‘મીરાંને ઇતિહાસ એટલે ભૂતકાળના નક્શા પર રાણી થઈને નહોતું રહેવું. એટલે પરમેશ્વરની પટરાણી થઈ, કાળથી પર અને પાર શ્રીકૃષ્ણ સાથે સનાતન નાતો બાંધીને એ અખંડ વરને વરી.’ નિરંજન ભગત કહે છે, ‘મીરાં કોઈની ન હતી અને સૌની હતી. મીરાંનો પરમેશ્વર પંથમાં નથી, ને ગ્રંથમાં નથી. મીરાં એટલે હૃદય, માનવહૃદય.’ મીરાંની કવિતાઓ સીધી દિલમાંથી ઉતરી આવી છે, પરિણામે સીધી દિલમાં ઉતરી જાય છે. મીરાંના શબ્દોમાં પ્રેમસગાઈ છે, આછકલાઈ નથી. વિપ્રયોગ શૃંગાર તો ઠીક, સંભોગશૃંગાર પણ મીરાંના ચરણે આવીને નિર્દોષ બની જાય છે.

કૃષ્ણના રંગે નખશિખ રંગાયેલી મીરાંના અનેકવિધ પદોમાં હોળીનાં પદ પણ નોંધપાત્ર છે. આપણે ત્યાં આમેય હોળી-ધૂળેટીનો મહિમા જ અલગ છે. હિરણ્યકશ્યપુ, નૃસિંહ, પ્રહલાદ અને હોલિકાદહન વિશે આપણે સૌ જાણીએ જ છીએ. એમ પણ કહે છે કે ફાગણી પૂનમના આ દિવસે જ બાળકૃષ્ણે પૂતનાનો પણ વધ કર્યો હતો. આમ, અસુરી તત્ત્વો પર, આપણી ઇન્દ્રિયો પર વિજયનું પર્વ એટલે હોળી. હોળી વાસનાદહનનો તો ધૂળેટી રંગોનો તહેવાર છે. આ રંગ એ આપણા અરમાનોના, સપનાંઓના, સંબંધોમાં આપણે ઉમેરવા ઇચ્છેલા રંગ છે. આ રંગ આપણા ચહેરાઓને જ નહીં, મનભેદ-મતભેદને પણ ઢાંકી દે છે. એટલે જ दुश्मन भी गले मिल जाते हैं। આ રંગ આપણા લોહીમાં સદીઓથી દોડી રહ્યા છે. ‘होली के बहाने तू छेड ना मुझे बेशरम’ ગાનારા પણ ઇચ્છે તો એમ જ છે કે છેડતીના બહાને, રંગવાના ઓથા હેઠળ દિલથી દિલના તાર અડી જાય.

ઘણાક આવ્યા, ઘણા ગયા પણ ગયું છે કોરુંકટ્ટ કોણ અહીંથી ?
ઢાઈ આખરની પિચકારીથી ચતુરસુજાણ રંગાયા છે. (વિવેક ટેલર)

મીરાં પણ સાંગોપાંગ અઢી અક્ષરથી રંગાયેલી છે. પ્રેમની ફાકામસ્તી મીરાં સમજે છે. કહે છે, ‘जाने क्या पिलाया तूने, बडा मज़ा आया। झूम उठी रे मैं मस्तानी दीवानी।’ બીજા એક પદમાં પણ મીરાં આવી જ વાત કરે છે: ‘મોહન ભાંગ પીલાઈ, કદમ નીચે મોહન ભાંગ પીલાઈ’ જીવનની ક્ષણભંગુરતાથી મીરાં પરિચિત છે. કહે છે, ‘फ़ागुन के दिन चार रे, होली खेल मना रे…’ પણ આજે પરિસ્થિતિ સાનુકૂળ નથી. પ્રિયતમ છોડીને ચાલ્યો ગયો છે અને હોળી તો આ માથે આવી ઊભી! હવે રમવું કોની સાથે? જિંદગીના રંગોના મેળામાં એકલતાથી વધુ ફિક્કો અવર કયો રંગ હોઈ શકે? એક પદમાં મીરાં કહે છે:

હોલી પિય બિન લાગૈ ખારી, સુનો રી સખી મેરી પ્યારી!
ગિણતા ગિણતા ઘિસ ગઈ રેખા, આઁગરિયાઁ કી સારી!
અજહૂઁ નહિં આયે મુરારી!

ગણતાં ગણતાં આંગળીના વેઢા ઘસાઈ ગયા પણ મોરારી હજુ આવ્યા નહીં. પ્રતીક્ષાની આવી પરાકાષ્ઠા તો જેણે ‘ઝેર તો પીધાં છે જાણી જાણી’-એની પાસે જ મળી શકે. મીરાંએ એરકન્ડિશન્ડ ઑફિસમાં બેસીને કવિતા નહોતી કરી. એણે રાજમહેલ છોડ્યો હતો, એટલે કૃષ્ણનાં પદ એને આવી મળ્યાં. માણેક-મોતી, મહેલનાં ભાવતાં ભોજન આ બધું ત્યજીને મીરાંએ શ્રીકૃષ્ણની કંઠી બાંધી છે. પ્રેમભક્તિની રાહમાં એકલી થઈ ગયેલી મીરાં તારસ્વરે ફરિયાદ કરે છે, મને કેમ તરછોડી?

કેસૂડાના અંગાંગમાં ફાગણનો ફાગ આગ લગાડતો હોય એવી કેસરિયાળી મોસમના સરનામે મળી આવતું કોકિલના પંચમ સૂરનું સ્વરનામું એટલે વસંત. વસંત કામદેવની ઋતુ છે. હોળી વસંતનો ઉત્સવ છે. મીરાં કહે છે:

અબીલ ગુલાલકી ધુમ મચાઈ, ડારત પિચકારી રંગ,
લાલ ભયો વૃંદાવન જમુના, કેસર ચુવત અનંગ.

આખેઆખું વૃંદાવન અને યમુનાના જળ લાલઘૂમ બની જાય, કામ ટપકતો હોય એવી અબીલગુલાલની ધૂમ એટલે હોળી.

હની હો ચૂવા ચંદન ઘોળિયાં, કેસર ચંદન છીરકત ગોરી હો,
હની વનરા તે વનની કુંજગલનમાં, રાધા મોહન ખેલે હોળી હો.
(અગરના વૃક્ષનો અર્ક ઘોળ્યો છે, ને સુંદરી ચંદન છાંટે છે, આમ વનરાવનની કુંજગલીમાં રાધા-મોહન હોળી રમે છે)

વળી બીજા પદમાં પણ એ આવો જ ભાવ વ્યક્ત કરે છે:

ચાલો, સખી! વનરાવન જઇયે, મોહન ખેલે હોળી,
સરખી સમાણી તેવતેવડી મળી છે ભમર-ભોળી.
ચૂવા ચંદન ઓર અરગજા ગુલાલ લિયે ભર ઝોળી,
બાઈ મીરાં કે પ્રભુ ગિરિધર નાગર, મળી ભાવતી ટોળી.

