Category Archives: કાવ્યપ્રકાર

કોઈના મનમાં હવે કાયમી નથી રહેવું – ભાવિન ગોપાણી

સુગંધ માત્રથી શ્વાસો ભરી નથી રહેવું
દુ:ખોને અવગણી સ્હેજે સુખી નથી રહેવું

અનિચ્છનીય બનાવોય છે બગીચામાં
પતંગિયા કે ગુલાબો ગણી નથી રહેવું

મને ન ત્યાગ સમંદર મને પરત લઈજા
ત્યજીને પ્રાણ કિનારે પડી નથી રહેવું

નકામો હક કે અધિકાર ના જતાવે ક્યાંક!
કોઈના મનમાં હવે કાયમી નથી રહેવું

ઉપાય છે જ છે એકલતા દૂર કરવાનો
પરંતુ ભીતરે કોઈ વતી નથી રહેવું

થયું કઠિન છે મંડપ ઉતારવાનું કામ
હવે પ્રસંગમાં છેલ્લે સુધી નથી રહેવું

તમારા ધ્યેયને ઢાંકે છે હાજરી મારી
તમારા માર્ગમાં ધુમ્મસ બની નથી રહેવું

– ભાવિન ગોપાણી

ત્યાગમાં પણ ગુનાહ લાગે છે – મરીઝ

આ મોહબ્બતની રાહ લાગે છે,
ત્યાગમાં પણ ગુનાહ લાગે છે.

પ્રેમપંથે શિખામણો છે ગલત,
એજ સાચી સલાહ લાગે છે.

એમ લાગે છે સૌ જુએછે તને,
સૌમાં મારી નિગાહ લાગે છે.

આંખ તારી ઉપર ઠરી ના શકી,
દિલમાં ભરપૂર ચાહ લાગે છે.

તેથી અપનાવી મેં ફકીરીને,
તું ફકત બાદશાહ લાગે છે.

આશરો સાચો છે બીજો શાયદ,
સૌ અધૂરી પનાહ લાગે છે.

કેમ કાંઠો નઝર પડેછે ‘મરીઝ’?
કાંઈક ઊલટો પ્રવાહ લાગે છે.

– મરીઝ

છેકીને એક નામ, રડી લેવું જોઈએ – ભાવિન ગોપાણી

કિસ્સો થયો તમામ, રડી લેવું જોઈએ
ખંખેરી દોડધામ, રડી લેવું જોઈએ

ક્યારેક એવુ લાગે કે પામી ગયો શિખર,
બહુ યોગ્ય છે મુકામ, રડી લેવું જોઈએ

રાણીની ઝંખના ફરી રાજા તરફ વળી,
તારે હવે ગુલામ, રડી લેવું જોઈએ

વાંચીને એક નામ, દુ:ખી રોજ શું થવું?
છેકીને એક નામ, રડી લેવું જોઈએ.

આનાથી સારો છે જ નહી કોઈ આશરો,
જો હાથમાં છે જામ, રડી લેવું જોઈએ

પાગલને હસતો જોઉં તો કાયમ વિચારું છું
આને કરી પ્રણામ, રડી લેવું જોઈંએ

પ્હેલાં ઈનામના તમે હકદાર હો ભલે,
પ્હેલું મળે ઈનામ! રડી લેવું જોઈએ

કાલે સવારે યુદ્ધ છે આ વાતને ભૂલી,
ઊંઘી જો જાય ગામ, રડી લેવું જોઈએ
– ભાવિન ગોપાણી.

દર્દ સમજાશે નહીં કોશિશ ન કર – રાજેશ વ્યાસ ‘મિસ્કીન’

કોઈ ડોકાશે નહીં કોશિશ ન કર,
દર્દ સમજાશે નહીં કોશિશ ન કર.

આંખમાં-દિલમાં-હથેળી પર લખ્યું,
કંઈ જ વંચાશે નહીં કોશિશ ન કર.

છે કણેકણમાં ભલે ગ્રંથો કહે,
ક્યાંય દેખાશે નહીં કોશિશ ન કર.

દોસ્ત! સઘળું અહીંયા વોટરપ્રૂફ છે,
કોઈ ભીંજાશે નહીં કોશિશ ન કર.

હા ભલે મતભેદ હંમેશા થતાં,
મન અલગ થાશે નહીં કોશિશ ન કર.

છોડ તું બમણી ગતિની ઘેલછા,
બમણું જીવાશે નહીં કોશિશ ન કર.

જાતમાં મિસ્કીન ડૂબી જા હવે,
પાર પ્હોંચાશે નહીં કોશિશ ન કર.

– રાજેશ વ્યાસ ‘મિસ્કીન’

કવિ દિલનો હાલ સમજે છે – મરીઝ

નવાઈ શું જો કવિ દિલનો હાલ સમજે છે,
ફકીર લોક જમાનાની ચાલ સમજે છે.

પરંતુ કહેવાની લઝ્ઝત જવા નથી દેવી,
મને ખબર છે કે એ મારો હાલ સમજે છે.

સિતમ છે એ કે હૃદયની જો વેદના કહીએ,
જમાનો એને કવિનો ખયાલ સમજે છે.

આ ભેદ ખોલશે એક દિન ખુદાપરસ્ત કોઈ,
કે કોણ કોને અહીં પાયમાલ સમજે છે ?

હસીખુશીથી જે વાતો નિભાવું છું તેથી,
આ લોક મારા હૃદયને વિશાલ સમજે છે.