(ચાલો સખી, વનમાં જઈએ. શ્રીકૃષ્ણ હોળી રમે છે. બધી (સખીઓ) સરખી જ ભલી-ભોળી મળી છે. ઝોળી ભરીને અગર, ચંદન અને પીળો સુગંધી ગુલાલ લઈને ગમતી ટોળી આવી મળી છે)

પ્રેમમાં ફરિયાદ જાયજ છે. મીરાં તો નિતાંત પ્રેયસી છે. એણે મહેલની વાહવા છોડીને ચાહવા સિવાય કશું કામ જ નથી કર્યું. એ ફરિયાદ કરે છે કે બીજાની સાથે જ પ્રીતડી બાંધવી હતી તો પહેલાં મારી સાથે પ્રીત કરી જ કેમ? કૃષ્ણ તો આજન્મ Casanova છે. એણે આખા સંસારને પ્રેયસી બનાવીને પ્રેમ કર્યો છે. પણ મીરાં મનુષ્ય છે. મનુષ્યના પ્રેમમાં માલિકીભાવ તો આવી જ જાય અને આરત તો સમગ્રની જ હોય. મીરાંની તરસ પણ આકંઠ છે. એ કૃષ્ણને અન્યોને ચાહતો જોઈ શકતી નથી. વિરહ અને પ્રતીક્ષાની તાલાવેલી ચરમસીમાએ પહોંચી છે. દિલની તપ્ત જમીન પર દર્શનની નહીં, લગાવ અને અભાવની હેલી વરસી રહી છે.

મીરાં જન્મોજન્મની દાસી છે. વાયકા છે કે પૂર્વજન્મમાં મીરાં રાધાની સહેલી ગોપિકા હતી અને એક ગોપ સાથે લગ્ન થયા હોવા છતાં કૃષ્ણને પ્રેમ કરતી હતી. કૃષ્ણનું આ શરીરથી અપમાન થયું હોવાથી બીજા જન્મમાં ભક્તિસાધનાના પરિપાકરૂપે મિલનનું વચન એને મળ્યું હતું. નાનપણમાં પાડોસમાં આવેલી જાન જોઈને મીરાંએ માતાને પૂછ્યું હતું કે એનો વરરાજા કોણ છે ત્યારે માતાએ કૃષ્ણની મૂર્તિ બતાવી હતી અને ત્યારથી મીરાં કૃષ્ણદીવાની થઈ હોવાનું પણ મનાય છે. ઈ.સ. ૧૫૪૭માં મીરાં કૃષ્ણની મૂર્તિમાં સમાઈ ગઈ અને એની ચુંદડી મૂર્તિ પર લપટાયેલી મળી હોવાની દંતકથા પણ પ્રવર્તમાન છે. વાયકાઓને સમર્થન કેમ ન આપતી હોય એમ મીરાંના પદોમાં અવારનવાર ‘જનમજનમની દાસી’, ‘પૂર્વજન્મ કે બોલ’, ‘દ્વાપર યુગની ગોપાંગના’, ‘ગોપી જે ચૂક થતાં અહીં આવી’ જેવા સંદર્ભો સતત જોવા
મળે છે.

જેમ જળ વિના વેલ મહોરી ન શકે એમ મીરાંનું અસ્તિત્વ શ્યામ વિના કેમ સંભવે? એટલે જ દર્શન વિના દુઃખિયારી મીરાં પ્રભુને ફરી ફરીને દર્શન આપવા કહે છે… દર્શનના રંગે, ભક્તિના રંગે રંગાવું એ જ તો છે સાચી હોળી…

મીરાંનું સંગીતજ્ઞાન પણ અદભુત હતું. મધ્યકાળમાં પ્રચલિત રાગ-રાગિણીથી એ સુપેરે અવગત હતી એ એની રચનાઓમાં વપરાયેલા લગભગ ચાર ડઝન જેટલા રાગોના વૈવિધ્ય પરથી સમજી શકાય છે. સાક્ષાત્ મીરાં રૂદિયામાં ઊતરી આવી હોય એવી આરતથી લતા મંગેશકરે આ ગીત -‘केनू संग खेलू होली’- ગાયું છે. ઇન્ટરનેટ પર સર્ચ કરીને એ સાંભળવું ચૂકી ન જવાય એ ખાસ જોજો.

ગ્લૉબલ કવિતા : ખાતરી : એડવિન મૂર

The confirmation

Yes, yours, my love, is the right human face,
I in my mind had waited for this long.
Seeing the false and searching the true,
Then I found you as a traveler finds a place
Of welcome suddenly amid the wrong
Valleys and rocks and twisting roads.
But you, what shall I call you?
A fountain in a waste.
A well of water in a country dry.
Or anything that’s honest and good, an eye
That makes the whole world bright.
Your open heart simple with giving, give the primal deed.
The first good world, the blossom, the blowing seed.
The hearth, the steadfast land, the wandering sea,
Not beautiful or rare in every part
But like yourself, as they were meant to be.

– Edwin Muir

ખાતરી

હા, તારો જ, મારી પ્રિયે ! છે સાચો માનવ ચહેરો,
મેં મારા મનથી આટલો લાંબો સમય જેની રાહ જોયા કરી.
ખોટું જોતો રહ્યો અને હતો સત્યની તલાશમાં,
ત્યારે જ તું જડી એમ જેમ કોઈ પથિકને જડી જાય એક સ્થળ
સ્વાગત ભર્યું, ખોટાં ખીણ-પર્વતો અને વાંકળિયાળ રસ્તાઓમાં.
પણ તું, હું શું કહું તને ?
વેરાનમાંનો ફુવારો ?
સૂકા પ્રદેશમાં પાણીનો કૂવો?
અથવા કંઈ પણ જે પ્રામાણિક અને સારું છે, એક આંખ
જે વિશ્વ સમસ્તને તેજસ્વી કરે છે.
આપવાના ઔદાર્યથી સરળ તારું મોકળું હૃદય, બક્ષે છે આદિ કર્મ.
સૌપ્રથમ સારી દુનિયા, વસંત, પ્રફુલ્લિત બીજ,
સગડી, અવિચળ ભૂમિ, ભટકતો દરિયો,
બધી રીતે સુંદર કે વિરલ નહીં
પણ તારી જેમ જ, જેમ એ હોવા જોઈએ એમ જ.

– એડવિન મૂર
(અનુ. વિવેક મનહર ટેલર)

जग घूमेया, थारे जैसा ना कोई, जैसी तू है वैसी रहना

“અત્યારે મારી ઉંમર બસો વર્ષ છે. ઔદ્યોગિક ક્રાન્તિ થઈ એ પહેલાં ૧૭૩૭માં હું જન્મ્યો હતો. ચૌદ વર્ષની ઉંમરે ૧૭૫૧માં અમે ઓર્ક્નીથી ગ્લાસગૉ જવા નીકળ્યા. હું પહોંચ્યો ત્યારે મેં જોયું કે એ ૧૭૫૧ નહીં, ૧૯૦૧ની સાલ હતી. આ બે દિવસની મુસાફરીમાં જિંદગીના દોઢસો વર્ષ બળી ગયાં પણ હું હજી ૧૭૫૧માં જ હતો અને બહુ લાંબો સમય ત્યાં જ રહ્યો.”

– સમજી શકાય છે કે ગામડાંથી શહેર તરફની ગતિ લખનાર પચાવી શક્યા નહોતા. આ લખનાર, એડવિન મૂર આ સ્થળાંતરને “ઇડનથી નરક” તરફની દુર્ગતિ તરીકે ઓળખાવે છે, જેની અસર મૂરના વ્યક્તિત્વ અને લેખન પર સદાકાળ રહી ગઈ. એડવિન મૂર સ્કૉટલેન્ડના ઓર્ક્ની ટાપુઓ પર ખેતમજૂરને ત્યાં જન્મ્યા. (૧૫-૦૫-૧૮૮૭ થી ૦૩-૦૧-૧૯૫૯) બહુ નાની ઊંમરે બહુ ટૂંકાગાળામાં જ મા-બાપ અને બે ભાઈઓને ઉપરાછાપરી ગુમાવ્યા. અનાથ અને ગરીબાવસ્થામાં હાડકાંની ફેક્ટરીમાં કરવી પડેલી નોકરી જેવી નોકરીઓ અને હતાશાઓએ પણ સર્જકના વ્યક્તિત્વને ઘડવામાં મોટો ફાળો ભજવ્યો. હૃદયના ઊંડાણમાં પ્રવર્તતી ગાઢ જીવંત લાગણીઓને કોઈપણ જાતની શૈલીના આડંબર વિના સરળ ભાષામાં રજૂ કરતી મૂરની કવિતાઓ માનવમનને સહજ સ્પર્શી જાય છે. પ્રવર્તમાન યુગની કાવ્યધારા એમને ભીંજવી શકી નહોતી. કવિતા ઉપરાંત એમણે વિવેચનલેખો, નવલકથાઓ, વીસમી સદીની શ્રેષ્ઠ કહી શકાય એવી આત્મકથા અને અનુવાદો પણ આપ્યા. પત્ની વિલા મૂરના સહયોગથી કરેલા, વિશ્વવિખ્યાત થયેલ અંગ્રેજી અનુવાદો વડે તેઓ ફ્રાન્ઝ કાફ્કા જેવા મહાન જર્મન સર્જકોને સૌપ્રથમવાર વિશ્વ સમક્ષ લઈ આવ્યા.

“જે શોધવામાં જિંદગી આખી પસાર થાય, ને એ જ હોય પગની તળે એમ પણ બને” (મનોજ ખંડેરિયા) જેવી વાત લઈને આવતી એડવિન મૂરની આ કવિતામાં પોતાના પ્યારનો ચહેરો જ સાચો ચહેરો છે એની ખાતરી કવિને કેવી રીતે થાય છે અને આપણને પણ કરાવવામાં આવે છે તે જોઈએ. સુલતાન ફિલ્મના એક ગીતથી શરૂઆત કરીએ. “जग घूमेया, थारे जैसा ना कोई” થી શરૂ થઈ “जैसी तू है वैसी रहना” સુધી આ કવિતા પહોંચતી હોવાનું અનુભવાય છે.

રુમી કહી ગયા કે તમે મારામાં જે સૌંદર્ય જુઓ છો એ તમારું જ પ્રતિબિંબ છે. (The beauty you see in me is a reflection of you.) કાલિદાસે એવું કહ્યું કે प्रियेषु सौभाग्यफला हि चारुता। (પ્રિયજનને સુભગ લાગે એ જ સૌંદર્ય) અને એ જ કાલિદાસ એવું પણ કહી ગયા કે सर्वः कान्तमात्मीयं पश्यति। (સર્વ પોતાને પ્રિય હોય એવી વ્યક્તિને સુંદર રૂપે જ જુએ છે.) આમ સૌંદર્ય જોનારની દૃષ્ટિમાં જ છે. (Beauty lies in the eyes of beholder.) આ સૌંદર્ય આખરે છે શું? હેગલ કહી ગયા કે વિચારનો ઇન્દ્રિયજન્ય આવિષ્કાર એટલે જ સૌંદર્ય. (Sensuous appearing of the Idea) ધનંજયે કહ્યું, रुपं दृश्यतोच्यते। (જેમાં દૃશ્યતા હોય એ રૂપ) સુંદરતાનો ભાવ જ સૌંદર્ય છે. (सुन्दरस्य भावः सौन्दर्यम्।) સુશ્રુતસંહિતામાં દલ્હણ રૂપને જ લાવણ્ય અને સૌંદર્ય તરીકે ઓળખાવે છે. (रुपमिहं लावण्यं विवक्षितं यत्पर्यायः सौन्दर्यम्।) તો આનંદવર્ધન ધ્વન્યાલોકમાં કહે છે કે લાવણ્ય તો અંગનાઓના અવયવોથી છલકાતું કોઈ તત્ત્વ છે. (यत्तत्तदेवावयवातिरिक्तं विभाति लावण्यमिवाँगनासु।) આમ, સૌંદર્ય મૂળભૂતરીતે કસ્તૂરીમૃગની નાભિમાં રહેલી કસ્તૂરીની જેમ મનુષ્યની ભીતર જ રહેલું છે, ઇન્દ્રિયો તો માત્ર એની અનુભૂતિનું ઉપરછલ્લું સાધન જ બની રહે છે. કૃષ્ણને તો કુબ્જા પણ નિતાંત સૌંદર્યવતી લાગી હતી કેમકે એ કૃષ્ણપ્રેમથી આકંઠ છલકાતી હતી. મનવાંછિત સૌંદર્યની પીંછી ફેરવીને પ્રેમ આખી સૃષ્ટિને ગુલાબી રંગી દે છે. દુનિયા હોય એના કરતાં વધુ સુંદર દેખાવા માંડે એનું કારણ આંખ પર ચડેલા પ્રેમના ચશ્માં જ હોઈ શકે.