મળે તો એમની આશાને સો સલામ કરું,
કે વર્તમાનને પણ જેઓ કાલ સમજે છે.

અમે એ જોઈને દિલની વ્યથા નથી કહેતા,
કે એને ઐશની દુનિયા સવાલ સમજે છે.

તને બતાવી શકે કોણ ઉડ્ડયનની કલા,
કે તું હવાને શિકારીની જાલ સમજે છે !

મરણ અહીંથી તને લઈ જવાનું પળભરમાં,
તું બેખબર આ જગતને વિશાલ સમજે છે.

ખબર ખુદાને કે જન્નતમાં દુ:ખ હશે કેવાં !
કે ત્યાંના લોક મદિરા હલાલ સમજે છે.

ફક્ત હું એમના માટે ગઝલ લખું છું ‘મરીઝ’,
આ ચાર પાંચ જે મારો કમાલ સમજે છે.

– મરીઝ

એકાદ પીંછું યાદનું – અંકિત ત્રિવેદી

અહીંયાં ફર્યું જે રીતથી ત્યાં પણ ફર્યું હશે,
એકાદ પીંછું યાદનું ત્યાં પણ ખર્યું હશે.

આજે ફરી હું આંસુની પાછળ પડી ગયો,
સપનાને પાછું કોઈકે સામે ધર્યું હશે.

બાજી અધૂરી છોડવાનું એક કારણ કહું?
જાણીબૂઝીને એમણે એવું કર્યું હશે.

મારા વિના હું એકલો ટોળે વળી ગયો,
મારા વિશેનું ગામ ત્યાંથી વિસ્તર્યું હશે.

અટકી ગયેલી વાત ના આગળ વધી શકી,
મૂંગા થયેલા હોઠમાં શું કરગર્યું હશે?

– અંકિત ત્રિવેદી

તારી એમાંથી નવી ઓળખ મળી છે – અશરફ ડબાવાલા

તું હતી ત્યાં તારી વસ્તુઓ પડી છે,
તારી એમાંથી નવી ઓળખ મળી છે.

સઘળી હોડી ૫૨ હતી. શ્રદ્ધા પરંતુ,
થોડી ડૂબી ગઈ અને થોડી તરી છે.

મારા જે જે યત્નો હાર્યા’તા સ્વયંવર,
મારી ઇચ્છાઓ બધી એને વરી છે.

પર થયો છું માગવાને આપવાથી,
જાતરા મેં હાથની પૂરી કરી છે.

શી ખબર પીડા હવે ક્યાં જઈ સમાશે?
પાંપણેથી એક નદી પાછી વળી છે.

– અશરફ ડબાવાલા

સંદેશ આપના મને સંભળાય છે સમીરમાં – જલન માતરી

મહેલો મહી રહું કે હું જઈને વસું કુટિરમાં,
સંદેશ આપના મને સંભળાય છે સમીરમાં.

પ્હોંચી શકાશે મંઝિલે શી રીતે એ જ પ્રશ્ન છે,
શક્તિ રહી નથી હવે પહેલાં સમી શરીરમાં.

ઊંચે જવું જો હોય તો હલકાની લે મદદ જરૂર,
પીંછાં વિના વિહંગના આવે ગતિ ના તીરમાં.

નિજ હાલ પર ન ગર્વ કર ના હસ બીજાના હાલ પર,
નહીંતર થઈને રહેશે શું તારું અહીં લગીરમાં.

હાલતના તો ગરીબ પણ દિલના તો બાદશાહ છીએ,
ગણના અમારી તે છતાં થાતી નથી અમીરમાં.

– જલન માતરી

હું ફરી ચાલ્યો તને ખોવા તરફ – શોભિત દેસાઈ

આવ જા નું છળકપટ જોવા તરફ
ધ્યાન ઘરનું દ્વારના હોવા તરફ

આંખ વરસે જાય હૈયાફાટ, ને-
આંગળી પણ જાય નહિ લો’વા તરફ

ટેરવે ટશિયા ફૂટે છે રક્તના
મગ્ન તોયે પુષ્પને પ્રોવા તરફ

પહેલા તો એકીટશે જોઈ તને,
મન ગયું’તુ એ પછી મો’વા તરફ

ના, ટકોરાનો નથી અણસાર પણ
બંધ દરવાજા જતા રોવા તરફ

ડૂબકી મારી છે ગંગામાં અમે
પાપ નહિ પણ પુણ્ય સૌ ધોવા તરફ

તેં ફરી ઉલ્લેખ શરતોનો કર્યો
હું ફરી ચાલ્યો તને ખોવા તરફ

– શોભિત દેસાઈ

એ અનુરાગ છે વિરાગ નથી – મરીઝ

લીન ઈશ્વરની યાદમાં રહેવું,
એ અનુરાગ છે વિરાગ નથી.

પ્રેમમાં વહેંચણી જરૂરી છે,
દર્દના કોઈ પણ વિભાગ નથી.

મારી દૃષ્ટિએ બિનજરૂરી છે,
જે તજું છું એ મારો ત્યાગ નથી.

હાથથી ખોજ, ચાલ અંધારે,
હાથ તો છે, અગર ચિરાગ નથી.

મસ્ત હું એકલો જ ક્યાં છું ‘મરીઝ’,
મારી તકદીર પણ સજાગ નથી.

– મરીઝ