પેરેડાઇઝ લૉસ્ટમાં જ્હોન મિલ્ટને કહ્યું કે તારી સાથે વાત કરતી વખતે હું સમય અને ઋતુઓ ભૂલી જાઉં છું. ઋતુઓના પરિવર્તનો એકસમાનરીતે પ્રસન્ન કરે છે. સવારથી રાત સુધી બધું જ ગમે છે પણ તારા વિના કશામાં મીઠાશ નથી. પ્રિયતમાનો મહિમા એલેક્ઝાન્ડર પૉપ ‘ધ રેપ ઑફ ધ લોક’માં આ રીતે કરે છે:

If to her share some female errors fall,
Look on her face, and you’ll forget ‘em all.
(તેણીના ભાગે કોઈ સ્ત્રૈણ ભૂલ થઈ જાય તો તેણીના ચહેરા તરફ જુઓ અને તમે બધું જ ભૂલી જશો)

કવિ પણ એ જ કહે છે કે મારી વહાલી! હા, તારો જ ચહેરો સાચો માનવ ચહેરો છે. હું વ્યર્થ જ અહીં-તહીં, આજ-કાલમાં ભટકતો રહ્યો. આપણે પણ જિંદગીભર મૃગજળની ખેતી જ કરતાં રહીએ છીએ. આવામાં જ ‘नए मौसम की सहर या सर्द में दोपहर, कोई मुझको यूँ मिला है जैसे बंजारे को घर’ની જેમ સાચી વ્યક્તિ-સાચો પ્રેમ જડી આવે તો કેવી દિવ્યાનુભૂતિ થાય! પહેલાં તો પ્રાપ્તિનો આનંદ, તરસ પછીની તૃપ્તિનો આનંદ, અને પછી પરાકાષ્ઠા! આખું વિશ્વ તેજોમય ભાસે છે. પ્રિયાનું વિશાળ હૃદય આપવામાં જ માનતું હોય એમ પરિતૃપ્તિ આપે છે. જે આપે છે એ સરળ જ હોવાનું. જ્યાં સુધી ભીતરની સંકુલતા દૂર નથી થઈ શક્તી ત્યાં સુધી હાથ દેવા નહીં, બસ લેવા જ લંબાય છે. જીવતરના શબ્દકોષમાં ‘આપવું’નો પર્યાય ‘વિશાળતા’ છે. કવિ કહે છે કે આપવાના ઔદાર્યથી સરળ તારું વિશાળ હૃદય, બક્ષે છે આદિ કાર્ય.

આદિ કાર્ય એટલે શું? ખ્રિસ્તી ધર્મમાં આદમ અને ઈવની વાત આવે છે. આદમ અને ઈવની વચ્ચે જે સંબંધ બંધાયો, જેનાથી પૃથ્વી પર મનુષ્યજાતિની શરૂઆત થઈ એ આદિકર્મ? સિગ્મંડ ફ્રોઇડ આદિકર્મના સિદ્ધાંતને અલગ રીતે જુએ છે. એમના મત પ્રમાણે એક જ આદિકબીલો હતો જેમાં આદિપિતા તમામ સ્ત્રીઓને એકલહથ્થા ભોગવતા અને પુત્રોને ભગાડી દેતા અથવા ખતમ કરી દેતા. એકવાર પુત્રોએ ભેગા થઈને આદિપિતાની હત્યા કરી નાંખી અને ખાઈ ગયા જેથી સ્ત્રીઓ ભોગવવા મળે. આદિકબીલાની વિભાવના અંત પામી. પણ પુત્રોને અપરાધભાવ જન્મ્યો અને મૃતપિતાને પરમેશ્વર તરીકે સ્થાપ્યા અને પરિવારમાંને પરિવારમાં સ્થપાતા યૌનસંબંધો વર્જ્ય ગણાયા. સમાજવ્યવસ્થાની શરૂઆત થઈ. પણ મરઘી પહેલી કે ઈંડું પહેલુંના પ્રશ્નની જેમ જ આદિકર્મ પણ બહુધા અનુત્તરિત છે. આદિકર્મ એ અંત નથી, આરંભ નથી, પણ પૂર્વારંભ વડે આરંભનો પૂર્વસિદ્ધાંત છે. આદિકર્મ ઉત્પત્તિ વડે કરાયું નહોતું, બલકે એ પોતે જ ઉત્પત્તિ હતું.

ઉત્પત્તિ પછીની સૌપ્રથમ ‘સારી’ દુનિયા, વસંત, બીજ અને એમ સકળ સૃષ્ટિને કવિ હવે નૂતન નજરે જુએ છે. જિંદગીભરની રઝળપાટ કર્યા પછી અમૃતકુંભ સમી પ્રેયસી હાથ લાગી છે જેનો મૂળભૂત ગુણધર્મ આપવાનો છે, લેવાનો નહીં એટલે હવે કવિને ખાતરી થાય છે કે વિશ્વમાં જે-જે બધું છે એ બધું કંઈ સર્વાંગ સુંદર કે સંપૂર્ણ કે અનન્ય નહીં જ હોઈ શકે પણ એ બધાને એ બધું જેમ છે એમ યથાર્થ જ સ્વીકારી લેવાય એમાં જ જીવનનું સાર્થક્ય છે. સમગ્રતયા સુંદર કે વિરલની પાછળ રઝળપાટ કરવાને બદલે જે છે એ જેમ હોવું જોઈએ એમ જ હોય એમાં જ એનું સાચું સૌંદર્ય છે. કાલિદાસે કહ્યું, रम्याणी वीक्ष्य। (સર્વમાં સુંદરતા જ જોવી.) સુન્દરમ્ પણ યાદ આવ્યા વિના નહીં રહે:

હું ચાહું છું સુન્દર ચીજ સૃષ્ટિની,
ને જે અસુન્દર રહી તેહ સર્વને
મૂકું કરી સુન્દર ચાહી ચાહી.

નરસિંહ મહેતાથી હરીશ મિનાશ્રુ – અમર ભટ્ટ પ્રસ્તુતિ

ગુજરાત સમન્વય ૨૦૧૫માં સ્વરકાર ગાયક શ્રી અમર ભટ્ટની પસ્તુતિમાંથી એક ઝલક – ચાર અલગ અલગ રચનાઓની ખૂબ જ સુમધુર અને મંત્રમુગ્ધ કરી છે એવી રજૂઆત

મા મને ક્ક્કો શીખવાડ – મુકેશ જોષી

14481881_509838218947_8468064889628680358_o
મા મને ક્ક્કો શીખવાડ
મારા તો ભાઈબંધ વાંચી બતાવે છે પાનખરે ઉગેલા ઝાડ

મા પેલા ઝાડની ટોચ ઊપર બેઠેલા પંખીને કેમ કરી વાચવુ
પીંછા ને ટહુકા બે હેઠા પડે તો બેમાંથી કોને હુ સાચવુ
મા તુ ટહુકો કરે છે કે લાડ….મા મને ક્ક્કો શીખવાડ

મા પેલા તડકાનો રંગ કેમ પીળો ને છાંયડાનો રંગ કેમ લીલો
ગાંધીજીને કેમ ગોળી મારી ને ઇસુને કેમ જ્ડ્યો ખીલો
મા મારે ફૂલ થવાનુ કે વાડ…મા મને ક્ક્કો શીખવાડ

મા અહી દુનિયાના તીણા સવાલ મને કેટ્લીય વાર જાય વાગી
મા તારા ખોળામાં માથુ મૂકી પછી આપુ જવાબ જાય ભાંગી
મા તારા સ્પર્શે તો ત્રુણ થાય પહાડ… મા મને ક્ક્કો શીખવાડ

સૂરજને ચાંદાને તારા ભરેલા આ આભને કોણ સતત જાળવે
આવડુ મોટુ આકાશ કદી ઇશ્વરને લખતા કે વાંચતા આવડે
મા તુ અમને બંનેને શીખવાડ….મા મને ક્ક્કો શીખવાડ

– મુકેશ જોષી

રાધા સંગ ખેલે હોરી – મેધલતા મહેતા

San Francisco Bay Area singers bring to you a beautiful and festive Holi/Hori group song, “Radha Sang Khele Hori”.

Lyrics: Smt. Meghlata Mehta
Music Composer: Madhvi Mehta
Music Arranger and Programmer: Asim Mehta
Drum Pads: Kunal Majmudar
Violin: Shiva Ramamurthi
Singers: Madhvi Mehta, Asim Mehta, Darshana Bhuta Shukla, Minoo Puri, Aanal Anjaria, Achal Anjaria, Hetal Brahmbhatt, Lahar Dalal, Bela Desai, Krishna Mehta, Ratna Munshi, Ameesh Oza, Anjana Parikh, Gaurang Parikh, Nikita Parikh, Sonal Parikh, Neha Pathak, Sanjiv Pathak, Pranita Suraiya, Palak Vyas, Ashish Vyas, and Parimal Zaveri.
Videography and video editing: Achal Anjaria
We are thankful to Narendrabhai Shukla, Sukumar Majmudar, and Alap Desai for their valuable guidance and support.

This is a KAMP Music production.

રાધા સંગ ખેલે હોરી ,કાના રાધા અંગ ખેલે હોરી
હંસત હંસત દેખો ,કરે રે ઠીઠોરી કાના -રાધા ……

ગોરી ગોરી રાધિકાને શામ રંગી શામજી ,
કૈસી હૈ બનાઇ જોરી -હોરી રી કૈસી હૈ બનાઇ જોરી -રાધા ….

રંગ અંગ ઐસો લાગ્યો ,મનમેં ઉમંગ જાગ્યો ,
છોરાછોરી માન ભાયો રે ,હોજી છોરાછોરી માંન્ભાયોરી હોરી -રાધા …..

રંગ ઐસો કૈસો ડાર્યો, નેણ મહીં નેહ છાયો ,
જીયરો ભીંગાયો ભાવેરી ,હોજી જીયરો ભીંગાયો ભાવેરી હોરી -રાધા …..

રુઠ ગઈ રાધા રાની ,માધવ બડો અનારી ,
ચોરી ચોરી રંગ ડાર્યો રી હોજી ચોરી ચોરી રંગ ડાર્યો રી હોરી -રાધા ……

મોહન મનાવે ગોરી ,દઈ ધોને માફી થારી,
તું તો મારી રાધારાની રે , તું તો મારી રાધા રાની રે ,હોરી -રાધા …..

– મેધલતા મહેતા

ગ્લૉબલ કવિતા: સ્કૉટલેન્ડના રાષ્ટ્રીય કવિનું લાલચટ્ટાક પ્રેમગીત

O my Luve’s like a red, red rose
That’s newly sprung in June;
O my Luve’s like the melodie
That’s sweetly play’d in tune.

As fair art thou, my bonnie lass,
So deep in luve am I:
And I will luve thee still, my dear,
Till a’ the seas gang dry:

Till a’ the seas gang dry, my dear,
And the rocks melt wi’ the sun:
I will luve thee still, my dear,
While the sands o’ life shall run.

And fare thee well, my only Luve
And fare thee well, a while!
And I will come again, my Luve,
Tho’ it were ten thousand mile.

– Robert Burns

પ્રિય ! મારો પ્રેમ છે લાલ, લાલ ગુલાબ સમો,
જે જુનમાં ખીલે છે નવોનવો;
પ્રિય ! મારો પ્રેમ જાણે છે સંગીતની ધૂન,
જે મીઠાશથી વાગે છે સૂરમાં.

જેટલી સુંદર છે તું, મારી નમણી રમણી,
એટલો ગળાડૂબ છું હું પ્રેમમાં;
અને હું ચાહતો રહીશ તને, મારી વહાલી,
સૂકાઈ જાય જ્યાં સુધી સહુ સમંદરો.

સૂકાઈ જાય જ્યાં સુધી સહુ સમંદરો, પ્રિયે !
અને સહુ ખડકો પીગળી જાય સૂર્યથી;
અને હું છતાં પણ તને ચાહતો રહીશ, પ્રિયે,
જ્યાં સુધી જીવનની રેતી જાય સરકી…

અને હું રજા લઉં છું, મારી એકમાત્ર પ્રિયા !
અને હું રજા લઉં છું, થોડી વાર માટે;
અને હું ફરીને આવીશ, મારી પ્રિયા,
ભલે હજારો માઇલ કેમ ન હોય.

– રોબર્ટ બર્ન્સ
(અનુ. વિવેક મનહર ટેલર)

સ્કૉટલેન્ડના રાષ્ટ્રીય કવિનું લાલચટ્ટાક પ્રેમગીત.

“0 What’s in a name? That which we call a rose,
By any other name would smell as sweet. ૧”

નામમાં શું બળ્યું છે? ગુલાબને બીજું નામ દેવાથી કંઈ સુગંધ બદલાઈ જવાની નથી. પણ આપણે જાણીએ જ છીએ કે નામમાં શું છે! અને એમાં પણ પ્યારની વાત આવે ત્યારે ગુલાબનો, ખાસ કરીને લાલ ગુલાબનો અલગ જ રુત્બો છે. કવિ કહે છે કે એનો પ્રેમ લાલ ગુલાબ જેવો છે. લાલ શબ્દની પુનરુક્તિ પ્રેમની ભાવનાને દ્વિગુણે છે. પ્રેમનો લાલ રંગ સાથેનો ધ્વન્યાર્થ તમામ કાળ-સ્થળે પ્રબળતમ છે. માત્ર લાલ નહીં પણ લાલથીય વધુ લાલ હોય એવા ગુલાબ જેવો કવિનો પ્રેમ એ પ્રેમથીય વધુ બળવત્તર છે અને એ પણ જુન મહિનામાં ખીલેલા સાવ નવાનવા ગુલાબ જેવો તરોતાજા.

આપણે ત્યાં જુનમાં ચોમાસુ શરૂ થાય, સ્કૉટલેન્ડમાં જુનમાં ઉનાળો શરૂ થાય. ઇંગ્લેન્ડ-સ્કૉટલેન્ડમાં ઉનાળાનો મહિમા જ અલગ. “Shall I compare thee to a summer’s day? Thou are more lovely and more temperate૨” (તને હું ઉનાળાના દિવસ સાથે સરખાવું? તું તો વધુ પ્યારી અને ખુશનુમા છે.) સ્કૉટલેન્ડનો જુન એટલે લાંબી રાતો-સૂર્યહીન દિવસોને ગુડબાય અને લાંબા હૂંફાળા પ્રકાશિત દિવસોની મોસમ. મોસમ ખુશનુમા હોય એટલે માનવીનો મિજાજ પણ ઊઘડે. આવી ઊઘડતી મોસમમાં ખીલેલા નવા નવા લાલ લાલ ગુલાબ જેવો પ્રેમચટ્ટાક પ્રેમી જ એની પ્રેયસીને કહી શકે કે સૂરમાં વાગતી હોય એવી ગળચટ્ટી કર્ણપ્રિય સંગીતની ધૂન જેવો મારો પ્રેમ છે.

રૉબર્ટ બર્ન્સનું આ ગીત અઢારમી સદીમાં લખાયું હોવા છતાં જુન મહિનામાં ખીલેલા લાલચટ્ટાક ગુલાબ જેવું તરોતાજા છે. સીધી દિલને સ્પર્શી જાય એવી વાત. અંગ્રેજી ભાષામાં આ ગીત ખૂબ વખણાયું અને ગવાયું છે. સ્કોટિશ અને અંગ્રેજી –બંને ભાષામાં લખાયેલી બર્ન્સની કવિતા લાગણી અને અનુભવોના પ્રચંડ કાર્યક્ષેત્ર વડે અને હાસ્ય અને કરુણાને સમાન તુલામાં બેસાડ્યા હોવાથી સમસ્ત મનુષ્યજાતિને એક પરિવાર બનાવવામાં સફળ રહી છે.

ખૂબ નાની વયે દુનિયા છોડી જનાર પણ અલ્પાયુમાં પણ મોટું કામ કરીને અમર થઈ ગયા હોય એવા સાહિત્યકારોની યાદી બહુ લાંબી છે. માત્ર સાડત્રીસ વર્ષ (૧૭૫૯-૧૭૯૬)નું આયુષ્ય ભોગવનાર રૉબર્ટ બર્ન્સ આ યાદીમાં માનભેર શામેલ થઈ શકે એવો કવિ છે. સ્કૉટલેન્ડના એક ગરીબ પણ ખંતીલા ખેડૂતના સાત સંતાનોમાંનો એક બર્ન્સ ‘જ્યાં જાય ઉકો, ત્યાં પડે સૂકો’નું નસીબ લઈ જન્મ્યા હતા. ઔપચારિક શિક્ષણ અને સમૃદ્ધિના અભાવમાં મજૂરી, ખેતી, એક્સાઇઝની નોકરી –આ બધામાં ઝોલાં ખાતા ખાતા જીવ્યો. કવિતાએ નાનપણથી જ હાથ પકડ્યો હતો અને પોતાની કવિતા લોકોને ગમે છે એ સમજાઈ જતાં જ એ સોળે કળાએ ખીલ્યો પણ સફળતા પચાવી ન શક્યો. પ્રવર્તમાન યુગના ચલણ મુજબ એ પણ દારૂ, ઉડાઉપણું અને ઐયાશીથી બચી શક્યો નહોતો. એ જમાનામાં અસાધ્ય હૃદયના વાલ્વની (રુમેટિક) બિમારીએ એનો અકારણ ભોગ લીધો.

ઇંગ્લેન્ડના પરિવર્તન યુગમાં થઈ ગયેલ બર્ન્સ આવનાર રોમેન્ટિસિઝમ યુગના પ્રણેતા ગણાય છે. કવિતાના જૂના સ્વરૂપો, નિયમો અને પાંડિત્યપૂર્ણ ભાષાનો અંચળો ફગાવીને સીધી-સ્ટીક લોકબોલીમાં લખેલ ગીતો સ્વયંસ્ફૂર્તતા અને નૈસર્ગિકતાના કારણે લોકદિલને સ્પર્શી ગયા. પ્રાદેશિક હવા, સ્થળો અને રિવાજોને પકડી લઈને સરળ પણ અદભુત શબ્દો સાથે પરણાવી દેવાની એની અદ્વિતીય જન્મજાત અવડતના કારણે એ સ્કોટલેન્ડનો રાષ્ટ્રીય કવિ ગણાયો.

પ્રેમમાં પ્રેમનું પ્રદર્શન પણ અનિવાર્ય છે (They do not love that do not show their love. ૩) પ્રેમી પોતાના પ્રેમ પર મુસ્તાક છે એ બીજા ફકરામાં સમજી શકાય છે. કોઈ છોકરી બહુ ‘હોટ’ દેખાતી હોય તો શું આપણે એમ કહેવાની ધૃષ્ટતા કરીએ કે તું જેટલી હોટ દેખાય છે એટલો હું તને પ્રેમ કરું છું? પ્રેમની બેફિકરાઈ અને પરાકાષ્ઠાથી પરિચિત કાવ્યનાયક પ્રેયસીને બિન્દાસ કહે છે કે તું જેટલી સુંદર દેખાય છે એટલો જ હું તારા પ્રેમમાં ગળાડૂબ છું. અતિશયોક્તિ એ પ્રેમની પરિભાષા છે. “My bounty is as boundless as the sea, my love as deep; for both are infinite. ૪” (મારું ઔદાર્ય સમુદ્ર જેવું નિઃસીમ અને પ્રેમ એટલો જ ઊંડો છે, કેમકે બંને અનંત છે). વિશ્વના બધા જ સમુદ્રો સૂકાઈ જાય, સૂર્યની ગરમીથી બધા જ પથ્થરો-પર્વતો પીગળી જાય, જીવનની કાચની શીશીમાંથી આયુષ્યની બધી જ રેતી સરકી જાય ત્યાં સુધી હું તને, અને માત્ર તને જ ચાહતો રહીશ. પ્રેમ આંખથી નહીં પણ મનથી જુએ છે (“Love looks not with the eyes, but with the mind૫”; “But love is blind૬”) એટલે અતિશયોક્તિ પણ સત્ય અનુભવાય છે. અને જ્યારે પ્રેમ બોલે છે ત્યારે તમામ દેવતાઓના સ્વરથી સ્વર્ગ પણ એકરાગિતામાં લીન થઈ જાય છે. (“And when love speaks, the voice of all the Gods makes heaven drowsy with the harmony. ૭”) પ્રેમ શાશ્વતીનું મહાકાવ્ય છે. જ્યાં સુધી મનુષ્ય શ્વાસ લેતો રહેશે અને આંખ જોવાનું છોડશે નહીં ત્યાં સુધી પ્રેમ જીવતો રહે છે અને પ્રેમીઓને જીવન પૂરું પાડતો રહે છે. (“So long as men can breathe or eyes can see, so long lives this and this gives life to thee.૮”)

ગીતના અંતભાગમાં જીવનરેત ખતમ થવાના ઈશારા પછી તરત જ જુદાઈની વાત આવે છે. નાયકને કોઈક કારણોસર જુદા થવાનું થયું છે. એ જાણે છે કે જુદાઈ દુઃખ આણે છે અને સુખ તાણી જાય છે (When you depart from me sorrow abides, and happiness takes his leave૯) એટલે છૂટા પડતાં પહેલાં પ્રેયસીને પોતાના પ્રેમની ઊંડાઈ અને સત્યતાની પ્રતીતિ કરાવવા મથે છે અને ખાતરી આપે છે કે પોતે એને અને એકમાત્ર એને જ પ્રેમ કર્યો છે. આ જુદાઈ ભલે હજારો માઈલોની કેમ ન હોય એ બહુ લાંબી નથી. (Journeys end in lovers meeting૧૦)નાયક પાછો ફરશે જ. રાહ જોવાનું છોડીશ નહીં. જોન ડૉનનું ‘એ વેલિડિક્શન ઑફ વિપિંગ’ યાદ આવ્યા વિના નહીં રહે જેમાં વિદાયવેળાએ કાવ્યનાયક નાયિકાને રડતી અટકાવવા માટે કટિબદ્ધ જોવા મળે છે.

પ્રેમનું મૃદુ ઝરણ હંમેશા તાજું રહે છે… (Love’s gentle spring doth always fresh remain. ૧૧)

(લેખમાં ટાંકેલા તમામ અંગ્રેજી અવતરણ શેક્સપિઅરના છે:
1. રોમિઓ એન્ડ જુલિએટ
2. સૉનેટ નં. ૧૮
3. ધ ટુ જેન્ટલમેન ઑફ વેરોના
4. રોમિઓ એન્ડ જુલિએટ
5. અ મિડ સમર નાઇટ્સ ડ્રીમ
6. ધ મર્ચન્ટ ઑફ વેનિસ
7. લવ્સ લેબર્સ લોસ્ટ
8. સૉનેટ નં. ૧૮
9. મચ અડુ અબાઉટ નથિંગ
10. ટ્વેલ્ફ્થ નાઇટ
11. વિનસ એન્ડ એડોનિસ)

ગ્લૉબલ કવિતા: મમ્મી. રસ્તો કર. જવા દે. – ઉષા એસ.

To Mother

Mother, don’t , please don’t,
don’t cut off the sunlight
with your saree spread across the sky
Blanching life’s green leaves.

Don’t say: You’re seventeen already,
don’t flash your saree in the street,
don’t make eyes at passers-by,
don’t be a tomboy riding the winds.

Don’t play that tune again
that your mother,
her mother and her mother
had played on the snake-charmer’s flute
into the ears of nitwits like me.
I’m just spreading my hood.
I’ll sink my fangs into someone
And lose my venom.
Let go, make way.

Circumambulating the holy plant
In the yard, making rangoli designs
To see heaven, turning up dead
Without light and air,
For God’s sake, I can’t do it.

Breaking out of the dam
You’ve built, swelling
In a thunderstorm,
Roaring through the land,
Let me live, very different
From you, Mother.
Let go, make way.

– Usha S (Kannad)
(Eng Translation by A K Ramanujan)

મમ્મીને

મમ્મી, નહીં, પ્લીઝ નહીં,
નહીં અવરોધ આ સૂર્યપ્રકાશને
તારી સાડી આકાશમાં ફેલાવી
જીવનના પાનની હરિયાળી ફિક્કી ન કર.

નહીં કહે: તું ક્યારની સત્તરની થઈ ગઈ,
નહીં લહેરાવ તારી સાડી શેરીમાં,
નહીં કર આંખ-ઉલાળા રાહદારીઓ સાથે,
નહીં કર ટોમબોયની જેમ વહેતી હવાઓ પર સવારી.

નહીં વગાડ ફરીથી એ જ ધૂન
જે તારી મમ્મી,
એની મમ્મી અને એની મમ્મીએ
મદારીના બીન પર
મારા જેવી મૂર્ખીઓના કાનમાં વગાડ્યે રાખી છે.
હું મારી ફેણ ફેલાવી રહી છું.
હું બેસાડી દઈશ મારા દાંત કોઈકમાં
અને ઓકી કાઢીશ વિષ.
જવા દે, રસ્તો કર.

ઓસરીમાં પવિત્ર તુલસી ફરતે
પ્રદક્ષિણા કરવી, સ્વર્ગપ્રાપ્તિ માટે
રંગોળી મૂકવી, હવા-ઉજાસ વિના જ
મરી જવું,
ભગવાનની ખાતર, મારાથી નહીં થાય.

તોડી નાંખીને બંધ
જે તેં બાંધ્યો છે, પૂર-તોફાન થઈને
ધસમસતી,
જમીનને ધમરોળતી,
મને જીવવા દે, સાવ જ વેગળી
તારાથી, મમ્મી.
જવા દે, રસ્તો કર.

– ઉષા એસ. (કન્નડ)
(અંગ્રેજી અનુવાદઃ એ.કે. રામાનુજન)
(અનુ. વિવેક મનહર ટેલર)

મમ્મી. ખસ. જવા દે. રસ્તો કર.

એક સત્તર વરસની છોકરી
એવી ફદૂકે જાણે કરતું ન હોય કો પતંગિયું સપનાંઓની નોકરી.

સોળ કે સત્તર– ઉંમરના સાવ નવા જ વળાંકે આવીને ઊભેલી યુવતી જિંદગીને કેવી રીતે જોવી-જીવવી-જીરવવી, એની મીઠી અવઢવમાં ઘર અને ઓસરીની વચ્ચે ‘ઊંબરે ઊભી સાંભળું રે બોલ વ્હાલમના’ નો અધ્ધરિયો અહેસાસ શ્વસતી હોય છે. શરીરમાં હૉર્મોન્સનો હણહણાટ એવો થતો હોય કે અવર કશું સંભળાય-સમજાય પણ નહીં. ‘ઘટમાં ઘોડા થનગને, આતમ વીંઝે પાંખ, અણદીઠેલી ભોમ પર યૌવન માંડે આંખ’ (ઝવેરચંદ મેઘાણી). જતીન બારોટના એક ગીતનો ઉઠાવ યાદ આવે છે:

કે’તો મેરાઈ મૂવો ઓછું છે કાપડું, ને ટૂંકી પડે છે તને કસ
તારે સત્તરમું ભારે છે બસ.

ચાંદની ફિલ્મમાં શ્રીદેવી પણ આવું જ કંઈક ગાય છે: ‘મેરે દરજી સે આજ મેરી જંગ હો ગઈ, કલ ચોલી સિલાઈ આજ તંગ હો ગઈ.’ પણ આપણે ત્યાં છોકરીની બ્લાઉઝ ટાઇટ થવા માંડે એ પહેલાં તો મમ્મીઓ ટાઇટ થઈ જાય છે. કહેવાતા વિકાસ અને બદલાતી જતી સંસ્કૃતિની આ ઊલટી તાસીર છે કે આપણો સમાજ ઉન્મુક્ત થવાના બદલે સંકુચિત થવા માંડ્યો છે. કુંતી એકાંતમાં પાંચ-પાંચ દેવતાઓનું અધિષ્ઠાન કરી શકતી. પાંચ-પાંચ પતિ હોવા છતાં દ્રૌપદી કૃષ્ણને સખા બનાવી શકતી. સ્ત્રીઓ પોતાનો વર સ્વયં પસંદ કરતી પણ આજની મમ્મીઓ પોતાની છોકરીની ચારેફરતી લક્ષ્મણરેખાઓ ખેંચવામાંથી જ ઊંચી નથી આવતી, કેમ જાણે દુનિયાભરના રાવણ એની સીતાને જ ઊંચકી જવાના ન હોય! ‘સોલહ ખતમ સતરા શુરુ, રાતદિન લૂંટને કા ખતરા શુરુ’ જેવા ફિલ્મી ગીતો આપણા સાંપ્રત સમાજનો સીધો ને સટીક અરીસો છે. (જો કે મમ્મીઓ સાવ ખોટી પણ નથી. ચારેતરફ જે રીતે નિર્ભયાકાંડ બિલાડીના ટોપની જેમ ફૂલીફાટી નીકળ્યા છે એ સાચે જ ભય જન્માવે છે)

ખેર, પ્રસ્તુત રચનામાં ઉંમરના હસીન મોડ પર આવી ઊભેલ આવી જ કોઈ ટીનએજર આપણા સમાજની સ્થાપિત કુ-પ્રણાલિઓ સામે શિંગડા ભેરવે છે. એસ. ઉષાની આ રચના ભલે મમ્મીને સંબોધીને લખવામાં કેમ ન આવી હોય, એ મા-દીકરીઓની સાથે બાપને અને આખા સમાજને સમાન સ્પર્શે છે. કન્નડ સાહિત્યકાર એસ. ઉષા કન્નડ ભાષાના લબ્ધપ્રતિષ્ઠ નવલકથાકાર તથા કવયિત્રી છે. એમની કેટલીક નવલકથાઓ પરથી ફિલ્મ પણ બનાવવામાં આવી છે. કવિતામાં પુરાણના સંદર્ભો વણી લેવામાં તેઓ કુશળ છે. એમની કવિતાઓ છંદમુક્ત હોવા છતાં સુનિશ્ચિત લયગ્રથિત હોવાનું અનુભવી શકાય છે. સ્ત્રી હોવાના કારણે સાહજિક જ એમની રચનાઓમાંથી સ્ત્રીસમાનતાનો સ્વર પ્રગટ થતો અનુભવાય છે પણ આ સ્વર ચીસ નહીં, પુખ્ત અને સમજણભર્યો છે જેને અવગણવું કપરું થઈ પડે છે.

પ્રસ્તુત રચના એમની કન્નડ રચના ‘અમ્માનીજ’નો જાણીતા ભારતીય અંગ્રેજી કવિ શ્રી એ. કે. રામાનુજને કરેલ અંગ્રેજી અનુવાદનું ગુજરાતી ભાષાંતર છે. પરંપરાના નામે ઊભી કરી દેવાયેલી બેડીઓ-બંધનોને તોડીને પોતાનો રસ્તો કરવા માંગતી આજની પેઢીની યુવતીની આ વાત છે. બિલકુલ સીધી અને સટાક. જવા દે, રસ્તો કર. બસ. આખેઆખું સંવેદનાતંત્રને હચમચી જાય એવી રચના…

નકારની નક્કરતા ધ્યાન ખેંચે છે. પહેલી નવ પંક્તિમાં એક-બેવાર નહીં, આઠ-આઠ વાર નકાર ઘૂંટીને કવયિત્રી પોતાનો આક્રોશ રજૂ કરે છે. પોતાને જે કહેવું છે એ માટે ગળુ એવીરીતે ખોંખારે છે કે તમારે સાંભળવું જ પડે. હા, કાવ્યનાયિકા પોતાની મમ્મીને પ્લીઝ પણ કહે છે પણ આગળ જતાં જ સમજી શકાય છે કે આ પ્લીઝ એ સંબંધજન્ય ઔચિત્યથી વિશેષ કંઈ નથી. શરૂની આજીજી કાવ્યાંતે નક્કર વિદ્રોહમાં રૂપાંતરિત થાય છે. સંતાનોના રક્ષણ માટે મા-બાપ છાપરું બનીને ઊભા રહે છે પણ માએ ફેલાવેલો આ પાલવ હકીકતમાં જીવનવૃક્ષના લીલા પાનને અનિવાર્ય સૂર્યપ્રકાશને છાવરી દે છે.

સંતાન નાનું હોય ત્યારે આપણે એને એ મોટું હોવાનો અહેસાસ કરાવીએ છીએ: બેટા, હવે તું મોટી થઈ ગઈ, હવે તારાથી આમ ન થાય. અને સંતાન મોટું થઈ જાય ત્યારે આપણું વલણ વળી વિપરિત હોવાનું: ધ્યાન રાખ, બેટા. હજી તો તું નાની છે. આપણી નજરે આ આપણો સંતાનપ્રેમ છે. પણ સંતાનની નજરે? એ આ રક્ષણને સાફ નકારે છે. મમ્મીઓએ ખેંચી કાઢેલી લક્ષ્મણરેખા સામે એ સાફ બળવો પોકારે છે. મમ્મી ભલે કહે, સત્તર વરસની ઢાંઢી થઈ ગઈ છે, હવે શેરીઓમાં આમ છોકરાઓની જેમ રખડ નહીં, ઠરીને ચાલતાં શીખ. પણ નાયિકાનો મિજાજ અલગ જ છે:

अभी शबाब है, कर लूं खताएं जी भर के,
फ़िर इस मकाम पे उम्रे-रवां मिले न मिले । (આનન્દનારાયણ ‘મુલ્લા’)
(હજી યૌવન છે તો દિલ ભરીને અપરાધો કરી લઉં, પછી આ મુકામ પર વહેતી ઉંમર મળે, ન મળે)

‘દીકરી ને ગાય દોરે ત્યાં જાય’, ‘દીકરી તો સાપનો ભારો’, ‘સાત દીકરીએ બાપ વાંઝિયો’, ‘બેટી, તેની ગર્દન હેઠી’, દીકરી અને ઉકરડાને વધતાં વાર કેવી?’, ‘બેટી તેની ગર્દન હેઠી’- આપણી કહેવતોમાંથી જ આપણી દીકરીઓ તરફની વિચારધારા દેખાઈ આવે છે. પેઢી દર પેઢી સંસ્કારના નામે આપણે દીકરીઓને વધતી અટકાવી છે. આપણે ભૂલી ગયા છીએ કે પુત્ર તો પુત્ નામના નર્કમાંથી મર્યા બાદ ઉગારશે, દીકરી તો પૃથ્વી પર ઉગારે છે. આઇરીશ કહેવત છે, ‘A son is a son till he gets a wife, but a daughter is a daughter all her life.’ પણ આપણા ચાવવા-દેખાડવાના દાંત અલગ છે.

પણ હવે બહુ થયું. હવે પરંપરાના નામ પર મને બારી-બારણાં વિનાના મકાનમાં પૂરવાની કોશિશ કરશો તો હું ડંખ મારીશ તમારી આ સડિયલ સિસ્ટમને. છોકરીઓ માટે પરાપૂર્વથી નિર્ધારી રાખેલા કામો પણ મારાથી નહીં બને. તાજી હવા અને નવા ઉજાસ વિના સડી-સડીને મરવું મારી ફિતરત નથી. તમે બાંધી રાખેલા બંધ ને બંધનો તોડીને હું ત્સુનામીની જેમ તમારા ખોટા મૂલ્યોને ધમરોળતી વહી નીકળીશ. મમ્મી. ખસ. જવા દે. રસ્તો કર.